૭૪ યુધિષ્ઠિરના રાજસૂય યજ્ઞમાં અગ્ર પૂજાના પ્રસંગે શ્રીકૃષ્ણે શિશુપાળનો વધ કર્યો.

Submitted by swaminarayanworld on Fri, 19/02/2016 - 7:27pm

અધ્યાય ૭૪

યુધિષ્ઠિરના રાજસૂય યજ્ઞમાં અગ્ર પૂજાના પ્રસંગે શ્રીકૃષ્ણે શિશુપાળનો વધ કર્યો.

શુકદેવજી કહે છે હે રાજા ! આ પ્રમાણે જરાસંધનો વધ અને પ્રભુ શ્રીકૃષ્ણનો પ્રભાવ સાંભળીને તથા શ્રીકૃષ્ણનું પોતાની આજ્ઞાને અનુસરવાપણું જોઇ પ્રસન્ન થયેલા યુધિષ્ઠિર રાજાએ શ્રીકૃષ્ણને આ પ્રમાણે કહ્યું.૧

યુધિષ્ઠિર કહે છે હે ઇશ્વર ! ત્રિલોકના ગુરુ સનકાદિક, સર્વે લોકો અને લોકપાળ દેવતાઓ જે આપની આજ્ઞાને દુર્લભ માનીને ઘણા માનથી માથે ચઢાવે છે તે આપ, જે અમો દીન અને સમર્થપણાનું મિથ્યા અભિમાન ધરાવનારા છીએ. તે અમારી આજ્ઞાને માથે ચઢાવો છો એ આપને ન ઘટે એવું અનુકરણ છે.૨-૩

અથવા જે આપ એક અદ્વિતીય, પરમાત્મા અને પરિપૂર્ણ છો તે આપને બીજાની આજ્ઞા માનવાપણું વાસ્તવિક રીતે તો છે જ નહીં, છતાં જેમ ઉદય તથા અસ્તપણાથી સૂર્યનું તેજ વૃદ્ધિ પામતુ નથી કે ઘટતુ પણ નથી. તેમ ભક્તો ઉપર અનુગ્રહ કરવા સારુ શત્રુનો પરાજય કરવો એ આદિ કર્મોથી આપનું તેજ વૃદ્ધિ પામતુ નથી અને ઘટતુ પણ નથી.૪ હે અજિત ! હે માધવ ! અજ્ઞાની લોકોને જેવી શરીરના સંબંધમાં ‘‘હું મારું, તું તારું’’ એવી ભેદ બુદ્ધિ હોય છે, એવી તમારા ભક્તોને પણ હોતી નથી, ત્યારે તમને પોતાને તો ક્યાંથી જ હોય ?૫

શુકદેવજી કહે છે આ પ્રમાણે કહી ભગવાનની સંમતિથી યજ્ઞને યોગ્ય સમયમાં તે યુધિષ્ઠિર રાજાએ બ્રહ્મવાદી યોગ્ય બ્રાહ્મણોનું હોતા આદિ ઋત્વિજરૂપે વરણ કર્યું.૬ વેદવ્યાસ, ભરદ્વાજ, સુમંતુ, ગૌતમ, અસિત, વસિષ્ઠ, ચ્યવન, કણ્વ, મૈત્રેય, કવષ, ત્રિત, વિશ્વામિત્ર, વામદેવ, સુમતિ, જૈમિનિ, ક્રતુ, પૈલ, પરાશર, ગર્ગ, વૈશંપાયન, અથર્વા, કશ્યપ, ધૌમ્ય, પરશુરામ, આસુરિ, વીતિહોત્ર, મધુચ્છંદા, વીરસેન અને અકૃતવ્રણ એ મુનિઓને યજ્ઞમાં વરાવ્યા.૭-૯ તેમજ યુધિષ્ઠિરના નિમંત્રણને લીધે બીજા પણ દ્રોણ, ભીષ્મ, કૃપાચાર્યાદિ પુત્રો સહિત ધૃતરાષ્ટ્ર, મોટીબુદ્ધિવાળા વિદુર, બ્રાહ્મણો, ક્ષત્રિયો, વૈશ્યો, શૂદ્રો, સર્વે રાજાઓ અને રાજાઓના મંત્રી આદિ પણ યજ્ઞ જોવાની ઇચ્છાથી ત્યાં આવ્યા હતા.૧૦-૧૧ પછી બ્રાહ્મણોએ દેવતાઓનું યજન કરવાની ભૂમિને સુવર્ણના હળોથી ખેડાવીને ત્યાં વેદનાં વચન પ્રમાણે યુધિષ્ઠિર રાજાને દીક્ષા આપી.૧૨ એ યુધિષ્ઠિર રાજાના યજ્ઞમાં, પૂર્વે વરુણદેવના યજ્ઞની પેઠે, સરસામાન સોનાના કર્યા હતા. ઇંદ્રાદિક લોકપાળ, બ્રહ્મા, સદાશિવ, તેઓના પાર્ષદો, સિદ્ધ, ગંધર્વ, વિદ્યાધર, મોટા નાગ, મુનિઓ, યક્ષ, રાક્ષસ, પક્ષી, કિન્નર, ચારણ, રાજાઓ અને સર્વે રાજાઓની સ્ત્રીઓ, આ સર્વે યુધિષ્ઠિર રાજાના યજ્ઞમાં તેમના બોલાવવાથી આવ્યા હતા.૧૩-૧૫ એ સર્વે કાંઇ પણ વિસ્મય નહીં પામતા ‘ભગવાનના ભક્તને એ સર્વે ઘટે છે’ એમ માનવા લાગ્યાં. દેવસરખા તેજવાળા ઋત્વિજો, જેમ વરુણને દેવતાઓએ યજન કરાવ્યું હતું, તેમ વિધિ સહિત રાજસૂયથી મહારાજ યુધિષ્ઠિરને યજન કરાવતા હતા.૧૬ સારી પેઠે સાવધાન યુધિષ્ઠિર રાજાએ સોમરસ કાઢવાના દિવસે મહાભાગ્યશાળી ઋત્વિજો અને સભા પતિઓની પૂજા કરવા માંડી.૧૭ સભાસદોમાં પહેલી પૂજા કોની કરવી ? એમ સભાસદોએ વિચાર કરતાં તે પૂજાને યોગ્ય ઘણા જણ હોવાને લીધે કાંઇ નિશ્ચય કરી શક્યા નહીં, ત્યારે સહદેવ આ પ્રમાણે બોલ્યા.૧૮ સહદેવ કહે છે યાદવોના પતિ ભક્તવત્સલ ભગવાન. શ્રીકૃષ્ણ જ મુખ્ય પૂજા માટે શ્રેર્ષ્ઠંઈાને યોગ્ય છે; કેમકે શ્રીકૃષ્ણ જ સર્વ દેવતા, દેશ, કાળ અને ધનાદિકરૂપ છે.૧૯ યજ્ઞો અને આ સર્વજગત શ્રીકૃષ્ણરૂપ જ છે. અર્થાત સર્વના અંતર્યામી આત્મા શ્રીકૃષ્ણ જ છે. અગ્નિઓ, આહુતિઓ, મંત્રો, સાંખ્ય અને ઉપાસના એ સર્વે શ્રીકૃષ્ણને માટે છે.૨૦ આ શ્રીકૃષ્ણ એકજ અદ્વિતીય છે. અર્થાત તેની જોડે બીજો કોઇ આવી શકે તેમ નથી. સર્વ જગતનું મૂળતત્ત્વ એ જ છે. હે સભાસદો ! અજન્મા અને સ્વાશ્રય ભગવાન પોતે જ આ જગતને સ્રજે છે, પાળે છે અને પ્રલય કરે છે.૨૧ આ સર્વે લોકો શ્રીકૃષ્ણના અનુગ્રહથી જ અનેક પ્રકારનાં સત્કર્મ કરીને ધર્માદિકરૂપ પુરુષાર્થને સિદ્ધ કરે છે.૨૨ આટલા માટે મહાત્મા શ્રીકૃષ્ણને જ ઉત્તમ પૂજા આપો, અને એમ કરશો તો સર્વપ્રાણીઓનું અને પોતાનું પણ પૂજન થશે.૨૩ જે પુરુષ દાનના અનંતફળને ઇચ્છતા  હોય તેણે જે શ્રીકૃષ્ણ સર્વપ્રાણીઓના આત્મા, ભેદમતિનો નાશ કરનાર, શાંત અને પૂર્ણ છે તે શ્રીકૃષ્ણને જ દેવું જોઇએ.૨૪

શુકદેવજી કહે છે ભગવાનના પ્રભાવને જાણનારા સહદેવ આટલું બોલીને ચુપ રહ્યા. આ વચન સાંભળીને સર્વે મહાત્મા પુરુષો ‘‘સારું સારું’’ એમ વખાણવા લાગ્યા. ૨૫ બ્રાહ્મણોનો શબ્દ સાંભળી અને સભાસદોનો અભિપ્રાય જાણી રાજી થયેલા અને સ્નેહથી વિહ્વળ થયેલા યુધિષ્ઠિર રાજાએ સર્વપ્રથમ ભગવાનની પૂજા કરી.૨૬ રાજા, તેમની સ્ત્રીઓ, ભાઇઓ અને મંત્રીઓએ તથા તેમના કુટુંબે ભગવાનનાં ચરણ ધોઇને જગતને પવિત્ર કરનાર તેનું જળ પ્રીતિથી માથે ચઢાવ્યું.૨૭ પીળાં રેશમી વસ્ત્ર અને ઘણા મૂલ્યનાં આભૂષણોથી ભગવાનનું પૂજન કરી, યુધિષ્ઠિર રાજા આંખોમાં આંસુ ભરાઇ આવવાથી તેમની સામું જોઇ શક્યા નહીં.૨૮આ પ્રમાણે ભગવાનનો સત્કાર થયેલો જોઇ સર્વે લોકો હાથ જોડી ‘‘નમો નમો જય જય’’ એવા શબ્દો કરી ભગવાનને નમ્યા અને પુષ્પની વૃષ્ટિ કરી.૨૯ આ શબ્દો સાંભળી ભગવાનના ગુણોના વર્ણનથી જેને ક્રોધ ઉત્પન્ન થયો છે, એવો શિશુપાળ સભામાં નિર્ભયપણે પોતાના આસન પરથી ઊભો થઇ, હાથ ઊંચો કરીને અસહનતાથી ભગવાનને કઠણ વચન સંભળાવવા સારુ આ પ્રમાણે બોલ્યો.૩૦

શિશુપાળ કહે છે ‘કાળ અલંઘ્ય અને સમર્થ છે. એવી લોકોની વાત સાચી છે; કેમકે બાળકના વચનથી વૃદ્ધલોકોની બુદ્ધિ પણ ફરી જાય છે.૩૧ હે સભાસદો ! તમે પાત્ર જાણનારાઓમાં શ્રેષ્ઠ થઇને, આ બાળક સહદેવના બોલવાથી કૃષ્ણ અગ્ર પૂજાને યોગ્ય માનવામાં આવે છે, તેને માનો મા.૩૨ તપ, વિદ્યા અને વ્રતને ધરનારા, જ્ઞાનથી સર્વદોષ રહિત થયેલા, બ્રહ્મમાં નિષ્ઠાવાળા અને લોકપાળોએ પણ પૂજેલા એવા જે મોટા ઋષિઓ, આ સભાના સભાપતિઓ છે તે ઋષિઓને મૂકી દઇ, ગોવાળ અને કુળને વટલાવનાર આ કૃષ્ણ પૂજાને યોગ્ય કેમ મનાય છે ? કાગડો પુરોડાશને યોગ્ય હોય જ નહીં.૩૩-૩૪ વર્ણ, આશ્રમ તથા કુળથી ભ્રષ્ટ, સર્વે ધર્મોથી બહિષ્કૃત થયેલો, સ્વછંદ રીતે વર્તનાર અને ગુણ વગરનો આ કૃષ્ણ શી રીતે પૂજાને યોગ્ય ગણાય ?૩૫ યયાતિ રાજાના શાપને લીધે સત્પુરુષોએ બહિષ્કૃત કરેલું અને નિરંતર વૃથા મદિરા પીવામાં લાગેલું આ લોકોનું કુળ શી રીતે પૂજાને યોગ્ય થાય ?૩૬ આ બહારવટિયા લોકો (યાદવો) બ્રહ્મર્ષિઓએ સેવેલા દેશોને છોડી દઇ સમુદ્રરૂપી જે ગઢમાં વેદ સંબંધી તેજ રહે જ નહીં. તે ગઢમાં રહીને પ્રજાઓને દુઃખ દે છે.૩૭

શુકદેવજી કહે છે જેનું પુણ્ય નાશ પામ્યું હતું એવો શિશુપાળ આ પ્રમાણે ઘણાં દુર્વચન બોલ્યો, પણ શિયાળના શબ્દને સાંભળીને જેમ સિંહ કાંઇ પણ ન બોલે. તેમ એ વચન સાંભળીને ભગવાન કાંઇ પણ ન બોલ્યા.૩૮ સભાસદો એ ભગવાનની અસહ્ય નિંદાને સાંભળી, ક્રોધથી શિશુપાળને ગાળો દેતા દેતા પોતાના કાન બંધ કરીને ઊઠી ગયા.૩૯ ભગવાનની અથવા ભગવાનના ભક્તની નિંદા સાંભળીને તે સ્થળમાંથી જે માણસ ખસી ન જાય તે માણસ પોતાના પુણ્યમાંથી ભ્રષ્ટ થઇને નરકમાં પડે છે.૪૦ પછી ક્રોધ પામેલા પાંડવો અને મત્સ્ય, કૈક્ય તથા સૃજય વંશના ક્ષત્રિયો શિશુપાળને મારી નાખવાની ઇચ્છાથી હથિઆર ઊચકીને ઊભા થયા.૪૧ હે રાજા ! એ જોઇને સભામાં શ્રીકૃષ્ણના પક્ષના રાજાઓને ધિક્કારતા શિશુપાળે પણ નિર્ભય રીતે ઢાલ તલવાર લીધી.૪૨ તેટલીવારમાં આ મારો પાર્ષદ મારા સરખો જ બળવાન છે તેથી આ સર્વેને મારી નાખશે, માટે મારે જ તરત મારવો જોઇએ, આવા અભિપ્રાયથી ભગવાને તરત પોતે ઊઠીને પોતાના પક્ષવાળાઓને વારતાં ક્રોધથી જે શિશુપાળ સામો આવતો હતો તે શિશુપાળનું માથું સજાયા સરખી ધારવાળા ચક્રથી કાપી નાખ્યું.૪૩ શિશુપાળ મરણ પામતા ભારે કોલાહલ શબ્દ થઇ રહ્યો, અને શિશુપાળને અનુસરનારા રાજાઓ જીવવાની ઇચ્છાથી ભાગી ગયા.૪૪ આકાશમાંથી પડેલી ઉલ્કા જેમ પૃથ્વીમાં પેશી જાય, તેમ શિશુપાળના દેહમાંથી નીકળેલું તેજ, સર્વે પ્રાણીઓ દેખતા ભગવાનમાં પ્રવેશી ગયું. (અર્થાત શિશુપાળ ભગવાનના પાર્ષદ પણાને પામ્યો.) ૪૫ ત્રણ જન્મમાં વારંવાર વેરના આવેશવાળી બુદ્ધિથી જેના મનમાં ભગવાનનું જ ધ્યાન લાગી રહ્યું હતું એવો શિશુપાળ ફરીવાર ભગવાનનો પાર્ષદ થયો; કેમકે મનની ભાવના જ જન્મનું કારણ છે.૪૬ ચક્રવર્તી યુધિષ્ઠિર રાજાએ ઋત્વિજોને અને સભાપતિઓને મોટી દક્ષિણા આપી, અને સર્વલોકોનું પૂજન કરીને અવભૃથસ્નાન કર્યું.૪૭ યોગેશ્વરોના ઇશ્વર શ્રીકૃષ્ણ ભગવાન યુધિષ્ઠિર રાજાનો યજ્ઞ સિદ્ધ કરાવીને પછી સંબંધીઓની માગણી ને આધારે કેટલાક મહિના સુધી ત્યાં ઇંદ્રપ્રસ્થમાં જ રહ્યા.૪૮ પછી ભગવાન, યુધિષ્ઠિર રાજાની ઇચ્છા ન હતી, તોપણ તેમની આજ્ઞા લઇને પોતાની સ્ત્રીઓ અને મંત્રીઓની સાથે દ્વારકામાં પધાર્યા.૪૯ વૈકુંઠમાં રહેનારા જય વિજયના વારંવાર જન્મ બ્રાહ્મણોના શાપને લીધે થયા, એ આખ્યાન ઘણા વિસ્તારથી મેં તમારી પાસે કહી સંભળાવ્યું.૫૦ રાજસૂયના અવભૃથસ્નાનથી નાહેલા યુધિષ્ઠિર રાજા, બ્રાહ્મણો અને ક્ષત્રિયોની સભામાં ઇંદ્રની પેઠે શોભતા હતા.૫૧ રાજાએ સત્કાર કરેલા, શ્રીકૃષ્ણના તથા યજ્ઞના વખાણ કરતા દેવ, માણસ અને પ્રમથ લોકો આનંદથી પોતપોતાના સ્થાનકોમાં ગયા.૫૨ પાપી કળિયુગના અંશરૂપ અને કુરુ રાજાના કુળમાં રોગરૂપ એક દુર્યોધન કે જે યુધિષ્ઠિર રાજાની વૃદ્ધિ પામેલી લક્ષ્મીને સહન ન કરી શક્યો, તે વિના બીજા સર્વે લોકો રાજી થયા.૫૩ રાજાઓને છોડાવ્યા, યજ્ઞ કરાવ્યો અને શિશુપાળને માર્યો. ઇત્યાદિક શ્રીકૃષ્ણની આ લીલાનું જે વર્ણન કરે તે સર્વે પાપોથી છૂટે છે.૫૪

ઇતિ શ્રીમદ્‌ મહાપુરાણ ભાગવતના દશમ સ્કંધનો ચુમોતેરમો અધ્યાય સંપૂર્ણ.