તરંગ - ૧૦૮ - ધર્મદેવનો દેહોત્સવ ને શ્રીહરિનો ગૂઢવિચાર

Submitted by swaminarayanworld on Thu, 17/08/2017 - 9:50pm

 

પૂર્વછાયો

શ્રદ્ધા રાખી સપ્તા સુણે છે, ધર્મદેવ અભિરામ । ખટ દિન તે વીતી ગયા, કરતાં તે રુડું કામ ।।૧।।

સાતમે દિન સવારમાં, પુરાણી કરે છે કથાય । તેસમે શ્રીધર્મદેવને, આવ્યો જ્વર દુઃખદાય ।।૨।।

પથારીમાં શયન કર્યું, નિર્બળ થયું છે અંગ । સુતા થકા તે સાંભળે છે, કરી મનમાં ઉમંગ ।।૩।।

સાતમે દિવસે સમાપ્તિ થઇ, કથાતણી જેહવાર । પ્રેમવડે પૂજન કર્યું, આરતી ઉતારી સાર ।।૪।।

વિપ્રને ભોજન કરાવ્યાં, આપ્યાં છે દક્ષિણાદાન । સર્વે મળી ઘેર વળાવ્યો, મન ગમતાં દઇ માન ।।૫।।

 

ચોપાઇ

પછે તો સર્વે સંબંધી જન, ઘેર કરી આવ્યાં છે ભોજન । બેઠા તે દેવશર્માની પાસ, ચારે કોરે વિંટાઇ પાસ ।।૬।।

ભાવે કરે છે સર્વે ભજન, શ્રીહરિનું સ્મરણ કરે મન । પાસે બેઠા છે શ્રીઅવિનાશ, કૃષ્ણકથાનો કે ઇતિહાસ ।।૭।।

કરી એકાગ્રવૃત્તિ મનની, તૃષ્ણા તોડી તન ને ધનની । શ્રીહરિમાં થયા તદાકાર, મૂર્તિને નિર્ખે છે નિરધાર ।।૮।।

મનવૃત્તિ પામી ગઇ શાંત, સઘળી ભાંગી ગઇ છે ભ્રાંત । ત્રૈણ અવસ્થા ને ત્રૈણ દેહ, તેથી વિરક્ત બનિયા તેહ ।।૯।।

દેહ ગેહથી છોડી સનેહ, બ્રહ્મરૂપપણું પામ્યા તેહ । મહા પ્રભુવિષે મન મોહ્યું, નારાયણ વિષે ચિત્ત પ્રોયું ।।૧૦।।

ત્યારે શીતળ થયું શરીર, ઉઠ્યા રામપ્રતાપજી ધીર । બીજાં સંબંધી મળ્યાં તે સ્થાન, ગંગાજળથી કરાવ્યું સ્નાન ।।૧૧।।

લિંપી શુદ્ધ કરી ધરણી જ્યાંય, દેવશર્માને સુવાડ્યા ત્યાંય । પ્રભુના સમીપે તજ્યો દેહ, શ્રીહરિમાં થયા લગ્ન તેહ ।।૧૨।।

દિવ્ય દેહ પામ્યા છે પ્રકાશ, રહ્યા અખંડ તે પ્રભુ પાસ । શાપ દુર્વાસાનો હતો જેહ, તેથી મુક્ત થયા નિઃસંદેહ ।।૧૩।।

રામપ્રતાપ ને ઇચ્છારામ, બીજા સંબંધી સર્વે તમામ । પિતાજીએ તજ્યો દેહ જ્યારે, ધીરજ રહિત થયા ત્યારે ।।૧૪।।

ઘનશ્યામે આપી ઘણી ધીર, સૌને છાના રાખે નરવીર । પછે બ્રાહ્મણને ત્યાં બોલાવ્યો, ભાઇપાસે એ વિધિ કરાવ્યો ।।૧૫।।

રામઘાટ સર્યૂગંગા તીર, પિતાનું લીધું છે ત્યાં શરીર । દહનક્રિયા કરી તે ઠાર, વેદશાસ્ત્રવિધિ અનુસાર ।।૧૬।।

કર્યાં સ્નાન તે સર્જુને નીર, પછી ઘેર આવ્યા દિલગીર । શોકાતુર ઉદાસી છે મન, કોઇએ કર્યાં નહિ ભોજન ।।૧૭।।

બીજે દિવસે પત્ર લખાવ્યા, ટાણાપર સંબંધી બોલાવ્યા । આવ્યા નવમાને દિન જન, શોકાતુર કરતાં રૂદન ।।૧૮।।

શ્રીહરિ સૌને ધીરજ આપે, શોક ૧આભીલને વ્હાલો કાપે । ઘૃત શર્કરા આદિ સહિત, જે જોએ તે લાવ્યા છે અજીત ।।૧૯।।

તેરમા સુધી તે નિરબાધ, રામઘાટે કર્યાં વિધિશ્રાદ્ધ । તિલાંજલી આપી વિધિસાર, સર્જુગંગાપર નિરધાર ।।૨૦।।

રામઘાટે સર્જુગંગાતીર, જે કોઇ શ્રાદ્ધ કરે ત્યાં ધીર । ગયાજી કરતાં કોટીઘણું, ફળ મળે છે ત્યાં શ્રાદ્ધતણું ।।૨૧।।

શ્રીહરિ કરે વિચરણ જીયાં, સર્વે તીરથ રહે છે તિયાં । તોય જીવોને ઉપદેશ દેવા, પ્રભુજી આચરણ કરે એવાં ।।૨૨।।

ઉત્તરક્રિયા પિતાની કરી, વિધિવત્ શ્રીહરિએ ઘણી । પછે સગાંસંબંધી જે જન, તેને કરાવ્યાં રૂડાં ભોજન ।।૨૩।।

નાત જાત ને કુટુંબી સર્વ, સૌને જમાડી દીધાં અપૂર્વ । હજારો બ્રાહ્મણને જમાડ્યા, આનંદે સોત શાંતિ પમાડ્યા ।।૨૪।।

ત્રયોદશમે દિવસે સાર, સંબંધી આવી મળ્યા અપાર । ત્રણ્યે ભાઇને કર્યો શિરપાવ, સર્વ સંબંધીને વધ્યો ભાવ ।।૨૫।।

પિતાજીનું કર્યું ક્રિયમાણ, શ્રીપ્રગટપ્રભુએ પ્રમાણ । ત્યાં આવેલા સંબંધી જે જન, ગયા પોતપોતાને ભુવન ।।૨૬।।

મોતીત્રવાડી ને વશરામ, ગયા તે પણ પોતાને ધામ । એમ કરતાં ગયા થોડા દિન, પછે વાલિડે વિચાર્યું મન ।।૨૭।।

ખર્ચ ખુટણ કારજ કીધું, તેનું નામું તે ચુકવી દીધું । માતપિતાને અગ્નિસંસ્કાર, જે સ્થળે કર્યો છે નિરધાર ।।૨૮।।

અતિ પવિત્ર તે ભૂમિકાય, આવે દર્શને જન સદાય । વળી અમર દર્શને આવે, પ્રક્રમા ફરી શિર નમાવે ।।૨૯।।

પછે એક દિન ઘનશ્યામ, મનમાં વિચારે સુખધામ । મન થયું છે હવે ઉદાસ, ઘર મુકી જાવું વનવાસ ।।૩૦।।

પણ નીકળવું કેમ કરી, સંબંધી કોેઇ જાણે ન જરી । વળી નિમિત્ત જો કાંઇ હોય, ફાવે ઘરથી જાવાનું સોય ।।૩૧।।

એમ ધારીને શ્રીઘનશ્યામ, સખા સહિત પૂરણકામ । હનુમાનગઢી જન્મસ્થાન, કનકભોવન આદિ સ્થાન ।।૩૨।।

કર્યાં સર્વે મંદિરે દર્શન, પછે પાછા વળ્યા છે જીવન । ઘરે આવે છે શ્રીભગવન, વચ્ચે આવ્યું એક ઉપવન ।।૩૩।।

આંબલીઓનો બગીચો સાર, મલ્લ રમે છે તેહજ ઠાર । મલ્લરૂપે અસુર છે જેહ, શ્રીહરિના વિરોધી છે તેહ ।।૩૪।।

આવતા દેખ્યા છે ઘનશ્યામ, સામા આવ્યા પાપી તેહ ઠામ । ઘનશ્યામને તે ઘેરી લીધા, પાપીએ ખોટા વિચાર કીધા ।।૩૫।।

અખાડામાં ગયા ભયહારી, પોતે ઉભા રહ્યા બળધારી । કરવા લાગ્યા કુસ્તી તે સાથ, બલ દાખવેછે દીનાનાથ ।।૩૬।।

કરી રોમાવળી કુતકાર, તાલ દેછે ત્યાં વારમવાર । કરે યુદ્ધ તજીને પ્રમાદ, મલ્લરૂપે આણિ આહ્લાદ ।।૩૭।।

દાવપેચમાં દિલ ધરેછે, હરામીની હિંમતો હરેછે । વજ્રસમ અખંડિત રૂપ, મલ્લને બતાવ્યું છે અનૂપ ।।૩૮।।

ઘનશ્યામની જે ગતિ ગૂઢ, મલ્લ દેખીને થયા દિગ્મૂઢ । પ્રૌઢ પર્વતપ્રાય શરીર, દેખીને થયા શત્રુ અધીર ।।૩૯।।

પદપ્રહારે ધ્રુજેછે ધરણી, અતિ બલવાન દેખાયા વરણી । મલ્લના તો છુટી ગયા બંધ, ઘણા મારમાં થૈ ગયા અંધ ।।૪૦।।

શિર સાથે શિર પટકેછે, ખળમલ્લને તે ખટકેછે । અખાડામાંહે ઉડેછે ગર્દ, ભમિને ભૂમિએ પડ્યા મર્દ ।।૪૧।।

થરથર કંપે તેમની કાય, મલ્લયુદ્ધ સહન ન થાય । શૂરાનું મટાડી દીધું શૂર, નારાયણે હર્યું તેનું નૂર ।।૪૨।।

ક્રોધાતુર થઇ ગડગડે, જોતાં જોતાંમાં ધ્રુજીને પડે । મલ્લ પસ્તાયછે મનમાંહિ, કયાંથી આ જોગ આવીઓ આંહિ ।।૪૩।।

યુદ્ધ થાતું નથી આની જોડે, આતો માર્યા વિના નહિ છોડે । હવે આવ્યું છે નિશ્ચે મરણ, ભોગે કર્યાં આવાં આચરણ ।।૪૪।।

મહાગજ જેમ ગજને મારે, તેમ કર્યું પ્રભુએ આઠારે । પાપીને પછે હાર પમાડ્યા, સત્તાવીશને ભૂમિ સુવાડ્યા ।।૪૫।।

છિન્ન ભિન્ન કર્યા અઘવાન, પાડી દીધાછે મૃતસમાન । પછે ત્યાંથકી આનંદભેર, ઘનશ્યામ આવ્યા નિજ ઘેર ।।૪૬।।

અખાડામાં પડ્યા મલ્લમાત્ર, ગતિભંગ થયાં તેનાં ગાત્ર । તેના સંબંધીએ જાણી વાત, તેથી કર્યો બહુ કલ્પાંત ।।૪૭।।

ભેગા થઇ આવ્યા સુધ લેવા, ભાઇને વળી ઠપકો દેવા । સર્વે આવ્યા અનંતની પાસ, હાહાકાર કરે બહુ ત્રાસ ।।૪૮।।

આવી કેવા લાગ્યાં સનમુખ, ૧ફણીધરને પોતાનું દુઃખ । તમારા ભાઇ શ્રીઘનશ્યામ, કરીને આવ્યા છે જુવો કામ ।।૪૯।।

અમારા પુત્ર ને મહારાજ, વણવાંકે માર્યા બહુ આજ । શ્રીહરિએ તે સુણ્યું છે કર્ણે, મને વિચાર્યું અશરણ શરણે ।।૫૦।।

આજે તો રૂડો આવ્યો છે લાગ, હવે કરું હું તો ઘરત્યાગ । વન જાવા આવ્યો ભલો દાવ, મારા મનમાં હતો એ ભાવ ।।૫૧।।

એ ઠપકો સુણી બલદેવ, વ્હાલા સામું જોયું તતખેવ । મોટાભાઇ તે મનમોઝાર, કરવા લાગ્યા ઉંડો વિચાર ।।૫૨।।

માતપિતા પામ્યાં મોક્ષસાર, હવે નથી બીજાનો આધાર । ઠપકા લાવશે હરિ નિત્ય, મારે શી કરવી હવે રીત્ય ।।૫૩।।

જ્યેષ્ટ બંધુનો વિચાર જેહ, અંતર્યામીએ જાણ્યો છે તેહ । બોલ્યા મર્મભરેલાં વચન, મોટાભાઇ સુણો શુભ મન ।।૫૪।।

હવેથી કોઇ દિન અમારો, ઠપકો નહિ આવે એ ધારો । ત્યારે સતી સુવાસિનીબાઇ, સ્નેહે બોલાવ્યા છે ઘરમાંઇ ।।૫૫।।

મોટાભાઇ સાથે તેણીવાર, જમવા બેઠા જગદાધાર । એવા થકા ઘરમાં રહ્યા છે, તજવાને તૈયાર થયા છે ।।૫૬।।

એનો મર્મ કોઇ નવ જાણે, કરવું ધાર્યું જે શામે તેટાણે । ભવ બ્રહ્માદિ ભેદ ન લહે, કવિ એકમુખેથી શું કહે ।।૫૭।।

 

 

ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિ વિરચિતે શ્રી ઘનશ્યામલીલામૃતસાગરે પૂર્વાર્ધે આચાર્ય શ્રી અયોધ્યાપ્રસાદજી રામશરણજી સંવાદે ધર્મદેવનો દેહોત્સવ ને શ્રીહરિનો ગૂઢવિચાર એ નામે એકસો ને આઠમો તરંગઃ ।।૧૦૮।।