હરિ હૈયાના હાર છો, જીરે તમે હરિ હૈયાના હાર છો (૪)

Submitted by swaminarayanworld on Tue, 15/03/2016 - 8:38pm

 

રાગ ગરબી

પદ - ૧

હરિ હૈયાના હાર છો, જીરે તમે હરિ હૈયાના હાર છો;

સેજ  તણા શણગાર છો. જીરે૦ટેક.

મુખથી શું ઘણું કહીએ મોહન રે, પ્રાણ  તણા આધાર છો. જીરે૦-૧

વાલપણામાં અતિશે વહાલારે, નટવર નંદકુમાર છો. જીરે૦-૨

દુરિજનિયાંને દૂર ઘણા છો રે, પ્રેમી  તે જનના પ્રાણ છો. જીરે૦-૩

મુક્તાનંદ કે’ નરનાટક ધારી રે, શરણાગતના સાર છો. જીરે૦-૪

 

પદ - ૨

નયણાં ઠરે છે જોઈને રે, મારાં નયણાં ઠરે છે જોઈને;

રહી છું મોહન સંગ મોહીને રે. મારાં૦ ટેક.

જે દિનમાં દર્શન નવ પામું રે,  તે દિન વીતે રોઈને રે. મારાં૦ ૧

લોકડિયાંની લાજ ન રાખું રે, કે મર વેણ વગોઈને રે. મારાં૦ ૨

શ્યામ વિના હું ચૌદ ભુવનમાં રે,રંગે ન રાચું કોઈને રે. મારાં૦ ૩

મુક્તાનંદ મોહનવર પામી રે, કુળ મરજાદા ખોઈને રે. મારાં૦ ૪

 

પદ - ૩

મોહ્યું નયનની સાનમાં રે,મન મોહ્યું નયનની સાનમાં;

વાંસલડીના તાનમાં રે. મન૦ ટેક.

કામને કાજ મુને કાંઈ નવ સૂઝેરે, ગિરધરજીના ગાનમાંરે. મન૦ ૧

આંખડલી અણીયાળી જોઈને રે, કુંડળની છબી કાનમાં રે. મન૦ ૨

મન ગમે  તેમ મુખથી બોલું રે, જાણે બેઠી છું રાનમાં રે. મન૦ ૩

મુક્તાનંદ કહે થઈ મતવાલી રે, વાલમજીના વાનમાં રે. મન૦ ૪

 

પદ - ૪

કાનુડા સંગ મન લાગ્યું સૈયર મારું, કાનુડા સંગ મન લાગ્યું;

વિરહનું બાણ ઊર વાગ્યું. સૈયર૦ ટેક.

શ્યામ વિના હું ચૌદભુવનમાં રે, અળગી  તે નવ અનુરાગું. સૈયર૦ ૧

મોહનવર સાથે મન માન્યું રે, બીજું તે કાંઈ નવ માગું. સૈયર૦ ૨

ફુલડે સેજ સમારી સુંદર રે, વાટડી જોઈ જોઈ જાગું. સૈયર૦ ૩

મુક્તાનંદ મોહનવર મળતા રે, જન્મમરણ દુઃખ ભાગ્યું. સૈયર૦ ૪

Facebook Comments