ગઢડા પ્રથમ – ૩૫ : કલ્‍યાણના જતનનું

Submitted by swaminarayanworld on Thu, 20/01/2011 - 11:01am

ગઢડા પ્રથમ – ૩૫ : કલ્‍યાણના જતનનું

સંવત્ ૧૮૭૬ના પોષ વદિ ૧૨ દ્વાદશીને દિવસ સ્‍વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં શ્રીવાસુદેવ નારાયણના મંદિર આગળ લીંબડાના ઝાડ તળે ઢોલિયા ઉપર ઉગમણે મુખારવિંદે વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતાં અને પોતાના મુખારવિંદની આગળ મુનિની સભા તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી.

પછી શ્રીજી મહારાજ મુનિ પ્રત્‍યે બોલ્‍યા જે, ‘તમે પ્રશ્ર્ન પુછો કાં અમે પુછીએ’, ત્‍યારે મુનિએ કહ્યું જે, “હે મહારાજ ! તમે પુછો.” પછી શ્રીજી મહારાજ બોલ્‍યા જે, ”કોઇ પુરુષ છે તેમાં થોડી બુઘ્‍ધિ છે તો પણ પોતાના કલ્‍યાણને અર્થે જે જતન કરવું તેમાંથી પાછો પડતો નથી અને કોઇ બીજો પુરૂષ છે તેમાં બુઘ્‍ધિ તો ઘણી છે અને મોટા મોટામાં પણ ખોટ કાઢે એવો છે, તોય પણ કલ્‍યાણને માર્ગે ચાલતો નથી તેનું શું કારણ છે ?” ત્‍યારે મુનિએ ઉત્તર કરવા માંડયો પણ શ્રીજી મહારાજે આશંકા કરી તે ઉત્તર ન થયો. પછી શ્રીજી મહારાજ બોલ્‍યા જે, લ્‍યો અમે ઉત્તર કરીએ જે, એમાં બુદ્ધિ તો ઝાઝી છે પણ એની બુદ્ધિ દૂષિત છે, માટે એ કલ્‍યાણને માર્ગે ચાલી શકતો નથી. જેમ સુંદર ભેંસનું દૂધ હોય, તેમાં સાકર ધોળી હોય ને તેમાં સર્પની લાળ પડી એટલે એ સાકર ને દૂધ હતું તે ઝેર થયું , પછી તેને જે પીવે તેના પ્રાણ જાય, તેમ બુદ્ધિ તો ઝાઝી છે પણ એને કોઇ મોટા સંતનો અથવા પરમેશ્વરનો અવગુણ લીધો છે, તે અવગુણરૂપ દોષ એની બુદ્ધિમાં આવ્‍યો છે, તે સર્પની લાળ સરખો છે. માટે એ તો કલ્‍યાણને માર્ગે કયાંથી ચાલે ? પણ જો કોઇક એના મુખની વાત સાંભળે તો સાંભળનારાની બુદ્ધિ પણ સત્‍સંગમાંથી પાછી પડી જાય છે, અને એવી દૂષિત બુદ્ધિવાળો જ્યાં જ્યાં જન્‍મ ધરે ત્‍યાં ત્‍યાં ભગવાનનો અથવા ભગવાનના ભક્તનો દ્રોહ જ કરે. અને જેની બુદ્ધિ એવી રીતે દૂષિત ન હોય, ને તે જો થોડીજ હોય તો પણ તે પોતાના કલ્‍યાણને અર્થે જતન કરતો થકો પાછો પડતો નથી.”

ત્‍યારે મુકતાનંદ સ્‍વામીએ પુછયું જે, “હે મહારાજ ! એ કોઇ દિવસ ભગવાનને સન્‍મુખ થાય કે ન થાય ?” ત્‍યારે શ્રીજી મહારાજે કહ્યું જે, ” એ તો કોઇ કાળે ભગવાન સન્‍મુખ થાયજ નહિ. ”

ત્‍યારે વળી મુકતાનંદ સ્‍વામીએ પુછયું જે, “હે મહારાજ ! કોઇ રીતે એવી આસુરી બુદ્ધિ ન થાય તેનો જે ઉપાય હોય તે કહો.” ત્‍યારે શ્રીજી મહારાજ બોલ્‍યા જે, “એક ક્રોધ, બીજું માન, ત્રીજી ઇર્ષ્યા, ચોથું કપટ એ ચાર વાનાં પરમેશ્વર સાથે તથા સંત સાથે રાખે નહિ તો કોઇ દિવસ એની આસુરી બુદ્ધિ થાય નહિ, અને એ ચાર વાનાં માંહેલું એક જો રાખે તો જેમ જય, વિજય ઘણાય ડાહ્યા હતા પણ સનકાદિક સંગાથે માને કરીને વૈકુંઠલોકમાંથી પડી ગયા ને આસુરી બુદ્ધિ થઇ, તેમ તેની પણ આસુરી બુદ્ધિ થાય. અને જ્યારે આસુરી બુદ્ધિ થાય ત્‍યારે ભગવાન તથા ભગવાનના ભક્તના જે ગુણ હોય તે દોષ સરખા ભાસે છે. અને એ જ્યાં જ્યાં જન્‍મ ધરે ત્‍યાં ત્‍યાં કાંતો શિવનો ગણ થાય ને કાંતો કોઇ દૈત્‍યનો રાજા થાય અને વૈરભાવે પરમેશ્વરનું ભજન કરે. ઇતિ વચનામૃતમ્ ગઢડા પ્રથમનું ||૩૫||