૧૫ ભગવાન શ્રીકૃષ્ણે તાડવનમાં કરેલો ધેનુકાસુરનો વધ.

Submitted by swaminarayanworld on Tue, 07/02/2012 - 10:43am

અધ્યાય ૧૫

ભગવાન શ્રીકૃષ્ણે તાડવનમાં કરેલો ધેનુકાસુરનો વધ.

શુકદેવજી કહે છે- કુમાર અવસ્થા વ્યતીત કર્યા પછી, પૌગંડ અવસ્થામાં આવેલા બલરામ અને કૃષ્ણ મિત્રોની સાથે ગાયો ચારવા લાગ્યા અને પોતાના ચરણના ન્યાસો વડે  વૃંદાવનને અતિશય પવિત્ર કરતા હતા. ૧  તે સમયે પોતાના યશનું ગાયન કરતા ગોવાળિયાઓથી વીંટાએલા અને વેણુ વગાડતા ભગવાન શ્રીકૃષ્ણ પશુઓને આગળ કરીને વિહાર કરવાની ઇચ્છાથી, પશુઓને હિતકારક અને ફૂલોની સમુદ્ધિવાળા એ વૃંદાવનમાં બળભદ્રની સાથે  પ્રવેશ કર્યો. ૨  સુંદર શબ્દ કરનારા ભ્રમર, મૃગ અને પક્ષીઓથી વ્યાપ્ત અને મહાત્મા પુરુષોના મનની  પેઠે સ્વચ્છ જળથી ભરેલા તળાવમાંથી આવતા તથા કમળની સુગંધવાળા પવને સેવેલું તે વન જોઇને ભગવાને રમવાનું મન કર્યું. ૩ત્યા રાતાં કૂંપળની શોભાની સાથે ફળ અને ફૂલના ઘણા ભારથી જેની શાખાઓના અગ્રભાગ પગને અડતા હતા, એવાં વૃક્ષોને જોઇને આનંદથી જાણે હસતા હોય, એવા ભગવાને મોટાભાઇ બળભદ્રને કહ્યું. ૪ 

ભગવાન કહે છે- અહો ! હે દેવતાઓમાં ઉત્તમ ! આ વૃક્ષ પોતાને વૃક્ષનો જન્મ પમાડનાર પાપનો નાશ કરવાને માટે પોતાની શાખાઓના અગ્રભાગરૂપી હસ્તથી ફૂલ તથા ફળરૂપી પૂજનના પદાર્થો લઇને, દેવતાઓએ પણ પૂજેલા તમારા ચરણારવિંદને પ્રણામ કરે છે. ૫ હે આદિપુરુષ ! સર્વલોકોને પવિત્ર કરનારી આપની ર્કીતિનું ગાયન કરતા આ ભ્રમરાઓ પગલે પગલે આપની સેવા કરે છે, માટે ઘણું  કરીને આ ભ્રમરાઓ આપના સેવકોમાં મુખ્ય મુનિઓ જણાય છે, કેમકે પોતાના ભક્તોના પરમ ગતિરૂપ એવા આપ, વનમાં મનુષ્યનાવેષથી ગુપ્ત રહ્યા છો, તો પણ આપને એ મુનિઓ ભ્રમરના વેષથી ગુપ્ત થઇને વનમાં પણ છોડતા નથી.૬  હે સ્તુતિ કરવા યોગ્ય ! આપનુ સન્માન કરવા આપની પાસે આ મયૂરો નાચ કરે છે, મૃગલીઓ આપને આનંદથી જોઇને ગોપીઓની પેઠે આપને રાજી કરે છે. અને કોયલના ટોળાંઓ સુંદર શબ્દોથી આપની સેવા કરે છે, માટે આ વનવાસીઓ ભાગ્યશાળી છે. કારણ કે પોતાની પાસે જે કાંઇ હોય તે ઘેર આવેલા મહાત્મા પુરુષને અર્પણ કરવું, એ જ સજજનોનો સ્વભાવ છે. ૭  આજે પૃથ્વી, ઘાસ અને લતાઓ આપના ચરણારવિંદનો સ્પર્શ કરવાથી ભાગ્યશાળી થયાં છે. આ ઝાડ અને લતાઓ આપના નખનો સ્પર્શ મળવાથી ભાગ્યશાળી થયાં છે. નદી, પર્વત, પક્ષી અને પશુઓ, આપની દયા યુક્ત દૃષ્ટિ પાતથી ભાગ્યશાળી થયાં છે. અને ગોપીઓ પણ તમારા વક્ષઃસ્થલના આલિંગનથી ભાગ્યશાળી બની છે. જે વક્ષઃસ્થલને લક્ષ્મીજી પણ ઇચ્છે છે. ૮

શુકદેવજી કહે છે- આ પ્રમાણે વૃંદાવનની શોભા જોઇને રાજી થતા અને પર્વત પાસેની નદીઓના કાંઠાઓમાં પશુઓને ચરાવતા ભગવાન ગોવાળોની સાથે રમતા હતા. ૯ માળા ધરનાર બળભદ્ર સહિત ગોવાળો જેમનાં ચરિત્રને ગાતા હતા, એવા ભગવાન કોઇ સમયે ગાયન કરતા મદોન્મત્ત ભ્રમરાઓની સાથે પોતે પણ ગાતા હતા. કોઇ સમયે હંસની પાછળ બોલતા હતા, નૃત્ય કરતા મોરની સામે મિત્રોને હસાવવા સારુ પોતે નૃત્ય કરતા હતા.૧૦-૧૧ કોઇ સમયે ગાયો તથા ગોવાળોના મનને ગમે એવી મેઘના સરખી ગંભીર વાણીથી નામ લઇને દૂર ગયેલી ગાયોને પ્રીતિપૂર્વક બોલાવતા હતા. ૧૨  ચકોર, ક્રૌંચ, ચક્રવાક, ભારદ્વાજ અને મોર બોલતા હોય તેની પછવાડે તેના જેવા જ શબ્દ કરતા હતા. અને પશુઓ વાઘ તથા સિંહથી ભાગતાં હોય ત્યાં પોતે પણ ભય પામેલાની પેઠે ભાગતા હતા. ૧૩  કોઇ સમયે ક્રીડાથી થાકીને ગોવાળોના  ખોળાનું ઓશીકું કરી બળભદ્ર પોઢ્યા હોય, ત્યારે પોતે પગ ચાંપવા આદિથી બાળકોના પરિશ્રમને દૂર કરતા હતા. ૧૪  ક્યારેક પરસ્પરના હાથ પકડી ઊભેલા અને હસતા એ બે ભાઇએા પરસ્પર નાચતા, ગાતા, કૂદતા અને યુદ્ધ કરતા એવા ગોવાળોને વખાણતા હતા. ૧૫કોઇ સમયે શ્રીકૃષ્ણ મલ્લયુદ્ધના પરિશ્રમથી ઘેરાઇ જઇને ઝાડના મૂળની પાસે ગોવાળોના ખોળામાં માથું મૂકીને પાંદડાંની શય્યામાં પોઢતા હતા. ૧૬  કેટલાક નિર્દોષ ગોવાળો શ્રીકૃષ્ણના પગ ચાંપતા હતા અને કેટલાક પાંદડાં આદિથી બનાવેલા વીંઝણાઓ વતે પવન ઢોળતા હતા. ૧૭  હે મોટા રાજા ! તે સમયે સ્નેહથી આર્દ્રબુદ્ધિવાળા ગોવાળો મનને ગમે એવાં અને ભગવાનને ઘટે એવાં ગાયન ધીરે ધીરે કરતા હતા. ૧૮  આ પ્રમાણે પોતાના સંકલ્પથી કરેલાં ચરિત્રો દ્વારા ગોવાળના પુત્રભાવનું અનુકરણ કરતા, પોતાનો સ્વભાવ ગુપ્ત રાખવા છતાં પણ વચમાં જેની ઇશ્વર સંબંધી લીલા જોવામાં આવતી હતી એવા અને લક્ષ્મીજીએ લાડવેલાં ચરણારવિંદવાળા શ્રીકૃષ્ણ ગામડિયા લોકોની સાથે રમતા હતા. ૧૯  એક વખત  શ્રીકૃષ્ણ અને બળભદ્રનો સખા શ્રીદામા, સુબલ, સ્તોક અને કૃષ્ણાદિક બીજાઓ પણ પ્રેમથી કહેવા લાગ્યા કે હે બળભદ્ર ! હે મોટાબાહુબળવાળા ! હે દુષ્ટલોકોને  મારનાર ! હે શ્રીકૃષ્ણ ! અહીંથી થોડેક છેટે તાડની પંક્તિઓવાળું મોટું વન છે. ૨૦ – ૨૧ એ વનમાં ઘણાં ફળ પડેલાં હોય છે અને પડે છે છતાં પણ દુરાત્મા ધેનુકાસુર એ ફળો કોઇને લેવા દેતો નથી. ૨૨  હે બળભદ્ર ! હે કૃષ્ણ ! એ ઘણા બળવાળો દૈત્ય ગધેડાનુંરૂપ ધરીને રહ્યો છે અને તેની સાથે તેના જ જેવા બીજા ઘણા દૈત્યો છે. ૨૩ હે શત્રુઓને મારનાર ! મનુષ્યોને ખાઇ જનારા એ દૈત્યની બીકથી કોઇ મનુષ્યો તે વનમાં જતાં નથી અને પશુઓએ તથા પક્ષીઓએ પણ તે વનને છોડી દીધું છે. ૨૪ એ વનમાં સુગંધી ફળો અમે કોઇ દિવસ ખાધાં નથી. જુઓ આ ચારેકોર પ્રસરતો તે ફળનો સુગંધ ચાલ્યો આવે છે. ૨૫  હે કૃષ્ણ ! એ ફળની સુગંધીમાં અમારાં મન લલચાયાં છે. એ ફળો ખાવાની અમારી તીવ્ર ઇચ્છા છે. માટે એ ફળ અમોને આપો. હે બળભદ્ર ! રુચિ થતી હોય તો ત્યાં આપણે ચાલીએ.૨૬ આ પ્રમાણે મિત્રોનું વચન સાંભળી તેનું પ્રિય કરવાની ઇચ્છાથી, શ્રીકૃષ્ણ અને બળભદ્ર બન્ને હસીને તેઓને સાથે લઇ તાડના વનમાં ગયા. ૨૭ બળભદ્ર અંદર પેસીને હાથીની પેઠે બળથી હાથવતે તાડને હલાવી હલાવી ફળ પાડવા લાગ્યા. ૨૮  પડતાં ફળોનો શબ્દ સાંભળી ઝાડ સહિત ધરતીને ધ્રુજાવી નાંખતો એ દૈત્યગધેડો બળભદ્ર સામે  દોડ્યો. ૨૯ તુરત આવીને બળભદ્રની છાતીમાં પાછલા બે પગની પાટુ મારી, ગધેડાંની જાતિનો શબ્દ કરતો એ બળવાન દૈત્ય ચારેકોર દોડવા લાગ્યો. ૩૦  હે રાજા ! ક્રોધ પામેલો તે ગધેડો પાછો આવી બળદેવજીની સામે પુંઠ વાળીને ક્રોધથી બળભદ્ર ઉપર પાછલા પગ ઉછાળવા માંડ્યો. ૩૧ બળભદ્રે એક હાથથી તેના પાછલા પગ પકડી લઇ ફેરવીને તેને તાડના ઝાડમાં પછાડ્યો. ૩૨  એ દૈત્યનું શરીર અથડાવાથી વિશાળ ઘટાવાળું તાડનું વૃક્ષ કંપવા લાગ્યું. અને બાજુમાં રહેલા બીજા તાડના વૃક્ષને કંપાવતું થકું ભાંગી પડ્યું. બીજાએ ત્રીજા વૃક્ષને અને ત્રીજાએ ચોથા વૃક્ષને કંપાવીને ભાંગી નાખ્યું. ૩૩  બળભદ્રે લીલાથી ફેંકેલા ગધેડાના શરીરથી પડીજતા તાડવૃક્ષોના આઘાતથી સર્વે તાડો જાણે ભારે પવન દ્વારા હલાવેલાં હોય  તેમ હાલી ગયાં. ૩૪ જેની અંદર આ જગત તાંતણાઓમાં વસ્ત્રની પેઠે ઓતપ્રોત છે, એવા જગતના ઇશ્વર બળદેવજીએ આવું બળ દેખાડ્યું એ કાંઇ આશ્ચર્ય ગણવા જેવું નથી. ૩૫ પછી ધેનુકાસુરનાં સંબંધી બીજાં ગધેડાંઓ કે જેઓનો બાંધવ માર્યો ગયો હતો તે સર્વે ક્રોધ કરીને શ્રીકૃષ્ણ અને બળભદ્ર સામે દોડ્યાં. ૩૬  હે રાજા ! જે જે ગધેડાં આવ્યાં તે તે ગધેડાંના પાછલા પગ પકડીને તેમને શ્રીકૃષ્ણ અને બળદેવજી લીલાથી તાડના વૃક્ષોમાં પછાડ્યાં. ૩૭ ફળોના ઢગલાથી, મરણ પામેલા દૈત્યોના શરીરોથી અને તાડની શાખાઓથી વ્યાપ્ત થયેલી પૃથ્વી વાદળાંઓથી છવાએલા આકાશની પેઠે શોભવા લાગી. ૩૮  શ્રીકૃષ્ણ અને બળદેવજીનું એ મોટું કામ જોઇને દેવો આકાશમાં રહીને ફૂલની વૃષ્ટિ કરવા લાગ્યા, વાજાં વગાડવા તથા સ્તુતિ કરવા લાગ્યા. ૩૯  પછી ધેનુકાસુર મરી જતાં એ વનમાં માણસો નિર્ભય થઇને તાડનાં ફળ ખાવા લાગ્યાં અને પશુઓ ઘાસ ચરવા લાગ્યાં. ૪૦ અને પછી કમળપત્ર સરખાં નેત્રવાળા, પવિત્ર શ્રવણ અને ર્કીતિવાળા અને અનુચર ગોવાળો જેની સ્તુતિ કરતા હતા, એવા ભગવાન શ્રીકૃષ્ણ બળદેવજીની સાથે વ્રજમાં પધાર્યા. ૪૧  ગાયોના ચરણની રજથી ઘેરાએલા, કેશમાં બાંધેલાં મોરપીછથી અને વનનાં પુષ્પોથી ભગવાન શોભી રહ્યા હતા, નેત્ર તથા હાસ્ય બહુ જ સુંદર હતાં. વેણું વગાડતા હતા અને અનુચરો પછવાડે ર્કીતિનું ગાયન કરતા આવતા હતા. એવા ભગવાનને જોવા સારુ ઘણી ઉત્કંઠાથી ગોપીઓ ભેળી થઇને સામી આવી.૪૨ ભગવાનના મુખરૂપી મધને નેત્રરૂપી ભ્રમરોથી પાન કરીને વ્રજની સ્ત્રીઓએ દિવસના વિરહનો તાપ દૂર કર્યો. ગોપીઓએ લાજ સહિત હાસ્ય અને વિનયપૂર્વક કટાક્ષ મારવારૂપ જે સત્કાર કર્યો, તેનો સ્વીકાર કરી ભગવાન વ્રજમાં પધાર્યા. ૪૩  પુત્ર ઉપર પ્રીતિવાળી યશોદા અને રોહિણી, પોતાના પુત્રોને તેની ઇચ્છા પ્રમાણે સમયસર સર્વે સુખની ઉત્તમ સગવડો કરી આપતી હતી.૪૪  ઘેર આવીને સ્નાન અને મર્દનાદિકથી બન્ને ભાઇનો થાક ઊતરી ગયો. સુંદર વસ્ત્ર પહેરી લીધાં, દિવ્ય માળાઓ અને ચંદનથી શણગાર્યા, ઘણા લાડથી માતાએ આપેલું સ્વાદિષ્ટ અન્ન જમ્યા અને પછી ઉત્તમ શય્યામાં પોઢી ગયા.૪૫-૪૬ આ પ્રમાણે દરરોજ વૃંદાવનમાં ફરતા ભગવાન એક દિવસ બળભદ્ર વિના એકલાજ બીજા મિત્રોની સાથે યમુનાજીને કાંઠે ગયા. ૪૭  ત્યાં ગ્રીષ્મઋતુના તાપથી પીડાએલી ગાયોએ અને ગોવાળોએ તરસના માર્યા ઝેરથી દૂષિત થયેલું તે યમુનાનું જળ પીધું.૪૮ હે રાજા ! દૈવે જેની બુદ્ધિ હરી લીધી હતી એવી ગાયો અને ગોવાળો તે જળનો સ્પર્શ કરતાંની સાથે મરણ તુલ્ય થઇ પડી ગયા. ૪૯  જેઓના નાથ પોતે જ છે એવા શ્રીકૃષ્ણ આ પડેલા ગોવાળો તથા ગાયોને જોઇ, યોગેશ્વરોના પણ ઇશ્વર શ્રીકૃષ્ણ ભગવાને પોતાની અમૃત વર્ષાવનારી અમીદૃષ્ટિથી સર્વેને જીવતા કર્યા. ૫૦  સારી રીતે જેઓને સ્મૃતિ આવી છે એવા એ ગોપબાલો જળ પાસેથી ઊઠી બહુજ વિસ્મય પામ્યા અને એક બીજાની સામે જોવા લાગ્યા. ૫૧  હે રાજા ! ઝેર પીને મરી જવા છતાં પોતે ઊઠ્યા એ કેવળ ભગવાનની કૃપાદૃષ્ટિથી જ થયું, એમ ગોવાળો માનવા લાગ્યા. ૫૨

ઇતિ શ્રીમદ્ મહાપુરાણ ભાગવતના દશમ સ્કંધનો પંદરમો અધ્યાય સંપૂર્ણ.