અધ્યાય - ૨ - ભગવાન શ્રીહરિએ કહેલા ચારે વર્ણના સામાન્ય ધર્મો.

Submitted by swaminarayanworld on Tue, 08/08/2017 - 8:41pm

અધ્યાય - ૨ - ભગવાન શ્રીહરિએ કહેલા ચારે વર્ણના સામાન્ય ધર્મો.

ભગવાન શ્રીહરિએ કહેલા ચારે વર્ણના સામાન્ય ધર્મો. બ્રાહ્મણના વિશેષ ધર્મો. ક્ષત્રિયોના વિશેષ ધર્મો. વૈશ્યોના વિશેષ ધર્મો. શૂદ્રના વિશેષ ધર્મો. દ્વિજાતિ અને એક જાતિની વ્યાખ્યા. દ્વિજાતિના સોળ સંસ્કારો. બ્રાહ્મણની આજીવિકાવૃત્તિ. ક્ષત્રિયો વૈશ્યો અને શૂદ્રોની આજીવિકા.

ભગવાન શ્રીનારાયણમુનિ કહે છે, હે ભૂદેવ !

બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર આ ચાર વર્ણો છે. તે ભગવાનના અવતાર વિશેષ વૈરાજપુરુષના ક્રમશઃ મુખ, બાહુ, સાથળ અને ચરણમાંથી ઉત્પન્ન થયા છે.૧

હે વિપ્ર !
એ ચારે વર્ણના અને અન્ય સંકરજાતિના મનુષ્યોના પણ જે સાધારણ ધર્મો છે તે કહું છું. અહિંસા, બ્રહ્મચર્ય, સત્પાત્રમાં ત્યાગ, અસ્તેય, ક્ષમા, આર્જવ, અસ્તબ્ધતા, સંતોષ, બ્રહ્મવિત્ પુરુષોની સેવા, વિવેક અને વૈરાગ્યથી ગ્રામ્ય વિષયોની ઇચ્છાનો ત્યાગ, બહાર અંદર પવિત્રતા, તપ, દયા, સ્વ-પર દ્રોહ રહિતનું સત્યભાષણ, તિતિક્ષા, શમ, દમ, યોગ્યાયોગ્યનો વિવેક, જન્મ-મરણના દુઃખનું વિચાર પૂર્વક દર્શન, સર્વકાળે પાપથી ભય પામવું, કુસંગનો ત્યાગ, ભૂતપ્રાણિમાત્રને યથાયોગ્ય અન્નાદિકનો વિભાગ આપવો, ભૂતપ્રાણીમાત્ર ઉપર પોતાના ઇષ્ટદેવની બુદ્ધિ, વિશેષપણે મનુષ્યોમાં ઇષ્ટદેવની બુદ્ધિ કરવી, ભગવાન શ્રીહરિની કથાનું નિત્યે શ્રવણ કરવું, તેમના ગુણોનું કીર્તન કરવું, હૃદયમાં સ્મરણ કરવું, દાસભાવે તેમની પગચંપી કરવી, યથાશક્તિ વિધિપૂર્વક તેમની પૂજા કરવી, તેમને સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરવા, દાસભાવે તેમને ભજવા, સખાભાવે વિશ્વાસની ભક્તિ કરવી, અને સર્વથા આત્મ સમર્પણ કરવું.૩-૬

આ સર્વને માટે સાધારણ ધર્મો કહેલા છે, તે સર્વેને સુખ આપનારા છે. આ બત્રીસ ધર્મો સર્વે બ્રાહ્મણાદિ વર્ણો તથા સંકરજાતિના જનોએ પણ સરખા પાળવાના છે. હવે હું તેઓના વિશેષ ધર્મો કહું છું.૭

બ્રાહ્મણના વિશેષ ધર્મો :-
શમ, દમ, તપ, શૌચ, સંતોષ, સહનશીલતા, સરળતા, અહિંસામય યજ્ઞો કરવા, મત્સરદોષે રહિતપણું, સર્વજનો ઉપર મિત્રભાવ, સત્ય, ધીરજ, દયા, સંધ્યાવંદન કરવારૃપ ધર્મનું પાલન, અનસૂયા, દાન, શ્રીહરિની પૂજા, મૃદુ સ્વભાવ, લજ્જા, જ્ઞાન, વિજ્ઞાન, આસ્તિકબુદ્ધિ, સ્વાધ્યાય, સર્વ ઉપર સમદૃષ્ટિ,આ સમગ્ર ઇચ્છીત ફળને આપનારા ચોવીસ ગુણો છે, તે બ્રાહ્મણના સ્વાભાવિક ધર્મોરૃપે કહ્યા છે. હવે ક્ષત્રિયોના વિશેષ ધર્મો કહીએ છીએ.૮-૧૦

ક્ષત્રિયોના વિશેષ ધર્મો :-
શૌર્ય, ધૈર્ય, વીર્ય, પ્રભાવ, શસ્ત્રોના પ્રહાર સહન કરવા, તેજ, ઉદ્યમ, ઔદાર્ય, ધર્મમાં સ્થિરતા, ઉત્સાહ, ધર્મપાલનનું માન, મન ઉપર વિજય, બ્રાહ્મણોના હિતનું ચિંતન, ઐશ્વર્ય, રક્ષણ, યુદ્ધમાં પર અને પોતાનું રક્ષણ, શત્રુનો નિગ્રહ, દક્ષતા, અનુગ્રહ કરવાનો સ્વભાવ, યુદ્ધમાં પોતાનું મૃત્યુ નિશ્ચિત દેખાય છતાં પાછા ન ફરવું, શસ્ત્ર અને વાહનમાં પ્રીતિ, દાન, દ્રવ્યસાધ્ય યજ્ઞો કરવામાં રૃચિ, બ્રાહ્મણોનું પૂજન, તથા નિત્ય શ્રીવાસુદેવ ભગવાનનું પૂજન કરવું, પ્રજાનું પુત્રની પેઠે પાલન, શરણાગતની રક્ષા, આ છવીસ ક્ષત્રિયોના સ્વાભાવિક ગુણોરૃપ ધર્મો મેં તમને કહ્યા.૧૧-૧૪

વૈશ્યોના વિશેષ ધર્મો :-
આસ્તિકબુદ્ધિ, નિત્ય ઉદ્યમશીલ રહેવું, નિષ્કપટ સ્વભાવ, બ્રાહ્મણોની પૂજા, ધર્મ, અર્થ અને કામ આ ત્રણવર્ગનું યથાશાસ્ત્ર પોષણ કરવું, પોતાના ગુરુ અને ઇષ્ટદેવ ભગવાનની યથાશાસ્ત્ર સેવા પૂજા કરવી, કૃષિ, ગૌરક્ષણમાં રૃચિ, સત્પાત્રોમાં અનેક પ્રકારનાં દાન આપવાં, વેપાર આદિ ક્રિયામાં નિપુણતા, આ અગિયાર ગુણો વૈશ્યના સ્વાભાવિક ગુણરૃપ ધર્મો કહેલા છે.૧૫-૧૬

શૂદ્રના વિશેષ ધર્મો :-
ત્રણે વર્ણ, ગાયો, તેમજ શ્રીકૃષ્ણાદિ દેવમંદિરોની નિષ્કપટ ભાવે સેવા કરવી, આ સેવા કરવાથી પ્રાપ્ત થતા અન્ન ધનાદિકથી સંતોષ પામવું, આ છ શૂદ્રોના સ્વાભાવિક ગુણરૃપ ધર્મો કહેલા છે.૧૭

દ્વિજાતિ અને એક જાતિની વ્યાખ્યા :-
બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય આ ત્રણ દ્વિજાતિ કહેવાય છે. ઉપવિત સંસ્કારના અભાવે શૂદ્રોને એક જાતિ મનાયેલા છે. તેમાં બ્રાહ્મણાદિક ત્રણનો સત્કુળમાં માતાપિતા થકી જે જન્મ તે પ્રથમ જન્મ કહ્યો છે, અને વેદોક્ત મૌંજી બંધનાદિક સંસ્કારો કર્યા પછી બીજો જન્મ કહેલો છે, તેથી તેઓ દ્વિજ એવા નામે કહેવાય છે.૧૮-૧૯

દ્વિજાતિના સોળ સંસ્કારો :-
ગર્ભાધાન, પુંસવન, સીમંત, જાતકર્મ, નામકરણ, ચોથા માસે ગૃહબહિર્નિષ્ક્રમણ, છઠ્ઠામાસે અન્નપ્રાશન, તૃતીય વર્ષમાં ચૌલકર્મ, કર્ણવેધ, યજ્ઞોપવિત સંસ્કાર, વેદાધ્યયન આરંભવિધિ, વેદવ્રતની સમાપ્તિ પછી કરવામાં આવતું કેશવાપન કર્મ, સમાવર્તન, વિવાહસંસ્કાર, વિવાહ અગ્નિનો સ્વીકાર અને ત્રેતાગ્નિનો સંગ્રહ- અગ્નિહોત્ર નામનું કર્મ કરવું, આ સોળ સંસ્કારો કહેલા છે. તે બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્યને માટે વેદોક્ત મંત્રોથી કરવાના કહ્યા છે.૨૦-૨૨

તેમાં કર્ણવેધ પર્યંતના નવ સંસ્કારો ત્રણેવર્ણની સ્ત્રીઓ માટે વેદોક્ત મંત્ર રહિત કરવાના કહ્યા છે. તે ત્રણે વર્ણની સ્ત્રીઓના વિવાહ સંસ્કાર વેદોક્ત મંત્રથી કરવા, આ પ્રમાણે સ્ત્રીઓ માટે દશ સંસ્કાર કહેલા છે. અને આજ દશ સંસ્કારો શૂદ્રોને માટે પૌરાણિક મંત્રોથી કરવાના કહ્યા છે.૨૩

હે બ્રહ્મન્ !
સત્શૂદ્રોને દશ સંસ્કારો મંત્ર રહિત કરવાના કહ્યા છે, અસત્શૂદ્રોને કેવળ એક વિવાહ સંસ્કાર કરવાનો કહ્યો છે. આ ચોથો વર્ણ શૂદ્ર હોવા છતાં વર્ણમાં ગણતરી હોવાથી વેદમંત્ર, સ્વધા, સ્વાહા અને વષટ્કારાદિ વિના યજ્ઞાકર્મમાં અધિકારી છે.૨૪-૨૫

શૂદ્રોએ યજ્ઞા, દાન, આદિક ધર્મકાર્ય બ્રાહ્મણોએ ઉચ્ચારણ કરેલા પૌરાણિકમંત્રોથી કરવું, અને શ્રીમદ્ભાગવતાદિ પુરાણોએ સહિત મહાભારતની કથા બ્રાહ્મણોના મુખ થકી સાંભળવી.૨૬

હે સદ્વર્તનવાળા વિપ્ર! સત્યાદિયુગમાં સ્ત્રીઓને માટે મૌંજીબંધન, ઉપનયન સંસ્કાર, વેદોનું અધ્યયન તથા ગાયત્રીનો પાઠ કરવો વિગેરે ક્રિયાની પ્રવૃત્તિ હતી.૨૭

યુગાંતરમાં પણ ત્રણે વર્ણની સ્ત્રીઓમાં તીક્ષ્ણબુદ્ધિવાળી એવી બ્રહ્મવાદિની તથા સદ્યવધૂઓ એમ બે પ્રકારની સ્ત્રીઓની મધ્યે નૈષ્ઠિક બ્રહ્મચર્યવ્રતનું આચરણ કરતી પહેલી બ્રહ્મવાદિની સ્ત્રીઓને નિરંતર અગ્નિહોત્ર કર્મ કરવું, પોતાના સંબંધીજનોને ઘેર ભિક્ષાવૃત્તિ કરવી, તેમજ અષ્ટ પ્રકારના બ્રહ્મચર્યવ્રતનું પાલન કરતા પુરુષોનો ત્યાગ કરવો, વિગેરે કર્મોનું વિધાન હતું.૨૮-૨૯

પરંતુ બીજા પ્રકારની જે સદ્યોવધુ હતી તેઓનો ઉપનયન સંસ્કાર પછી વિવાહ સંસ્કાર થતો અને અત્યારે કળિયુગમાં તેઓની બુદ્ધિ જડ હોવાના કારણે ઉપનયનાદિ સંસ્કારનો નિષેધ કર્યો છે.૩૦

બ્રાહ્મણની આજીવિકાવૃત્તિ :-
અધ્યાપન કરવું-કરાવવું, યજ્ઞો કરાવવા, ધર્મનિષ્ઠ જનો પાસેથી દાન સ્વીકારવું, આ ત્રણ બ્રાહ્મણોની આજીવિકાવૃત્તિ કહેલી છે.૩૧

અને બ્રાહ્મણ જો દાન સ્વીકારવામાં પોતાના તપ, સ્વધર્મ, તેજ અને યશનો નાશ થતો માને તો માત્ર અધ્યાપન અને યજ્ઞો કરાવવા, તેનાથી આજીવિકાવૃત્તિ ચલાવે, અને તેમાં પણ જો દોષનો ભય લાગે તો શિલોંચ્છવૃત્તિથી જીવન જીવે.૩૨

તેવી જ રીતે પોતાના દેહનો નિર્વાહ ચાલે તે માટે ગૌણ અને મુખ્યના ભેદથી બ્રાહ્મણોની અન્ય ચારપ્રકારની આજીવિકાવૃત્તિ કહેલી છે.૩૩

પહેલી અનેકવિધ વાર્તા અર્થાત્ યોગ્યખેતી કે વ્યાપાર કરવો. બીજી શાલીનવૃત્તિ- કોઇ જાતના કકળાટ વિના માગ્યા વિના પ્રાપ્ત થતું અન્ન-ધન, અને ત્રીજી યાયાવરવૃત્તિ- પ્રતિદિન જરૃર પૂરતું ધાન્ય માગી લાવવું, અને ચોથી શિલોંચ્છવૃત્તિ- ખેતરોમાં રહી ગયેલા ધાન્યના એક એક દાણાને ભેળા કરી જે કાંઇ મળે તેનાથી જીવન ચલાવવું. આ ચાર પ્રકારની વૃત્તિમાં ઉત્તરોત્તર શ્રેષ્ઠ છે એમ જાણવું.૩૪

ક્ષત્રિયો વૈશ્યો અને શૂદ્રોની આજીવિકા :- શસ્ત્ર, અસ્ત્ર ધારણ કરીને જીવવું, પૃથ્વીની ચોર આદિકથી રક્ષા કરવી, મનુષ્યોની રક્ષા કરવી, શત્રુ-સૈન્યપર વિજય મેળવવો, અને નીતિએ સહિત રાજયશાસન કરવું, આ ક્ષત્રિયોની આજીવિકાવૃત્તિ કહેલી છે.૩૫

ખેતી, વેપાર, ગોરક્ષા, પશુપાલન અને વ્યાજવટું આ ચાર વૈશ્યોની આજીવિકાવૃત્તિ કહેલી છે.૩૬

હે ઉત્તમ વિપ્ર !
બ્રાહ્મણાદિ ત્રણ વર્ણની નિષ્કપટભાવે સેવા કરવી અને ખરીદ-વેચાણ આદિકનો વેપાર કરવો, આ સ્મૃતિશાસ્ત્રમાં કહેલી શૂદ્રની આજીવિકા વૃત્તિ છે.૩૭

મીઠું-લવણ, મધ, તેલ, દહીં, છાસ, ઘી, અને દૂધનો વેપાર કરવો, તેમાં તેને કોઇ દોષ નથી. પરંતુ દારુ, માંસ આદિક પદાર્થોનો વેપાર કરવો, અભક્ષ્ય વસ્તુ એવી ડુંગળી, લસણ આદિનું ભક્ષણ કરવું, પરસ્ત્રીનું ગમન કરવું, ચોરી કરવી, આ બધા શૂદ્રોને માટે પાપના કારણ મનાયેલા છે. તે કરવાથી નરકની પ્રાપ્તિ થાય છે.૩૮-૩૯

હે દ્વિજશ્રેષ્ઠ !
આ પ્રમાણે મેં વેદસંમત ચારે વર્ણોના ધર્મો તમને કહ્યા, હવે વેદોક્ત ક્રમાનુસાર પરમહિતકારી ચાર આશ્રમના સર્વે ધર્મો હું તમને કહું છું.૪૦

આ પ્રમાણે અવતારી શ્રીનારાયણના ચરિત્રરૃપ શ્રીમત્સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના પંચમ પ્રકરણમાં ધર્મના ઉપદેશમાં શ્રીહરિએ ચારે વર્ણના ધર્મોનું નિરૃપણ કર્યું એ નામે બીજો અધ્યાય પૂર્ણ થયો. --૨--