સારસિદ્ધિ કડવું - ૨૮ ધર્મ છે ધામરે સર્વે સુખનુંરે, । પદ - ૭

Submitted by swaminarayanworld on Sun, 07/03/2021 - 5:19pm

પરમ ધર્મે કરી હરિને ગમવુંજી, ગમતું જોઈને દેહને દમવુંજી

તેમાં સુખ દુઃખ આવે તે ખમવુંજી, ભૂલી બીજી વાતે કેદી ન ભમવુંજી।।૧।।

 ઢાળ - 

ભમવું નહિ ભોળાપણે, રે’વું આગન્યાને અનુસાર ।। 

સર્વે ધર્મ તેણે સાચવ્યા, નિશ્ચે કરી નિરધાર ।। ર ।।

આગન્યામાં વસ્યા અહોનિશ રહી, જેમ વાળે તેમ વળવું ।।

તર્ક ન કરવો તને મને, શ્રદ્ધાએ સેવામાં ભળવું ।। ૩ ।।

જેમ કહે તે જગદીશ જીભે, તેમ કરે તે કરભામીને ।।

કેડે ન રહ્યું તેને કરવું, બેઠા પરમ ધર્મ પામીને ।। ૪ ।।

બેસ કહે તો બેસવું, ઊઠ્ય કહે તો ઊઠવું વળી ।।

ચાલ્ય કહે તો ચાલવું, સુણી વચનને જાવું મળી ।। પ ।।

બોલ્ય કહે તો બોલવું, રહે મુન્ય કહે તો રે’વું મુન્ય ।।

આગન્યાથી ઉપરાંત બીજું, જાણવું નહિ પાપ પુણ્ય ।। ૬ ।।

જેણે વચનમાં રે’વાનું દઢ કર્યું, તેણે ધર્મ ધર્યા છે સઘળા ।।

તેહ વિના બીજા ધર્મ તે તો, પાપની પ્રજળી પળા ।। ૭ ।।

શુદ્ધ ધર્મ શ્રીમુખની વાણી, કહી છે જેને કરુણા કરી ।।

એવી રીતે રૈ’યે તૈયે, જાણો શુદ્ધ ધર્મ રહ્યા ધરી ।। ૮ ।।

ધર્મ ધર્મ સહુ કોઈ કહે, પણ ધર્મમાં બહુ મર્મ છે ।।

પ્રગટ પ્રભુનાં વચન પાળે, એથી મોટો કોઈ ધર્મ છે ।। ૯ ।।

હરિ કહે તેમ હાથ જોડી, ચોક્કસ કરવા છે ચિત્તમાં ।।

નિષ્કુળાનંદ તેમાં સમ વિષમને, ધારવું નહિ ધર્મની રીતમાં ।। ૧૦ ।।કડવું।।૨૮।।

 

 

રાગ:-ગરબી 

(‘સહજાનંદ સિંધુ રે આજ મારે’ એ ઢાળ.)

ધર્મ છે ધામ રે સર્વે સુખનું રે, રાખજો જન કરી જતન રે;

ધર્મ ધારીને રે સંત સુખી થયા રે, વાલપે વરત્યા હરિને વચન રે…ધર્મ ।। ૧ ।।

વચન વિના રે ધોખે નથી ધારતા રે, માનતા નથી કેવળ ધર્મમાંહી માલ રે;

બીજા જે ધર્મ રે જેવાં બોર બગાંમણાં રે, લાગે જંબુકને મન લાલ રે. . .ધર્મ ।। ર ।।

એવા ધર્મ અન્ય રે જાણીને ઉરથી રે, મેલી છે મનથી ઉતારી વાત રે;

રાજા ઋષિનું રે, શ્રવણે સાંભળ્યું રે, સુખ સારુ દુઃખ પામ્યા સાક્ષાત રે. . .ધર્મ ।। ૩ ।।

શુદ્ધ સાચો ધર્મ રે શ્રીમુખે સાંભળી રે, વળગી રહ્યા છે વચન માંઈ રે;

નિષ્કુળાનંદ રે જ્ઞાની તેને ગણવા રે, કરવું ન રહ્યું તેને કાંઈ રે…ધર્મ ।। ૪ ।।