સ્નેહગીતા કડવું - ૨૨

Submitted by swaminarayanworld on Wed, 21/06/2017 - 8:21pm

વળી વા’લપ વા’લાની કહ્યે નથી આવતીજી, જેજે કાંઈ કરિયું એણે આપણી વતીજી ।
અલબેલે આપિયું સુખ સમેસમે અતિજી, આપણે ન જાણ્યું માનિની મહા મૂઢમતિજી ।।૧।।

ઢાળ –

મૂઢમતિ અતિ આપણી, એને કાળો કહીને બોલાવતી ।
કંઈક વાતની વાતમાંયે, એને હા કહીને હુલાવતી ।।૨।।

વળી મહી મથાવ્યાં વત્સ ચરાવ્યાં, વળી કરાવ્યાં ઘરનાં કામને ।
કઠણ કહેતાં મ્હેણાંદેતાં, વળી લેતાં ટુંકારે નામને ।।૩।।

છાશ ખાટી વાટિદેતાં, વળી માખણદઈને નચાવતાં।
નટની પેરે નૃત્ય કરાવી, ઘેરઘેરથી જોવા આવતાં ।।૪।।

વળી ડાહી થઈ બાઈ આપણે, એને કાળો જાણીને કલાવતી ।  
અંતરે ભાર એનો આપણે, લેશ પણ નવ લાવતી ।।૫।।

કપટી લંપટ કુડા બોલો, વળી તસ્કર કહેતી તેહને ।
અનાદર બાઈ કરતાં એનો, તોયે તે નવ તજતો સ્નેહને ।।૬।।

વળી ભલાઈ બાઈ ભૂધરજીની, જોને કહીએ મુખથી કેટલી ।  
નથી કહેવાતી હેત પ્રીતની રીત, જેહ એણે કરી છે એટલી ।।૭।।

આપણારે અપરાધનો, બાઈ પાર ન આવે પેખતાં ।
તેમ મોટપ જોતાં મહારાજની, કાંઈ લેખું ન આવે લેખતાં ।।૮।।

એમ મળી વળી અબળા, અવગુણ પરઠે આપણા ।  
અહો બાઈ કહીએ કેટલા, ગિરાએ ગુણ ગોવિંદતણા ।।૯।।

બાઈ સાંભળતા હશે શ્યામને, સર્વેગુણ ગોપીજન તણા ।  
નિષ્કુલાનંદના નાથ સાથે, રાખી નથી કોઈ રીતે મણા ।।૧૦।। કડવું ।।૨૨।।