અધ્યાય - ૬૪ - ભગવાન શ્રીહરિએ બ્રહ્માંડમાં રહેલા બ્રાહ્યવાયુનું અને પિંડમાં રહેલા આંતરવાયુના સ્વરૃપનું કરેલું નિરૃપણ.

Submitted by swaminarayanworld on Tue, 08/08/2017 - 10:04pm

અધ્યાય - ૬૪ - ભગવાન શ્રીહરિએ બ્રહ્માંડમાં રહેલા બ્રાહ્યવાયુનું અને પિંડમાં રહેલા આંતરવાયુના સ્વરૃપનું કરેલું નિરૃપણ.

ભગવાન શ્રીહરિએ બ્રહ્માંડમાં રહેલા બ્રાહ્યવાયુનું અને પિંડમાં રહેલા આંતરવાયુના સ્વરૃપનું કરેલું નિરૃપણ.

શતાનંદ સ્વામી પૂછે છે, હે ભગવાન !
પિંડ અને બ્રહ્માંડમાં રહેલા વાયુના સ્વરૃપને હું યથાર્થ જાણવા ઇચ્છું છું. આપ તેમના સ્વરૃપનું નિરૃપણ કરીને જણાવો.૧

ભગવાન શ્રીનારાયણ મુનિ કહે છે, હે મુનિ ! સર્વેની અંદર રહેલો, સર્વત્ર ગતિ કરનારો, અને સર્વના આધારપણે રહેલો વાયુ, આ પિંડની અંદર રહ્યો છે, તેમજ પિંડ અને બ્રહ્માંડથી પણ બહાર રહેલો છે.ર

હે બુદ્ધિમાન મુનિ ! પિંડ અને બ્રહ્માંડમાં આ વાયુ અલગ અલગ સાત પ્રકારે રહેલો જાણવો. તેમાં પ્રથમ પિંડમાં સાત પ્રકારે રહેલા વાયુનું સ્વરૃપ કહીએ છીએ, તેને તમે સાંભળો.૩

પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન, સમાન, ઉત્ક્રમણ અને આધાર; આ સાત વાયુ પિંડમાં રહેલા છે.૪

તેવી જ રીતે આવાહ, પ્રવહ, ઉદ્વહ, સંવહ, વિવહ, પરિવહ અને પરાવહ, આ સાત પ્રકારના વાયુઓ અનુક્રમે બ્રહ્માંડમાં રહેલા છે. હે નિષ્પાપમુનિ ! આ બન્ને પ્રકારના વાયુનાં લક્ષણો તમને કહીએ છીએ.૫-૬

તેમાં પિંડના મધ્યે રહેલા સાત પ્રકારના વાયુનાં લક્ષણોમાં પ્રાણાદિ પાંચ વાયુનાં લક્ષણો પૂર્વે તમને કહ્યા. હવે છઠ્ઠા ઉત્ક્રમણવાયુનું લક્ષણ કહીએ છીએ.૭

છઠ્ઠો ઉત્ક્રમણવાયુ ગુદાના સ્થાને રહેલા મૂલાધાર ચક્રને વિષે રહ્યો છે. એ વાયુ મૃત્યુનો આશ્રય કરી શરીરમાંથી પ્રાણને બહાર ગતિ કરાવે છે.૮

અને આધાર નામનો સાતમો વાયુ દેહની બહાર અને અંદર બન્ને જગ્યાએ રહે છે, એ આધારવાયુ શરીરમાં રહેલા પૃથ્વી આદિ તત્ત્વોનો આધાર છે. તેથી તેને આધાર નામે કહેલો છે.૯

હવે બ્રહ્માંડમાં રહેલા વાયુનાં લક્ષણો કહીએ છીએ. તેમાં આવાહ, નામનો પ્રથમ વાયુ છે, તે વૃષ્ટિના સમયે ધૂમ અને ઉષ્મામાંથી ઉત્પન્ન થતાં વાદળાઓને વરસાદ માટે આકાશમાં ગતિ કરાવે છે.૧૦

આ આવાહ નામનો બ્રાહ્યવાયુ અનુક્રમે ધૂમરૃપે જ્યોતિથી અર્થાત્ સૂર્યની કિરણો દ્વારા જળને સમુદ્રમાંથી લાવી આકાશમાં છોડી દીધેલા પાણી સ્વરૃપે અને સ્નેહ સ્વરૃપે થઇ વીજળીનું સ્વરૃપ ધારણ કરી મહાપ્રકાશરૃપે થાય છે. એમ તમે જાણો.૧૧

હે મુનિ !
બીજો પ્રવહવાયુ જ્યોતિ અને ચક્રભ્રમણના આકારે થઇ, ચંદ્રાદિ ગ્રહ-નક્ષત્ર-તારાઓના ઉદયમાં કારણરૃપ થઇ, સર્વત્ર પરિભ્રમણ કરે છે.૧ર

ત્રીજો ઉદ્વહ વાયુ છે, તે સમુદ્રમાંથી જળને ગ્રહણ કરી, તત્કાળ આકાશમાં મેઘને અર્પે છે.૧૨

ચોથો સંવહ વાયુ છે, તે મેઘને વૃષ્ટિ કરવાના પ્રદેશમાં ભેળા કરે છે. ફરી વૃષ્ટિ માટે તેનું વિદારણ કરે છે. વાદળાંઓનું વિદારણ કરવાથી તેમાં મોટી ગર્જના ઉત્પન્ન થાય છે.૧૪

આજ ચોથો સંવહ નામનો વાયુ અંતરિક્ષમાં વિમાનોનો વાહક કહેવાય છે. આ વાયુ પોતાના વેગથી પર્વતોના શિખરોને પણ તોડી નાખે છે.૧૫

પાંચમો વિવહ વાયુ છે, તે અતિશય વેગવાળો હોવાથી અતિશય મોટી ગર્જનાવાળો થઇ, વિજળી પાડવી કે ભૂકંપ કરવો, એ આદિ મોટા મોટા ઉત્પાતો કરનારો કહેલો છે.૧૬

આ વિવહ વાયુ આકાશમાં આકાશગંગાને પણ ધારણ કરે છે. એ વિવહવાયુ સૂર્યોની કિરણો પાછી વાળી દે છે. તેથી સૂર્ય હજારો કિરણોવાળો હોવા છતાં એક જ કિરણ છોડતો હોય તેવો કોમળ થઇને પ્રકાશે છે.૧૭

છઠ્ઠો પરિવહ વાયુ છે, તે ચંદ્રની કળા વધારવા-ઘટાડવાનું કામ કરે છે. આ પરિવહ વાયુ પ્રલયકાળે બ્રહ્માંડનો વિનાશ પણ કરે છે. યમરાજા અર્થાત્ મૃત્યુ આ વાયુનો આશ્રય કરીને રહે છે.૧૮

આજ વાયુ સંસારમાં આસક્ત બુદ્ધિવાળા જનોનો મૃત્યુરૃપ છે. આ જ વાયુ ભગવાન શ્રીવાસુદેવના ધ્યાનમાં આસક્ત યોગીઓને મોક્ષ આપનારો છે.૧૯

સાતમો પરાવહ વાયુ છે, તે યોગીઓને અતિશય વહાલો અને સુખરૃપ છે. તે બ્રહ્માંડની બહારના પ્રદેશમાં અને બ્રહ્માંડની અંદરના પ્રદેશમાં વાય છે.૨૦

હે બ્રહ્મન્ !
આ સાતમો પરાવહ વાયુ છે, તે જ યોગીઓને ઇચ્છિત એવા પુનરાવૃત્તિ રહિતના બ્રહ્મપુર ધામ નામના સ્થાનને વિષે લઇ જાય છે. તેથી તે સર્વ કરતાં શ્રેષ્ઠ મનાયેલો છે. (આ આવાહાદિ વાયુઓનો વધુ વિસ્તાર જાણવો હોય તો મહાભારતના મોક્ષધર્મના એકસો પંચાવનમા અધ્યાય થકી જાણી લેવો.)૧૮-૨૧

આ સાતે વાયુઓના સ્થાનકભેદ પુરાણોમાં કહેલા છે. તે ભેદ અનુક્રમે તમને સંભળાવીએ છીએ.૨૨

પહેલા આવાહવાયુનું સ્થાન ભૂર્લોક છે. અર્થાત્ તે પૃથ્વીનાં તળિયાથી આરંભી મેઘમંડલ પર્યંત પ્રવર્તે છે. બીજા પ્રવહવાયુનું સ્થાન ભુવર્લોક છે. અર્થાત્ તે મેઘમંડલથી આરંભીને સૂર્યમંડળ પર્યંત પ્રવર્તે છે. ત્રીજા ઉદ્વહવાયુનું સ્થાન સોમલોક કહેલો છે.૨૩

ચોથા સંવહવાયુનું સ્થાન નક્ષત્રનો લોક કહેલો છે. પાંચમા વિવહવાયુનું સ્થાન ગ્રહલોક કહેલો છે. છઠ્ઠા પરિવહવાયુનું સ્થાન સપ્તર્ષિલોક કહેલો છે. અને અંતિમ સાતમા પરાવહવાયુનું સ્થાન ધ્રુવલોક કહેલો છે.૨૪

હે મુનિ !
આ પ્રમાણે શરીરની અંદર રહેલા સાત વાયુ અને બ્રહ્માંડમાં રહેલા સાત વાયુનાં લક્ષણો તમને કહ્યાં. એ સાતે વાયુઓ એકાત્મભાવે ધ્યાન કરવા યોગ્ય મનાયેલા છે.૨૫

તેઓનું ધ્યાન ક્યા ક્યા સ્થાને કરવું, તે કહીએ છીએ. નાભિ, નાસિકાનો અગ્રભાગ, હૃદય અને પગનો અગૂંઠો, આ સ્થાન મુનિઓએ પ્રાણનું ધ્યાન કરવામાં કારણરૃપ કહ્યાં છે.૨૬

આ સ્થાનોની મધ્યે કોઇ પણ એક સ્થાનમાં યોગીએ નીલવર્ણવાળા અને માન્તબીજ-શરીરધારી અર્થાત્ યંકારનામના બીજરૃપ મૂર્તિને ધારણ કરનારા પ્રાણનું પ્રણવની સાથે ચિંતવન કરવું.૨૭

તે આંતરિક પ્રાણની આવાહ નામના બાહ્યવાયુની સાથે એકતાની ભાવના કરવી. આ પ્રમાણે અપાનાદિ સર્વે વાયુઓનું બ્રાહ્ય પ્રવહ આદિક સર્વે વાયુઓની સાથે એકાત્મપણે ધ્યાન કરવું.૨૮

પાર્ષ્ણી (પેની), ગળાનો ઉન્નતભાગ એવો કાકડો, પૃષ્ઠભાગ અને ગુદા; આ ચાર સ્થાનોને મધ્યે કોઇ એક સ્થાનમાં કૃષ્ણવર્ણવાળા અને પંકારબીજ શરીરધારી અપાનવાયુનું પ્રવહવાયુની સાથે પ્રણવે સહિત એકાત્મ્યભાવે ધ્યાન કરવું.૨૯

ત્વક્ ઇન્દ્રિયસ્થાનમાં મેઘમાં ઉત્પન્ન થતા ઇન્દ્રધનુષ સમાન કાંતિવાળા, ને લંકાર નામના બીજરૃપ મૂર્તિધારી વ્યાન વાયુનું ઉદ્વહ નામના વાયુ સાથે એકાત્મભાવ ધારણ કરી, ધ્યાન કરવું.૩૦

મસ્તક, હૃદય, કંઠ, તાળવાનો અગ્રભાગ અને પગનાં તળાં, આ સ્થાનોમાંથી કોઇ પણ એક સ્થાનમાં લાલવર્ણવાળા અને રંકારબીજરૃપ શરીરધારી ઉદાનવાયુનું પ્રણવે સહિત સંવહ નામના વાયુની સાથે એકતા કરી ધ્યાન કરવું.૩૧

તેવી જ રીતે નાભિ, હૃદય અથવા શરીરના સર્વે સાંધાઓમાં કોઇ પણ એક સ્થાને ગૌરવર્ણવાળા અને વંકાર બીજરૃપ શરીરધારી સમાન નામના વાયુનું પ્રણવે સહિત વિવહ નામના વાયુની સાથે એકતા કરી ધ્યાન કરવું.૩૨

ઇડાનાડીને વિષે શ્વેતવર્ણવાળા અને હંકાર બીજરૃપ શરીરધારી એવા છઠ્ઠા ઉત્ક્રમણ નામના વાયુનું પ્રણવની સાથે પરિવહન નામના વાયુની સાથે એકતા કરી ધ્યાન કરવું.૩૩

ત્યારપછી પિંગલાનાડીને વિષે અતિશય શ્વેતવર્ણવાળા અને આકાર બીજરૃપ શરીરધારી સાતમા આધાર વાયુનું પ્રણવની સાથે પરાવહ નામના વાયુની સાથે એકતા કરી ધ્યાન કરવું.૩૪

હે મુનિ !
સાત પ્રકારના વાયુઓના ધ્યાનની મધ્યે છ પ્રકારના ધ્યાનમાં યોગીને પુનરાવૃત્તિ માનેલી છે. પરંતુ સાતમા ધ્યાન પછી યોગીને પુનર્જન્મ સંકટનો ભય રહેતો નથી.૩૫

પહેલા આ છ મહાબળવાન વાયુઓ પોતાની ઉપાસના કરનારા યોગીને પોતપોતાના લોકમાં લઇ જાય છે. સાતમો પરાવહ વાયુ છે, તે ભગવાનના એકાંતિક ભક્ત યોગીઓને ઇચ્છવા યોગ્ય બ્રહ્મપુર નામના ભગવાન શ્રીવાસુદેવના ધામને વિષે લઇ જાય છે.૩૬

આ પ્રમાણે વાયુઓની સ્થિતિ જાણીને પોતાને જ્યાં જવાની ઇચ્છા હોય તેવા વાયુની ઉપાસના કરી તે વાયુની સાથે એકાત્મતા સાધી યોગીએ શરીરને છોડવું.૩૭

હે શતાનંદ મુનિ ! ભગવાન શ્રીહરિને વિષે એકાંતિકી ભક્તિ કરતાં કરતાં અંતઃકરણ ઉપર વિજય મેળવનાર યોગીઓને શરીરનો ત્યાગ કરવો કે ત્યાગ ન કરવો, તેમાં તે સ્વતંત્ર હોય છે.૩૮

હે મુનિ !
આ પ્રમાણે પરમ સમાધિ નિષ્ઠાને પ્રાપ્ત કરેલા અને પોતાના શરીરનો ત્યાગ કરવામાં સ્વતંત્રતા પામેલા યોગીઓનું કર્તવ્ય અમે તમને કહ્યું. હવે એ યોગીઓ કરતાં બીજા જે અસ્વતંત્ર સમાધિવાળા યોગીઓ છે તેનું કર્તવ્ય શું છે ? તે તમને જણાવીએ છીએ.૩૯


આ પ્રમાણે અવતારી શ્રીનારાયણના ચરિત્રરૃપ શ્રીમત્સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના પંચમ પ્રકરણમાં યોગનો ઉપદેશ કરતાં ભગવાન શ્રીહરિએ બાહ્ય અને આભ્યંતર વાયુઓના સ્વરૃપોનાં લક્ષણોનું નિરૃપણ કર્યું, એ નામે ચોસઠમો અધ્યાય પૂર્ણ થયો. --૬૪--