આજ ઉજાગરો નેણ દીસે હરિ, પ્રાતઃ સુધી કેની સાથે જાગ્યા (૪)

Submitted by swaminarayanworld on Wed, 24/10/2012 - 10:39pm

 

રાગ : પ્રભાતી

પદ - ૧

આજ ઉજાગરો નેણ દીસે હરિ, પ્રાતઃ સુધી કેની સાથે જાગ્યા;

પાઘના પેચ ચઉ દીશ છૂટી રહ્યા, વદન કાજળ તણા દાગ લાગ્યા. આ. ૧

આળસ અંગમાં થાક લાગ્યો અતિ, અધર તંબોળની રેખ રાતી;

ફુલ ગળે માળ તે અતિ ચોળાઇ ગઈ, માલ મોતી તણાં ચેન છાતી. આ. ૨

કપટ મેલો હવે નાથ સાચું કહો, આજ કેને તમે હાથ આવ્યા;

પાલટી મોજડી પડી રહી પાંભડી, લાલજી ચીર ક્યાં થકી લાવ્યા. આ. ૩

કામરૂ દેશની મળી કોઇ કામની, મંત્રે બાંધ્યા તેની કેડ ડોલો;

બ્રહ્માનંદ કહે હરી વાત પૂછું ખરી, બીઓ માં અમથકી સાચું બોલો. આ. ૪

પદ - ૨

આજ પરભાતના અસુરા આવીયા, લાલ ક્યાં એવડી વાર લાગી;

કુસુમની સેજ મેં સજી તમ કારણે, જોઈ જોઇ વાટડી રેણ જાગી. આ. ૧

અમ ઘરે આવતાં દુઃખ શું દીઠલું, ત્યાં જઈ અધિક શું સુખ માન્યું;

કોલ મુજને દેઈ ગયા ઘેર કોઇને, જાદવા તમારૂં સાચ જાણ્યું. આ. ૨

વિસ ગાળ્યું દૈયે તોય નવ વદાડો, રીશ મેલી કરી ઈશ રહો છો;

સાચ તેને ઘરે રળો છો શ્યામળા, કપટની વાત અમ પાસે કહો છો. આ. ૩

જડી બુટી દેઇ કાંઇક જાદુ કરી, તમારૂં લીધલું ચિત્ત તાણી;

બ્રહ્માનંદ કહે તેનું વદન જોયા વિના, નાથ લેતા નથી અન્ન પાણી. આ. ૪

પદ - ૩

પધારો પધારો નાથ કરૂણા કરી, શ્યામળા એકલાં સુખ ના’વે;

મળી એકાંત ગલ બાંહી નાખ્યા વિના, ઘોરતમ રાત તે કેમ જાવે. પ. ૧

દીનબંધુ તમે સમુદ્ર છો દયાના, લાલ મુજ ઉપરે દયા લાવો;

પ્રીત રીતે કરી સેજમેં પાથરી, આપવા સુખ રંગ રેલ આવો. પ. ૨

વાટડી જોઇને રહી છું વાલમા, ભેટવા તણી મન આશ ભારી;

સુખ તણા ધામ આરામ છો સંતના, શ્યામ પુરી કરો હામ મારી. પ. ૩

હેતની વાત કરી બાંહી ઝાલો હસી, ભુધરા ભાવની દૃષ્ટિ ભાળો;

બ્રહ્માનંદ કેરડા નાથ રંગ રમીને, વાલમા રંગની રેલ વાળો. પ. ૪

પદ - ૪

કુણ તપ કીધલાં વ્રજતણી વનિતા, રંગ ભીનો જેને સંગ રાતા;

ઝળકે તે વદન નિત્ય રંગ મચવે ઝડી, ઘડી મેલી નથી દૂર જાતા. કુ૦ ૧

કોટી કલપાંત લગ નિમ વ્રત કરતાં, જેનો લક્ષ ઉરમાંહી નાવે;

તે વ્રજ વનિતાતણે વાંસે ફરે, કાનુડો કાનુડો કઈ બોલાવે. કુ૦ ૨

કાળના કાળ ભુપાલ ભુપોતણા, બિવાર્યા અલ્પ ભય થકી બીવે;

મહાજજ્ઞતણા અન્નની રૂચી નહીં, પ્રમદા તણી લે છાસ પીવે. કુ૦ ૩

પરાપર પાર તે પાર પરમાત્મા, વેદની ન પહોંચે તહાં વાણી;

બ્રહ્માનંદ કહે વ્રજનારને વાટમાં, દાણ રોકી લીએ થઈ દાણી. કુ૦ ૪

 

Facebook Comments