૭૩ જરાસંધે કેદ કરેલા રાજાઓને, શ્રીકૃષ્ણ ભગવાને છોડાવી, તેઓને પોતાનાં રાજ્ય પાછાં સોપ્યાં.

Submitted by swaminarayanworld on Fri, 19/02/2016 - 7:25pm

અધ્યાય ૭૩

જરાસંધે કેદ કરેલા રાજાઓને, શ્રીકૃષ્ણ ભગવાને છોડાવી, તેઓને પોતાનાં રાજ્ય પાછાં સોપ્યાં.

શુકદેવજી કહે છે હે રાજા ! વીશહજાર અને આઠસો રાજાઓ, કે જેઓને જરાસંધે લીલા માત્રથી યુદ્ધમાં જીતી લઇને પર્વતની ગુફામાં કેદ કર્યા હતા, તેઓ ગુફામાંથી બહાર નીકળ્યા. મેલાં વસ્ત્રવાળા, સૂકાએલાં મોઢાંવાળા અને કેદમાં રહેવાને લીધે દુબળા થયેલા તે રાજાઓએ પીળાં રેશમી વસ્ત્ર ધરનારા, શ્રીવત્સનાં ચિહ્નવાળા, ચાર ભુજાવાળા, કમળની પાંખડી સરખા નેત્રવાળા, સુંદર પ્રસન્ન મુખવાળા, ચળકતાં મકરાકૃતિ કુંડળવાળા, શંખ, ચક્ર, ગદા અને પદ્મથી શોભતા, કિરીટ, હાર, કડાં, કટિમેખલા તથા બાજુબંધથી શોભી રહેલા, વળી કૌસ્તુભમણિથી શોભતા ગળાવાળા અને વનમાળાથી વીંટાએલા ઘનશ્યામ ભગવાનને દીઠા. જાણે નેત્રથી પીતા હોય. જીભથી ચાટતા હોય, નાકથી સૂંઘતા હોય અને હાથથી આલિંગન કરતા હોય તેમ દેખાવ આપતા એ નિષ્પાપ રાજાઓ તે ભગવાનના ચરણમાં મસ્તક મૂકીને પગે લાગ્યા.૧-૬ ભગવાનના દર્શનના આનંદથી જેઓને કેદ રહેવાનો પરિશ્રમ મટી ગયો છે, એવા એ રાજાઓ હાથ જોડીને વચનથી, આ પ્રમાણે ભગવાનને વખાણવા લાગ્યા.૭

રાજાઓ કહે છે હે દેવ ! હે ઇશ્વર ! હે શરણાગતોની પીડાને હરનારા ! આપને પ્રણામ કરીએ છીએ. હે કૃષ્ણ ! ભયંકર સંસારથી ખેદ પામીને શરણાગત થયેલા અમારું રક્ષણ કરો.૮ હે નાથ ! હે મધુસુદન ! આ જરાસંધ ઉપર અમે દોષ મૂકતા નથી. કેમકે રાજાઓ રાજ્યથી ભ્રષ્ટ થાય એ તમારો અનુગ્રહ ગણવો જોઇએ.૯ રાજ્યસંબંધી ઐશ્વર્યના મદથી છકી ગએલા રાજાઓ કલ્યાણને પામતા નથી, કારણ કે તેઓ તમારી માયાથી મોહ પામીને અનિત્ય સંપત્તિઓને અવિચળ માને છે.૧૦ જેમ બાળકો ઝાંઝવાનાં પાણીને જળાશય માને, તેમ અવિવેકી લોકો અનેક વિકારવાળી અસ્થિર માયાને સ્થિર માને છે.૧૧ હે શ્રીકૃષ્ણ ! જે અમો પૂર્વે લક્ષ્મીના મદથી આંધળા થયેલા હતા, અને આ પૃથ્વીને જીતી લેવાની ઇચ્છાથી એક બીજાનો દ્વેષ કરનારા હતા, અને માથે મૃત્યુરૂપ આપને નહીં ગણકારી મદોન્મત્ત થઇને અત્યંત નિર્દયપણાથી પોતાની પ્રજાઓને મારતા હતા, તે જ અમો આજ તમારી કૃપાથી ગંભીર વેગવાળા તમારા શરીરરૂપ અને અપાર બળવાળા કાળને લીધે લક્ષ્મીથી ભ્રષ્ટ થતાં ગર્વ રહિત થઇને તમારાં ચરણનું સ્મરણ કરવાની આશા રાખીએ છીએ, માટે રાજ્યથી ભ્રષ્ટ થવું એ આપનો અનુગ્રહ જ છે.૧૨-૧૩ હવે અમે નિરંતર ક્ષીણ થતા જતા અને રોગોના ક્ષેત્રરૂપ આ દેહથી ભોગવવા યોગ્ય તથા ઝાંઝવાનાં પાણી જેવા રાજ્યને તથા માત્ર કાનને જ રુચિ ઉપજાવનારા અને પરલોકમાં ભોગવવાના કર્મફળરૂપ સ્વર્ગાદિકને પણ ઇચ્છતા નથી.૧૪ એટલા માટે અમે અનેક યોનિઓમાં જતાં પણ જે ઉપાયથી અમને તમારા ચરણારવિંદનું સ્મરણ ભૂલાય નહીં એવા ઉપાયનો ઉપદેશ કરો.૧૫ કૃષ્ણ, વાસુદેવ, હરિ, પરમાત્મા, ગોવિંદ અને નમેલા લોકોના કલેશનો નાશ કરનારા આપને વારંવાર પ્રણામ કરીએ છીએ.૧૬

શુકદેવજી કહે છે બંધનથી છૂટેલા રાજાઓ આ પ્રમાણે સ્તુતિ કરતાં દયાળુ અને શરણાગતોનું રક્ષણ કરનાર ભગવાને મધુર વાણીથી રાજાઓને આ પ્રમાણે કહ્યું.૧૭ ભગવાન કહે છે હે રાજાઓ ! તમો જેવું ધારો છો તે પ્રમાણે જ આજથી માંડી, તમોને જે હું સર્વનો ઇશ્વર, આત્મા છું. તે મારામાં અત્યંત દૃઢ ભક્તિ થશે.૧૮ હે રાજાઓ ! તમોએ ઠીક ધાર્યું છે અને સાચી વાત કરી છે. કારણ કે લક્ષ્મી અને ઐશ્વર્યના મદથી જે સ્વેચ્છાચાર પ્રાપ્ત થાય છે, એ મનુષ્યોને ગાંડા બનાવી દે છે.૧૯ સહસ્રાર્જુન, નહુષ, વેન, રાવણ, નરકાસુર અને બીજા પણ દેવ, દૈત્ય તથા મનુષ્યના રાજાઓ લક્ષ્મીના મદથી સ્થાનભ્રષ્ટ થયા છે.૨૦ એટલા જ માટે તમો પણ ઉત્પન્ન થવા યોગ્ય જે દેહાદિક પદાર્થો છે એ નાશવંત છે એમ જાણી, સાવધાનપણે ધર્મથી પ્રજાનું રક્ષણ કરજો અને યજ્ઞોથી મારું પૂજન કરજો.૨૧ તમે પુત્ર પૌત્રાદિક વંશનો વિસ્તાર કરતાં અને સુખ દુઃખ લાભ કે અલાભ જે કાંઇ આવે તેનું સેવન કરતાં મારામાં ચિત્ત રાખીને ફરજો.૨૨ મારામાં સારી રીતે મન રાખીને દેહાદિકમાં ઉદાસીન, આત્મારામ અને નિયમ સહિત રહેવાથી અંતે પરબ્રહ્મ એવો જે હું તે મને પામશો.૨૩

શુકદેવજી કહે છે લોકોના ઇશ્વર શ્રીકૃષ્ણ ભગવાને રાજાઓને આ પ્રમાણે આજ્ઞા કરીને તેઓને સ્નાનાદિક કરાવવા સારું કેટલાક પુરુષો અને સ્ત્રીઓને આજ્ઞા કરી.૨૪ હે રાજા ! સહદેવ પાસે રાજાને યોગ્ય વસ્ત્ર, ભૂષણ, માળા અને લેપન કરવાનાં ચંદનો ચર્ચીને તેઓની પૂજા કરાવી, શણગારી, ઉત્તમ અન્નથી જમાડી તથા રાજાને યોગ્ય તાંબૂલ આદિ અનેક ભોગ ભોગવાવીને ભગવાને સત્કાર કરેલા અને સ્વચ્છ કુંડળ ધરનારા એ રાજાઓ કલેશથી મુકાવાને લીધે,  વર્ષાઋતુના અંતમાં ગ્રહો જેમ શોભે તેમ શોભવા લાગ્યા.૨૬-૨૭ સારા ઘોડાવાળા અને મણિ તથા સુવર્ણથી શણગારેલા રથોમાં બેસાડી તથા મધુર વચનોથી પ્રસન્ન કરી ભગવાને તેઓને પોતપોતાના દેશમાં મોકલ્યા.૨૮ આ પ્રમાણે મહાત્મા શ્રીકૃષ્ણ ભગવાને કષ્ટમાંથી છોડાવેલા રાજાઓ તે ભગવાનનું અને તેમના કર્મોનું ધ્યાન કરતા કરતા પોતપોતાના દેશોમાં ગયા.૨૯ તેઓ સ્વદેશમાં જઇને ભગવાને કરેલું કામ પોતાના મંત્રીઓ આદિની પાસે કહી સંભળાવ્યું, અને ભગવાને આજ્ઞા કરી હતી તે પ્રમાણે આળસ મૂકીને સર્વે કરવા લાગ્યા.૩૦ ભગવાન ભીમસેનના હાથથી જરાસંધને મરાવ્યા પછી સહદેવે કરેલી પૂજાનો સ્વીકાર કરી, અર્જુન તથા ભીમસેનની સાથે ઇંદ્રપ્રસ્થમાં આવ્યા.૩૧ શત્રુને જીતી આવેલા, સંબંધીઓને રાજી કરતા અને શત્રુઓને પીડા કરનારા એ ત્રણે જણાએ ઇંદ્રપ્રસ્થમાં આવીને શંખનાદ કર્યો.૩૨ એ શંખનાદ સાંભળી રાજી થએલા ઇંદ્રપ્રસ્થના રહેવાસીઓએ જરાસંધ મરણ પામવાનો નિશ્ચય કર્યો અને યુધિષ્ઠિર રાજાના સર્વે મનોરથ પૂર્ણ થયા.૩૩ ભીમ, અર્જુન અને ભગવાને યુધિષ્ઠિર રાજાને પ્રણામ કરી પોતે જે કરી આવ્યા હતા તે સર્વે વાત કહી સંભળાવી.૩૪ ભગવાને અનુગ્રહ કર્યાની વાત સાંભળી. આનંદથી અશ્રુને વહેવરાવતા યુધિષ્ઠિર રાજા પ્રેમના દબાણથી કાંઇ પણ બોલી શક્યા નહીં.૩૫

ઇતિ શ્રીમદ્‌ મહાપુરાણ ભાગવતના દશમ સ્કંધનો તોંતેરમો અધ્યાય સંપૂર્ણ.