મંગલાચરણ

Submitted by Dharmesh Patel on Sat, 30/01/2010 - 6:57pm

નમો નમઃ શ્રીહરયે બુધ્ધિદાય દયાવતે, ભકિતધર્માંગજાતાય ભકતકલ્પદ્રુમાય ચ ।।૧।।

સુગંધપુષ્પહારાદ્યૈર્ વિવધૈરૂપહારકૈઃસંપૂજીતાય ભકતૌધૈઃ સિતાંબરધરાય ચ ।।૨।।

नमो नमः श्रीहरये बुध्धिदाय दयावते, भकितधर्मांगजाताय भकतकल्पद्रुमाय च ।।१।।

सुगंधपुष्पहाराद्यैर् विवधैरूपहारकैःसंपूजीताय भकतौधैः सितांबरधराय च ।।२।।

શતાનંદ સ્વામી કહે છે કે, હે પ્રભુ !  સદબુદ્ધિને દેનારા છો. ખૂબ દયાળુ છો. ભકિત ધર્મના પુત્ર કલ્પવૃક્ષની જેમ સદા ભકતજનોના મનોરથ પૂર્ણ કરનારા છો. સુગંધી પુષ્પના હારને ધારણ કરનારા, સદાય શ્વેતવસ્ત્ર જેમને પ્રિય છે એવા, ભકિતધર્મના પુત્ર ઘનશ્યામ મહારાજને હું નમસ્કાર કરું છું.

કલ્પવૃક્ષની છાયામાં જે બેઠા હોય એ જે ચિંતવે તે તેને મળે છે. તેમ આ જનમંગળનાં જે ૧૦૮ પ્રભુનાં પવિત્ર નામ છે તે કલ્પવૃક્ષ છે. જે કાંઈ શુભ સંકલ્પ હોય તે સફળ થાય છે પણ એ ફળ કયારે પ્રાપ્ત થાય ? જો શુધ્ધ ભાવના રાખી, આંતરિક પવિત્રતાથી પ્રભુ સ્મરણ કરવામાં આવે તો મનોકામના અવશ્ય સફળ થાય.

દેહની શુદ્ધિ સ્નાનથી થાય છે. અને મનની શુદ્ધિ જ્ઞાનથી થાય છે તેમ હૃદયની શુધ્ધિ હરિધ્યાનથી થાય છે પરંતુ શ્રીહરિના આ ૧૦૮ મંત્ર જપવાથી ત્રણેની શુદ્ધિ થાય છે. દેહ પવિત્ર થાય છે, મન પવિત્ર થાય છે અને હૃદય પણ પવિત્ર થાય છે. પ્રભુના

નામ સ્મરણનો મોટો મહિમા છે. તુલસી દાસજી કહે છે.

લેનેકો હરિનામ હૈ, દેનેકો અન્ન દાન તરન કો આધીનતા, ડૂબનકો અભિમાન ।।

પ્રભુને મેળવવાનું કામ બહુ મોટું છે.

- લેવા જેવું તો શ્રીહરિનું નામ છે. -

શ્રીહરિનું નામ અમૃત કરતાં પણ શ્રેષ્ઠ છે. શ્રીહરિનું નામ સ્મરણ એ ભવરોગની દવા છે.

એતત્સંસેવમાનાનાં પુરુષાર્થચતુષ્ટયે । દુર્લભં નાસ્તિ કિમપિ હરિકૃષ્ણપ્રસાદતઃ ।।

एतत्संसेवमानानां पुरुषार्थचतुष्टये । दुर्लभं नास्ति किमपि हरिकृष्णप्रसादतः ।।

શતાનંદ સ્વામી કહે છે :- આ સ્તોત્રનો પાઠ કરવાથી ચાર પુરુષાર્થની પ્રાપ્તિ થાય છે. જેમને આ ચાર પુરુષાર્થ :- ધર્મ, અર્થ, કામ અને મોક્ષ પ્રાપ્તિ થાય એમના જીવનમાં ધર્મ પ્રમાણે વર્તવાનું બળ મળે છે. અર્થોપાર્જન સરળતાથી થાય છે. માલ-મિલ્કતમાં વદ્ધિ થાય છે. શુભ ભાવનાઓ પૂર્ણ થાય છે. અંતે આવા ભાવિકો ઊત્તમ ગતિને વરે છે અને અક્ષરધામનું સુખ મેળવે છે.

ભૂત, પ્રેત, પિશાચ અને ગ્રહ વગેરે ઊપદ્રવોથી મુકિત થાય છે. જે આ મંત્રનો જપ કરે છે તેના શરીરમાં ભૂત, પ્રેત વગેરે પ્રવેશ કરી શકતા નથી. જન્મ-મરણના ફેરામાંથી તે  જીવાત્મા મુકત થાય છે. આ મંત્ર જીવન સાફલ્યની સર્વોત્તમ ચાવી છે.

આ જનમંગળના મંત્ર કેવા છે ? મણિ જેવા છે. મણિ જેમ સદૈવ પ્રકાશિત રહે છે. સ્વયં પ્રકાશમાન છે. કયારેય તેનો તેજપુંજ લુપ્ત થતો નથી. તેવા આ જનમંગળ મંત્ર છે. દીપકની જયોતિ તો પવનના એક જ ઝપાટાથી ઓલવાઈ જાય પણ મણિને ગમે તેવા ઝંઝાવાતો આવે તો પણ કંઈ અસર થતી નથી.

આ કળિયુગમાં ચારે બાજુ તોફાની વાવાઝોડું ફૂંકાય છે. ફેન, ફતુર ને ફેશનના પવન લહેરાયા કરે છે. પંચવિષયના વિકારી વાયરા માનવીના મનને બહેકાવી રહ્યા છે. પરંતુ જનમંગળના જપ કરનારને કોઈ વાવાઝોડું સ્પર્શ સુધ્ધા કરતું નથી. શાંતિથી હરિસ્મરણ કરી આનંદમાં રહી, ભજન ભાવમાં લીન રહેનારને મોહ-માયાનાં અંધારાં નષ્ટ પામે છે. જીવન જયોત સોળે કળાએ ઝગમગે છે.

પ્રભુની પૂજા કરવી હોય તો સમય જોવો પડે, સ્નાન કરવું પડે, પવિત્ર થવું પડે પણ આ મંત્ર જપવા માટે આવી કોઈ ક્રિયા કરવાની જરૂર નથી પડતી. ચોવીસ કલાક જપ કરી શકાય. પરંતુ મન પવિત્ર હોવું જોઈએ. રસોઈ કરતાં કરતાં પણ જનમંગળના પાઠ કરી શકાય. દુકાનમાં બેઠાં બેઠાં બોલી શકાય. ગાડીમાં બેઠાં બેઠાં બોલી શકાય. અરે ! કદાચિત્ બીમાર હો તો સૂતાં સૂતાં પણઆ જનમંગળના પાઠ કરવામાં કોઈ હરકત નથી. જપો જપો સદૈવ જનમંગળના પાઠ જપો....

-: શતાનંદસ્વામી ભગવાનનું સ્મરણ કરતાં કહે છે. :-

વર્ણિવેશ રમણીયદર્શનં મંદહાસરુચિરાનનામ્બુજમ્ । પૂજિતં સુરનરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિન્તયે ।।

वर्णिवेश रमणीयदर्शनं मंदहासरुचिराननाम्बुजम् । पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनंदनमहं विचिन्तये ।।

વર્ણીવેશને ધારણ કરનારા, મંદહાસ્ય યુકત જેમનું રુચિકર મુખારવદ છે, મોટા દેવતાઓથી પૂજાયેલા એવા ધર્મનંદન શ્રીસ્વામિનારાયણ ભગવાનનું હું સદાય ચતવન કરું છું.

આ જનમંગળ સ્તોત્રના ઋષિ શતાનંદ સ્વામી છે. દેવતા ધર્મનંદન છે. ધાર્મિક ઈતિ બીજમ્ ધર્મનંદન શ્રીહરિ આ સ્તોત્રમંત્રનું બીજ છે. મંત્રની સાથે શકિત જોઈએ આ મંત્રની શકિત બાૃહદવ્રતધર છે. બ્રહ્મચર્યવ્રત ધારણ કરીને જપ કરવાથી પોતાની મહેચ્છાઓ પુરી થાય છે.

આ સ્તોત્ર મંત્રનો કીલક શું છે ? કીલક એટલે ખીલો, સ્તંભ. માણસ માત્ર સાંજ પડે ત્યારે કયાં આવે ? પોતાને ઘેર આવે. ત્યારે તેને આરામ થાય. તેમ આપણા જીવાત્માને વિરામ પામવાના સ્તંભ એટલે શ્રીહરિ ભકિતનંદન છે. શતાનંદ સ્વામી કહે છે- ભગવાને જેવાં સ્વરૂપો ધારી, જે જે લીલાઓ કરી, જેવા મેં ભગવાનમાં ગુણ જોયા તે પ્રમાણે મેં આ જનમંગળ સ્તોત્રમાં ભગવાનનાં નામ કહેલાં છે.

શતાનંદ સ્વામી આશીર્વાદ આપે છે. જે કોઈ આ મંત્રનો જાપ કરશે, સાંભળશે અને બીજાની આગળ મહિમા કહેશે તે સહેજે સહેજે ભગવાનના ધામમાં જશે.

દેવના દેવ, કાળના કાળ, સદાશિવ પણ ભગવાન સ્વામિનારાયણ સર્વોપરીના નામનો અખંડ જાપ કરે છે. યંત્રથી પાણી ઊંચે ચડે છે એમ મંત્રથી મન ઉર્ધ્વગામી બને છે. મન ઊત્તમ અને શ્રેષ્ઠ વિચારવાળું બને છે. મંત્ર જપવાથી ભીલડી - શબરીનું જીવન સુધરી ગયું અર્થાત્ મોક્ષ થઈ ગયો. શબરીબાઈને ભગવાનને શોધવા જવા નથી પડ્યા. શ્રીરામ ભગવાન શોધતા શોધતા એમની ઝૂંપડીએ આવ્યા છે. વાલિયા લૂંટારાએ શું કર્યું હતું ? કાંઈ નહોતું કર્યું. કેવળ હરિનામ જપ્યું હતું અને વાલ્મીકિ ઋષિ બની ગયા.

ઊલટા નામ જપત જગ જાના, વાલ્મીકિ ભયે બ્રહ્મ સમાના ।।

વાલિયા લૂંટારાએ ઉલટું નામ લીધું મરા.... મરા.... ના જાપ કર્યા તો વાલિયામાંથી વાલ્મીકિ ઋષિ બની ગયા. પરમાત્માનું નામ લેવાથી જિહ્વા સુધરે છે. અને જીવતર પણ સુધરે છે. ખરેખરું કરવા જેવું કાર્ય આ જ છે. ચાલો ભગવાનને વંદન કરીએ.