ગઢડા પ્રથમ – ૫૨ : ચાર શાસ્ત્રે કરી ભગવાનને જાણ્‍યાનું

Submitted by swaminarayanworld on Thu, 20/01/2011 - 11:16am

ગઢડા પ્રથમ – ૫૨ : ચાર શાસ્ત્રે કરી ભગવાનને જાણ્‍યાનું

સંવત્ ૧૮૭૬ ના માઘ વદિ ૩ ત્રીજને દિવસ શ્રીજીમહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરની મેડીની ઓસરીમાં ૧કથા વંચાવતા  હતા. અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતાં અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી.

પછી તે કથામાં એમ આવ્‍યું જે, સાંખ્‍ય, યોગ, વેદાંત અને પંચરાત્ર એ ચાર શાસ્ત્રે કરીને જે ભગવાનના સ્‍વરૂપને સમજે તે પૂરો જ્ઞાની કહેવાય. ત્‍યારે મુકતાનંદ સ્‍વામીએ પુછયું જે. “હે મહારાજ ! એ ચાર શાસ્‍ત્રે કરીને ભગવાનને કેમ જાણવા ? અને એ ચાર શાસ્ત્રે કરીને જે ભગવાનને ન જાણે તેમાં શી ન્‍યૂનતા રહે છે, તે કહો.”? ત્‍યારે શ્રીજીમહારાજ બોલ્‍યા જે, જે સાંખ્‍યશાસ્ત્ર છે તે ભગવાનને પંચવિશમા કહે છે અને ચોવીશ તત્ત્વ જેમ ભગવાન વિના કાંઇ કરવાને સમર્થ નથી થતાં, તેમ જીવ ઇશ્વર ભગવાન વિના કાંઇ કરવાને સમર્થ નથી. માટે એને પણ ચોવિશ તત્ત્વ ભેળાજ ગણે છે અને જીવ ઇશ્વરે સહિત એવાં જે ચોવીશ તત્ત્વ તેને ક્ષેત્ર કહે છે, ને પંચવિશમા ભગવાન તેને ક્ષેત્રજ્ઞ કહે છે, અને યોગશાસ્ત્ર છે તે ભગવાનને છવિશમા કહે છે, ને મૂર્તિમાન કહે છે, ને જીવ ઇશ્વરને પંચ વિશમા કહે છે ને ચોવીશ તત્ત્વને પૃથક્ કહે છે ને એ તત્ત્વ થકી પોતાના આત્‍માને પૃથક્ સમજીને ભગવાનનું ઘ્‍યાન કરવું એમ કહે છે. અને વેદાંતશાસ્ત્ર છે તે ભગવાનને સર્વકારણ, સર્વવ્‍યાપક, સર્વાધાર, નિર્ગુણ, અદ્વૈત, નિરંજન અને કરતા થકા અકર્તા ને પ્રાકૃત વિશેષણે રહિત ને દિવ્‍ય વિશેષણે સહિત એમ કહે છે. અને પંચરાત્રશાસ્ત્ર છે તે ભગવાનને એમ કહે છે જે, એક જે શ્રીકૃષ્ણ પુરૂષોત્તમ નારાયણ છે તેજ વાસુદેવ, સંકર્ષણ, અનિરુદ્ધ, પદ્યુમ્‍ન એ ચતુર્વ્યુહ રૂપે થાય છે, અને પૃથ્‍વીને વિષે અવતારનું ધારણ કરે છે. અને તેને વિષે જે નવ પ્રકારની ભકિતને કરે છે તેનું કલ્‍યાણ થાય છે. એવી રીતે એ ચાર શાસ્ત્ર ભગવાનને કહે છે તેને યથાર્થ સમજે ત્‍યારે પુરો જ્ઞાની કહેવાય. અને બીજાં ત્રણ શાસ્ત્રને મુકીને એક સાંખ્‍યશાસ્‍ત્રે કરીનેજ ભગવાનના સ્‍વરૂપને સમજે તો, એ બાધ આવે જે, સાંખ્‍યશાસ્ત્રમાં જીવ, ઇશ્વરને તત્ત્વથી નોખા નથી કહ્યા, તે જ્યારે તત્ત્વનો નિષેધ કરીને તત્ત્વથી પોતાના જીવાત્‍માને નોખો સમજે ત્‍યારે પંચવીશમો પોતાનો જીવાત્‍મા સમજાય, પણ ભગવાન ન સમજાય’ અને જો એકલે ‘યોગશાસ્‍ત્રે કરીનેજ ભગવાનના સ્‍વરૂપને સમજે, તો એ દોષ આવે જે, યોગશાસ્‍ત્રે ભગવાનને મૂર્તિમાન કહ્યા છે, તેને પરિછિન્ન સમજે, પણ સવાર્ંતર્યામી અને પરિપૂર્ણ એવા ન સમજે. અને જો એક વેદાંતશાસ્‍ત્રે કરીનેજ ભગવાનના સ્‍વરૂપને સમજે, તો એ દોષ આવે જે ‘જે ભગવાનને સર્વકારણ, સર્વવ્‍યાપક અને નિર્ગુણ કહ્યા છે, તેને નિરાકાર સમજે પણ પ્રાકૃત કરચરણાદિકે રહિત અને દિવ્‍ય અવયવે સહિત એવો સનાતન જે ભગવાનનો આકાર છે તેને ન સમજે, અને જો એકલે પંચરાત્રશાસ્‍ત્રે કરીને જ ભગવાનના સ્‍વરૂપને સમજે તો એવો દોષ આવે જે ‘જે ભગવાનના અવતારને વિષે ભકિત કહી છે, તેને વિષે મનુષ્યભાવ આવે તથા એકદેશસ્‍થપણું સમજાઇ જાય, પણ સવાર્ંતર્યામીપણું ને પરિપૂર્ણપણું ન સમજાય,’ માટે એ સર્વે શાસ્‍ત્રે કરીને જો ભગવાનને ન સમજે તો આવા દોષ આવે છે અને જો એ સર્વે શાસ્‍ત્રે કરીને સમજે તો જે એક એક શાસ્ત્રની સમજણે કરીને દોષ આવે છે તે બીજા શાસ્ત્રની સમજણે કરીને ટળી જાય છે. માટે એ ચારે શાસ્‍ત્રે કરીને જે સમજે તે પરિપૂર્ણ જ્ઞાની કહેવાય. અને જો એ ચારમાંથી એકને મુકીદે તો પુણો જ્ઞાની કહેવાય. ને બેને મુકી દે તો અર્ધો જ્ઞાની કહેવાય, ને ત્રણને મુકીદે તો પા જ્ઞાની કહેવાય, ને ચારેને મુકીને જે પોતાના મનની કલ્‍પનાએ કરીને ગમે તેવી રીતે શાસ્ત્રને સમજીને વર્તે છે અને તે જો વેદાંતી છે અથવા ઉપાસનાવાળો છે. તે બેય ભુલા પડયા છે પણ કલ્‍યાણનો માર્ગ એ બેમાંથી કોઇને  જડયો નથી.માટે એ વેદાંતી તે દંભી જ્ઞાની છે. અને એ ઉપાસનાવાળો તે પણ દંભી ભક્ત છે. ઇતિ વચનામૃતમ્ ગઢડા પ્રથમનું ||૫૨||