અધ્યાય - ૧૪ - દીપાવલીના બપોર પછી નિત્ય નિયમ પ્રમાણે પ્રાગજી પુરાણી પાસે પંચમસ્કંધનું શ્રવણ કર્યું.

Submitted by swaminarayanworld on Wed, 02/08/2017 - 5:26pm

અધ્યાય - ૧૪ - દીપાવલીના બપોર પછી નિત્ય નિયમ પ્રમાણે પ્રાગજી પુરાણી પાસે પંચમસ્કંધનું શ્રવણ કર્યું.

દીપાવલીના બપોર પછી નિત્ય નિયમ પ્રમાણે પ્રાગજી પુરાણી પાસે પંચમસ્કંધનું શ્રવણ કર્યું. મંગલાચરણ. દીપોત્સવ . શ્રીહરિને સજાવ્યા ઉત્તમરાજાએ ઉત્તમ શણગાર. કરુણાષ્ટક સ્તોત્ર.

સુવ્રતમુનિ કહે છે, હે પ્રતાપસિંહ રાજન્ ! ભગવાન શ્રીહરિ બપોરનું ભોજન કર્યા પછી બેઘડી પ્રર્યંત પોતાના પાર્ષદોની સાથે બહાર વેદિકા પાસે સ્થાપન કરેલા સિંહાસન ઉપર વિરાજમાન થયા.૧

આજે દીપાવલીના ત્રીજા પહોરને અંતે સંતો તથા સ્ત્રીઓએ સહિત ગૃહસ્થ ભક્તજનો પણ પૂર્વની માફક સભામાં બેઠા.૨

ત્યારે પ્રેમાનંદાદિ ઋષિવરોએ મૃદંગ, વીણા, વાંસળી અને સાત તારવાળી વિપંચિકા વગેરે વાજિંત્રો વગાડી ભગવાન શ્રીહરિના ગુણોનું સંકીર્તન કર્યું.૩

હે રાજન્ ! એ અવસરે ભગવાન શ્રીહરિએ નિત્યનિયમની કથાનું શ્રવણ કરાવવા પ્રાગજી પુરાણી નામના પ્રસિદ્ધ વક્તાને બોલાવ્યા.૪

શરીરે પૌઢ અને શ્રીહરિની કૃપાથી તર્ક, મીમાંસા આદિ સમગ્ર શાસ્ત્રો અને શ્રીમદ્ ભાગવતાદિ સમગ્ર પુરાણો અને વેદના અર્થને યથાર્થ જાણવામાં ચતુર, સ્પષ્ટ અક્ષરોનું ઉચ્ચારણ કરી મધુરભાષામાં ઉચ્ચસ્વરે બોલી કથા શ્રવણ કરાવતા પ્રાગજી પુરાણી બે હાથ જોડી સભામાં બેઠેલા સંતોને નમસ્કાર કરી, શ્રીહરિના ચરણોમાં પોતાનું મસ્તક ધરી અતિશય આદરપૂર્વક વિનયથી નમસ્કાર કર્યા અને પાસે ઊભેલા સોમવર્મા આદિ પાર્ષદોને પણ નમસ્કાર કર્યા. ત્યારે મર્યાદાનું સ્થાપન કરવા તેનું પાલન કરતા શ્રીહરિએ પણ વિપ્ર પુરાણીને શાસ્ત્રવિધિ અનુસાર વિનયપૂર્વક ઊંચા વ્યાસાસને બેસાડી નમસ્કાર કર્યા.૫-૬

બ્રાહ્મણોને દેવ સમાન માની તેનું હિત કરતા આ પૃથ્વી પર ધર્મમાર્ગનું રક્ષણ કરવાની ઇચ્છા વાળા તેમજ બ્રહ્માદિ દેવતાઓ પણ જેની હમેશાં પૂજા કરે છે એવા ભગવાન શ્રીહરિએ સુગંધીમાન ચંદન, કુંકુમ, પુષ્પોના હાર, નાળિયેર, સુંદર ફળો અને સુવર્ણની મુદ્રિકાથી સૌ પ્રથમ શ્રીમદ્ભાગવત રૂપ સરસ્વતી દેવીનું પૂજન કર્યું, ત્યારપછી બ્રાહ્મણ શ્રેષ્ઠ પ્રાગજી પુરાણીનું ચંદનાદિવડે પૂજન કર્યું.૭

પછી પ્રાગજી પુરાણીએ પણ નિત્ય વાંચવાના ક્રમ પ્રમાણે આવતા ભાગવતના પંચમ સ્કંધની કથા સંભળાવવાના પ્રારંભમાં મંગલાચરણ કર્યું.૮

મંગલાચરણ :- શુદ્ધ સુવર્ણનાં બુટ્ટાથી અંકિત શ્રેષ્ઠ પ્રકારની અને શોભાવાળી ડગલીને ધારણ કરનારા, કસુંબલ રંગવાળાં અને સુવર્ણના સૂત્રથી અંકિત સુરવાળને ધારણ કરનારા, અને તેવા જ રંગનું મસ્તકપર મંડિલને ધારણ કરનારા, રાતા વસ્ત્રને કેડ ઉપર બાંધનારા, સુવર્ણના અનેક હાર, શ્રેષ્ઠ બાજુબંધ, કડાં અને મુકુટ તથા નૂપુરને ધારી રહેલા અને મંદમંદ હાસ્ય કરતા મુખચંદ્રથી શોભતા એવા હે નારાયણમુનિ ! સાક્ષાત્ પરમાત્મા તમે મારી દૃષ્ટિ આગળ સદાય વિરાજમાન રહો, અને તમારો સદાય વિજય થાઓ.૯

હે ભગવાન ! તમે સર્વેના નિયંતા પરમેશ્વર હોવા છતાં સ્વેચ્છાથી મનુષ્યાકૃતિને ધારણ કરનારા આનંદના નિધિ અને કૃપાસિંધુ છો. આ ભવસાગરમાં દુઃખ પામતા મનુષ્યોનો ઉદ્ધાર કરતા આત્મીયબંધુ છે, સકામી અને નિષ્કામી એવા મનુષ્યો અને દેવતાઓ પણ તમારા ચરણારવિંદની ઉપાસના કરે છે. એવા સર્વે આત્માના અંતર્યામી હે નારાયણમુનિ ! સાક્ષાત્ પરમાત્મા ! હું આપને આ કથાના પ્રારંભમાં કાયા, મન, વાણીથી નમસ્કાર કરું છું.૧૦

હે રાજન્ ! આ બે શ્લોકનું મંગલાચરણરૂપ પઠન કરી પ્રાગજી પુરાણી પંચમ સ્કંધની કથા કરવા લાગ્યા, ત્યારે તે તે કથા પ્રસંગમાં જ્યાં જ્યાં અધ્યાત્મભાગ આવે તેની વધુ સ્પષ્ટતા ભગવાન શ્રીહરિ પણ વચ્ચે કરતા હતા.૧૧

હરિ ઇચ્છાએ આજે દીપોત્સવીને દિવસે જ પંચમ સ્કંધની કથામાં સમાપ્તિ થઇ હોવાથી કથા શ્રવણના વિધિ પ્રમાણે શ્રીહરિએ પુરાણીનું ચંદન, પુષ્પાદિકવડે પુનઃ પૂજન કરી પોતાના મસ્તક ઉપર ધારણ કરવાનું મહા કિંમતી વસ્ત્રનું દાન કર્યું.૧૨

તેવી જ રીતે પુરાણીને ઉપયોગી ધોતી, ડગલી આદિ અન્ય વસ્ત્રો તથા હાથમાં ધારણ કરવાનાં કડાં આદિ અલંકારો અને વિપુલ પ્રમાણમાં ધન અર્પણ કર્યું.૧૩

તે પછી બહુ મૂલ્યવાળો રાજાઓએ પણ સ્પૃહા કરેલો રોઝા નામનો પોતાનો ઘોડો સુવર્ણના આભૂષણોથી અલંકૃત કરીને પ્રાગજી પુરાણીને દાન કર્યો.૧૪

દીપોત્સવ :- હે રાજન્ ! પછી પ્રાગજી પુરાણી વ્યાસાસનથી નીચે ઉતરી શ્રીહરિને નમસ્કાર કર્યા અને સભામાં સંતમંડળની મધ્યે પોતાના આસન પર બેઠા. તે સમયે સૂર્યનારાયણ અસ્તાચળને પામ્યા.૧૫

ત્યારે રાજદ્વારમાં ભગવાન શ્રીવાસુદેવ-નારાયણના મંદિરના આંગણામાં દેવરામ આદિ શિલ્પભક્તો વિશાળ અને સુશોભિત ચાર દ્વારવાળા મંડળની રચના કરી.૧૬

તે મંડપની અંદર કૃષ્ણદાસ વગેરે વાંણદ ભક્તજનોએ લાંબી એકસરખી આડી અને ઊભી હજારો દીવડાની પંક્તિઓ કરી દીધી.૧૭

તેમજ બહારના ભાગમાં વેદિકાઓ ઉપર શણની દોરીઓથી સહેજ વાંકા બાંધેલા વાંસડાઓમાં લાંબી અને જાડી દિવેટોવાળા હજારો દીવડાઓ પ્રગટાવ્યા.૧૮

અને શ્રીહરિની આગળના ભાગે પણ સેંકડો દીવડાઓ કર્યા. અને રૂપાના કોડિયામાં મીણબતીના પણ હજારો દીવડાઓ પ્રગટાવ્યા.૧૯

તેમ જ જે નિંબતરુ નીચે સુશોભિત સિંહાસન ઉપર શ્રીહરિ બિરાજે છે તે લીંબતરુમાં પણ દિશાઓ તથા વિદિશોમાં ચારેબાજુ રાજદાસ આદિક વાણંદ ભક્તજનોએ કાચની હાંડીઓમાં સેંકડો દીવડાઓ મૂકીને પ્રગટાવ્યા.૨૦

તેમજ નારાયણજી આદિ સુથાર ભક્તજનોએ પોતાની કલાકારીગરીથી તૈયાર કરેલા અને પોતાની રીતે જ ચક્રાકારે ગોળ ગોળ ફરતા દીપયંત્રો ભગવાન શ્રીહરિની આગળના ભાગે ગોઠવ્યા. તેમાં હજારો દીવડાઓ ચક્રાકારે ફરવાથી અતિશય શોભવા લાગ્યા.૨૧

પ્રકાશમાન તે સર્વે દીવડાઓ જાણે રત્નના ઉત્તમમણિઓ હોય તેવા દીપવા લાગ્યા તેથી અમાવાસ્યાની રાત્રીના અંધકારે ઉત્તમરાજાના દરબારમાંથી વિદાય લઇ લીધી.૨૨

તે સમયે શ્રીહરિએ પૂજા પ્રકાર વિધિને જાણનારા હરિશર્મા આદિ વૈદિક વિપ્રોને બોલાવી મંડપમાં સુવર્ણની મૂર્તિસ્વરૂપે સ્થાપન કરેલાં શ્રીલક્ષ્મીદેવીનું અનેક ઉપચારોથી પૂજન કર્યું.૨૩

તે લક્ષ્મીપૂજનના મહોત્સવમાં ગીત વાજિંત્રોનો મહાન ધ્વનિ થવા લાગ્યો, લક્ષ્મીજીનું પૂજન કર્યા પછી ભગવાન શ્રીહરિએ બ્રાહ્મણોને વસ્ત્ર અને અલંકારો તથા સુવર્ણ આદિકની દક્ષિણાઓ આપી ખુશ કર્યા.૨૪

શ્રીહરિને સજાવ્યા ઉત્તમરાજાએ ઉત્તમ શણગાર :- હે રાજન્ ! ત્યારે જયાબાની પ્રેરણાથી ઉત્તમરાજા ભગવાન શ્રીહરિની સમીપે આવ્યા ને મહાસભામાં શ્રીહરિનું અતિશય પ્રેમથી વિધિપૂર્વક પૂજન કર્યું.૨૫

ત્યારે ઉત્તમરાજાએ લાલવર્ણનો ચરણ સુધી લાંબો સુરવાળ પ્રથમ શ્રીહરિને અર્પણ કર્યો. તેથી ઉત્તમરાજાને પ્રસન્ન કરવા શ્રીહરિએ તરત જ ધોતી ઉપર સુરવાળ ક્ષણવાર માટે ધારણ કર્યો.૨૬

અને સુવર્ણના બુટ્ટાથી અંકિત લાલવર્ણની ડગલી અને મસ્તક ઉપર બાંધવાનું કિંમતી વસ્ત્ર ઉત્તમરાજાએ સહજાનંદ સ્વામીને ધારણ કરાવ્યું.૨૭

પછી કેડમાં બાંધવાનો સુવર્ણના તારથી ગુંથેલો અને ચળકતા છેડાવાળો કસુંબી રંગનો પટકો ઉત્તમરાજાએ શ્રીહરિને અર્પણ કર્યો. તેને પણ શ્રીહરિએ ધારણ કર્યો.૨૮

હે રાજન્ ! વળી બહુમૂલ્યવાળું શ્વેત ઉત્તરીય એક વસ્ત્ર અર્પણ કર્યું, તે સમે શ્રીહરિને નમસ્કાર કરી તેમની આગળના ભાગે બે હાથ જોડી અન્ય કોઇ આજ્ઞાની રાહ જોતા ઊભા રહ્યા.૨૯

તે સમયે લલિતાબાએ ઉત્તમરાજાને પોતાની સમીપે બોલાવી શ્રીહરિને ધારણ કરાવવા અલંકારો અર્પણ કર્યા, તે લઇને શ્રીહરિને ધારણ કરાવ્યા.૩૦

તે અલંકારોમાં જડેલી ઘુઘરીઓની પંક્તિથી શોભતાં ઝાંઝર ચરણમાં, કંદોરો કેડમાં, બે કડાં, સાંકડાં અને બાજુબંધ હાથમાં ધારણ કરાવ્યાં, તથા સુવર્ણની અને મણિમય રત્નોથી વિભૂષિત વીંટીઓ અંગુલીમાં ધારણ કરાવી, કાનમાં કુંડળ તથા કંઠમાં અનેક પ્રકારના સુવર્ણના મોતીઓથી બનાવેલા હાર ધારણ કરાવી ઉત્તમરાજા બે હાથ જોડી શ્રીહરિને પ્રણામ કરી ઊભા રહ્યા.૩૧-૩૩

તે સમયે સ્વયં ભગવાન શ્રીહરિ પોતાના આસન ઉપરથી ઊભા થઇ ભક્તજનોને આનંદ ઉપજાવતા મંડપના મધ્ય ભાગમાં સ્થાપન કરેલાં સિંહાસન ઉપર આવી વિરાજમાન થયા, ને કેડ સંગાથે દૃઢ કછોટો બાંધી સ્વયં તાલિકાનો ધ્વનિ કરતા સિંહાસન ઉપર બેસીને નારાયણ ધૂન્ય કરવા લાગ્યા.૩૪-૩૫

હે રાધાકૃષ્ણ ! હે ગોવિંદ ! હે નરનારાયણ ! હે પ્રભુ ! હે વાસુદેવ ! હે હરિ ! હે સ્વામિન્ ! આ પ્રમાણે ઉચ્ચસ્વરે ભગવાનના નામનું સંકીર્તન કરતા હતા.૩૬

તે સમયે સર્વે સંતો તથા ભક્તજનો પણ ભગવાન શ્રીહરિની સાથે તાલી બજાવી અતિ હર્ષપૂર્વક ઉચ્ચ સ્વરે નામ સંકીર્તન કરવા લાગ્યા.૩૭

મનુષ્યમાત્રના સમગ્ર પાપના પુંજનો વિનાશ કરનારો તે નામઘોષ સર્વે દિશાઓ તથા વિદિશાઓમાં વ્યાપી ગયો.૩૮

હે રાજન્ ! આ પ્રમાણે શ્રીહરિ બે ઘડી પર્યંત નામ સંકીર્તન કરીને ફરી પોતાના આસન ઉપર વિરાજમાન થયા. અને સર્વે સંતો તથા ભક્તજનો જુદ જુદા સ્તોત્રનો ઉચ્ચાર કરવા લાગ્યા.૩૯

પ્રાચીન તથા આધુનિક કવિઓએ રચેલા સંસ્કૃતના સ્તોત્રો તથા પ્રાકૃતભાષાના પદ્યોનું ગાન કરી શ્રીહરિની સ્તુતિ પ્રાર્થના કરી પ્રેમથી પ્રણામ કર્યા.૪૦

પછી નૂતન કાવ્ય રચવામાં કુશળ દીનાનાથ ભટ્ટ બે હાથ જોડી આઠ શ્લોકથી રચેલા સ્તોત્રવડે ભગવાન શ્રીહરિની સ્તુતિ કરવા લાગ્યા.૪૧

કરુણાષ્ટક સ્તોત્ર :- હે નારાયણ ! હું અત્યારે ધન્ય ભાગ્યશાળી થયો છું, મારો મનુષ્ય જન્મ સફળ થયો છે. કારણ કે સાક્ષાત્ નારાયણ તમે મારી દૃષ્ટિ આગળ પ્રત્યક્ષ વિરાજો છો. કાળ, માયા અને અક્ષરાદિક સર્વેના નિયંતા તમે મહાતેજના પુંજની મધ્યે ચળકતા નિર્મળ સિંહાસન ઉપર વિરાજમાન થઇ તમારા ચરણકમળની આંગળીઓના નખમણિઓમાંથી નીકળતાં કિરણોથી સભાને પ્રકાશિત કરો છો. તમારા મસ્તક ઉપર પાર્ષદે શ્વેત છત્ર ધારણ કર્યું છે, બન્ને પડખે પાર્ષદો ઊભા રહી આપને વિશુદ્ધ ચંદ્રિકાસમાન ચામર ઢોળી રહ્યા છે.૪૨

હે હરિ ! આપનું આ પ્રત્યક્ષ દિવ્યસ્વરૂપ સદૈવ મારા હૃદયમાં સ્ફુરાયમાન થતું રહે, તે દિવ્યસ્વરૂપ મંદમંદ હાસ્યથી શોભતા મુખકમળ અને ચપળ નેત્રોથી ભક્તજનો ઉપર કૃપાદૃષ્ટિ વરસાવનારું છે. શોભાયમાન મોતીઓની માળા ધારણ કરી રહેલ છે. અનેકવિધ પુષ્પના તોરાઓથી યુક્ત મુકુટને ધારણ કરી રહેલ છે. ચળકતાં ઉજ્જ્વળ ઉતરીય વસ્ત્રને ધારણ કરી રહેલ છે. ચરણમાં ધારણ કરેલ શોભાયમાન ઝાંઝરથી વિલસી રહ્યું છે.૪૩

હે હરિ ! મને દૃઢ વિશ્વાસ છે કે, આપના ચરણ કમળનો આશ્રય કરનારા મનુષ્યો આપની અસીમ કરુણાથી કોઇ પણ પ્રયાસ વિના આ ભવસાગરને પાર કરી જાય છે, અને તમે જ એક અનંતકોટી બ્રહ્માંડના સ્વામી છો. તેથી આટલી દૃઢ ખાત્રી કરીને મેં આપના ચરણકમળનો આશ્રય કર્યો છે.૪૪

હે સ્વામિન્ ! હું શાસ્ત્રના વિવિધ સિદ્ધાંતોના કોઇ નિર્ણયને જાણતો નથી, પુરાણોમાં ગવાયેલી અનેક કલ્પોના આશ્રયવાળી કથાઓને પણ હું સમજી શકતો નથી. વળી આલોકમાં દેવતાઓએ અને ઋષિમુનિઓએ મનોરંજનના અનેક ભિન્ન ભિન્ન સાધનો બતાવ્યાં છે. તેને પણ હું સમજી શકતો નથી. પરંતુ આપના ચરણકમળનો આશ્રય છે, તે આ સંસારના ભ્રમણને હરી લે છે, બસ તેટલું જ મને જ્ઞાન છે. એના સિવાય બીજું હું કાંઇ જાણતો નથી.૪૫

હે પ્રભુ ! આલોકમાં તમને મેળવવા મેં કાંઇ ઉગ્ર તપ કર્યું નથી, તેમજ કોઇ વ્રત, નિયમ, દાન કે યજ્ઞાયાગાદિ ઇષ્ટપૂર્તિનો વિધિ પણ કર્યો નથી. તથા તમારા મહિમાનું ગાન કરનારી કથાઓનું દૃઢતાપૂર્વક બહુકાળ પર્યંત શ્રવણ, મનન કે નિદિધ્યાસ પણ કર્યો નથી. છતાં પણ અક્ષરધામાધિપતિ તમે અમારી દૃષ્ટિગોચર થયા છો, તેમાં તમારી અપાર કરુણા સિવાય બીજો કોઇ હેતુ મને જણાતો નથી.૪૬

હે પ્રભુ ! હે નાથ ! હું પાપના સમૂહોથી અત્યંત ઘેરાયેલો છું. તેમજ વિદ્યાદિ ગુણોનો મદ, માન, લોભ આદિ દોષોથી પણ અત્યંત ઘેરાયેલો છું, તેથી જો તમે તમારી પરમ કારૂણ્ય પદવીનો સ્વીકાર ન કરો તો મને ભવસાગરને પાર કરનારા આ તમારા ચરણકમળનાં દર્શન ક્યાંથી થાય ? અને આવી અપાર કરુણા એક કેવળ તમારે વિષે જ વર્તે છે. બાકી બીજે હેતુ વિના કોઇ હેત કરતું નથી. આ કેવી આશ્ચર્યની વાત છે.૪૭

હે હરિ ! જન્મમરણના પ્રવાહરૂપ આ સંસારસિંધુમાંથી મુક્ત થવા શાસ્ત્રનિપુણ હોવા છતાં મારી બુદ્ધિમાં કોઇ બળ નથી, દૃઢ વૈરાગ્યથી અલંકૃત એવું કોઇ આત્મજ્ઞાન નથી, તેમજ પવિત્રતા અને સંતોષ આદિ નિયમોનું પણ કોઇ બળ નથી. તેથી શરણે આવનારા ભક્તજનોનો ઉદ્ધાર કરવાનું આપનું જે બિરુદ છે તેને સંભારીને તમે મારો આ ભવસાગરમાંથી ઉદ્ધાર કરો.૪૮

કારણ કે વર્ણાશ્રમના છ પ્રકારના ધર્મની કર્તવ્ય રીતને પણ હું જાણી શક્યો નથી. તેમજ શાસ્ત્ર કે મંત્રોને પણ બરાબર સમજી શક્યો નથી, પંચરાત્રશાસ્ત્રાદિ તંત્રાગમમાં દેખાડેલી ભગવાનની આરાધનાના અનુષ્ઠાનની રીતને હું જાણી શક્યો નથી, તમારા એકાંતિક ભક્તોને શું કરવું જોઇએ ? તેમજ આપના ચરણકમળની પૂજાના વિધિને પણ હું બરાબર જાણતો નથી. તેથી હે દિનબંધુ ! રંક હું દિનાનાથ તમારા ચરણકમળમાં કેવળ સાષ્ટાંગ દંડવત પ્રણામ કરૂં છું. કરુણા કરીને ઉગારી લેજો.૪૯

હે રાજન્ ! આ પ્રમાણે કરુણાષ્ટક સ્તોત્રથી દીનાનાથ ભટ્ટે ભગવાન શ્રીહરિની સ્તુતિ કરી તેથી તેમના ઉપર ભગવાન શ્રીહરિ અત્યંત પ્રસન્ન થયા અને સંસારના ભયથી નિવૃત્તિનું અભયદાન આપ્યું.૫૦

પછી સર્વે સંતો સિંહાસન ઉપર બિરાજતા શ્રીહરિને પ્રદક્ષિણા કરતા કરતા કીર્તનોનું ગાન કરવા લાગ્યા.૫૧

શ્રીહરિને જમણી બાજુએથી ગોળાકાર ફરતા ફરતા એક સાથે તાલી મિલાવી સંકીર્તન કરી રહેલા સંતોએ પરમેશ્વરને ખૂબજ રાજી કર્યા.૫૨

હે રાજન્ ! સંતોની કીર્તન ભક્તિથી અત્યંત પ્રસન્ન થયેલા શ્રીહરિએ સર્વે સંતો તથા ભક્તજનોને પોતપોતાને ઉતારે જવાની આજ્ઞા આપી, તેથી સર્વે ઉતારે ગયા.૫૩

ત્યારપછી હે રાજન્ ! રસોયા ભૂદેવોને આજ્ઞા કરી કે આવતીકાલ માટે રસોઇ બનાવવાની તૈયારી કરો. એમ કહી સ્વયં શ્રીહરિ પોતાના અક્ષરભુવનમાં પધાર્યા.૫૪

ત્યાં આવી શ્રીહરિએ સ્નાન કરી પોતાનું નિત્ય કરવાનું સંધ્યા ઉપાસના અને હોમકર્મ કર્યું, પછી રાત્રીનો પહેલો પહોર વીતી ગયો હોવાથી પોતાની સેવામાં ઉત્સુક યોગનિદ્રાને નેત્રોમાં નિવાસ આપી તેમનો પણ સત્કાર કર્યો.૫૫

આ પ્રમાણે અવતારી શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમત્ સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના તૃતીય પ્રકરણમાં અન્નકૂટોત્સવ પર દીપાવલીને દિવસે દીવડાઓ પ્રગટાવી ઉત્સવ ઉજવ્યો ને દીનાનાથ ભટ્ટે સ્તુતિ કરી એ નામે ચૌદમો અધ્યાય પૂર્ણ થયો. --૧૪--