સારસિદ્ધિ કડવું - ૨૩

Submitted by swaminarayanworld on Sun, 07/03/2021 - 5:09pm

રાગ :- ધન્યાશ્રી

ભક્તિ હરિની સહુથી અતિ સારીજી, જનને કરવી તે મનમાં વિચારીજી ।

હિતની વાત હૈયામાંયે ધારીજી, તક જોઇ રે’વું તરત તૈયારીજી ।।૧।।

રાગ :- ઢાળ

તૈયાર રે’વું તક ઉપરે, પ્રસન્ન કરવા પ્રગટને ।

શીત ઉષ્ણ વરસાતનું, સહી શરીરે સંકટને ।।૨।।

સેવા કરતાં સેવકને, પંડ સુખ સામું પેખવું નહિ ।

સમે સમાજ સારે સેવવા, તે વિના સુખ લેખવું નહિ ।।૩।।

તકે દાતણ તકે નાવણ, તકે પે’રાવવાં અંબર ।

તકે ભોજન વ્યંજન કરી, જમાડવા શ્યામસુંદર ।।૪।।

સમે ચંદન ચરચવું, સમો જોઇ પે’રાવવા હાર ।

સમે આભુષણ અંગમાં, પે’રાવવાં કરીને પ્યાર ।।૫।।

સમે ઉતારવી આરતી, સમે કરવી સ્તુતિ કરજોડ ।

સદા દિન આધિન રે’વું, કે’વું બક્ષજો ગુન્હા પ્રભુ ક્રોડ ।।૬।।

સમે પ્રભુને પોઢાડવા, સમે નાખવો પંખે પવન ।

સમે ચરણ ચાંપવાં, એમ કરવા પ્રભુ પ્રસન્ન ।।૭।।

સમો જોઇ સેવકને, તતપર રે’વું તૈયાર ।

મન કર્મ  વચને કરી, કરવી સેવા કરી બહુ પ્યાર ।।૮।।

જે ટાણે ગમે જેમ નાથને, તેહ ટાણે કરવું તેમ ।

જે ન ગમે જગદીશને, અણગમ્યું ન કરવું એમ ।।૯।।

એવા અતિ સુતર જન જે, તે કરે પ્રભુને પ્રસન્ન ।

નિષ્કુલાનંદ કહે નાથના, એ કહિએ સાચા સેવક જન ।।૧૦।। કડવું ।।૨૩।।