અધ્યાય ૬ - પુરશ્ચરણ વિધિનું નિરૂપણ

Submitted by swaminarayanworld on Sat, 24/06/2017 - 3:51pm

અધ્યાય ૬ - પુરશ્ચરણ વિધિનું નિરૂપણ

શતાનંદ મુનિ કહે છે હે રાજન્ ! આ પૃથ્વી પર જે મનુષ્યો આ સત્સંગિજીવન શાસ્ત્રનું પુરશ્ચરણ કરે છે તેઓ ચારે પુરુષાર્થનું ફળ પોતે ઇચ્છયા મુજબનું નિશ્ચે પામે છે. ૧


આ સાંભળી હેમંતસિંહ રાજા પ્રશ્ન કરે છે, હે નિર્દોષ મુનિ ! આ શાસ્ત્રનો પુરશ્ચરણ વિધિ શું છે ? હું તમારા થકી સાંભળવા ઇચ્છું છું, તો કૃપા કરી જિજ્ઞાસુ મને એ પુરશ્ચરણ વિધિ સંભળાવો. ૨


ત્યારે શતાનંદમુનિ કહે છે, હે ભૂપતિ ! શુભ ફળને આપનાર જે સમયો પહેલાં તમને મેં કહ્યા, તેમાના કોઇ પણ સમયે પુરશ્ચરણનો પ્રારંભ કરી શકાય છે. તેમાં પ્રથમ શુભ મુહૂર્તમાં પૂર્વે કહેલા વક્તાના લક્ષણોથી સંપન્ન બાર, નવ કે છ બ્રાહ્મણોનું વરણ કરવું. વરણી કરાયેલા બ્રાહ્મણોને નિત્ય પહેરવામાં ઉપયોગી શ્વેત વસ્ત્રો, સુવર્ણની વીંટીઓ, આસનો અને જળપાત્રો તેમજ ધાબળાઓ અર્પણ કરવા. તે વરણી કરાયેલા બ્રાહ્મણોની સેવામાં બીજા બ્રાહ્મણોની નિયુક્તિ કરવી. તે વિપ્રોએ સ્નાન માટે ગરમ જળ તૈયાર કરવું, સમય પ્રમાણે રસોઇમાં પકવાન્નાદિ તૈયાર કરવાં અને તૈલાદિથી તેઓનું અંગ મર્દન કરવું. ૩-૬


પુરશ્ચરણ કરવાના સ્થળો :- કોઇ પુણ્યક્ષેત્ર, પ્રસિદ્ધ દેવાલય, અથવા પુરાતન મંદિર હોય ત્યાં પુરશ્ચરણનો પ્રારંભ કરવો.૭

 

અથવા યજમાનના ઘેર જ વિધિ અનુસાર સુવર્ણમયી શ્રીકૃષ્ણની પ્રતિમાનું સ્થાપન કરી તેની સમીપે પ્રતિદિન કહેલા નિયમ અનુસાર પુરશ્ચરણ કરવું. ૮


એક પુરશ્ચરણની નિયત સંખ્યા અને સમયાવધિ :- હે નૃપતિ ! આ સત્સંગિજીવન શાસ્ત્રની એકસો આઠ પારાયણ કરવાથી એક પુરશ્ચરણ પૂર્ણ થાય છે.૯

 

હે નૃપ ! વરણી કરાયેલા બ્રાહ્મણોએ એક સપ્તાહમાં એક એક પારાયણ કરવી, આ રીતે અનુક્રમથી ૧૦૮ પારાયણો કરી પુરશ્ચરણ પૂર્ણ કરવું. ૧૦


પુરશ્ચરણ કર્તા માટે સાવધાની :- પુરશ્ચરણ કરનાર વિપ્રોએ પૂર્વે કહેલા નિયમો મુજબના અધ્યાયે જ વિરામ કરવો. સ્પષ્ટ અક્ષરથી વાંચવું. વચ્ચે કોઇની સાથે બોલવું નહિ. વરણી કરાયેલા બ્રાહ્મણોએ જેની તેની પાસેથી દક્ષિણા કે અન્ય વસ્ત્ર-આભૂષણાદિક પણ ક્યારેય ગ્રહણ કરવા નહિ. ૧૨


પુરશ્ચરણ કરાવનાર યજમાન માટે સાવધાની :- એક એક સપ્તાહ પૂર્ણ થાય ત્યારે એ દિવસે પ્રત્યેક પુરશ્ચરણ કરનાર વિપ્રને અલગ અલગ ત્રણ સુવર્ણમુદ્રાની દક્ષિણા આપવી. અથવા નક્કી કરેલા સંહિતા પાઠને અંતે સમગ્ર દક્ષિણા એક સાથે પ્રત્યેક વિપ્રને આપવી. જો વિપ્રોને ત્રણ ત્રણ સુવર્ણમુદ્રા આપવા અસમર્થ હોય તો યજમાને તેની અર્ધી દક્ષિણા આપવી. તેમાં પણ અલ્પ ધનવાળાએ તેની અર્ધી આપવી. જો કોઇ છેલ્લી કનિષ્ઠ દક્ષિણા આપવા પણ સમર્થ ન હોય તો તેમણે વિપ્રોને વ્યર્થ પરિશ્રમ ન કરાવવો. પરંતુ આના સિવાય યથાશક્તિ બીજા સત્કર્મો કરી રાજી થવું. ૧૩-૧૬


પુરશ્ચરણની સાથે સાથે વિધિ :- પુરશ્ચરણ કરાવનાર યજમાને જે દિવસે પુરશ્ચરણને માટે બ્રાહ્મણોની વરણી કરી હોય તે જ પ્રારંભના દિવસથી અષ્ટાક્ષરના જપ માટે પૂર્વની જેમ જ બાર, નવ કે છ વિપ્રોની પણ વરણી કરવી. છેલ્લે જપના દશમાં ભાગથી હોમ કરવો, અને હોમના દશમાં ભાગથી બ્રાહ્મણોને જમાડવા. તેમાં શક્તિશાળી પુરશ્ચરણ કરાવનાર યજમાને તો આ સત્સંગિજીવન ગ્રંથના શ્લોકરૂપ એક એક મંત્રથી દૂધપાક, ઘી, જવ, તલ આદિ દ્રવ્યવડે મોટો હોમ કરવો. તથા ગ્રંથના મુખ્ય વક્તા અને મુખ્ય શ્રોતાના પ્રત્યેક સંવાદને ધ્યાનમાં રાખી ''શતાનંદ ઉવાચ'' જેમાં પ્રથમ છે અને ''પ્રત્યુવાચ'' જેમાં છેલ્લે છે એવા વાક્યરૂપ મંત્રથી હોમ કરવો. તથા અધ્યાયને અંતે આવતા પ્રત્યેક ''ઇતિ શ્રી....'' વાક્યરૂપ મંત્રથી હોમ કરવો. આ હોમ મૃગીમુદ્રાથી ગ્રહણ કરેલા અન્નાદિકથી કરવો. ૧૭-૨૦


અને આ પ્રમાણે કરવા અશક્ત યજમાને તો સર્વમંગલ સ્તોત્રમાં કહેલા શ્રીહરિના નામરૂપ મંત્રોથી પૂર્વે કહેલા હેમદ્રવ્યવડે એટલે કે દૂધપાક, ઘી, જવ, તલ આદિ દ્રવ્યવડે હોમ કરવો. અને જે હોમ કરવામાં અશક્ત હોય તેમણે હોમના ફળની સિધ્ધિ માટે પુરશ્ચરણમાં વરાયેલા પ્રત્યેક બ્રાહ્મણો પાસે આ ગ્રંથની બાર પારાયણ અધિક કરાવી લેવી. ૨૧-૨૨


પુરશ્ચરણ દરમ્યાન બ્રહ્મચર્યવ્રતની આવશ્યકતા :- પુરશ્ચરણના પ્રારંભના દિવસથી જ આરંભીને સમાપ્તિ પર્યંત યજમાને અને વરણી પામેલા વિપ્રોએ બ્રહ્મચર્યવ્રતનું પાલન કરવું. જો બ્રહ્મચર્ય વ્રતનો ભંગ થાય તો શાસ્ત્રમાં કહેલા ફળની સિધ્ધિ ન થાય. જો બ્રહ્મચર્ય આદિ વ્રતોનું યથાર્થ પાલન કરવામાં આવે તો જ સર્વ મનોરથો સિધ્ધ થાય છે. ૨૩-૨૪


પ્રાસંગિક અન્ય પુરશ્ચરણોની સમજ :- હે ભૂપતિ ! આ સત્સંગિજીવન શાસ્ત્રના પુરશ્ચરણના વિધિનું નિરૂપણ કર્યું ત્યારે સાથે સાથે અષ્ટાક્ષરમંત્રનું, શિક્ષાપત્રીનું, સર્વમંગલ સ્તોત્રનું, જનમંગલ સ્તોત્રનું, વિષ્ણુસહસ્રનું, શ્રીનારાયણ કવચનું, ભગવાન શ્રીહરિને પ્રિય હનુમાનજીના ષોડશાક્ષરમંત્રનું અને સ્કંદપુરાણના વિષ્ણુખંડમાં રહેલા શ્રીવાસુદેવ માહાત્મ્યનું પુરશ્ચરણ કેમ કરવું ? એ વિધિપણ હરિભક્તોના હિતને અર્થે સંક્ષેપથી કહું છું. કારણ કે એ બધા જ પુરશ્ચરણો ધર્મ, અર્થ, કામ અને મોક્ષરૂપ ચાર પ્રકારના પુરુષાર્થોની તત્કાળ સિધ્ધિ આપનારા છે. ૨૫-૨૮


શિક્ષાપત્રીનું પુરશ્ચરણ :- હે મહીપાલ ! શિક્ષાપત્રીના એકહજાર પાઠ કરવાથી પુરશ્ચરણ પૂર્ણ થાય છે. અને આ પુરશ્ચરણ સર્વ વાંચ્છિત ફળને આપનારું બને છે. કરેલા આ પુરશ્ચરણના દશમા ભાગથી શિક્ષાપત્રીના પ્રત્યેક શ્લોકે વિધિ અનુસાર હોમ કરવો. આમ પ્રતિ શ્લોક હોમ કરતાં કરતાં એકવીશ હજાર ને બસો આહુતિઓ થાય. જો હોમની અનુકૂળતા ન હોય તો પુરશ્ચરણના જેટલા પાઠ કરવાના કહ્યા તેના દશમા ભાગથી વધારાના પાઠ કરવા, એમ આ વિધિ અન્ય સર્વ પુરશ્ચરણમાં જાણી લેવાનો. ૨૯-૩૧


અષ્ટાક્ષરમંત્રનું પુરશ્ચરણ :- ભગવાન શ્રીકૃષ્ણના અષ્ટાક્ષર મંત્રના પુરશ્ચરણમાં આઠ લાખ મંત્રજપ કરવાના હોય છે. અને છેલ્લે તેના દશમા ભાગથી હોમ કરવો. અથવા દશમા ભાગથી વધુ મંત્રજપ કરવા. ૩૨


સર્વમંગલ સ્તોત્રનું પુરશ્ચરણ :- સર્વમંગલ સ્તોત્રનું પુરશ્ચરણ એકહજાર ને એંશી પાઠ કરવાથી પૂર્ણ થાય છે. પાઠ કરનારને ઇચ્છિત ફળને આપનારું થાય છે. આ પુરશ્ચરણમાં સર્વમંગલ સ્તોત્રમાં કહેલા શ્રીહરિનામ મંત્રોના દશમા ભાગે એકલાખ આઠહજાર નામમંત્રોથી વિધિ અનુસાર હોમ કરવો. અથવા પુરશ્ચરણના દશમા ભાગે વધુ પાઠ કરવા. ૩૩-૩૪


જનમંગલ સ્તોત્રનું પુરશ્ચરણ :- હે શ્રેષ્ઠ રાજન્ ! જનમંગલ સ્તોત્રનું પુરશ્ચરણ દશહજાર પાઠ કરવાથી પરિપૂર્ણ થાય છે. આ પુરશ્ચરણ ઇચ્છિત ફળને આપનારું છે. અને છેલ્લે તેના દશમાં ભાગે હોમ કરવો, હે રાજન્ ! એ હોમ જનમંગલ સ્તોત્રમાં કહેલા શ્રીહરિના એકલાખ આઠ હજાર નામમંત્રની આહુતિથી પૂર્ણ થાય છે. ૩૫-૩૬
વિષ્ણુસહસ્રનામ સ્તોત્રનું પુરશ્ચરણ :- વિષ્ણુસહસ્રનામ સ્તોત્રનું પુરશ્ચરણ સર્વમંગલ નામના પુરશ્ચરણનીસમાન જ જાણવું, અને વિષ્ણુસહસ્રનામ મંત્રથી હોમની સંખ્યા પણ તેટલીજ જાણવી, (એકલાખ આઠહજાર નામમંત્રોથી વિધિ અનુસાર હોમ કરવો. અથવા પુરશ્ચરણના દશમા ભાગે વધુ પાઠ કરવા.) ૩૭


નારાયણ કવચનું પુરશ્ચરણ :- શ્રીમદ્ ભાગવતશાસ્ત્રની અંદર રહેલા શ્રીનારાયણ કવચનું પુરશ્ચરણ એકહજાર પાઠ કરવાથી પૂર્ણ થાય છે. તેમાં ''હરિર્વિદધ્યાત્'' આ શ્લોકથી આરંભીને ''વિદિક્ષુ'' એ શ્લોક પર્યંતના વીશ શ્લોકો રક્ષાના કરનારા કહેલા છે. ૩૮-૩૯


તે વીશ શ્લોકના એકહજાર પાઠ કરતાં એક પુરશ્ચરણમાં વીશ હજાર શ્લોકના પાઠ થયા, તેના દશમા ભાગે પ્રત્યેક બેહજાર શ્લોકમંત્રથી છેલ્લે વિધિ પૂર્વક હોમ કરવો. ૪૦


મારુતિમંત્ર પુરશ્ચરણ :- હે રાજેન્દ્ર ! સત્સંગિજીવનના પ્રથમ પ્રકરણમાં સત્તરમા અધ્યાયમાં કહેલા મારુતિ સ્તોત્રમાંથી ઉદ્ધૃત કરેલા ''ॐ નમો હનુમતે ભયભંજનાય સુખં કુરુ ફટ્ સ્વાહા.'' આ સોળ અક્ષરના ભયભંજન મારુતિના મંત્રના ચારલાખ જપ કરવાથી તેનું એક પુરશ્ચરણ થાય છે. અને છેલ્લે તેના દશમા ભાગે હોમ કરવો. ૪૧-૪૨


વાસુદેવમહાત્મ્ય પુરશ્ચરણ :- શ્રીવાસુદેવમાહાત્મ્યનું પુરશ્ચરણ દોઢસો પાઠ કરવાથી પૂર્ણ થાય છે. તેમાં પણ છેલ્લે તેના દશમાં ભાગે હોમનો વિધિ જાણવો. (હોમ ન કરી શકાય તો પંદર પાઠ વધુ કરીને પૂર્ણ ફળ પ્રાપ્ત કરવું.) ૪૩


હે રાજન્ ! આ પ્રમાણે સત્સંગિજીવન વગેરે સદ્ગ્રંથો અને સ્તોત્રો આદિનાં પુરશ્ચરણનો વિધિ મેં તમને સંક્ષેપથી કહ્યો, આ પુરશ્ચરણો મનુષ્યોને ભુક્તિ અને પરલોકમાં મુક્તિરૂપ ફળને આપનારા છે. ૪૪


ઇતિ શ્રી મુક્તાનંદ સ્વામી વિરચિત શ્રીમત્ સત્સંગિજીવન ગ્રંથના માહાત્મ્યમાં શતાનંદ સ્વામી અને હેમંતસિંહ રાજાના સંવાદ રૂપે પુરશ્ચરણ વિધિનું નિરૂપણ કર્યું એ નામે છઠ્ઠો અધ્યાય પૂર્ણ થયો. ।। ૬ ।।