૧૦ દશમોધ્યાય: વિભૂતિયોગ

Submitted by swaminarayanworld on Fri, 05/02/2016 - 6:30pm

અધ્યાય - ૧૦


श्रीपरमात्मने नमः
अथ दशमोऽध्यायः

श्रीभगवानुवाच
भूय एव महाबाहो शृणु मे परमं वचः ।
यत्तेऽहं प्रीयमाणाय वक्ष्यामि हितकाम्यया ॥१०- १॥

શ્રી ભગવાન કહે છે =
હે મહાબાહો ! મારૂં વચન સાંભળીને પ્રસન્ન થતા તને તારૂં હિત કરવાની ઇચ્છાથી પ્રેરાઇને જે હું બીજું ઉત્તમ વચન કહુંછું તે તું ધ્યાન દઇને સાંભળ ! ।।૧૦- ૧।।

न मे विदुः सुरगणाः प्रभवं न महर्षयः ।
अहमादिर्हि देवानां महर्षीणां च सर्वशः ॥१०- २॥

મારો ઉત્પત્તિ પ્રકાર સર્વ દેવગણો તેમજ મહર્ષિઓ પણ જાણતા નથી. કારણ કે એ દેવોનો અને મહર્ષિઓનો પણ સર્વ પ્રકારે હું જ આદિ કારણ છું. ।।૧૦- ૨।।

यो मामजमनादिं च वेत्ति लोकमहेश्वरम् ।
असंमूढः स मर्त्येषु सर्वपापैः प्रमुच्यते ॥१०- ३॥

જે મને અજન્મા-જન્માદિક વિકારે રહિત, અને અનાદિ સર્વ લોકનો મહેશ્વર સર્વ-નિયન્તા એમ જાણે છે, તે મનુષ્યોમાં ઉત્તમ જ્ઞાની સર્વ પાપથી સર્વથા મુકાઇ જાયછે. ।।૧૦- ૩।।

बुद्धिर्ज्ञानमसंमोहः क्षमा सत्यं दमः शमः ।
सुखं दुःखं भवोऽभावो भयं चाभयमेव च ॥१०- ४॥
अहिंसा समता तुष्टिस्तपो दानं यशोऽयशः ।
भवन्ति भावा भूतानां मत्त एव पृथग्विधाः ॥१०- ५॥

બુદ્ધિ, જ્ઞાન, અસંમોહ-સાવધાનતા,ક્ષમા, સત્ય, દમ, શમ, સુખ, દુ:ખ, ભવ-ઉત્પત્તિ, અભાવ-નાશ, ભય અને અભય પણ. અહિંસા, સમતા-સમદૃષ્ટિ, તુષ્ટિ-સંતોષ, તપ, દાન, યશ, અપયશ, આ સઘળા જુદા-જુદા પ્રકારના ભૂતમાત્રના ભાવો-ગુણો, મારા થકીજ પ્રવર્તે છે. ।।૧૦- ૪-૫।।

महर्षयः सप्त पूर्वे चत्वारो मनवस्तथा ।
मद्भावा मानसा जाता येषां लोक इमाः प्रजाः ॥१०- ६॥

સાત મહર્ષિઓ, તે પહેલાંના ચાર-સનકાદિકો, તથા ચૌદમનુઓ, આ સઘળા, કે જેમનાથી લોકમાં આ સઘળી પ્રજાઓ થઇ છે, તે બધા બ્રહ્માના મનથી થયેલા મારા ભાવો છે. ।।૧૦-૬।।

एतां विभूतिं योगं च मम यो वेत्ति तत्त्वतः ।
सोऽविकम्पेन योगेन युज्यते नात्र संशयः ॥१०- ७॥

મારી આ વિભૂતિ અને મારૂં આ સામર્થ્ય તેને જે તત્ત્વથી જાણે છે, તો તે પુરૂષ અવિચળ ભક્તિયોગથી જોડાય છે-નિષ્પન્ન થાય છે, એમાં કાંઇ સંશય નથી. ।।૧૦- ૭।।

अहं सर्वस्य प्रभवो मत्तः सर्वं प्रवर्तते ।
इति मत्वा भजन्ते मां बुधा भावसमन्विताः ॥१०- ८॥

હું જ સર્વ જગત્નો આદિ કારણભૂત છું. અને મારાથીજ આ સઘળું વિશ્વ પ્રવર્તે છે. આ પ્રમાણે સમઝીને ડાહ્યા-બુદ્ધિમાન માણસો, મારામાં ભાવ-ભક્તિએ યુક્ત થઇને મનેજ ભજે છે. ।।૧૦- ૮।।

मच्चित्ता मद्गतप्राणा बोधयन्तः परस्परम् ।
कथयन्तश्च मां नित्यं तुष्यन्ति च रमन्ति च ॥१०- ९॥

મારા ભક્તો મારામાંજ ચિત્ત રાખીને, મારામાંજ પ્રાણવૃત્તિ જોડીને, પરસ્પર એકબીજાને મારો મહિમા સમજાવતાં, અને નિરન્તર મારીજ કથા-વાર્તાઓ કરતાં સન્તુષ્ટ વર્તે છે. અને આનન્દાનુભવ માણે છે. ।।૧૦- ૯।।

तेषां सततयुक्तानां भजतां प्रीतिपूर्वकम् ।
ददामि बुद्धियोगं तं येन मामुपयान्ति ते ॥१०- १०॥

આ પ્રમાણે મારામાં અખંડ જોડાઇ રહેલા અને મને જ પ્રીતિપૂર્વક ભજનારા તે મારા ભક્તોને હું તેવો બુદ્ધિયોગ આપું છું કે જેનાથી તેઓ મને સાક્ષાત્‌ પામે છે-ઠેઠ મારા ધામમાં જ જાય છે. ।।૧૦- ૧૦।।

तेषामेवानुकम्पार्थमहमज्ञानजं तमः ।
नाशयाम्यात्मभावस्थो ज्ञानदीपेन भास्वता ॥१०- ११॥

અને તેઓના ઉપર અનુગ્રહ કરવા માટેજ, તેમના હ્રદયારવિંદમાં અખંડ વિરાજમાન રહેલો હું પ્રકાશિત જ્ઞાનદીપથી તેમના અજ્ઞાનથી પ્રસરતા અંધકારને-આવરણને નાશ કરૂં છું. ।।૧૦- ૧૧।।

अर्जुन उवाच
परं ब्रह्म परं धाम पवित्रं परमं भवान् ।
पुरुषं शाश्वतं दिव्यमादिदेवमजं विभुम् ॥१०- १२॥
आहुस्त्वामृषयः सर्वे देवर्षिर्नारदस्तथा ।
असितो देवलो व्यासः स्वयं चैव ब्रवीषि मे ॥१०- १३॥

અર્જુન પૂછે છે =
આપજ પરંબ્રહ્મ છો, પરમ ધામ-પ્રાપ્ય સ્થાન, પરમ પવિત્ર-પતિતપાવન છો. અને આપનેજ શાશ્વત પુરૂષ, દિવ્યમૂર્તિ, આદિદેવ, અજન્મા અને વિભુ સર્વવ્યાપક છો. એમ બધા મહર્ષિઓ કહે છે. તેમજ દેવર્ષિ નારદમુનિ. અસિત, દેવળ અને વ્યાસમુનિ, એ સર્વે તથા આપ પોતે પણ મને એમજ કહી સમઝાવો છો. ।।૧૦- ૧૨-૧૩।।

सर्वमेतदृतं मन्ये यन्मां वदसि केशव ।
न हि ते भगवन्व्यक्तिं विदुर्देवा न दानवाः ॥१०- १४॥

હે કેશવ ! આપ મને જે કહો છો, તે સઘળું હું સત્યજ માનું છું. ખરેખર હે ભગવાન્‌ ! આપના વ્યક્તિ ભાવને તો નથી દેવો જાણતા, કે નથી દૈત્યો જાણતા. ।।૧૦- ૧૪।।

स्वयमेवात्मनात्मानं वेत्थ त्वं पुरुषोत्तम ।
भूतभावन भूतेश देवदेव जगत्पते ॥१०- १५॥

હે ભૂતભાવન !-ભૂત-પ્રાણીમાત્રને વૃદ્ધિ પમાડનારા ! હે ભૂતેશ ! ભૂતમાત્રના નિયંતા, હે દેવદેવ ! જગત્પતે ! અને હે પુરૂષોત્તમ ! તમેજ એક તમારા સ્વરૂપને તથા મહિમા સામર્થ્યને તમારી મેળેજ સ્વયં પોતેજ જાણો છો. ।।૧૦- ૧૫।।

वक्तुमर्हस्यशेषेण दिव्या ह्यात्मविभूतयः ।
याभिर्विभूतिभिर्लोकानिमांस्त्वं व्याप्य तिष्ठसि ॥१०- १६॥

માટે આપની દિવ્ય-સર્વશ્રેષ્ઠ વિભૂતિઓ મને સમગ્રપણે કહેવાને યોગ્ય છો. કે જે વિભૂતિઓથી આ સર્વ લોકમાં આપ વ્યાપીને રહેલા છો. ।।૧૦- ૧૬।।

कथं विद्यामहं योगिंस्त्वां सदा परिचिन्तयन् ।
केषु केषु च भावेषु चिन्त्योऽसि भगवन्मया ॥१०- १७॥

હે યોગેશ્વર ! તમારૂં સદાય પરિચિન્તવન કરતાં તમને હું કેવી રીતે જાણી શકું ? હે ભગવન્‌ ! કયા કયા પદાર્થોમાં મારે આપનું ચિન્તવન કરવું ? ।।૧૦- ૧૭।।

विस्तरेणात्मनो योगं विभूतिं च जनार्दन ।
भूयः कथय तृप्तिर्हि शृण्वतो नास्ति मेऽमृतम् ॥१०- १८॥

હે જનાર્દન ! આપનો મહિમા અને આપની વિભૂતિઓ ફરીથી વિસ્તારપૂર્વક મને કહો ? આપનો મહિમા સમજાવનારૂં અમૃત તુલ્ય આપનું ભાષણ સાંભળતાં મને તૃપ્તિ જ થતી નથી. ।।૧૦- ૧૮।।

श्रीभगवानुवाच
हन्त ते कथयिष्यामि दिव्या ह्यात्मविभूतयः ।
प्राधान्यतः कुरुश्रेष्ठ नास्त्यन्तो विस्तरस्य मे ॥१०- १९॥

શ્રી ભગવાન કહે છે =
ભલે ત્યારે હે કુરૂશ્રેષ્ઠ ! તને મારી દિવ્ય વિભૂતિઓમાંથી મુખ્યપણે રહેલી કેટલીક વિભૂતિઓ કહીશ. કારણ કે - મારી વિભૂતિઓના વિસ્તારનો અન્ત તો નથી જ. ।।૧૦- ૧૯।।

अहमात्मा गुडाकेश सर्वभूताशयस्थितः ।
अहमादिश्च मध्यं च भूतानामन्त एव च ॥१०- २०॥

હે ગુડાકેશ ! સર્વ ભૂત-પ્રાણીમાત્રના હ્રદયમાં રહેલો આત્મા-જીવાત્મા તે હું છું-મારી વિભૂતિ છે. અને સર્વ ભૂતોનો આદિ કારણ, મધ્ય-સ્થિતિ-રક્ષણ કરનારો, અને અન્ત-સંહાર કરનારો પણ હું જ છું. ।।૧૦- ૨૦।।

आदित्यानामहं विष्णुर्ज्योतिषां रविरंशुमान् ।
मरीचिर्मरुतामस्मि नक्षत्राणामहं शशी ॥१०- २१॥

બાર આદિત્યોમાં વિષ્ણુનામે આદિત્ય હું છું. પ્રકાશવાળા પદાર્થોમાં અંશુમાન્‌-સૂર્યદેવ હું છું. ઓગણપચાશ વાયુઓમાં મરીચિનામે વાયુ હું છું. અને નક્ષત્રોમાં ચન્દ્રમા તે હું છું. ।।૧૦- ૨૧।।

वेदानां सामवेदोऽस्मि देवानामस्मि वासवः ।
इन्द्रियाणां मनश्चास्मि भूतानामस्मि चेतना ॥१०- २२॥

વેદોમાં સામ વેદ હું છું દેવોમાં ઇન્દ્ર દેવ હું છું. ઇન્દ્રિયોમાં મન હું છું. અને ભૂતોમાં ચેતના-બુદ્ધિતત્ત્વ હું છું. ।।૧૦- ૨૨।।

रुद्राणां शंकरश्चास्मि वित्तेशो यक्षरक्षसाम् ।
वसूनां पावकश्चास्मि मेरुः शिखरिणामहम् ॥१०- २३॥
पुरोधसां च मुख्यं मां विद्धि पार्थ बृहस्पतिम् ।
सेनानीनामहं स्कन्दः सरसामस्मि सागरः ॥१०- २४॥

અગીયાર રૂદ્રોમાં શંકર હું છું. યક્ષોમાં અને રાક્ષસોમાં કુબેર હું છું. આઠ વસુઓમાં પાવક નામે વસુ હું છું. શિખરોવાળા પર્વતોમાં મેરૂ નામે પર્વત હું છું. હે પાર્થ ! પુરોહિતોમાં મુખ્ય જે દેવગુરુ બૃહસ્પતિ તે મને જાણ ! સેનાપતિઓમાં કાર્તિક સ્વામી હું છું. અને જળાશયોમાં સાગર હું છું. ।।૧૦- ૨૩-૨૪।।

महर्षीणां भृगुरहं गिरामस्म्येकमक्षरम् ।
यज्ञानां जपयज्ञोऽस्मि स्थावराणां हिमालयः ॥१०- २५॥

મહર્ષિઓમાં ભૃગુઋષિ હું છું. સર્વ વાણીમાં એકાક્ષર - ૐ કાર હું છું. યજ્ઞોમાં જપયજ્ઞ હું છું. અને સ્થાવર એટલે સ્થિર પદાર્થોમાં હિમાચળ હું છું. ।।૧૦- ૨૫।।

अश्वत्थः सर्ववृक्षाणां देवर्षीणां च नारदः ।
गन्धर्वाणां चित्ररथः सिद्धानां कपिलो मुनिः ॥१०- २६॥

સર્વ વૃક્ષોમાં અશ્વત્થ-પીપળો હું છું. દેવર્ષિઓમાં નારદ મુનિ હું છું. સર્વ ગંધર્વોમાં ચિત્રરથ હું છું. અને સર્વ સિદ્ધપુરૂષોમાં કપીલમુનિ હું છું. ।।૧૦- ૨૬।।

उच्चैःश्रवसमश्वानां विद्धि माममृतोद्भवम् ।
ऐरावतं गजेन्द्राणां नराणां च नराधिपम् ॥१०- २७॥

ઘોડાઓમાં અમૃતની સાથે સમુદ્રમાંથી નીકળેલો ઉચ્ચૈઃશ્રવા નામે ઘોડો મને જાણ ! ગજેન્દ્રોમાં ઐરાવત મને જાણ ! અને મનુષ્યોમાં રાજા મને જાણ ! ।।૧૦- ૨૭।।

आयुधानामहं वज्रं धेनूनामस्मि कामधुक् ।
प्रजनश्चास्मि कन्दर्पः सर्पाणामस्मि वासुकिः ॥१०- २८॥

આયુધોમાં વજ્ર આયુધ હું છું. ધેનુઓમાં કામદુઘા ધેનું હું છું. પ્રજા પેદા કરનારા કંદર્પ-કામ તે પણ હું છું. અને સર્પોમાં વાસુકી સર્પ હું છું. ।।૧૦- ૨૮।।

अनन्तश्चास्मि नागानां वरुणो यादसामहम् ।
पितॄणामर्यमा चास्मि यमः संयमतामहम् ॥१०- २९॥

નાગોમાં અનંત નામે નાગ હું છું. જળવાસીઓમાં વરૂણદેવ હું છું. પિત્રુઓમાં અર્યમા હું છું. અને નિયમન કરનારાઓમાં જમરાજા હું છું. ।।૧૦- ૨૯।।

प्रह्लादश्चास्मि दैत्यानां कालः कलयतामहम् ।
मृगाणां च मृगेन्द्रोऽहं वैनतेयश्च पक्षिणाम् ॥१०- ३०॥

દૈત્યોમાં ભક્તરાજ પ્રહ્લાદ હું છું. પરિણામ પમાડનારાઓમાં અથવા ગણના કરનારાઓમાં સમર્થ કાળ હું છું. પશુઓમાં મૃગરાજ-સિંહ હું છું. અને પક્ષીઓમાં પક્ષીરાજ ગરૂડ હું જ છું. ।।૧૦- ૩૦।।

पवनः पवतामस्मि रामः शस्त्रभृतामहम् ।
झषाणां मकरश्चास्मि स्रोतसामस्मि जाह्नवी ॥१०- ३१॥

વહેતા વેગવાળા પદાર્થોમાં પવન હું છું. શસ્ત્રધારીઓમાં દશરથ પુત્ર શ્રીરામ હું છું. માછલાઓમાં મઘર હું છું. અને વહેતા પ્રવાહ-નદીઓમાં જહ્નુકન્યા ગંગા હું છું. ।।૧૦- ૩૧।।

सर्गाणामादिरन्तश्च मध्यं चैवाहमर्जुन ।
अध्यात्मविद्या विद्यानां वादः प्रवदतामहम् ॥१०- ३२॥

હે અર્જુન ! દરેક સર્ગોનો આદિ અંત અને મધ્ય પણ હું જ છું. વિદ્યાઓમાં અધ્યાત્મ વિદ્યા હું છું. અને વાદ કરનારાઓના વાદનો વિષય હું છું. ।।૧૦- ૩૨।।

अक्षराणामकारोऽस्मि द्वन्द्वः सामासिकस्य च ।
अहमेवाक्षयः कालो धाताहं विश्वतोमुखः ॥१०- ३३॥

અક્ષરોમાં અ અક્ષર હું છું. સમાસોમાં ઉભયપદ પ્રદાન દ્વન્દ્વ સમાસ હું છું. સર્વકાળના વિભાગોમાં અક્ષયકાળ હું છું. અને ચોતરફ મુખવાળો બ્રહ્મા તે પણ હું જ છું. ।।૧૦- ૩૩।।

मृत्युः सर्वहरश्चाहमुद्भवश्च भविष्यताम् ।
कीर्तिः श्रीर्वाक्च नारीणां स्मृतिर्मेधा धृतिः क्षमा ॥१०- ३४॥

સર્વને હરનારો મૃત્યુ-કાળ હું છું. અને ઉત્પન્ન થનારાઓનો ઉદભવ-ઉત્પત્તિનું સ્થાન હું છું. અને સ્ત્રીઓમાં કીર્તિ, શ્રી, વાણી, સ્મૃતિ, મેધા, ધૃતિ અને ક્ષમા એ સર્વ હું જ છું. ।।૧૦- ૩૪।।

बृहत्साम तथा साम्नां गायत्री छन्दसामहम् ।
मासानां मार्गशीर्षोऽहमृतूनां कुसुमाकरः ॥१०- ३५॥

તેમજ સામવેદના મંત્રોમાં બૃહત્સામ તે હું છું. અને સર્વ છંદોમાં ગાયત્રીછંદ તે હું છું. બાર મહિનાઓમાં માર્ગશીર્ષ (માગસર) માસ તે હું છું. અને છ ઋતુઓમાં વસંત હું છું. ।।૧૦- ૩૫।।

द्यूतं छलयतामस्मि तेजस्तेजस्विनामहम् ।
जयोऽस्मि व्यवसायोऽस्मि सत्त्वं सत्त्ववतामहम् ॥१०- ३६॥

છેતનારાઓનું દ્યૂત-છળસામર્થ્ય હું છું. તેજસ્વીઓનું તેજ-પ્રભાવ હું છું. વિજય અને વ્યવસાય તે પણ હું છું. અને સાત્વિક-સમર્થ પુરૂષોનું સામર્થ્ય હું છું. ।।૧૦- ૩૬।।

वृष्णीनां वासुदेवोऽस्मि पाण्डवानां धनंजयः ।
मुनीनामप्यहं व्यासः कवीनामुशना कविः ॥१०- ३७॥

સર્વ યાદવોમાં વાસુદેવ તે હું છું. અને પાંડવોમાં ધનંજય-અર્જુન તે હું છું. મુનિઓના મધ્યે પણ વ્યાસ મુનિ તે હું છું. અને કવિઓમાં-જ્ઞાનીજનોમાં ઉશના-શુક્રાચાર્ય કવિ હું છું. ।।૧૦- ૩૭।।

दण्डो दमयतामस्मि नीतिरस्मि जिगीषताम् ।
मौनं चैवास्मि गुह्यानां ज्ञानं ज्ञानवतामहम् ॥१०- ३८॥

નિયમન કરનારાઓનો દંડ હું છું. અને જયની અભિલાષા સેવનારાઓની નીતિ-ગુહ્યવિચારણા હું છું. રહસ્યોમાં મૌન અને જ્ઞાનવાળાઓનું પરમ જ્ઞાન તે પણ હું જ છું. ।।૧૦- ૩૮।।

यच्चापि सर्वभूतानां बीजं तदहमर्जुन ।
न तदस्ति विना यत्स्यान्मया भूतं चराचरम् ॥१०- ३९॥

અને વળી હે અર્જુન ! સર્વ ભૂત-પ્રાણી માત્રનું જે સનાતન બીજકારણ તે પણ હું જ છું. કારણ કે એવું એક પણ ચરાચર-ભૂતપ્રાણી નથી, કે જે મારા સિવાય થયું હોય કે રહેતું હોય. ।।૧૦- ૩૯।।

नान्तोऽस्ति मम दिव्यानां विभूतीनां परन्तप ।
एष तूद्देशतः प्रोक्तो विभूतेर्विस्तरो मया ॥१०- ४०॥

હે પરન્તપ ! મારી દિવ્ય-અલૌકિક આશ્ચર્યમય વિભૂતિઓનો પાર જ નથી. અને આ તો મેં તને અમુક અમુકજ વિભૂતિનો વિસ્તાર દિગદર્શન જેવો કહ્યો છે. ।।૧૦- ૪૦।।

यद्यद्विभूतिमत्सत्त्वं श्रीमदूर्जितमेव वा ।
तत्तदेवावगच्छ त्वं मम तेजोंऽशसंभवम् ॥१०- ४१॥

આ જગતમાં જે જે વિભૂતિવાળું પ્રાણી-શોભાયમાન કે પ્રભાવશાળી હોય તે તે બધુંય મારા તેજ-સામર્થ્યના એક અંશમાંથી જ થયેલું છે, એમ તું જાણ ! ।।૧૦- ૪૧।।

अथवा बहुनैतेन किं ज्ञातेन तवार्जुन ।
विष्टभ्याहमिदं कृत्स्नमेकांशेन स्थितो जगत् ॥१०- ४२॥

અથવા તો હે અર્જુન ! તારે આ બધુ જાણવાથી શો વિશેષ છે ? આ સઘડા જગતને હું મારા ઐશ્વર્યના એક અંશથી ઐશ્વર્ય લેશથી ધારી રહ્યો છું. ।।૧૦- ૪૨।।

ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासूपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे
श्रीकृष्णार्जुनसंवादे विभूतियोगो नाम दशमोऽध्यायः ॥ १० ॥

ઇતિ શ્રીમદ્ભગવદ્ગીતાસૂપનિષત્સુ બ્રહ્મવિદ્યાયાં યોગશાસ્ત્રે
શ્રીકૃષ્ણાર્જુનસંવાદે વિભૂતિયોગો નામ દશમોઽધ્યાયઃ ।।૧૦।।