લઈને ગયો મન પ્રાણ રે, માવો મારાં લઈને ગયો મન પ્રાણ રે

Submitted by swaminarayanworld on Fri, 19/02/2010 - 6:42pm
રાગ - પરજ દેશી
પદ - ૧
લઈને ગયો મન પ્રાણ રે, માવો મારાં લઈને ગયો મન પ્રાણ રે માવો -
પ્રાણ લઈને વ્હાલે પરવશ કીધી, ભૂલી હું તનડાનું ભાન રે - માવો
જોયા વિના રે જીવલડો જાય છે, થાય છે જો તનડામાં તાણ રે - માવો
નેણાંને આગે કોઈ આણી મીલાવે, સુંદર શ્યામ સુજાણ રે - માવો
પ્રેમાનંદના નાથની છું હું તો, દામ વિનાની વેચાણ રે - માવો
 
 
પદ - ૨
આંખડિયો અકળાયે રે, જોયા વિના આંખડીયો અકળાયે રે - જોયા
રાત દિવસ જોવું વાટ વહાલાની, આંસુડાં ન સુકાયે રે - જોયા
સૂની સેજ જોઈ મંદિરમાં, કાળજડું કોરાયે રે - જોયા
શ્રી ઘનશ્યામ વદન જોયા વિના, પળ પળ જુગ સમ જાયે રે - જોયા
પ્રેમાનંદ કહે તનડું તપે છે, મળવાને મોહનરાયે રે - જોયા
 
 
પદ - ૩
મુખડું જોયાનું હતું નેમ રે, દા’ડી મારે મુખડું જોયાનું હતું નેમ રે - દા’ડી
મુખડું જોયા વિના પાણીએ ન પીતી, ચંદને ચકોર જોતી રે - દા’ડી
વદન જોવાને ઘનશ્યામ વહાલાનું, રહેતી હાજર એમની એમ રે - દા’ડી
કામ ને કાજ ઘરબાર સંસાર મેંતો, મેલ્યો પડતો જેમ તેમ રે - દા’ડી
પ્રેમાનંદનો નાથ જોયા વિના, હવે કરીશ હું કેમ રે - દા’ડી
  

 

પદ - ૪
કોઈ દેખાડો ઘનશ્યામ રે, મોળીડા વાળો કોઈ દેખાડો ઘનશ્યામ રે - મોળીડા
શ્રી ઘનશ્યામ નારાયાણ મારે, સરવે સુખનો ધામ રે - મોળીડા
એ સારુ ઘરબાર જગત સુખ, સરવે કીધું મેં હરામ રે - મોળીડા
શત્રુ કંપે છે જેનું નામ સુણીને, માન ક્રોધાદિક કામ રે - મોળીડા
પ્રેમાનંદના નાથ વિના સરવે, વ્યાકુળ ગોકુળ ગામ રે - મોળીડા
 
 
Facebook Comments