જનમ સુધાર્યો રે હો મારો, મળિયા નટવર નંદદુલારો (૪)

Submitted by swaminarayanworld on Tue, 15/03/2016 - 9:25pm

 

રાગ - ગરબી

પદ - ૧

જનમ સુધાર્યો રે હો મારો, મળિયા નટવર નંદદુલારો; ૧

કરુણા અતિશે રે હો કીધી, ભવજળ બૂડતાં બાંહ્ય ગ્રહી લીધી. ૨

મુજ પર અઢળક રે હો ઢળિયા, કરુણા કરી ઘેર બેઠાં મળિયા. ૩

મન દૃઢ કરિયું રે હો મુરારી, હવે હું થઈ રહી જગથી ન્યારી. ૪

આનંદ ઊરમાં રે હો ભારી, શિરપર ગાજે ગિરિવરધારી. ૫

નિરભેની નોબત રે હો વાગી, કહે મુક્તાનંદ ભ્રમણા ભાંગી. ૬

 

પદ - ૨

ભ્રમણા ભાંગી રે હો હૈયાની, નથી એ કેને વાત કહ્યાની; ૧

વીતી હોય  તે રે હો જાણે, અણ સમજયા મર ઈર્ષ્યા આણે. ૨

જે રસ મુનિવર રે માણે, વાલે મારે સુગમ કર્યો આ ટાણે. ૩

પ્રેમી જનનો રે હો પ્યારો, મુજને મળિયા નંદદુલારો. ૪

મહારસ મુજને રે હો આપ્યો, સંશય ભ્રમ સમૂળો કાપ્યો. ૫

હવે હું મહાસુખ રે હો પામી, મળીયા મુક્તાનંદના સ્વામી. ૬

 

પદ - ૩

મહાસુખ મુજને રે હો આપ્યું, જોને સંકટ જનમ દુઃખ કાપ્યું. ૧

પુણ્ય પુરવનાં રે હો મળિયાં, મળતા  તાપ હૃદયના ટળિયા. ૨

દરશન દુર્લભ રે હો પામી, હવે મારી સકળ વેદના વામી. ૩

આનંદ ઊરમાં રે હો ભારી, હવે હું ન રહું કોઈની વારી. ૪

હરિ સંગે હેતે રે હો બંધાણી, હવે મુને ન ગમે બીજી વાણી. ૫

અખંડ એવાતન રે હો દીધું, કહે મુક્તાનંદ કારજ સીધું. ૬

 

પદ - ૪

બાંહ્યગ્રહી છે રે હો વ્હાલે કરુણા કરી નટવર નંદલાલે ૧

હવે નહીં કોઈની રે હો ઓશિયાળી, શિરપર વિઠ્ઠલવર વનમાળી. ૨

ભવબ્રહ્માના રે હો સ્વામી, મુજને મળિયા અંતરજામી. ૩

ઘેર ઘેર લોકડાં રે હો કહે છે, મેણું મુને નંદનાનંદનનું દેછે. ૪

લાજ ન મનમાં રે હો આણું, અતિશે ભાગ્યભલું કરી જાણું. ૫

કોઈ વિધિ ન રહી રે હો ખામી, મળિયા મુક્તાનંદના સ્વામી. ૬

Facebook Comments