તરંગઃ - ૬૩ - શ્રીહરિયે ભુજનગરમાં લીલા કરી

Submitted by swaminarayanworld on Sat, 13/02/2021 - 11:13am

પૂર્વછાયો

જેતલપુરે આનંદસ્વામી, રહ્યાછે રુડે પ્રકાર । તેમના પર પત્રદ્વારે, મોકલીયા સમાચાર ।।૧।। 

યજ્ઞ હવે બંધ રહ્યો છે, નહીં થાય તેહ ઠામ । પત્ર વાંચી લેજ્યો મનમાં, કૈયે તે કરજ્યો કામ ।।૨।। 

વિપ્ર અભ્યાગત અન્નાર્થી, ગરીબ આવે જે કોય । મનુષ દીઠજ આપજ્યો, આ લખ્યા પ્રમાણે જોય ।।૩।। 

અન્ન ચતુર્શેર આપજો, વળી વસ્ત્ર નવ હાથ । જે કોઈ આવે તે સર્વેને, દેજ્યો થઇને સનાથ ।।૪।।

 

ચોપાઇ

 

આનંદાનંદ સ્વામી કૃપાળ, એ પ્રમાણે આપ્યું તતકાળ । પોતે આપ્યું છે ડભાણમાંય, જેતલપુરથી મંગાવી ત્યાંય ।।૫।। 

તેસમે સુરતી હરિજન, આવ્યા ડભાણ કરવા દર્શન । દશ અવતારનું છત્ર એક, લાવ્યા ભૂધર સારું વિશેક ।।૬।। 

શ્રીહરિને ધરાવ્યું છે જેહ, બીજાં આપ્યાં વસ્ત્રાદિક એહ । કરી પૂજાયો રૂડે પ્રકાર, કરીને મન પ્રેમ અપાર ।।૭।। 

એમ ડભાણમાં માસ એક, વ્હાલે લીલા કરીછે વિશેક । પછે પધાર્યા જીવનપ્રાણ, નળકંઠામાં થઈને પ્રમાણ ।।૮।। 

દેવધોલેરા નામે જે ગામ, નિજ ભક્તતણા સુખધામ । મુળજી નામે ઠક્કર ખ્યાત, તેને ઘેર રહ્યા એક રાત ।।૯।। 

ત્યાંથી ગયા અચારડે ગામ, નિજ ભક્તતણા સુખધામ । સરિતાતણે તીરે ત્યાં સાર, શોભિતા છે સમીરકુમાર ।।૧૦।। 

તે નદીમાંહી કરીને સ્નાન, કર્યા પ્રસાદીના હનુમાન । ત્યાંથી પધાર્યા લીંબડી શેર, ચૌટાવચ્ચે થઈ રુડી પેર ।।૧૧।। 

સરોવરછે સુંદર એક, તેની તીરે બેઠાછે વિશેક । તે સ્થાનકે ત્રવાડી ગોપાળ, લાવ્યા તૈયાર કરીને થાળ ।।૧૨।। 

તે ભોજન જમી નિરધાર, ગયા કરમડગામે તેવાર । ત્યાંના દરબારમાં બે દિન, રહ્યા કૃપા કરી ભક્તાધીન ।।૧૩।। 

પછે ચાલ્યા શ્રીદેવમુરારી, ગામ ચુડે ગયા સુખકારી । દામોદર શુકલને ઘેર, એક દિન રહ્યા સુખભેર ।।૧૪।। 

બીજે દિવસ પ્રાતઃકાળ, ગામ વસતડી ગયા લાલ । ત્યાંથી રામપુરે ગયા શ્યામ, એક રાત્રિ રહ્યા તેહ ઠામ ।।૧૫।। 

વળી ચાલ્યા ત્યાંથી તો જરૂર, પ્રભુ પધાર્યા છે મુળીપુર । શેર વચ્ચે થઈ ગિરિધારી, ગયા અલરક વાવ્યે ધારી ।।૧૬।। 

તે સમીપમાંછે રંગમેલ, રહ્યા ત્રણ પક્ષ તેમાં છેલ । જમે દરબારમાંહી થાળ, કરે પુનીત લીલા દયાળ ।।૧૭।। 

ત્યાંથી ચાલ્યા છે શ્રીઘનશ્યામ, વિચર્યા છે ચરાવડે ગામ । સંતસહિત દેવમુરારી, ગયા દેવળિયે ભયહારી ।।૧૮।। 

ખાખરેચી ગામે થઈ ખ્યાત, માળિયામાં ગયા જગતાત । સતાજી નામે ઠાકોર ત્યાંય, રહ્યા તેમના દરબારમાંય ।।૧૯।। 

રણ ઉતરીને વાસુદેવ, ગયા વાગડદેશમાં એવ । ગામ ધમડકે થઈ ધીર, ચોબારીયે ગયા નરવીર ।।૨૦।। 

પછે કરીને મન વિચાર, વ્હાલો વિચર્યા શેર અંજાર । એમ ફરતા શ્રીદેવમુરારી, ભુજનગર ગયા સુખકારી ।।૨૧।। 

ઉતર્યા ગંગારામને ધામ, બે માસ રહ્યા સુંદર શ્યામ । ઘણી લીલા કરેછે તેઠાર, આપ્યાં ભક્તને સુખ અપાર ।।૨૨।। 

પછે શ્રીહરિ સુખના ધામ, પ્રીતે પધાર્યા છે તેરે ગામ । રાજાસહિત સૌ હરિજન, આવીને તેડી ગયા પાવન ।।૨૩।। 

તેરામાં રહ્યા શ્રીભગવંત, આવી મળ્યાછે ત્યાં સર્વે સંત । જ્ઞાનવૈરાગની કરે વાત, સંત હરિજનને વિખ્યાત ।।૨૪।। 

ગામ અશ્લાલીના હરિજન, વેણીભાઈ આદિક પાવન । લાવ્યા મુરબ્બો ચોખા ને દાળ,નારાયણને માટે રસાળ ।।૨૫।। 

તે દેખીને શ્રીપ્રાણજીવન, શ્રીહરિજી થયા છે પ્રસન્ન । ચોખા લીધા તે પોતાને હાથ, ઝીણી દૃષ્ટિયે જોવા લાગ્યા નાથ ।।૨૬।। 

અણી શુદ્ધ ચોખા છે ઉત્તમ, એમ કૈ રાજી થયા પ્રીતમ । દાળભાત રંધાવ્યા તેવાર, મુરબ્બા સાથે જમ્યા તેઠાર ।।૨૭।। 

વળી એકસમે કોઈ દિન, જમવા બેઠા પ્રાણજીવન । એવામાં મુક્ત આવ્યો છે એક, જોગીનોે વેષ લેઈ વિશેક ।।૨૮।। 

રામપાત્ર લીધું છે તે હાથ, આવી ઉભો જમે છે જ્યાં નાથ । તેને ઓળખિયો મનમાંય, નિજપ્રસાદી આપી છે ત્યાંય ।।૨૯।। 

તે મુક્ત જમીને થયો તૃપ્ત, દર્શન કરીને ગયો ગુપ્ત । મહાપ્રભુજી તેરા મોઝાર, એમ લીલા કરેછે અપાર ।।૩૦।। 

ધનજીભાઈ નામે સુતાર, નિત્ય વ્હાલો રેછે તેને દ્વાર । સભામાં કરે છે રૂડું જ્ઞાન, નિજભક્ત માટે ભગવાન ।।૩૧।। 

પાસે રાખે છે ફોફળ એક,ધારી વિચારીને તે વિશેક । શ્રીહરિ સભા કરેછે જ્યાંય, સંતહરિજન બેસે ત્યાંય ।।૩૨।। 

કથામાં આવે કોઇને નિંદ, મારે સોપારી ત્યાં સુખકંદ । નિત્ય કરેછે ચરિત્ર એમ, વૃદ્ધિ પમાડવા પ્રેમનેમ ।।૩૩।। 

વળી એકસમે તેરામાંય, સાધુ ભિક્ષા માગી લાવ્યા ત્યાંય । તેના ગોળા કર્યા નિરધાર, સંત જમવા બેઠા જેવાર ।।૩૪।। 

ત્યારે બોલ્યા શ્રીજી મહારાજ, મુને આપો ગોળો એક આજ । નવ આપ્યો સંતોએ તે સ્થાને, નિજ હાથે લીધો ભગવાને ।।૩૫।। 

બેઠા સંતમંડળમાં છેલ, ગોળો જમવાને અલબેલ । જમતા થકા કરે વખાણ, વળી વ્હાલો વદે મુખવાણ ।।૩૬।। 

આતો ચુરણ ઔષધરૂપ, ટાળે વિકાર કરે અનૂપ । એમ કૈને જમેછે જીવન, સર્વે સંતને ગમેછે મન ।।૩૭।। 

પછે બોલ્યા ત્યાં સલુણો શ્યામ, સુણો સંત સર્વે આણે ઠામ । ભિક્ષા મંગાવું છું તમ પાસ, મારા મનમાં ધારીને તાસ ।।૩૮।। 

કોટિ જીવનું ક્લ્યાણ થાય, વળી તમારો ધર્મ પળાય । સત્ય વાત કહું છું હું સોય, દુર્બળતાથી કહું નૈ જોય ।।૩૯।। 

નૈતો પર્વતશિખર જ્યાંય, સર્વસંત બેસો જઈ ત્યાંય । ત્યાં પણ જમાડું હું મિષ્ટાન, બેઠા બેઠા હમેશ નિદાન ।।૪૦।। 

એવા છૈયે અમે ભગવાન, નિશ્ચે માની લેજ્યો સહુ મન । એમ તેરે રહીને બે માસ, કાળેતળાવે ગયા હુલ્લાસ ।।૪૧।। 

ગામ મઉથી મંગાવીછે કેરી, સાઠ મણનું શકટભરી । સંત હરિજન ઘણા જન, સર્વે સાથે જમ્યા ભગવન ।।૪૨।। 

લીલા કરીછે ત્યાં એક માસ, માનકુવે ગયા અવિનાશ । વળી ત્યાં થકી ધારીને ઉર, પાછા પધાર્યા ભુજંગપુર ।।૪૩।। 

ગયા સુંદરજીને સદન, ત્યાં ઉતારો કર્યો બલવન । ત્યારે બોલ્યા સુંદરજીભાઈ, હવે સુણો તમે સુખદાઈ ।।૪૪।। 

અમારૂં જે કલ્યાણ કેવાય, સાધુના જેવું તે કેમ થાય । તે સુણીને બોલ્યા જીવનપ્રાણ, સૌનું સરખું કરવું છે કલ્યાણ ।।૪૫।। 

સાધુ ગૃહસ્થને સરખી રીત, અપવર્ગ પમાડીશું પ્રીત । ઘણી મેનતે પુન્ય પાવન, ધર્મ સહિત રળોછો ધન ।।૪૬।। 

તેવડેથી કરોછો પૂજન, વળી આપોછો વસ્ત્ર ને અન્ન । તમારી કમાણીમાં જરૂર, સંતનો ભાગ છે જાણો ઉર ।।૪૭।। 

તેમ સંતનું ભજન ધ્યાન, તેમાં ભાગ તમારો નિદાન । એમ વાલમ વારમવાર, કરે ભુજમાં લીલા અપાર ।।૪૮।।

 

 

ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિ વિરચિતે શ્રી ઘનશ્યામલીલામૃતસાગરે ઉત્તરાર્ધે આચાર્યશ્રી અયોધ્યાપ્રસાદજી રામશરણજી સંવાદે શ્રીહરિયે ભુજનગરમાં લીલા કરી એ નામે ત્રેસઠમો તરંગઃ ।।૬૩।।