અધ્યાય ૮ -બ્રાહ્મણની ઇતિહાસ કથામાં તે બ્રાહ્મણે જોયેલું સાક્ષાત્ શ્રીહરિના સ્વરૂપનું નિરૂપણ

Submitted by swaminarayanworld on Sat, 24/06/2017 - 3:54pm

અધ્યાય ૮ -બ્રાહ્મણની ઇતિહાસ કથામાં તે બ્રાહ્મણે જોયેલું સાક્ષાત્ શ્રીહરિના સ્વરૂપનું નિરૂપણ

શતાનંદ સ્વામીનું ચાર પુરુષાર્થને સિધ્ધ કરી આપે એવું અમૃતતુલ્ય આસ્વાદનીય આ વચન સાંભળી હેમંતસિંહરાજા મહા આનંદને પામ્યા ને તૃપ્ત થઇ વિનયપૂર્વક સ્વામીને કહેવા લાગ્યા. ૧


હેમંતસિંહ રાજા કહે છે, હે મુનિ ! આપે મારા ઉપર દયા કરીને બહુ મોટો અનુગ્રહ કર્યો છે. તમે કહેલા વચનોથી આ સત્સંગિજીવન શાસ્ત્રનું માહાત્મ્ય મેં યથાર્થ જાણ્યું છે. આ શાસ્ત્રના શ્રવણથી ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ ચોક્કસ થાય છે, એમ મને મારા મનમાં નક્કી થઇ ગયું છે. હે મુનિ ! આ સદ્ગ્રંથને સાંભળીને જેમને સર્વ પુરુષાર્થની સિદ્ધિ પ્રાપ્ત થઇ હોય એવા મહાનુભાવની કોઇક ઐતિહાસિક વાર્તા સાંભળવા ઇચ્છું છું. ૨-૪


સભામાં સર્જાયેલા અદ્ભૂત આશ્ચર્ય સાથેની સિદ્ધ બ્રાહ્મણની કહાની :- સમગ્ર જીવપ્રાણી માત્રનું કલ્યાણ કરનાર આવું મનોહર હેમંતસિંહ રાજાનું વચન સાંભળી શતાનંદ સ્વામી અતિ પ્રસન્ન થયા. જ્યાં રાજાના પ્રશ્નનો ઉત્તર કરવા જાય છે ત્યાં જ મહાન સભામાં એક મહા આશ્ચર્ય સર્જાયું, એ આશ્ચર્યને નિહાળી સર્વ સભાજનો પરમ હર્ષને પામ્યા. ૫-૬


બન્યું એવું કે એ સમયે કોઇ એક બ્રાહ્મણ દેશાંતરમાંથી આવી પહેલેથી સભામાં બેઠેલો હતો, સભાસદો તેના નામ-ઠામથી અજાણ હતા, શાંત અને વિનયી એ વિપ્રે અચાનક ઊભા થઇ વક્તા શતાનંદ સ્વામીને પ્રણામ કર્યા. એનું મન આનંદથી પરિપૂર્ણ બન્યું, શરીરની રોમાવલી ઊભી થઇ ને ગદ્ ગદ્ વાણીથી કહેવા લાગ્યો. ૭-૮


હે મુનિ ! આપની કરૂણાથી હું નિશ્ચે કૃતાર્થ બન્યો છું. કારણ કે કાળરૂપી અજગરના મહાગ્રાસના ત્રાસથી ભરેલા આ સંસારમાંથી મને છોડાવ્યો છે. ૯


હે મુનિ ! શાસ્ત્રોમાં કહેલાં ઘણાં બધાં દુષ્કર સાધનો કર્યાં હતાં, છતાં એ સાધનોથી મારા દુઃખનો અંત આવ્યો નહિ. (હું ભટકતો રહ્યો) પણ આજે તમે મને આ સત્સંગિજીવન શાસ્ત્રની કથા સંભળાવીને દુઃખમાંથી મુક્ત કર્યો છે. હે મુનિ ! આ સત્સંગિજીવન શાસ્ત્રની કથા સાંભળવાના પ્રતાપે અત્યારે હું પોતાની સ્વતંત્ર ઇચ્છાથી ધર્મ ભક્તિને ત્યાં પ્રગટેલા અને પ્રાકૃત ગુણોથી પર રહેલા સાક્ષાત્ ભગવાન શ્રીહરિને મારી નજર સમક્ષ નિહાળી રહ્યો છું. ૧૦-૧૧


સાક્ષાત્ દેખાતા શ્રીહરિ કેવા છે ? :- તે શ્રીહરિ મહાન ઉદારતા, સુંદરતા અને સુકુમારતાના મહાસાગર છે. પોતાના મંદમંદ હાસ્યના વિલાસના કારણે મનોહર બનેલી મુખમાધુરીથી દર્શન કરનારા મનુષ્યોના મનને આનંદ ઉપજાવે છે. સુગંધીમાન ચંદન અને પુષ્પના હારો તેમજ અન્ય મનોહર ઉપચારોથી સત્સંગી તથા મુનિજનોએ પૂર્ણ ભાવથી એ શ્રીહરિનું પૂજન કર્યું છે. પ્રફુલ્લિત નીલકમળના જેવું શ્યામસુંદર અને સુકુમાર શરીરને ધારી રહેલા છે. બહુ મનોહર લાગે છે. શરદઋતુના શ્વેત તારા જેવાં નિર્મળ, સ્વચ્છ અને દિવ્ય વસ્ત્રો જેણે ધારણ કરેલાં છે. શરદપૂર્ણિમાના ચંદ્રમાની સમાન સુંદર મુખારવિંદમાંથી રમણીય હાસ્યામૃતને રેલાવી રહ્યા છે. નવીન ખીલેલા કમળપત્ર જેવાં વિશાળ દિવ્ય નેત્રોથી શોભી રહેલા છે. કરૂણા રસથી પરિપૂર્ણ કૃપા કટાક્ષોથી ભક્તજનોને નિહાળી રહ્યા છે. જાનુ પર્યંત લાંબી દિવ્ય ભૂજાઓથી શોભી રહેલા છે. એક સરખા વિશાળ વૃક્ષસ્થળથી શોભી રહેલા છે. કાંતિથી ચળકતા નખરૂપી મણીઓથી પંક્તિવાળી કોમળ આંગળીઓથી શોભી રહ્યા છે. હાથના તળિયાની લાલ કાંતિથી ગુલાબની કાંતિને પણ શરમાવે છે. ૧૨-૧૭


વિવિધ રંગના માણિક્ય, મરકત, મોતી વગેરે મણિઓ જડેલ સુવર્ણમય દિવ્ય કટિમેખલા કેડમાં ધારી રહેલા છે. જેને બન્ને ચરણકમળમાં ચટચટ ધ્વનિથી શોભતી રૂપાની પાદુકાઓ પહેરી છે. બન્ને કાનમાં પ્રકાશમાન મકરાકાર દિવ્ય કુંડળ ધાર્યાં છે, બન્ને બાહુમાં રત્નજડિત સુવર્ણમય બાજુબંધને ધાર્યા છે, દિવ્ય વેઢ વીંટીઓથી આંગળીઓ શોભી રહી છે. બન્ને ચરણ કમળમાં સુવર્ણના સુંદર નૂપુર શોભી રહ્યાં છે, શંખ સમાન દિવ્ય કંઠમાં લાંબા ઉત્તમ મોતીઓના હાર ધારણ કર્યા છે. ચંપા, મોગરા, ગુલાબ વગેરે સુગંધીમાન પુષ્પોના હારોથી શોભી રહ્યા છે. પાઘમાં સુંદર સુગંધીમાન પુષ્પોના તોરા શોભી રહ્યા છે. કાનમાં મનોહર પુષ્પ ગુચ્છો ધાર્યા છે. મહાસુગંધમાં લોભાયેલા ભમરાઓના મધુર ગીતના ગુંજારવથી શોભતી દિવ્ય પુષ્પની માળાઓ ધારી રહેલા છે. સર્વના મનને હરનારી સુવર્ણની સુંદર છડી હાથમાં ધારી છે. ચળકતાં કુંડળોના ચમકારાથી બન્ને ગાલ શોભી રહ્યા છે, વાંકડી ભૃકુટિઓથી સુંદર લાગે છે, પાકા ઘીલોડા જેવા લાલ હોઠ શોભી રહ્યા છે. તલના ફુલ જેવી દિવ્ય નાસિકા શોભે છે. ૧૮-૨૩


હે મુનિ ! આ પ્રમાણેની દિવ્ય શોભા સંપન્ન શ્રીહરિનો સાક્ષાત્કાર થવાથી મનમાં હું અત્યંત શાંતિને પામ્યો છું. મનના સંતાપો દૂર થવાથી મારો માનવ જન્મ આજે સફળ થયો છે. હું ચોક્કસ કૃતાર્થ થયો છું. તે પુરુષોત્તમનારાયણની અચળ ભક્તિ કરી આ દેહના અંતે હું એમના આનંદમય દિવ્ય અક્ષરધામને પામીશ. એમાં કોઇ જાતનો મને સંશય નથી. ૨૪-૨૫


આ પ્રમાણે કહીને એ વિપ્રે ચંદન, ચોખા, પુષ્પ આદિ વડે શતાનંદ સ્વામીનું આદરપૂર્વક પૂજન કર્યું અને તેમની ચરણરજ પોતાના મસ્તક ઉપર ચડાવી. ૨૬


ત્યારપછી તે સભામાં બિરાજતા બન્ને આચાર્યશ્રીઓ અયોધ્યાપ્રસાદજી મહારાજ અને રઘુવીરજી મહારાજને પ્રેમથી વિનયપૂર્વક વંદન કર્યાં. તેમજ સભામાં બેઠેલા સમસ્ત મુનિજનો અને સમસ્ત હરિભક્તોને પણ વંદન કર્યાં. તેમનું મન ભગવાન શ્રીહરિ, સંતો અને હરિભક્તોના દર્શનથી પ્રાપ્ત થયેલા મહાસાગરમાં લીન થયું ને શતાનંદ સ્વામીની આજ્ઞા લઇ તે પોતાને ઘેર ગયો. ૨૭-૨૮


આ પ્રમાણેનું અતિ અદ્ભુત આશ્ચર્ય જોઇ હેમંતસિંહ રાજા પૂછવા લાગ્યા કે હે મુનિ શ્રેષ્ઠ ! એ વિપ્ર કયા દેશમાં વસે છે ? એને શું એવું મહાદુઃખ હતું ? દીર્ઘદર્શી એ વિપ્રે દુઃખને દૂર કરવા એવાં શું શું સાધન કર્યાં હતાં ? હે ઉત્તમ પુરુષ ! મારે એ સાંભળવાની ઇચ્છા છે. મને એની વાત કરો. જેણે કરીને આ બધા આપના શિષ્યોને પણ જાણવાનું કાંઇ બાકી ન રહે. ૨૯-૩૧


તે રાજાનું આ પ્રમાણેનું વચન સાંભળી શ્રીહરિની કૃપાથી જેને ત્રણકાળનું જ્ઞાન છે એવા શતાનંદમુનિ રાજાના હૃદયગત અભિપ્રાયને જાણી તેના પ્રત્યે કહેવા લાગ્યા. ૩૨


ઇતિ શ્રી મુક્તાનંદ સ્વામી વિરચિત શ્રીમત્ સત્સંગિજીવન ગ્રંથના માહાત્મ્યમાં શતાનંદ સ્વામી અને હેમંતસિંહ રાજાના સંવાદરૂપે તે બ્રાહ્મણની ઇતિહાસ કથામાં તે બ્રાહ્મણે જોયેલું સાક્ષાત્ શ્રીહરિના સ્વરૂપનું નિરૂપણ કર્યું એ નામે આઠમો અધ્યાય પૂર્ણ થયો. ।। ૮ ।।