અધ્યાય - ૬૯ - શ્રીહરિજયંતીના વ્રતવિધિનું વિસ્તારથી નિરૃપણ.

Submitted by swaminarayanworld on Tue, 08/08/2017 - 10:09pm

અધ્યાય - ૬૯ - શ્રીહરિજયંતીના વ્રતવિધિનું વિસ્તારથી નિરૃપણ.

શ્રીહરિજયંતીના વ્રતવિધિનું વિસ્તારથી નિરૃપણ.

ભગવાન શ્રીહરિનાં ચરિત્રો સાંભળી પરમ આનંદ પામેલા પ્રતાપસિંહ રાજા સુવ્રતમુનિને ફરી પૂછવા લાગ્યા કે હે મુનિ !
શ્રીનારાયણનાં ચરિત્રો વારંવાર સાંભળ્યાં છતાં મારા મનમાં તૃપ્તિ થતી નથી, હજુ વધુને વધુ સાંભળવાની ઇચ્છા થાય છે.૧-ર

હે મુનિ!
શ્રીહરિજયંતીવ્રતનો વિધિ શતાનંદ સ્વામીએ લખ્યો છે. તે વિધિમાં શ્રીહરિના આશ્રિત નરનારીઓને ઉપવાસ - પૂજન આદિક કરવાને યોગ્ય જે કાંઇ પણ લખ્યું છે, તે મને સંભળાવો.૩

સુવ્રતમુનિ કહે છે, હે પ્રતાપસિંહ રાજન્ ! તમને ખરેખર ધન્ય છે. કારણ કે તમે ભગવાન શ્રીહરિની કથાને જાણે નવીન ને નવીન હોય તેમ આદરપૂર્વક અખંડ ભક્તિભાવની સાથે વારંવાર સાંભળવા ઇચ્છો છો.૪

હે રાજન્ !
શ્રીહરિજયંતીનો સમગ્ર વિધિ હું તમને સંભળાવું છું. જેનું માત્ર શ્રવણ કર્યાથી શ્રીહરિજયંતી વ્રત કરવાનું ફળ પ્રાપ્ત થાય છે.૫

હે રાજન્ !
આમોદ નગરમાં એક બુદ્ધિમાન, ઇન્દ્રિયોનું દમન કરી વશમાં વર્તાવનારો, સ્વધર્મમાં તત્પર અને બહાર તથા અંદર સદાય પવિત્રપણે રહેતો, તથા ગુણોનો નિધિ એવો શિવગુપ્ત નામનો ઉત્તમ વૈશ્ય ભક્ત નિવાસ કરીને રહેતો હતો.૬

સર્વે સમૃદ્ધિથી સંપન્ન એ વૈશ્યને કોઇ સંતાન ન હતું. તેથી તે પોતાની પત્નીએ સહિત પુત્રની ચિંતામાં ઉદાસીન રહેતો.૭

જે જે લોકોએ પુત્ર પ્રાપ્તિને માટે જે જે વ્રતાદિક કરવાનાં કહ્યાં, તે સર્વે તે વૈશ્યે વિધિપૂર્વક અનુષ્ઠાન કર્યાં.૮

છતાં પણ તેને પુત્રની પ્રાપ્તિ થઇ નહિ. તેથી તે શિવગુપ્ત કોઇ સારા પંડિત બ્રાહ્મણને પૂછવા તીર્થયાત્રાના બહાને આ પૃથ્વીપર વિચરણ કરવા લાગ્યો.૯

દંભી પુરુષોના વચનમાં વિશ્વાસ નહીં કરતા તે વૈશ્યે પોતાના અતિશય પ્રિયમિત્ર બ્રાહ્મણને વડતાલને વિષે ગોમીતીજીને તટે જોયો.૧૦

પ્રત્યક્ષ ભગવાન શ્રીહરિકૃષ્ણના ભક્ત, વેદ શાસ્ત્રમાં નિપુણ અને પોતાના ધર્મનું યથાર્થ પાલન કરનાર તે રામશર્મા નામના બ્રાહ્મણને નમસ્કાર કરી, નેત્રમાં અશ્રુઓ લાવી, તે વૈશ્ય તેમની સમીપે બેઠો.૧૧

એ બ્રાહ્મણે પણ પુત્ર પ્રાપ્તિની ચિંતામાં કૃશ શરીરવાળા થઇ ગયેલા, ઉદાસી વૈશ્યને જોઇ, તેનું વૃતાંત પૂછયું. ત્યારે શિવગુપ્ત વૈશ્યે રામશર્મા બ્રાહ્મણને પોતાનું યથાર્થ વૃતાંત કહી સંભળાવ્યું.૧ર

તેનું સમગ્ર વૃતાંત સાંભળી રામશર્મા બ્રાહ્મણ શિવગુપ્ત વૈશ્યને કહેવા લાગ્યો, હે વૈશ્ય !
ચિંતા છોડીને થોડા સ્થિર થાઓ, અને હું જે કહું તેનું તમે તત્કાળ પાલન કરો. તમને ચોક્કસ પુત્ર પ્રાપ્ત થશે. તેમાં કોઇ સંશય નથી. તમે પ્રેમથી વિધિપૂર્વક શ્રીહરિજયંતીનું વ્રત કરો. કારણ કે તેનાથી ધર્મ - અર્થ - કામ અને મોક્ષ આ ચારે પુરૃષાર્થમાંથી કોઇ પણ પુરૃષાર્થની ઇચ્છા હોય તે તત્કાળ સિદ્ધ થાય છે.૧૪

ત્યારે વૈશ્ય પૂછવા લાગ્યો કે, હે વિપ્ર !
એ શ્રીહરિ કોણ છે ? અને તેનું વ્રત મારે કઇ રીતે કરવું જોઇએ ? તે સર્વે વિધિ મને સંભળાવો હું કોઇના પર જલદી વિશ્વાસ કરતો નથી, પરંતુ મને તમારા ઉપર પહેલેથી પૂર્ણ વિશ્વાસ છે.૧પ

ત્યારે બ્રાહ્મણ કહે છે, હે વૈશ્ય ! અક્ષરધામના અધિપતિ સ્વયં ભગવાન શ્રીવાસુદેવનારાયણ જ આ પૃથ્વીપર સાક્ષાત્ મનુષ્ય સ્વરૃપે સ્વેચ્છાએ પ્રગટ થયા હતા, તેને શ્રીહરિ, શ્રીકૃષ્ણ, નારાયણ, એવા નામથી કહ્યા છે.૧૬

તેમજ તેને હરિકૃષ્ણ, ઘનશ્યામ, નીલકંઠ એવે નામે પણ કહ્યા છે. વળી તેને સ્વામી સહજાનંદ અને સ્વામિનારાયણ એવે નામે પણ કહ્યા છે.૧૭

ગુણ કર્મને અનુસારે અનેક નામોને ધારણ કરતા એ ભગવાન શ્રીહરિનો દિગન્તમાં ખૂબજ પ્રભાવ વ્યાપ્યો છે. તેનાં ચરિત્રો હું સંક્ષેપથી કહું છું.૧૮

આ પૃથ્વીપર ઉત્તર કૌશળદેશમાં ઉત્તમ છપૈયા નામે ગામ આવેલું છે. તે છપૈયામાં દેવશર્મા નામથી નિર્મણ બુદ્ધિવાળા, બહાર - અંદર સદાય પવિત્ર પરાયણ રહેતા, એક ઉત્તમ બ્રાહ્મણ થયા.૧૯

એ બ્રાહ્મણ ધર્મમાં જ નિરંતર સ્થિર વર્તતા હોવાથી લોકમાં ''ધર્મ'' એવા નામથી પ્રસિદ્ધિને પામ્યા. એ વિપ્રનાં પત્ની સર્વકાળે કૃષ્ણભક્તિમાં જ આસક્ત રહેતાં હોવાથી લોકમાં ''ભક્તિદેવી'' ના નામથી પ્રસિદ્ધિને પામ્યાં.ર૦

વિષયોના રાગથી રહિત વર્તતાં, ધર્માચરણથી પવિત્ર અંતઃકરણવાળાં, ઇન્દ્રિયોને જીતીને વર્તતાં એવાં એ દંપતી સર્વેના હૃદયમાં અંતર્યામી સ્વરૃપે વિરાજતા ભગવાન શ્રીવાસુદેવનું નિરંતર એકાંતિક ભાવથી ધ્યાન કરતાં.૨૧

રાજાઓ અને ગુરુઓના રૃપને ધારણ કરનારા અને કળિયુગની સામર્થીથી બહુ બળવાન થયેલા ઘણા બધા અસુરોથી આ પૃથ્વીપર તે દંપતી અતિશય વારંવાર પીડા પામવા છતાં પોતાની ધીરજનો ત્યાગ કરતાં ન હતાં.રર

સમસ્ત જનોને ભય ઉપજાવતા, ભૂત - ભૈરવાદિકને પણ ભય ઉપજાવે તેવું ભયંકર શરીર ધારણ કરનારા, તેમજ પોતાના આશ્રિતવર્ગને સુખેથી દર્શન કરી શકે તેવું સૌમ્યરૃપ ધારણ કરનારા પોતાના કુળદેવ હનુમાનજીએ સમગ્ર દુઃખના સમુદાયથી તે ભક્તિ- ધર્મનું રક્ષણ કર્યું હતું.ર૩

સ્વધર્મ અને ભક્તિને વિષે દૃઢ સ્થિતિને પામેલાં ને ભગવાન શ્રીકૃષ્ણને વિષે અનન્ય ભાવવાળાં તે ભક્તિ - ધર્મે વૃંદાવનમાં શાસ્ત્રોક્ત વિધિ અનુસાર વિષ્ણુયાગનું અનુષ્ઠાન કરી ભગવાન શ્રીકૃષ્ણને સાક્ષાત્ પ્રસન્ન કર્યા.ર૪

તેમના ઉપર પ્રસન્ન થયેલા ભગવાને આલોકમાં અસુરોએ ઉત્પન્ન કરેલા તેમજ પૃથ્વીના દુઃખમાં કારણભૂત એવા કૌલાદિ અધર્મનો તત્કાળ અતિશય વિનાશ કરવાની ઇચ્છાથી તે ભક્તિ - ધર્મથકી આ પૃથ્વીપર પ્રાદુર્ભાવ થવાની ઇચ્છા કરી.૨૫

ત્યાર પછી ધર્મપ્રિય, સમગ્ર દેવોના દેવ અને સર્વાંતર્યામી, નારાયણ એવા ભગવાન શ્રીકૃષ્ણ દિવ્ય મનુષ્યાકૃતિ ધારણ કરવા માટે ઉત્તર કૌશલદેશમાં ધર્મ - ભક્તિને ત્યાં પુત્રભાવને પામ્યા.ર૬

વસંતઋતુમાં ચૈત્રમાસના સુદ પક્ષની નવમી તિથિ ને સોમવારે પુષ્યનક્ષત્રમાં રાત્રીના બીજા પ્રહરની ત્રીજી ઘડીએ એ શ્રીકૃષ્ણ ભગવાન પ્રગટ થયા.ર૭

તે સમયે આ પૃથ્વી પર ખૂબજ મંગલ વાતાવરણ ખડું થયું. ધર્મ-સેવી સાધુજનોના હૃદયમાં ખૂબજ હર્ષ પ્રગટ થયો. ધર્મદ્રોહી અસુર ગુરુઓ તથા અસુર રાજાઓમાં તથા વિપ્ર - ગાય - દેવ આદિના રૃપમાં ભગવાનનો દ્રોહ કરનારા મનુષ્યોના હૃદયમાં પણ ખૂબજ ભય ઉત્પન્ન થયો.ર૮

ધર્મદેવે જાતકર્મના સંસ્કારથી લઇ ઉપનયન સુધીના સર્વે સંસ્કારો બહુજ સારી રીતે કર્યા. શ્રીહરિ આદિક નામવાળા ભગવાને પોતાનાં માતા - પિતા એવાં ભક્તિ - ધર્મને સર્વપ્રકારે સુખ આપ્યું, ને પોતાના સ્વરૃપનું જ્ઞાન આપી દુર્વાસાના શાપ થકી છોડાવી દિવ્ય સ્વરૃપમાં પોતાની પાસે નિવાસ આપીને અતિશય ખુશ કર્યાં.૨૯

વૈરાગ્યના વેગથી ઘરના સુખનો ત્યાગ કરનાર શ્રીહરિ પૃથ્વીપર તીર્થયાત્રા કરી, ધર્મના વેરી એવા અધર્મનો મૂળે સહિત નાશ કરી, પોતાના અતિશય પ્રભાવથી પૃથ્વી પર ધર્મનું અચળપણે સ્થાપન કર્યું.૩૦

સ્વધર્મ વિજ્ઞાન અને વૈરાગ્યે યુક્ત લક્ષ્મીપતિ ભગવાન શ્રીકૃષ્ણની એકાંતિકી ભક્તિ પોતાના આશ્રિતજનોમાં પ્રવર્તાવી. તેણે કરીને ધર્મના દ્વેષી અસુરો તત્કાળ ક્ષોભ પામ્યા.૩૧

તે તે પ્રદેશમાં અધર્મના માર્ગે ચાલનારા અસુર ગુરુઓના અનેક યૂથો, તેમજ ધર્મનો દ્રોહ કરનારા અનેક અસુર રાજાઓ, તથા ભગવાનની ઉપાસના રહિત કેવળ શુષ્કજ્ઞાનના અભિમાનીઓ અને દંભમાત્રથી ભક્તનો વેષ ધારણ કરનારાઓ હતા.૩ર

તે સર્વે ભગવાન શ્રીહરિની સદ્ધર્મની સ્થાપના જોઇ તથા અલૌકિક ઐશ્વર્ય જોઇ મત્સરગ્રસ્ત થયા ને ભગવાન શ્રીહરિના અલૌકિક ઐશ્વર્યના માર્ગને પામવા અસમર્થ હોવા છતાં તેઓ શ્રીહરિનો અતિશય દ્રોહ કરવા લાગ્યા.૩૩

ભગવાન શ્રીહરિનો દ્રોહ કરવાથી ઉત્પન્ન થયેલા પાપથી તે સર્વે દુર્જનો અતિશય મોહ પામ્યા ને તેઓને મધ્યે હજારો શસ્ત્રધારી અસુરો પરસ્પર શસ્ત્રનો પ્રહાર કરી વિનાશને પામ્યા.૩૪

કેટલાક તો અતિ નિંદિત પરસ્ત્રીસંગ, ધનની ચોરી આદિક દુષ્કર્મો કરવાથી રાજાએ કરેલા નાક - કાન કાપવારૃપ દંડથી અને ગધેડાં ઉપર અવળે મુખે બેસાડવારૃપ દંડથી વિનાશ પામ્યા.૩પ

કેટલાક તો રાજા દ્વારા મહાનૌકામાં બેસાડી મહાનદીના જળપ્રવાહની મધ્યે ડૂબાડી દેવાથી નાશ પામ્યા. વળી કેટલાક ભગવાન શ્રીહરિનો દ્રોહ કરનારા અસુર રાજાઓ હતા તે રાજ્યલક્ષ્મીનો વિનાશ તથા કુઠરાદિરોગોથી વિનાશ પામ્યા. તો કોઇ શત્રુઓથી નાશ પામ્યા, અને અનેક તો બળવાન રાજા દ્વારા રાજસંપત્તિ હરી લેવાથી અતિશય દુર્દશાને પામ્યા.૩૬

આ પ્રમાણે પોતાના પ્રભાવથી ભગવાન શ્રીહરિએ આ પૃથ્વી પર વિચરણ કરી અધર્મસર્ગનો સંપૂર્ણ પણે વિનાશ કર્યો, ને સુરા - માંસનું ભક્ષણ કરતા અસુર દેવતાઓના ભક્તો દ્વારા વિલોપ કરી મૂકેલા ધર્મસર્ગનું પુનઃ પ્રવર્તન કર્યું.૩૭

આ પૃથ્વી પર મનુષ્યોને પોતાની ઇચ્છા મુજબની સમાધિ કરાવીને ભગવાન શ્રીહરિએ સમાધિ સિદ્ધિની પ્રાપ્તિ માટે બહુ જ પ્રયાસ કરતા અષ્ટાંગ યોગના અભ્યાસી યોગીજનોને પણ અતિશય વિસ્મય પમાડી દીધા.૩૮

આ પૃથ્વી પર જે મનુષ્યો ભગવાન શ્રીહરિનો અતિશય પ્રતાપ જાણતા ન હતા, છતાં પણ તેને શરણે આવેલા હતા, તે સર્વેને યમદૂતોના હાથથકી રક્ષણ કરી, એ ભગવાન શ્રીહરિએ દયા કરીને તેમને મુક્તિ આપી.૩૯

તથા જે મુમુક્ષુ અને જ્ઞાની જનો હતા, તે તો ભગવાન શ્રીહરિનો અતિશય પ્રતાપ જોઇ, શ્રીહરિને જ સાક્ષાત્ ભગવાન શ્રીકૃષ્ણ જાણી, પોતાની મુક્તિ માટે તેમનો જ આશ્રય કરવા લાગ્યા.૪૦

કોઇ મનુષ્યો પરમેશ્વરપણાના સૂચક ભગવાન શ્રીહરિનાં ચરણ કમળમાં રહેલાં ઊર્ધ્વરેખાદિ સોળ ચિહ્નોથી શ્રીહરિનો સાક્ષાત્ પરમેશ્વરપણાનો નિશ્ચય કરતા હતા. તો કોઇ સુજ્ઞાજનો કોઇનાથી પણ સાધી ન શકાય તેવા સમાધિયોગને સહજતાથી શ્રીહરિદ્વારા પામીને તેમને પરમેશ્વર જાણતા હતા.૪૧

કોઇ મનુષ્યો ભગવાન શ્રીહરિના આશ્રિત સંતોની અસાધારણ ધર્મપાલનની નિષ્ઠા જોઇ, અને એવી શાસ્ત્રોક્ત ધર્મનિષ્ઠા બીજા લૌકિક સાધુઓમાં ન જોઇ, તેથી પણ તેઓ ભગવાન શ્રીહરિને પરમેશ્વર જાણવા લાગ્યા.૪ર

પરંતુ જે દંભી ભક્તો હતા, તેઓ બહુ દોષવાળા પોતાના મતનો ત્યાગ કરીને પણ સાક્ષાત્ શ્રીહરિનું શરણું સ્વીકારતા ન હતા. યોગૈશ્વર્યનો વિસ્તાર કરતા ભગવાન શ્રીહરિ તેઓને પણ આશ્ચર્ય ઉપજાવે તેવાં પોતાનાં અલૌકિક ઐશ્વર્યનું દર્શન કરાવતા હતા.૪૩

હજારો મનુષ્યો પ્રયત્ન વિના પોતાના હૃદયમાં તત્કાળ સમાધિની સ્થિતિ પામ્યા. સમાધિમાં શ્રીહરિની કૃપાથી પોતપોતાના ઇષ્ટદેવનાં દર્શન કરી, પોતાના ઇષ્ટદેવ છે, તે જ આ શ્રીહરિ છે, એવું જોઇને અતિશય હર્ષને પામ્યા.૪૪

ત્યારપછી સમાધિમાંથી જાગ્રત થયેલા મનુષ્યો પોતાના ઇષ્ટદેવ છે, તે જ આ શ્રીહરિ છે, એવો નિશ્ચય કરી અતિશય આશ્ચર્યપૂર્વક તત્કાળ શ્રીહરિનો આશ્રય કરવા લાગ્યા ને પોતાના મતનો ત્યાગ કરી પોતાની મુક્તિ માટે શ્રીહરિના વચનમાં વર્તવા લાગ્યા.૪૫

જે મનુષ્યો શુષ્કવેદાંતીઓ હતા. તેઓને ભગવાન શ્રીહરિ પ્રમાણોએ સહિત વાદ-વિવાદથી તત્કાળ જીતી, સાક્ષાત્ દિવ્યાકૃતિ પરબ્રહ્મ શ્રી વાસુદેવના પ્રેમપૂર્વક કરાતા ઉપાસનામાર્ગને ગ્રહણ કરાવતા હતા.૪૬

જે વિપ્રો તેમનો આશ્રય કરતા તે વિપ્રો તો શમ - દમાદિક ગુણોએ યુક્ત થઇ સ્નાન સંધ્યાદિ બ્રાહ્મણના ષટ્કર્મોની સાથે રાધારમણ ભગવાન શ્રીકૃષ્ણની ભકિત કરવા લાગી ગયા.૪૭

એ શ્રીહરિનો આશ્રય કરનારા બ્રહ્મચારીઓ અને સાધુઓ દુષ્કર બ્રહ્મચર્ય વ્રતનું અષ્ટપ્રકારે પાલન કરી, સાધુઓના સમગ્ર ધર્મોમાં વર્તતા હોવાથી, તેઓ લોકપ્રસિદ્ધ સાધુઓથી તદ્દન વિલક્ષણ જણવા લાગ્યા.૪૮

આ લોકમાં પોતપોતાના વર્ણાશ્રમધર્મનું પાલન કરનારા અન્ય જનો હતા, તે પણ શાસ્ત્રોક્ત પ્રમાણે સદાચારનું પાલન કરી, તે શ્રીહરિના પ્રતાપથી સમગ્ર પોતાના કામાદિ દોષોનો ત્યાગ કરી, અતિશય ભક્તિભાવની સાથે શ્રીહરિની જ ભક્તિ કરવા લાગ્યા.૪૯

આ લોકમાં ભગવાન શ્રીહરિની આશ્રિત સધવા સ્ત્રીઓ હતી, તે પણ પતિવ્રતાના ધર્મમાં મહાન પ્રતિષ્ઠા પામી અને વિધવા નારીઓ હતી, તે પણ સ્વધર્મમાં નિષ્ઠાવાન થઇ, પોતાના શુભ બ્રહ્મચર્યવ્રતમાં અતિશય ઉત્તમ સ્થિતિને પામી.૫૦

ભગવાન શ્રીહરિએ આલોકમાં રાજાઓને પણ આશ્ચર્ય ઉપજાવે તેવા શ્રીકૃષ્ણ પ્રાદુર્ભાવ-દિવસના મહોત્સવો, એકાદશીવ્રતના મહોત્સવો તથા અન્નકૂટાદિ મહોત્સવોને બહુ પ્રકારની પવિત્ર સામગ્રીઓ વડે વારંવાર ઉજવ્યા.પ૧

હે વૈશ્યવર્ય !
ભગવાન શ્રીહરિએ રાજાઓને પણ આશ્ચર્ય ઉપજાવે તેવા વિષ્ણુયાગયજ્ઞો કરાવ્યા ને હજારો વિપ્રોને તથા હજારો સંતોને બહુ માસ પર્યંત વારંવાર ભોજનો જમાડી તૃપ્ત કર્યા.પર

વળી ભગવાન શ્રીહરિએ તે તે ગામ તથા નગરોને વિષે યાત્રિક મનુષ્યોના સંતોષને માટે મોટા સદાવ્રતો કરાવ્યાં, ને તેને વિષે આવતા યાત્રિકજનો આશ્ચર્ય સાથે ઇચ્છિત મહા સુખને પામતા.પ૩

વળી તેમણે પૃથ્વીપર તે તે પ્રદેશમાં સકલ જીવોના હિતને માટે કૂવા, વાવ, સરોવર અને ધર્મશાળાઓ આદિકની સુંદર વ્યવસ્થા કરાવી, ને ઉપકરણોએ સહિત બ્રહ્મપુરીનું દાન કર્યું.પ૪

એ શ્રીહરિએ યથા ઉપયોગી ધન આપી હજારો બ્રાહ્મણ કુમારોને ઉપનયન સંસ્કાર કરાવ્યા અને શાસ્ત્રવિધિ અનુસાર હજારો કન્યાઓનાં વિપ્રો પાસે દાન કરાવ્યાં.૫૫

મહાપ્રતાપી ભગવાન શ્રીહરિએ પોતાના ઋણમાંથી મુક્ત થવા અસમર્થ એવા ધર્મનિષ્ઠ કેટલાક પોતાના આશ્રિત મનુષ્યોને દેણદારોનું ધન અપાવી તત્કાળ તેમાંથી મુક્ત કર્યા.પ૬

એ શ્રીહરિ વેદવિદ્યાને જાણનારા કેટલાક વિપ્રોને ઉપાસના-અગ્નિનું ગ્રહણ કરાવતા, કેટલાક વિપ્રોને ત્રેતાગ્નિનું ગ્રહણ કરાવતા. અને એ વિપ્રોને પ્રતિવર્ષ આપવા યોગ્ય ધનનું વર્ષાસન પણ બાંધી આપતા. જેનાથી તેના હોમકાર્યની સિદ્ધિ થઇ શકે.પ૭

આ પૃથ્વીપર દાનધર્મનું પોષણ કરનારા ભગવાન શ્રીહરિ સંક્રાંતિ આદિકના પર્વકાળે દક્ષિણાએ સહિત ગાય, ભૂમિ, સોનું વગેરે શાસ્ત્રોક્ત મહાદાનના વિધિ સાથે ઉત્તમ બ્રાહ્મણોને વારંવાર દાન આપાવતા.પ૮

આવા વિભુ, ભગવાન શ્રીહરિ બ્રહ્મપુર, ગોલોક આદિક પોતાના મહા ઐશ્વર્યોએ યુક્ત દિવ્યધામોનાં પોતાના અનેક ભક્તજનોને સમાધિદશામાં વારંવાર દર્શન કરાવતા.પ૯

અચિંત્ય શક્તિ ને સામર્થી ધરાવતા એ ભગવાન શ્રીહરિ પોતાના ભૂતપૂર્વ અવતારોનાં, તેમના પાર્ષદોની સાથે તેમના ઉપાસક કેટલાક મનુષ્યોને દર્શન કરાવતા.૬૦

વળી ભગવાન શ્રીહરિ સત્શાસ્ત્રોના અભિપ્રાયને જાણનારા વિદ્વાનોને માન્ય જીવ, માયા, બ્રહ્મ અને પરમેશ્વરનાં સ્વરૃપોનું સભાને વિષે સારી રીતે નિરૃપણ કરતા ને કેટલાક ભક્તજનોને પોતાની સામર્થીથી તે જીવ માયા, બ્રહ્મ અને પરમેશ્વરનાં સ્વરૃપોનાં દર્શન કરાવતા.૬૧

બલવાન શત્રુઓ દ્વારા પોતાની રાજ્યલક્ષ્મી હરાઇ જવાથી પોતાના રાજ્યથકી ભ્રષ્ટ થઇ ગયેલા કોઇ રાજાઓ ભગવાન શ્રીહરિનું શરણું સ્વીકારવા માત્રથી ફરી પહેલા કરતાં પણ અધિક પોતાની રાજ્ય સમૃદ્ધિને પ્રાપ્ત કરતા હતા.૬ર

આ લોકમાં શ્રીહરિના અનેક સકામી ભક્તો પોતાની ઇચ્છાનુસારની ચારે પુરુષાર્થની સિદ્ધિ પામ્યા છે. અને અનેક નિષ્કામી ભક્તો પણ ભગવાન શ્રીહરિની ઇચ્છાથી ભુક્તિ અને મુક્તિ પામ્યા છે.૬૩

ભગવાન શ્રીહરિએ આ પૃથ્વી પર બહુકાળ પર્યંત ભક્તિમાર્ગની પ્રવૃત્તિ થતી રહે તે માટે ભગવાન શ્રીકૃષ્ણનાં મોટાં મોટાં મંદિરો બંધાવ્યાં છે. તે મનોહર મંદિરો જોઇને રાજાઓ પણ આશ્ચર્ય પામે છે.૬૪

મનુષ્યભાવ થકી તિરોધાન થવા ઇચ્છતા એ શ્રીહરિએ અતિશય કરુણા કરી મનુષ્યોના આત્યંતિક કલ્યાણ માટે પોતાના ધર્મવંશમાં પોતાની ધર્મધુરા અર્પણ કરેલી છે.૬૫

આ પ્રમાણેના અતિ આશ્ચર્યકારી અદ્ભૂત ચરિત્રોનો વિસ્તાર કરતા જગદ્ગુરુ સાક્ષાત્ ભગવાન શ્રીહરિ આ લોકમાં સર્વપ્રકારે આશ્રય કરવા યોગ્ય થયા.૬૬

તે શ્રીહરિ અત્યારે પણ કોઇ કોઇ પોતાના ભક્તજનોને પોતાની ઇચ્છાથી પૂર્વની જેમ જ પ્રત્યક્ષ પોતાનું દર્શન આપે છે.૬૭

એટલું જ નહિ, પોતાના ભક્તજનોના દેહના અંત સમયે યમના દૂતોથી રક્ષણ કરવા, સમગ્ર ભક્તોને પોતાનું પ્રગટ દર્શન આપી, મુક્તિ આપે છે.૬૮

આવા ભગવાન શ્રીહરિના પ્રાગટય દિવસે ઉપવાસ કરવાની સાથે મોટો ઉત્સવ કરવો. તેમ કરવાથી સર્વે મનોરથો સિદ્ધિ થાય છે. અને આનો મને પ્રગટ અનુભવ છે.૬૯

માયિક પદાર્થની ઇચ્છારહિતનો નિષ્કામી એવો ત્યાગી પુરુષ પણ આ શ્રીહરિની જયંતીનું વ્રત કરવાથી જ્ઞાન-વૈરાગ્યની સિદ્ધિ અને ભક્તિની પુષ્ટિ પ્રાપ્ત કરે છે.૭૦

તેજ રીતે ધર્માર્થી ધર્મ, કામભોગાર્થી સર્વે કામનાઓ, ધનાર્થી ધન અને મોક્ષાર્થી ઇચ્છિત મોક્ષને પ્રાપ્ત કરે છે.૭૧

પત્નીની ઇચ્છાવાળાને પત્ની અને પુત્રાર્થીને ઉત્તમ પુત્ર પ્રાપ્ત થાય છે, તેથી ચૈત્રમાસના સુદ પક્ષની નવમી તિથિએ આ વ્રત કરવું.૭ર

ચૈત્ર મહિનાના સુદ પક્ષની નવમી તિથિ આઠમના વેધ રહિતની અને સૂર્યોદય વ્યાપિની હોય તે જ વ્રત કરનારા જનોએ ઉપવાસમાં ગ્રહણ કરવી.૭૩

જો નવમી તિથિ અષ્ટમીના વેધ રહિતની શુદ્ધ હોય, ને વળી બીજે દિવસે પણ સૂર્યોદય વ્યાપિની હોય તો બે નવમી થઈ, છતાં તેમાં પહેલી ઉપવાસમાં ગ્રહણ કરવી. જો અષ્ટમીના વેધ વાળી નવમી તિથિ ક્ષય પામી જતી હોય અર્થાત્ બીજે દિવસે સૂર્યોદય પહેલાં નિવૃત્ત થઈ જતી હોય, તો તે સમયે પ્રથમની વેધ વાળી જ નવમી તિથિ વ્રત કરવામાં ગ્રહણ કરવી.૭૪

જો પૂર્વે આઠમના વેધવાળી નવમી તિથિની રાત્રીએ અશ્વિની નક્ષત્રના મુહૂર્તમાં દશ ઘડી રાત્રી વ્યતીત થાય ત્યારે, નવમી તિથિ, સોમવાર અને પુષ્યનક્ષત્ર, આ ત્રણનો યોગ હોય ને બીજે દિવસે સૂર્યોદય વ્યાપીની નવમી તિથિને દિવસે જો એવો યોગ ન હોય, ત્યારે તો આઠમના વેધવાળી હોવા છતાં પૂર્વોક્ત ત્રણના યોગવાળી નવમી તિથિ વ્રત અને ઉત્સવમાં ગ્રહણ કરવી, કારણ કે તેવો યોગ ભગવાન શ્રીહરિના પ્રાગટયને દિવસે હતો.૭૬

પત્નીએ સહિત ચારે વર્ણના પુરુષોને આ શ્રીહરિજયંતી વ્રત કરવાનો અધિકાર છે. તેથી પુરુષોએ અને સ્ત્રીઓએ પણ આ ભગવાન શ્રીહરિના વ્રતનું અનુષ્ટાન કરવું.૭૭

ભગવાન શ્રીહરિના આશ્રિત સ્ત્રી-પુરુષોએ આ વ્રતમાં સર્વથા નિરાહાર ઉપવાસ કરવો. અર્થાત્ બાળક - વૃદ્ધ અને રોગાતુર સિવાયના ભક્તજનોએ ફલાહાર પણ ન કરવું. ઉપવાસી સર્વે નરનારીઓએ રાત્રીને વિષે મહાપૂજા કરી ધૂન-ભજન સાથે જાગરણ પણ કરવું.૭૮

વ્રતના આગલા અષ્ટમીના દિવસે મિતાહારી રહેલા વ્રતીએ નવમી તિથિએ પ્રાતઃકાળે ઉઠી ભગવાન શ્રીહરિકૃષ્ણનું ચિંતવન કરતાં કરતાં દેહશુદ્ધિનું આચરણ કરવું.૭૯

તે વ્રતને દિવસે મુખશુદ્ધિ માટે જળના બાર કોગળા કરવા, પરંતુ કાષ્ઠથી દાતણ કરવું નહિ.૮૦

સ્નાનાદિ કર્મ કરી, વ્રત કરનાર મનુષ્યે શ્રીહરિની આગળ ઊભા રહી નમસ્કાર કરીને આ મંત્ર બોલતાં નિયમ ગ્રહણ કરવો કે, હે જગત્પતિ ! હે શ્રીહરિ ! આજે હું અહોરાત્રી ઉપવાસ કરીશ, અને આવતે દિવસે આપનું પ્રસાદરૃપ ભોજન કરીશ, મારું આ વ્રત તમે પૂર્ણ કરાવજો.૮૧-૮ર

આ પ્રમાણે વ્રત કરનારા મનુષ્યે નિયમ ગ્રહણ કરી નિત્યકર્મની સમાપ્તિ કરવી. તે દિવસે વ્યવહારિક કામ ન કરવું.૮૩

જે કર્મ કૃષ્ણસંબંધી હોય તે જ કર્મ કરવું. બ્રહ્મચર્યવ્રતનું પાલન કરવું. ને ક્રોધનો સર્વપ્રકારે ત્યાગ કરવો.૮૪

સ્ત્રીને બુદ્ધિપૂર્વક જોવાથી, સ્પર્શ કરવાથી અને તેની સાથે બોલવાથી પણ બ્રહ્મચર્યવ્રતનો ભંગ થાય છે. તેમજ પોતાની પત્નીનો અંગસંગ કરવાથી પણ બ્રહ્મચર્ય વ્રતનો ભંગ થાય છે. એથી બીજી સ્ત્રીઓને જોવા આદિકનો ત્યાગ રાખવો અને પોતાની સ્ત્રીનો અંગસંગથી ત્યાગ રાખવો.૮પ

દિવસની નિદ્રા, તાંબુલ ભક્ષણ, એક પણ અન્નકણનું ભક્ષણ અને વારંવારનું જળપાન એ ઉપવાસનો નાશ કરે છે.૮૬

તેમાં સ્ત્રીઓએ વ્રતને દિવસે શોક ન કરવો. રુદન ન કરવું, સૂતર કાંતવું નહિ, વસ્ત્રો ધોવાં નહિ, તથા વસ્ત્રો સીવવાં કે સાંધવાં નહિ અને કલહ કરવો નહિ.૮૭

વ્રત કરનારાએ પોતાની શક્તિ અનુસારે દિવસે સમગ્ર પૂજાના ઉપચારો ભેળા કરી રાખવા અને રાત્રીએ ભગવાન શ્રીહરિનું પૂજન કરવું.૮૮

તે સમયે પવિત્ર સ્થળમાં કેળના સ્તંભો, સુંદર વસ્ત્રો, પુષ્પો અને આસોપાલવનાં પાંદડાંઓનાં તોરણ બાંધી શોભાયમાન મંડપની રચના કરવી.૮૯

ત્યારપછી તે મંડપની મધ્યે રંગોળી પૂરવાથી શોભતા બાજોઠ ઉપર રક્ત આદિક પાંચ રંગથી રંગેલા ચોખાથી શોભાયમાન સર્વતોભદ્રમંડલની રચના કરવી.૯૦

તેમાં અથવા ચોખાના બનાવેલા અષ્ટદળ કમળમાં વ્રત કરનારે છિદ્ર રહિતના પૂર્ણ જળ ભરેલા તાંબાના કળશની સ્થાપના કરવી.૯૧

પાંચ રત્ન અને પાંચ પલ્લવ યુક્ત આ તાંબાના પાત્રમાં શોભાયમાન અમૂલ્ય વસ્ત્રથી રચેલા આસન ઉપર શક્તિ મુજબ તૈયાર કરાવેલી ભગવાન શ્રીહરિની પ્રતિમાનું સ્થાપન કરવું.૯૨

જે મંદિરમાં ભક્તિ ધર્મની સાથે આ ભગવાન શ્રીહરિકૃષ્ણની અચળ પ્રતિમા હોય, અથવા ચળ પ્રતિમા હોય, તો વ્રત કરનારે મંદિરમાં તે પ્રતિમાનું જ વિધિપૂર્વક પૂજન કરવું. તે સિવાયનાં બીજાં સ્થળે પૂજન કરવા માટે ભગવાન શ્રીહરિની સુવર્ણની મૂર્તિ તૈયાર કરાવવી. એ શ્રીહરિના જમણા ભાગમાં તેવી જ ભક્તિદેવીની સુવર્ણની મૂર્તિ સ્થાપવી અને ડાબા ભાગમાં તેવીજ ધર્મદેવની સુવર્ણની મૂર્તિ સ્થાપન કરવી.૯પ

એ શ્રીહરિના પશ્ચિમના ભાગમાં હાથમાં છત્ર ધારણ કરેલા સંકર્ષણની સ્થાપના કરવી. ધર્મ અને ભક્તિની આગળ હાથમાં ચામર ધારણ કરેલા પ્રદ્યુમ્ન અને અનિરૃદ્ધની સ્થાપના કરવી. અર્થાત્ ધર્મદેવની આગળ પ્રદ્યુમ્ન અને ભક્તિદેવીની આગળ અનિરૃદ્ધની સ્થાપના કરવી. આ સંકર્ષણાદિક ત્રણ મૂર્તિએ પોતાની શક્તિને અનુસારે સોના કે રૃપાની કરાવવી. તેવી જ રીતે ભગવાન શ્રીહરિની આગળ સન્મુખ બેઠેલા ઉદ્ધવજીની રૃપાની મૂર્તિ સ્થાપવી.૯૬

વ્રત કરનાર મનુષ્યે આ ભક્તિ - ધર્માદિકની સાથે ભગવાન શ્રીહરિની મહાપૂજા કર્યા પછી તેમની કથાનું શ્રવણ આદિક કરીને જાગરણ કરવું. (આદિકમાં કીર્તન, ધૂન, ભજન આદિક જાણવું.).૯૭

આવી રીતે નિરાહાર ઉપવાસ કરવામાં અશક્ત એવા બાળક વૃદ્ધ અને રોગાતુરે રાત્રીને સમયે મહાપૂજાને અંતે થોડુંક ફલાહાર કરવું. અથવા ચાર પળી દૂધનું પાન કરવું.૯૮

પ્રાતઃકાળે ભગવાન શ્રીહરિની ફરી મહાપૂજા કરીને સ્થાપનાનું વિસર્જન કરવું. પ્રતિમા બ્રાહ્મણને દાનમાં આપી સાધુ બ્રાહ્મણોને જમાડવા.૯૯

ત્યારપછી વ્રત કરનારાએ પોતાના સ્વજનોની સાથે પારણાં કરવાં. આ રીતે આ શ્રીહરિજયંતીનું વ્રત કરવામાં આવે તો સર્વે મનોરથો સફળ થાય છે.૧૦૦

વ્રત કરનારા જનો જો આવી રીતે મહાપૂજા કરવામાં અસમર્થ હોય તો તેમણે બીજા સમર્થજનોએ કરેલી મહાપૂજામાં પૂજેલા ભગવાન શ્રીહરિનાં ભક્તિભાવ સાથે દર્શન કરી અતિશય સ્નેહથી નમસ્કાર કરવા ને તેમના એકાંતિક સાધુ તથા ભક્તનાં દર્શન કરી તેમને પણ ભક્તિભાવપૂર્વક નમસ્કાર કરવા.૧૦૧

અશક્ત મનુષ્યોને આટલું કરવા માત્રથી પણ મહાપૂજાનું ફળ તત્કાળ પ્રાપ્ત થાય છે. શ્રી હરિ જયંતી વ્રતનો આવો મોટો મહિમા છે, તેથી સર્વે મનુષ્યોએ આ વ્રત અવશ્ય સર્વપ્રકારે કરવું.૧૦૨

બાળક, વૃદ્ધ અને રોગાતુર સિવાયના બીજા સર્વે પુરુષોએ અને સર્વે સ્ત્રીઓએ જ્યાં સુધી જીવે ત્યાં સુધી પ્રત્યેક વર્ષે આ વ્રત કરવું.૧૦૩

જો પોતાને અનુકૂળતા હોય તો આ વ્રતનું ઉદ્યાપન પણ પોતાની શક્તિ અનુસાર ઉજવવું,. તેનાથી વ્રતનું પૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે.૧૦૪

સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! આ પ્રમાણે રામશર્મા વિપ્રે કહ્યું તે સાંભળી શિવગુપ્ત વૈશ્ય ખૂબજ ખુશ થયો ને વ્રત કરવાની મનમાં ઇચ્છા કરી તેનું ઉદ્યાપન કેમ કરવું ? તેનો વિધિ પૂછવા લાગ્યો.૧૦પ

વૈશ્ય પૂછે છે. હે ઉત્તમવિપ્ર ! આ શ્રીહરિજયંતી વ્રતના ઉદ્યાપનનનો વિધિ મને કહો. જેના અનુષ્ઠાનથી વ્રત કરનારને સંપૂર્ણ વ્રતનું ફળ મળે.૧૦૬

ત્યારે બ્રાહ્મણ કહે છે, હે વૈશ્યરાજ ! ઉદ્યાપન કર્યા વિના વ્રત ફળદાયી થતું જ નથી. તેથી ઉદ્યાપન વિધિ તો પોતાની શક્તિ અનુસાર કરવો જ. જો ધન હોય તો કંજૂસાઇ ન કરવી.૧૦૭

જે વર્ષે ચૈત્રસુદ નવમીની તિથિથી આ શ્રીહરિજયંતી વ્રત કરવાનો પ્રારંભ કર્યો હોય તે વર્ષના એક એક મહિને સુદ પક્ષની નવમીની તિથિએ એવું જ વ્રત કરીને તેનું ઉદ્યાપન દેશકાળને અનુસારે વિધિપૂર્વક કરવું.૧૦૮

અથવા વ્રત કરનારાએ ઉદ્યાપન વિધિ કરી તે દિવસથી પ્રારંભ કરીને એકાગ્રમને એક વર્ષ પર્યંત મહિને મહિને સુદપક્ષની નવમી તિથિએ એ વ્રત કરવું.૧૦૯

ગુરુ અને શુક્રના અસ્ત રહિતના તેમ જ મળમાસ રહિતના ચૈત્ર માસમાં સુદ નવમીતિથિના દિવસથી આરંભીને હવે હું કહું એ ઉદ્યાપનનું અનુષ્ઠાન કરવું.૧૧૦

જેવી રીતે વિવાહ આદિકમાં મનુષ્યોને આદરપૂર્વકનો ઉત્સાહ વર્તતો હોય છે. તેવો જ ઉત્સાહ પોતાની ધનસંપત્તિ અનુસાર આ વ્રતના ઉદ્યાપનમાં પણ જણાવવો.૧૧૧

દેશાંતરોમાં રહેલા હરિભક્તોને તથા પોતાના સગા - સંબંધીજનોને અને મિત્રવર્ગને પણ મંગલપત્રિકાઓ લખીને બોલાવવા.૧૧ર

ચૈત્રમાસના સુદ પડવાની તિથિથી આરંભીને આ ઉદ્યાપનનો મહોત્સવવ્રત કરનારા જનોએ પોતાની ધનશક્તિને અનુસાર કરવો.૧૧૩

પ્રતિદિન બ્રહ્મચર્યવ્રતનું પાલન કરવું, ને ભગવાન શ્રીહરિની કથાનું શ્રવણ ભક્તિભાવપૂર્વક કરવું. તેમજ ભગવાન શ્રીહરિના ગુણોએ યુક્ત કીર્તનોનું ભક્તિભાવ પૂર્વક ગાન કરવું.૧૧૪

ભગવાન શ્રીહરિના ભક્તો બ્રાહ્મણો, સાધુઓ અને બ્રહ્મચારીઓનું ચંદન પુષ્પાદિકવડે નિત્ય પૂજન કરવું, ને શક્તિ મુજબ તેઓને જમાડવા.૧૧પ

વિધિને જાણનારા બ્રાહ્મણને પૂછીને ભગવાન શ્રીહરિની મહાપૂજાને યોગ્ય ઉપચારો પોતાની ધનસંપત્તિ અનુસાર આઠમની તિથિથી પહેલાં જ સંપાદન કરી લેવા.૧૧૬

નવમી તિથિનો આહ્નિક વિધિ કરી શુભ સ્થળને વિષે રચવામાં આવેલા મંડપને વિષે બ્રાહ્મણો પાસે શોભાયમાન સર્વતોભદ્ર મંડળની રચના કરાવવી.૧૧૭

ચારે દિશામાં ચાર કેળાના સ્તંભ, આસોપાલવનાં પાંદડાં, પુષ્પો, ફળો અને શુભ વસ્ત્રો તથા દર્પણોથી મંડપને અત્યંત સુશોભિત કરવો.૧૧૮

આઠે દિશાઓમાં તાંબાના તથા માટીના આઠ કળશોની સ્થાપના કરવી ને સર્વતોભદ્રમડળના મધ્યભાગમાં છિદ્ર રહિતના તાંબાના કળશની સ્થાપના કરવી.૧૧૯

ત્યાર પછી સોપારી, તામ્રમુદ્રા, ચોખા અને લાડુઓ, આ આઠે કળશમાં અલગ અલગ પધરાવવાં.૧ર૦

ત્યારપછી વ્રત કરનારાએ આઠ આઠ વાંસમાંથી તૈયાર કરેલી થાળીઓ તે આઠે કળશો ઉપર સ્થાપન કરવી, ને તે થાળીઓમાં નાળિયેર અને બે બે શ્વેત વસ્ત્રોનું અલગ અલગ સ્થાપન કરવું. ૧૨૧

મધ્યભાગમાં રહેલા તાંબાના કળશને જળથી પૂર્ણભરી તેમાં રત્ન સહિત ફળ પધરાવી, બીજા તાંબાના પાત્રથી તેને ઢાંકવો.૧રર

ત્યારપછી તે તાંબાના પાત્રમાં કોમળ વસ્ત્રનું આસન બિછાવી પોતાની શક્તિ અનુસાર તૈયાર કરાવવામાં આવેલી ધર્મ - ભક્તિએ સહિતની ભગવાન શ્રીહરિની સુવર્ણની પ્રતિમાનું સ્થાપન કરવું.૧ર૩

ને નવમી તિથિની રાત્રીએ વિધિપૂર્વક તેમની મહાપૂજા કરવી. તે મહાપૂજામાં મોટા ઉત્સવ સાથે મહાઅભિષેક કરવો, ને મહાનૈવેદ્યનો ભોગ ધરાવવો.૧ર૪

ત્યારપછી ભગવાન શ્રીહરિની મહાપૂજાની સમાપ્તિ કરી ભગવાન શ્રીહરિનાં કથા - કીર્તનાદિક વડે જાગરણ કરવું, પ્રાતઃ કાળે ફરી મહાપૂજા કરવી.૧રપ

ત્યારપછી તલ - ઘી - દૂધપાકાદિવડે અષ્ટાક્ષર મંત્રના ઉચ્ચારણ સાથે એકસોને આઠ આહુતિઓ આપી હોમ કરવો. ત્યારપછી બ્રહ્મચારીઓ તથા બ્રાહ્મણોની પૂજા કરવી.૧ર૬

બહુ દુઝણી, સોનાનાં શીંગડાંવાળી, રૃપાની ખરીવાળી, પીઠ ઉપર તાંબાથી મઢેલી એવી સુલક્ષણા ગાયનું પાત્ર બ્રાહ્મણને આદરપૂર્વક દાન કરવું.૧ર૭

ગાય ન મળે કે પાત્ર બ્રાહ્મણ ન મળે અથવા પોતાની શક્તિ ન હોય તો વ્રત કરનારાએ તેની કીંમત જેટલું દ્રવ્ય અર્પણ કરવું અથવા સ્તોત્રાદિકના પાઠની આવૃત્તિઓ કરવી.૧૨૮

તલપાત્ર, ઘીપાત્ર અને સુવર્ણનું પાત્ર પોતાની શક્તિ અનુસાર બ્રાહ્મણને દાન કરવું, ને અન્ન વસ્ત્રાદિકના અષ્ટપદનું પણ બ્રાહ્મણને દાન કરવું.૧ર૯

વ્રત કરનારે શય્યાદાન પણ કરવું. શય્યાદાન કરવામાં અશક્તે સુખપૂર્વક બેસાય તેવા આસનનું દાન કરવું. ત્યારપછી દંપતીને પહેરવા યોગ્ય વસ્ત્રોનું દાન કરવું.૧૩૦

તે દંપતીવસ્ત્રો રેશમી આપવાં. જો નિર્ધન હોય તો સૂતરાઉ અથવા થોડાં રેશમી થોડાં સુતરાઉ એવાં મિશ્રવસ્ત્રો આપવાં. ત્યારપછી અંગ દેવતાઓએ સહિત મહાપૂજામાં ભગવાન શ્રીહરિનું વિસર્જન કરવું.૧૩૧

પૂર્વોક્ત આઠે દિશામાં સ્થાપન કરેલા આઠે કળશોનું બ્રહ્મચારીઓને અથવા અન્ય વિપ્રોને દાન કરી દેવું. પ્રતિમાએ સહિત મધ્ય કળશ ગુરુને અર્પણ કરવો.૧૩ર

બ્રાહ્મણોને બહુ પ્રકારની દક્ષિણાઓ આપી અનેક સાધુ - બ્રાહ્મણોને ભોજન કરાવવાં. અલ્પધનવાળાએ વીસ જેટલા અથવા બાર જેટલા સાધુ - બ્રાહ્મણોને જમાડવા.૧૩૩

આ પ્રમાણે નવમીની રાત્રીથી આરંભીને વદપક્ષની બીજ સુધી વ્રત કરનારાઓએ પારણિયામાં બાણસ્વરૃપ શ્રીહરિને પધરાવી પારણિયા ઉત્સવનાં દર્શન કરવાં.૧૩૪

આવી રીતે ઉદ્યાપન વિધિ કરવામાં આવે તો શ્રીહરિજયંતી વ્રત સંપૂર્ણતા પ્રાપ્ત કરે છે. આવું સંપૂર્ણ વ્રત કરવાથી વ્રત કરનારના સર્વે મનોરથો સફળ થાય છે.૧૩પ

હે વૈશ્યરાજ !
તમે પણ આ વ્રતનું અનુષ્ઠાન કરો. તમે મારા મિત્ર છો, તેથી તમને આ હિતની વાત કરી. આ વ્રત કરવાથી આ લોકમાં તમને પુત્ર ફળની પ્રાપ્તિ થશે અને દેહને અંતે મુક્તિને પણ પામશો.૧૩૬

સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ !
આ પ્રમાણે રામશર્મા વિપ્રે કહ્યું તેથી બુદ્ધિમાન શિવગુપ્ત વૈશ્ય તે બ્રાહ્મણના વચનમાં સંપૂર્ણ વિશ્વાસ રાખી શ્રીહરિનો પરમેશ્વરપણાનો નિશ્ચય કરી તેમનો દૃઢ શરણાગત ભક્ત થયો.૧૩૭

ત્યાર પછી પોતાની પત્નીની સાથે ઘેર આવી તે વૈશ્યે વિધિપૂર્વક શ્રીહરિજયંતીનું વ્રત કર્યું. તેથી ભગવાન શ્રીહરિની પ્રસન્નતા થતાં અલ્પ સમયમાં જ સત્પુત્રની પ્રાપ્તિ થઇ.૧૩૮

ત્યારપછી તો અન્ય ઘણા બધા ભક્તજનોએ પોતાના કાર્યની સિદ્ધિ માટે આ વ્રતનું અનુષ્ઠાન કરી પોતાને ઇચ્છિત સકલ ફળને પામ્યા.૧૩૯

હે રાજન્ !
આ પ્રમાણે મેં ભગવાન શ્રીહરિકૃષ્ણ પરમાત્માના ભક્તજનોને ઇચ્છિત સિદ્ધિ આપનાર, ઉત્તમ શ્રીહરિજયંતી વ્રતનો વિધિ કહ્યો.૧૪૦

જે પુરુષ આ શ્રીહરિજયંતીવ્રતનો વિધિ ભક્તિભાવ પૂર્વક સાંભળશે અથવા કહેશે, તે બન્ને ભગવાન શ્રીહરિની પ્રસન્નતાથી વ્રતના ફળરૃપે પોતાને ઇચ્છિત સિદ્ધિ નિશ્ચે પ્રાપ્ત કરશે.૧૪૧


આ પ્રમાણે અવતારી શ્રીનારાયણના ચરિત્રરૃપ શ્રીમત્સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના પંચમ પ્રકરણમાં શ્રીહરિજયંતીના વ્રતવિધિનું નિરૃપણ કર્યું,એ નામે ઓગણસિત્તેરમો અધ્યાય પૂર્ણ થયો. --૬૯--