તરંગઃ - ૫૨ - શ્રીજી મહારાજે ભાદ્રાગામમાં સંત મંડળને ફરવાની આજ્ઞા કરી

Submitted by swaminarayanworld on Fri, 12/02/2021 - 11:31pm

પૂર્વછાયો

વળી કહું એક વારતા, સુણો થઈ સાવધાન । જીરણગઢમાં સભા કરી, બેઠા છે શ્રીભગવાન ।।૧।। 

સંત હરિજન સહુ મળ્યા, ધરી મનમાં પ્યાર । પ્રેમવડે પૂજન કર્યું, પહેરાવ્યા ફુલના હાર ।।૨।। 

નોતરૂં દીધું બ્રાહ્મણને, ચોરાશીતણું જેહ । તેમાં અસુરે વિઘ્ન કર્યું, બ્રહ્મભોજનમાં તેહ ।।૩।। 

શ્રીહરિએ કહ્યું જનને, તમો જમજ્યો સૌ આજ । પકવાન સુંદર કરો, ઘૃતમિશ્રિત સાજ ।।૪।। 

પછે તે પાક બનાવીયો, પંક્તિ કરાવી તે ઠાર । સંઘવાળાને જમાડીયા, લાગી નહિ કાંઈ વાર ।।૫।। 

 

 

ચોપાઈ 

 

હવે કુંડ દામોદર નામ, ન્હાવા પધાર્યા ત્યાં સુખધામ । સંઘસહિત શ્રીભગવાન, દામોદર કુંડે કર્યું સ્નાન ।।૬।। 

વળી શિવતણું એક સ્થાન, કર્યું દરશન દેઈને માન । એકછત્ર હતું ભારે સારું, કર્યું અર્પણ શિવને વારૂં ।।૭।।

 

 

 ઘણા રૂપીયાની મુકી ભેટ, પછે ઉતારે પધાર્યા નેટ । એમ સાત દિન સુધી સાર, જમાડ્યો સંઘને તેહ ઠાર ।।૮।। 

પછે પધાર્યા શેરથી બહાર, તિયાં ઉતારો કર્યો નિરધાર । ગાડાઉપર પશ્ચિમ મુખ, ઉભા રહ્યા પ્રભુ દેવા સુખ ।।૯।। 

ત્યારે સંત હરિજન જેહ, બીજા શેરનાં મનુષ્ય તેહ । સર્વે મળીને કર્યું પૂજન, કર્યા પ્રગટ પ્રભુ પ્રસન્ન ।।૧૦।। 

 

 

ત્યાર પછી રહ્યા એક રાત, બીજે દિને ચાલ્યા જગતાત । મારગમાં આવી નદી એક, તેમાં સ્નાન કર્યું છે વિશેક ।।૧૧।। 

જમ્યા ટીમણ સુંદર શ્યામ, ત્યાંથી પધાર્યા કોટડેગામ । ત્યાં જમીને ચાલ્યા સુખધામ, ગયા વ્હાલો ગોવાલીયે ગામ ।।૧૨।। 

ગામમાં જેઠા ભક્તને ઘેર, બિરાજ્યા ઢોલિયે રૂડી પેર । બીજા હરિભક્ત આવ્યા ત્યાંય, શેરડી લાવ્યા ગાડલામાંય ।।૧૩।। 

ત્યારે શ્રીહરિ બોલ્યા વચન, સર્વે સંત સુણો શુભ મન । અકેકો ખેંચી લ્યો પ્રીતપ્રોઈ, નાના મોટા નવ જોશો કોઇ ।।૧૪।। 

જેવો આવે તેવો લ્યો મુનિજન, પ્રેમવડેથી કરો પ્રાશન । કર્યું સંતોયે એજ પ્રમાણી, પ્રભુની આજ્ઞા પાળી છે જાણી ।।૧૫।। 

થયો મધ્યાન સમો તે ઠાર, કરાવીછે રસોઇ તૈયાર । જમ્યા સંતસાથે અલબેલ, પછે આસને બિરાજ્યા છેલ ।।૧૬।। 

સાંઝ સમે તે પ્રાણઆધાર, ઉતારો કર્યો ગામથી બાર । સંઘ ફર્તી ચોકી મુકી સારી, મધ્યે બિરાજ્યા દેવ મુરારી ।।૧૭।। 

ઘણીવાર બતાવ્યું છે જ્ઞાન, પછી પોઢી ગયા ભગવાન । બીજે દિવસે પ્રાતઃકાળ, ચાલ્યા ત્યાંથકી દીનદયાળ ।।૧૮।। 

સંઘ સહિત પરમ કૃપાળ, ગયા કારીયાણી તતકાળ । ત્યાંના સત્સંગી સૌ નરનાર, રૂડી રીતે કર્યો સતકાર ।।૧૯।। 

પ્રીતે કરાવ્યાં ભોજનપાન, સંઘસહિત દઇને માન । પછી સાંઝસમો થયો જોય, ત્યાંથી ઉતારો ફેરવ્યો સોય ।।૨૦।। 

ગામબહાર નદીછે જ્યાંય, ઉતારો કર્યો છે જઇ ત્યાંય । સંઘસહિત સુંદર શ્યામ, તે સ્થળે બિરાજ્યા અભિરામ ।।૨૧।। 

પછે સાધુનાં બાંધ્યાં મંડળ, ફરવા મોકલ્યા તે વિમલ । તેને બીજે દિવસે જરૂર, શ્રી હરિ પધાર્યા ગઢપુર ।।૨૨।। 

ગામથી ઉત્તરદિશા જ્યાંય, જીવા ખાચરની વાડી ત્યાંય । તેમાં જૈને કર્યો છે મુકામ, બિરાજ્યા ઢોલિયે તેહ ઠામ ।।૨૩।। 

મોટી સભા થઈ છે શોભિત, તેમાં ઓપી રહ્યા છે અજીત । બેઠાં જતનબાઈ ત્યાં એક, ગામ ડાંગરવાનાં વિશેક ।।૨૪।। 

તેને પુછેછે શ્રીસુખદાઈ, કોણ છે તું કહે મુને બાઈ । ત્યારે બોલ્યાં તે બાઈ વચન, હું તો આત્મા છું પુન્ય પાવન ।।૨૫।। 

પ્રભુ કે કેમ તું નથી દેહ, સત્ય વારતા કો બાઈ એહ । ત્યારે તે બાઈ બોલી હુલ્લાસ, હું ચૈતન્યછું અવિનાશ ।।૨૬।। 

વળી બોલ્યા છે શ્રીનરવીર, હે બાઈ તું છે જે મતિધીર । આત્મનિષ્ઠાની લીધી પરીક્ષા, બાઈને આપી સાબાશી દીક્ષા ।।૨૭।। 

પ્રાણપતિ થયાછે પ્રસન્ન, ત્યાર કેડે કર્યાં છે ભોજન । સંત હરિજનોને તે સ્થાન, અલબેલે જમાડ્યા નિદાન ।।૨૮।। 

પછે બોલ્યા છે પુરણકામ, આજ જાવું છે બોટાદ ગામ । એમ કહીને કરી તૈયારી, સર્વ સંઘસાથે સુખકારી ।।૨૯।। 

ગયા બોટાદ દેવ મુરાર, ફરતા ગામોમાંથી નિરધાર । પોચ્યા કુંડલમાં જગતાત, ત્યાં રહ્યા છે પોતે બેઉ રાત ।।૩૦।। 

બીજે દિવસે શ્યામ સુહાગ, ભીમનાથે ગયા શુભ લાગ । તિયાંના મઠથી પૂર્વ દિશ, જૈને ઉતર્યા શ્રીજગદીશ ।। ૩૧।। 

હરખે બિરાજ્યા હરિ જ્યાંય, આવ્યા બાવો માનગર ત્યાંય । શેરડીના ભારા લાવ્યા સાથ, નિરખી પ્રસન્ન થયાછે નાથ ।।૩૨।। 

ઉભા થૈને મળ્યા મહારાજ, બાવાજીનાં રૂડાં થયાં કાજ । માનગરે કર્યો સતકાર, ભલે પધાર્યા જગઆધાર ।।૩૩।। 

મઠમાં પધારો કૃપાનાથ, આજતો મુને કરો સનાથ । એમ કહી દેખાડ્યો બહુ ભાવ, ત્યારે બોલ્યા મનોહર માવ ।।૩૪।। 

વળી આવીશું ઘણીજ વાર, તમારો છે જો પ્રેમ અપાર । એમ કહીને રહ્યા ત્યાં રાત, પછે વ્હેલા ઉઠ્યા છે પ્રભાત ।।૩૫।। 

ચાલ્યા ત્યાંથકી નરવીર, ગામ ખર્ડે પોક્યા મતિધીર । અરુણોદય થયો તે સ્થાન, વળી વિચર્યા શ્રીભગવાન ।।૩૬।। 

એમ ચાલતા થકા દયાળ, ગઢપુરે પોચ્યા તતકાળ । રહ્યા ગઢપુરે ત્રૈણ માસ, વળી વિચર્યા શ્રીઅવિનાશ ।।૩૭।। 

સોરઠદેશ ગુંડળ શેર, ત્યાં થૈને પધાર્યા રુડી પેર । ધોરાજીયે થઈને તે શ્યામ, ગયા કાલવાણી નામે ગામ ।।૩૮।। 

આવી પોચ્યાછે ત્યાં સાધુ સર્વ, મળ્યા પ્રભુને ભાવ અપૂર્વ । સાધુ સંજ્ઞા બદલાવી સોય, પરમહંસ સંજ્ઞા આપી જોય ।।૩૯।। 

પાંચ પાંચ સંતનાં મંડળ, ઠરાવી આપ્યાં છે નિર્મળ । દેશોદેશ ને ગામોગામ, ફરવાની આજ્ઞા કરી શ્યામ ।।૪૦।। 

જેમ સત્સંગની વૃદ્ધિથાય, આપ્યો શ્રીજીયે એવો ઉપાય । ગયા સંતમંડળ સૌ ફરવા, ધ્યાન પ્રગટપ્રભુનું ધરવા ।।૪૧।। 

ત્રૈણ પક્ષ રહ્યા પ્રભુ ત્યાંય, પછે વિચાર્યું છે મનમાંય । ગયા ભાદરા ગામ મોઝાર, સૂત્રધાર વિશ્રામને દ્વાર ।।૪૨।। 

કૃપા કરીને જગનિવાસ, રહ્યા તે ગામમાં એક માસ । વચન પત્ર લખ્યા તે વાર, સર્વે હરિજનો પર સાર ।।૪૩।। 

જે જે સત્સંગી અમારા સોય, કોઈને સાધુ થાવું જો હોય । જાજ્યો રામદાસભાઈ પાસ, પરમહંસ થાજ્યો ત્યાં હુલ્લાસ ।।૪૪।। 

પછે આવજ્યો અમારી પાસ, એવા પત્ર લખ્યા સુખરાશ । ભુજનગ્રે આવજ્યો તે ટાણે, કરજ્યો અમારી આજ્ઞા પ્રમાણે ।।૪૫।। 

પછે ત્યાંના હરિભક્ત જેહ, મુળજી આદિ કહીયે તેહ । તેને શિખાવે કીર્તનશ્લોક, આપે આનંદ નિત્ય અશોક ।।૪૬।। 

ડોશાભાઈની વાડીછે જ્યાંય, ઘણી લીલા કરીછે ત્યાંય, પછે રામદાસભાઈ કૈયે, બીજા ગોવિંદ સ્વામી તે લૈયે ।।૪૭।। 

તેમના ઉપર લખ્યો પત્ર, મહારૂદ્ર કરવા વિષે તત્ર । તેનો સામાન કરવા સારૂં, પત્રમાં વિક્તિ બતાવી વારૂં ।।૪૮।।

 

 

ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિ વિરચિતે શ્રી ઘનશ્યામલીલામૃતસાગરે ઉત્તરાર્ધે આચાર્ય શ્રીઅયોધ્યાપ્રસાદજી રામશરણજીસંવાદે શ્રીજી મહારાજે ભાદ્રાગામમાં સંત મંડળને ફરવાની આજ્ઞા કરી એ નામે બાવનમો તરંગઃ ।।૫૨।।