પ્રેમવતિ અતિ પ્રિત કરીને, શ્યામ સુંદરને જગાવે રે (૪)

Submitted by swaminarayanworld on Mon, 18/04/2016 - 10:39pm

રાગ ભૈરવી

પદ - ૧

પ્રેમવતિ અતિ પ્રિત કરીને, શ્યામ સુંદરને જગાવે રે;

વારે વારે ઘનશ્યામ કહીને, હેત ઘણેથી બોલાવે રે. પ્રેમ. ૧

પ્રાણજીવન પુરુષોતમ પ્યારા, ઊઠોને આળસ જાવે રે;

પંખી બોલે પાડોશણ જાગી, ગુણ તમારા ગાવે રે. પ્રેમ. ૨

સુખકારી શંકર આવી ઊભા, દ્વારે તે ડમરું બજાવે રે;

નારદ નૌતમ વિણા લઈને, થઈ થઈ પાવ નચાવે રે. પ્રેમ. ૩

સખા તમારા તમને મળવા, આતુર અંતરે બહુ થાવે રે;

દાસ બદ્રિનાથ કહે કરજોડી, દરસન દ્યો દુઃખ જાવે રે, રે. પ્રેમ. ૪

 

પદ - ૨

શામળીયો સુખસાગર ઊઠ્યા, ઉંઘમાં આળસ મોડીને;

ભવ બ્રહ્મા સનકાદિક આવ્યા, દરશન કારણ દોડીને. શામ. ૧

ભક્તિ માતા ઘણો ભાવ કરીને, કોમળ દાતણ દીધું રે;

પ્રાણજીવન મનમોહન પ્યારે, પ્રિત કરી કર લીધું રે. શામ. ૨

કુંદ કલી સમ દંત સુધારી, કર્યુ મંજન મુખ માવે રે;

બાજોઠ કંચન કેરે બિરાજયા, કરવા નાવણ ભાવે રે. શામ. ૩

તેલ ફુલેલ અત્તર અંગે ચોળી, માતાજીએ નવરાવ્યા રે;

દાસ બદ્રિનાથ શ્યામને નીરખી, તનના તાપ બુઝાવ્યા રે. શા. ૪

 

પદ - ૩

મદન મનોહર માવને માતા, વિધ વિધ વસ્ત્ર પહેરાવે રે;

વારે વારે ઘનશ્યામને નિરખી, અંતરમાંહી ઠેરાવે રે. મદન. ૧

સુંથણલી સુંદર સુખકારી, અંગરખી અંગે પેરી રે;

શીરપર ટોપી કાનમે મોતી, કંઠમાં કંઠી સોનેરી રે. મદન. ૨

ઠુમક ઠુમક પગ નેપુર વાગે, ઘમ ઘમ ઘુઘરુ ગાજે રે;

કનક કડાં કાજુ કર પુંચી, બાંયે બાજુબંધ રાજે રે. મદન. ૩

હાર હજારી હૈયે હરિ પેર્યો, મોતીની માળા બિરાજે રે;

દાસ બદ્રિનાથ શ્યામને નિરખી, કોટિક કંદર્પ લાજે રે. મદન. ૪

 

પદ - ૪

જગના જીવનને જનની જમાડે, ભોજન ભાવે બનાવી રે;

કંચન કેરો પાટ બિછાવી, પ્રીતમને પધરાવી રે. જગના. ૧

સુંદર શીરો સેવ સુંવાળી, ઘેબર ઘાટાં બનાવી રે;

પુરણપોળી ઘીમાં ઝબોળી, લાડુ જલેબી લાવી રે. જગના. ૨

વિધ વિધ સુંદર શાક અથાણાં, ભજીયાં વડાં દઈથરીયાં રે;

પ્રિત કરીને જમે જગજીવન, ભાત દૂધ સાકરીયા રે. જગના. ૩

ચળુ કરી ચુપે મન મોહન, પાન બીડાં મુખ મેલી રે;

દાસ બદ્રિનાથ શ્યામ છબી લઈ, અંતરમાં ધરેલી રે. જગ. ૪

Facebook Comments