તરંગઃ - ૧૯ - નીલકંઠ-બ્રહ્મચારી વનવિચરણ કરતા થકા જગન્નાથપુરીને વિષે આવ્યા

Submitted by swaminarayanworld on Fri, 12/02/2021 - 11:04pm

પૂર્વછાયો

રામશરણજી બોલીયા, સુણો ગુરુ વિખ્યાત । તે સર્વેને જમતાં થકાં, શું થયું તે કોને વાત ।।૧।।

પછે મહારાજ ઉચ્ચર્યા, હે રામશરણ ધીર । વિસ્તારીને વર્ણવું, મન થઈનેે સ્થિર ।।૨।।

ત્યારે તેના મંદિર વિષે, બેઠા છે બલવંત । કૈક જન ભેગા થયા, તે જુવે છે ભગવંત ।।૩।।

ભોજનને તો ભુલી ગયા, ચડ્યો મનમાં ક્રોધ । ધોકા ચીપિયા સંભાળીને, કરવા ધાર્યો વિરોધ ।।૪।।

રસોઇયાપર રીસે ભઠ્યા, તે જન સર્વે ત્યાંય । બ્રાહ્મણ સાથે બળી ઉઠ્યા, ઘાટ ઘડે મનમાંય ।।૫।।

 

 

ચોપાઈ

 

સર્વે ભુખ્યા ઉઠ્યા તતખેવ, ક્રોધાતુર થયા મન એવ । ધોકા ચીપિયા લીધા તે વાર, પોચ્યા વિપ્રને મારવા માર ।।૬।।

લડે બ્રાહ્મણને તજી લાજ, ક્યાંથી શિખ્યા તમે આવું કાજ । આવાં જમાડો છો શું ભોજન, ખેદ પામી ગયા અમે મન ।।૭।।

ત્યારે બ્રાહ્મણ તે બોલ્યા સ્પષ્ટ, અરે તમે તો છો બધા દુષ્ટ । કાંઈ નથી વિવેક વિચાર, ખાવા ભેગા થયા છો ગમાર ।।૮।।

રાજાનું બાંધેલું સદાવ્રત, તેમાં તમે કરો છો અસત । તીર્થવાસી આવે છે જે જન, તેને તો નથી દેતા ભોજન ।।૯।।

નિજ પેટ ભરો અડબંગા, ખાઈ ખાઈ થયા છો તડંગા । પંકિતભેદ કરો છો શું નિત, તમારી મતિથૈ વિપરીત ।।૧૦।।

પેલા આવ્યા બાલાયોગી આજ, મોટા સિદ્ધ દિશે મહારાજ । તેમને દેખાડો કોરો લોટ, ખરી છે એજ તમારી ખોટ ।।૧૧।।

લોટ ન લીધો તે મહંત, જમ્યા વિના બેઠા છે તે સંત । ફરી પુછ્યો નહિ તમે ભાવ, તે અપરાધનો છે નડાવ ।।૧૨।।

સર્વે પોતાનું સંભાળી મન, જમવા બેઠા વાળી આસન । પંક્તિભેદનું મોટું છે પાપ, તેનું ભોગવશો ફળ આપ ।।૧૩।।

તમે ભોગવો તમારું કરમ, એમાં બીજાને શું અડે શરમ । નથી એમાં તો અમારો વાંક, કરીછે અનીતિ આડે આંક ।।૧૪।।

તમારે જમવું હોય સુખે, જાઓ બાલાયોગી સનમુખે । કરી પ્રારથના લાવો આજ, ત્યારે થાશે તમારું તો કાજ ।।૧૫।।

ક્ષમા કરાવો જૈ અપરાધ, ત્યારે થાશો તમે નિરબાધ । તેછે પ્રગટ પ્રભુ મહંત, એમ સમઝી લો સહુ સંત ।।૧૬।।

એમને આપો ભોજન પાન, કરો પ્રસન્ન સર્વે સમાન । ત્યારે ટળશે તમારો ખેદ, સુખ શાંતિ થશે નિરવેદ ।।૧૭।।

ઉઠીને જો ચાલ્યા જાશે એહ, દુઃખી થાશો એમાં ન સંદેહ । વિપ્રનાં એવાં સુણી વચન, પછે તે સમઝી ગયા મન ।।૧૮।।

આવ્યા શ્રીહરિવરની પાસ, પોતાના મને થઈ નિરાશ । ત્યાં તો બાલાયોગીયે વિચાર્યું, રામચંદ્રજીનું રૂપ ધાર્યું ।।૧૯।।

સૌને સરખાં દીધાં દર્શન, ત્યારે તેમનાં હરખ્યાં છે મન । પામ્યા આશ્ચર્ય મન અપાર, નમ્રતાથી કરે નમસ્કાર ।।૨૦।।

બોલે ગદ્ગદ્ કંઠે વાણ, જાણ્યા પ્રગટ પ્રભુ પ્રમાણ । હે બાલાબ્રહ્મચારી યોગીંદ્ર, તમે તો છો પોતે રામચંદ્ર ।।૨૧।।

ઘણા દિવસથી મહારાજ, કરીયે છૈયે આ કુડાં કાજ । ત્યાગી થઈને કર્યો છે અન્યાય, આવાં દુષ્કૃત કર્મ સદાય ।।૨૨।।

હવે નૈ કરીયે કોઈ દિન, આ અઘટિત કર્મ જીવન । ત્યાગીના ધર્મ પાળશું જેહ, અપરાધ ક્ષમા કરો તેહ ।।૨૩।।

તમે રાજી થાવો મહારાજ, જમો ભોજન આવીને આજ । એવાં સુણીને દીન વચન, કૃપાવંત થયા ભગવન ।।૨૪।।

પ્રીતેથી કર્યાં ભોજનપાન, બે દિવસ રહ્યા ભગવાન । કર્યો છે તેમને ઉપદેશ, પાપ રેવા દીધું નહિ લેશ ।।૨૫।।

પંક્તિભેદરૂપી દુરાચાર, તેનો ત્યાગ કરાવ્યો તેવાર । શ્રદ્ધાવાન જાણીને જીવન, દીધાં રામરૂપે દરશન ।।૨૬।।

તે દેખીને નિશ્ચે થયો મન, થયા આશ્રિત તે સર્વે જન । એમ નીલકંઠે નિરધાર, એની સેવા કરી અંગીકાર ।।૨૭।।

પછે ત્યાંથી ચાલ્યા સુખધામ, ભક્તવત્સલ પૂરણકામ । એમ ચાલતે ગયા ઘણા દિન, એક ગામ આવ્યું ત્યાં નવીન ।।૨૮।।

ત્યાં છે ગામને ગોંદરે કુપ, તેના ઉપર ગયા અનુપ । જગદીશને પીવું છે વારી, કુવાવાળાને કેછે મોરારી ।।૨૯।।

ભાઈ સુણો કહીએ જે અમે, દોરી હોયતો આપોને તમે । અમને આપો તમે આવાર, પાણી પીવાનું છે નિરધાર ।।૩૦।।

ત્યારે કોશિયો બોલ્યો છે ત્યાંય, અમારા કોશ ફરેછે આંય । તેમાંથી કરોને જલપાન, નવ બીશો તમે બલવાન ।।૩૧।।

ત્યારે બોલ્યા બાલાબ્રહ્મચારી, પોતે મનમાં ધારી વિચારી । ચર્મવારિ પીતા નથી ભાઈ, સત્ય માની લેજ્યો મનમાંઈ ।।૩૨।।

ત્યારે બોલ્યો તે જન વચન, જેને વશ નથી નિજ મન । તમે સિદ્ધ મોટા છો ઉજાસે, ત્યારે કેમ નથી દોરી પાસે ।।૩૩।।

દોરી નથી લેવી અમારે, શિરજોરી ન કરવી તમારે । મુને મળેછે કે નહિ નીર, બેઠા બેઠા જાુવો તમે ધીર ।।૩૪।।

એમ કહી કુવાને કિનારે, બેઠા નીલકંઠજી તે વારે । કઠારી લીધી કરમાં નાથ, કુપમાંહી લાંબો કર્યો હાથ ।।૩૫।।

જલ ઉભરાયું ત્યાં નિરધાર, પાણી આવ્યું કુવાને કિનાર । સૌને જોતે કર્યું એ ચરિત્ર, કઠારી ભરી પીધું પવિત્ર ।।૩૬।।

એવો દેખ્યો જ્યાં મોટો પ્રતાપ, સર્વે આશ્ચર્ય પામ્યા છે આપ । નરનારી કરે નમસ્કાર, પગે લાગેછે વારમવાર ।।૩૭।।

એવું ચરિત્ર કર્યું તે સ્થાન, વળી ચાલ્યા ત્યાંથી ભગવાન । કેટલેક દિને કરી નાથ, શ્રીહરિ પોચ્યા છે જગન્નાથ ।।૩૮।।

જોયો છે ત્યાં વૈરાગી એક, ગીતા પાઠ કરે છે વિશેક । બ્રહ્મચારી બેઠા તેની પાસ, ગીતા માગી લીધી અવિનાશ ।।૩૯।।

એક શ્લોક વાંચી જોયો જોતે, તેના દશ અર્થ કર્યા પોતે । ત્યારે તેને આવ્યું મન હેત, પાસે બેસાર્યા પ્રેમસમેત ।।૪૦।।

નથી બતાવતો કાંઈ કાજ, તેણે જાણ્યા મોટા મહારાજ । બીજા અસુર છે ત્યાં અપાર, તેમને ઇર્ષ્યા આવી તેવાર ।।૪૧।।

શ્રીહરિ ઉપર કરે રીસ, તેને જાણી ગયા જગદીશ । પોતે કર્યો મનમાં વિચાર, ઘણો અધર્મ છે આણે ઠાર ।।૪૨।।

લોભી લફંગા ને કામી જન, વીતરાગી આંહિ ક્રોધી મન । જ્ઞાન ભક્તિનો કરે છે દંભ, છળી લેછે તે સૌને અભંગ ।।૪૩।।

એમ ધારી બાલાબ્રહ્મચારી, ત્યાં રહ્યા છે પોતે અવિકારી । એકરૂપે પોતે છે પ્રકાશ, બીજારૂપ વડે અવિનાશ ।।૪૪।।

જગન્નાથની મૂરતિ છે જેમાં, વાલિડે વાસ કર્યો છે તેમાં । પૂજારીના જે પ્રેમને નેમ, સેવા પૂજા કરે છે તે કેમ ।।૪૫।।

થાળ સામગ્રી વિગેરે જેહ, કેવી રીતે કરે નિત્ય તેહ । વળી ભક્તિ ભોજનનો ભાવ, કેવો છે તે જાુવે નિત્ય દાવ ।।૪૬।।

મૂરતિમાં રહ્યા અદર્શરૂપ, રહ્યા પ્રકાશ બાર અનુપ । સરોવર ઇંદ્રદ્યુમ્ન નામ, નિત્ય સ્નાન કરે છે તે ઠામ ।।૪૭।।

કથા કીર્તન ભજન સ્મરણ, કરેછે નિત્ય અશરણ શરણ । જગન્નાથપુરીનાં જે જન, એમને બોધ આપે પાવન ।।૪૮।।

તેમાં અધર્મ ને જે અન્યાય, ધ્યાનમાં રાખે છે તે સદાય । નીતિ રીતિ બતાવે પવિત્ર, ધર્મ મારગે કરે ચરિત્ર ।।૪૯।।

પુન્યશાળીને છે પ્રિય એહ, પાપી તો પાછા પડેજ તેહ । તે ઠેકાણે રહ્યા એક વર્ષ, મને વિચાર્યું છે એમ હર્ષ ।।૫૦।।

હવે કરું અધર્મનો ઘાત, પછે ચાલું આંહિથી પ્રભાત । મન ઇચ્છા ધરી તતખેવ, કરી પાપીને પ્રેરણા એવ ।।૫૧।।

 

 

ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિ વિરચિતે શ્રીઘનશ્યામલીલામૃતસાગરે ઉત્તરાર્ધે આચાર્યશ્રી અયોધ્યાપ્રસાદજી રામશરણજી સંવાદે નીલકંઠ-બ્રહ્મચારી વનવિચરણ કરતા થકા જગન્નાથપુરીને વિષે આવ્યા એ નામે ઓગણીશમો તરંગઃ।।૧૯।।