મંત્ર (૫) ૐ શ્રી ભક્તિધર્માત્મજાય નમઃ

Submitted by Dharmesh Patel on Sat, 30/01/2010 - 10:10pm

ભક્તિધર્મના પુત્ર એવા ઘનશ્યામ મહારાજને શતાનંદ સ્વામી વંદના કરે છે. આખા જગતનો પિતા જેના ઘેર પુત્ર થઈને આવે એ માતાપિતાનાં કેટલા જન્મનાં પુણ્ય હશે ? કેટલા જન્મની કમાણી હશે ? ભગવાનને દીકરો થવાની ઈચ્છા કયારે થાય ? ભગવાનની પૂરેપૂરી કૃપા જેના ઊપર થાય ત્યારે સ્વયં શ્રીહરિ મનુષ્ય રૂપે ધરતીપર અવતાર ધારણ કરે છે.

-: ભક્તિનું ફળ ભગવાન છે :-

પરમાત્મા કૃપા કરે ત્યારે વધારે ધન આપતા નથી પણ એની કૃપાનું ફળ છે તે મનને શુદ્ધ કરે છે. સાધારણ માનવી એવું સમજે છે કે, મને ઘણું ધન મળ્યું છે એ ભગવાનની કૃપા છે, એ તો કર્મનું ફળ છે. પ્રભુની પ્રસન્નતા જુદી જ છે. કૃપા થાય તો મન પવિત્ર બને, એને આ સંસાર સ્વપ્ના જેવો લાગે. કયાંય મન ન ચોટે. ભગવાનની જ એક લગની લાગી રહે એ કૃપાનું ફળ છે.

પૈસા કમાવા એ પાપ નથી. ભગવાનને ભૂલી જવા એ પાપ છે, કૂડકપટ અન્યાય અને અધર્મ આદિ શત્રુને વશ થવું એ પાપ છે માટે વિવેક પૂર્વક વ્યવહાર કરવો. ભગવાનની કૃપા જેના ઊપર વરસે છે તેનું મન પવિત્ર બને છે. જો મન પવિત્ર હશે તો ભક્તિમાં આનંદ આવશે. ભક્તિ ભગવાન માટે કરો.

ભક્તિનું ફળ ભોગ નથી. સંસારનું સુખ નથી. સંપત્તિ નથી. સંતતિ નથી. ભક્તિનું ફળ તો ભગવાન છે. સાધારણ માનવી એવું સમજે છે કે, ભક્તિ કરીએ તો ભગવાન બહુ પૈસા આપે. ભક્તિનું ફળ પૈસો નથી. ભક્તિ ભગવાન માટે કરો. ભગવાન સાધન નથી સાધ્ય છે.

માતા બાલાવંતીજીની ભક્તિ એટલી વધી, એટલી વધી કે, ભગવાન એને ઘેર દીકરો બનીને આવ્યા. ભક્તિ માતા અને ધર્મદાદાએ એવું શું સત્કર્મ કર્યું કે, સ્વયં ભગવાન બાળકરૂપે પુત્ર થઈને આવ્યા.

ધર્મદાદા અને ભક્તિ મૈયાએ સરયુ નદીના કિનારે દેવના બારહજાર વર્ષ લગી આકરી કઠિન તપશ્ચર્યા કરી. એક પગે ઊભાં રહી, કેવળ પાંદડાનો આહાર કરી, સતત હરિનામ સ્મરણ કર્યું. દેહાધ્યાસ છૂટી ગયો. તીવ્ર ભાવના ભગવાનમાં ભળી ગઈ. ત્યારે જગતના નાથને દીકરો બનાવીને ખોળામાં બેસાડીને રમાડવા, જમાડવાનો અને પારણિયામાં ઝુલાવવાનો મોકો મળ્યો.

-: રાગ રામકલી પદ - ૧ :-

માતા પ્રેમવતી ઝુલાવે કુંવર પારણે, ઝુલે રૂપાળો રંગભીનો રાજીવનેણ. માતા૦ ૧

મુખડું નિરખી નિરખી જાયે હરિને વારણે; બોલે ખમાં ખમાં કહી માતા મધુરાં વેણ. માતા૦ ૨

ઘડિયું વિશ્વકર્માએ પારણિયું બહુ શોભતું; જડિયા પારણીયે મણી હીરા રત્ન અપાર. માતા૦ ૩

ઓપે ઓસરીયે નરનારીનાં મન લોભતું; ઝળકે સુરજના રથ સરખું બિંબાકાર. માતા૦ ૪

પોઢ્યા પારણિયે હરિકૃષ્ણ ધર્મસુત શ્રીહરિ; પ્રગટ્યા પુરુષોત્તમજી અધમ ઊધારણહાર. માતા૦ ૫

માતા હિલો ગાવે ઝુલરાવે પ્રીતે અતિ; વહેલા મોટા થાઓ હૈડા કેરા હાર. માતા૦ ૬

માતા માખણ સાકર જમાડે જગદીશને; જમો જીવન મારા પ્રાણ તમે ઘનશ્યામ. માતા૦ ૭

નિરખી હરખે માતા અખિલભુવનપતિ ઈશને; પ્રેમાનંદના સ્વામી પ્યારા પુરણકામ. માતા૦ ૮

ભક્તિમૈયાએ પોતાનું નામ અમર રાખ્યું. ધન્ય છે મૈયા ભક્તિદેવીને અને ધન્ય છે પિતા ધર્મદેવને કે આપણને ઘનશ્યામ આપ્યા. જેથી એમના ગુણ ગાઈ ગાઈને આપણે ધન્ય બનીએ છીએ.

બહુ લાંબા ફેરામાં નહિ ફરતાં ધર્મ સહિત ભક્તિ કરો અને બીજાને કરાવડાવો. જયાં ધર્મ છે ત્યાં ભક્તિ છે. અને જયાં ભક્તિ છે ત્યાં ભગવાન છે. તેથી અખંડ ભજન કીર્તન કર્યા કરવું, શતાનંદ સ્વામી મૈયા ભક્તિ અને પિતા ધર્મદેવને વંદન કરી છઠ્ઠા મંત્રનો ઊચ્ચાર કરે છે.