તરંગઃ - ૩૭ - શ્રીહરિ કચ્છ દેશનાં ગામોમાં ફરીને પાછા ભુજનગ્રમાં પધાર્યા

Submitted by swaminarayanworld on Fri, 12/02/2021 - 11:23pm

પૂર્વછાયો

રામશરણજી બોલિયા, સુણો ગુરુમતિધીર । પ્રેમે પધાર્યા પ્રીતમજી, અંજારે શ્યામ સુંદર ।।૧।।

ત્યાર પછી શી લીલા કરી, ત્યાં રહ્યા કેટલા દિન । વિસ્તારીને તે વર્ણવો, સમઝાવો કરી મન ।।૨।।

એવું સુણીને ઉચ્ચર્યા, અવધપ્રસાદ આપ । હે રામશરણ સુણો તમે, ટળે મનના તાપ ।।૩।।

અલબેલો આવ્યા અંજારે, ધરી મન ઉમંગ । ચાગબાને ઘેર જમીને, થયા પ્રસન્ન શ્રીરંગ ।।૪।।

પછે પધાર્યા ગામબારે, પશ્ચિમ દિશા જ્યાંય । ચલદલનો જ્યાં તરુછે, જૈને બિરાજ્યા ત્યાંય ।।૫।।

 

 

ચોપાઈ

 

પીપળા હેઠે સુંદર છેલ, પાટ્યપર બેઠા અલબેલ । કરે જ્ઞાન વાતો અવિનાશ, સંત હરિજન શોભે પાસ ।।૬।।

તે સમે હરભમ સુતાર, કાળા તળાવનો છે રેનાર । તે છે સ્વામીનો આશ્રિત જન, પ્રીતેથી આવ્યો નિર્મળ મન ।।૭।।

કર્યાં શ્રીહરિનાં દર્શન, બેઠો સભામાં એક આસન । એને ઘણીજ લાગી છે વાર, ત્યારે થયો મનમાં વિચાર ।।૮।।

આવ્યો પરગામથી હું આજ, સામું જોતા નથી મહારાજ । આવો બેસો તમે આણે ઠાર, નથી પુછતા કાંઈ સમાચાર ।।૯।।

એવો તેને થયો છે સંકલ્પ, વાલીડાએ જાણ્યો છે તે અલ્પ । મુક્તાનંદ સ્વામીને ત્યાં તરત, શ્રીહરિ કેવા લાગ્યા તે સરત ।।૧૦।।

અમારા દેશ કેટલા દૂર, અમને બતાવો તે જરૂર । ત્યારે સ્વામી બોલ્યા તેણીવાર, કર જોડી વિનયે તેઠાર ।।૧૧।।

લાખ મણ લોહ ગોળાકાર, ત્યાંથી પડતો મુકીયે સાર । વાયુને ઘસારે નિરધાર, પડે રજકણ થૈ અપાર ।।૧૨।।

એટલો તવ દેશ છે દૂર, ત્યારે બોલ્યા વાલમ જરૂર । ત્યાંથકી અમે આવ્યા પાવન, કોઈને ભાવ્યા ન ભાવ્યા મન ।।૧૩।।

કોઈ ગાળ્યો દૈ નાખેછે ધૂળ, અપમાન કરે પ્રતિકુળ । કરે છે કોઇક તિરસ્કાર, ક્ષમા કરીયે છૈેયે અપાર ।।૧૪।।

તેમાં કેટલાક એવા જન, કરે સંકલ્પ વિકલ્પ મન । અમે દૂરથકી આવ્યા આજ, નથી બોલાવતા મહારાજ ।।૧૫।।

એવી રીતે કરી ઘણી વાત, સ્વામિનારાયણે ત્યાં સાક્ષાત । તે સુણી હરભર સુતાર, બોલ્યા કર જોડીને તે વાર ।।૧૬।।

હે કૃપાનાથ હે મહારાજ, હે દયાસિંધુ હે સુખસાજ । હું તો છું તમારોજ સેવક, ઘાટ મટી ગયાછે અનેક ।।૧૭।।

પછે મહારાજે કરી મેર, સમાધિ કરાવી સુખભેર । ગયા અક્ષરધામની માંય, બ્રહ્મમોલ દેખ્યો તેણે ત્યાંય ।।૧૮।।

તે મધ્યે છે દિવ્ય સિંહાસન, તે પર બેઠા છે ભગવન । અનંત કોટિ મુક્ત સહિત, શ્રીજીને દેખ્યા થૈ મન પ્રીત ।।૧૯।।

એમ આપ્યાં રુડાં દર્શન, પ્રાણનાડી ખેંચી લીધું મન । મહા અદ્ભુત ઐશ્વર્યરૂપ, ગુપ્ત કરી લીધું તે અનૂપ ।।૨૦।।

જાગ્યા સમાધિમાંથી તે જન, પામ્યા આનંદ આનંદ મન । પગે લાગે છે વારમવાર, શ્રીજીને કરે છે નમસ્કાર ।।૨૧।।

શ્રીહરિના સ્વરૂપનો મને, સર્વોપરી નિશ્ચે કર્યો જને । પછે પ્રભુને કર્યા પ્રસન્ન, આપી રસોઈ પુન્ય પાવન ।।૨૨।।

તે તો ગયા પોતાને રે ગામ, રટે છે નિત્ય શ્રીજીનું નામ । ત્યાર પછી પ્રગટ પ્રમાણ, ત્યાંથી ચાલવા કર્યું પ્રયાણ ।।૨૩।।

ફરતા થકા શ્રીસુંદર શ્યામ, માનકુવા ગયા સુખધામ । પંદર દિન રહ્યા તે ઠાર, જ્યાં છે અદાજીતો દરબાર ।।૨૪।।

પછે ત્યાંથી ચાલિયા પ્રીતમ, ગામ કેરે આવ્યા પરબ્રહ્મ । તેના સમીપે કુંડછે ચાર, સજીવન પાણી છે અપાર ।।૨૫।।

તેના ઉપર થૈ સુખકારી, વહ્યું જાય છે નિર્મળ વારિ । શ્રીહરિયે કર્યું છે ત્યાં સ્નાન, નિજ ભક્ત સાથે ભગવાન ।।૨૬।।

પછે ચાલ્યા શ્રી જગદાધાર, સદાબાના દરબાર મોઝાર । સદાબાએ કર્યો સતકાર, તર્ત રસોઈ કરાવી ત્યાર ।।૨૭।।

ભાવદેખીને કર્યું ભોજન, બે દિવસ ત્યાં રહ્યા જીવન । ત્યાંથી ચાલ્યા શ્રીધર્મકુમાર, ગયા બળધિયે ગામે સાર ।।૨૮।।

વળી ચાલ્યા ત્યાંથી તો જીવન, માંડવી બંદરે ભગવન । ત્યાંના સત્સંગીયે જાણી વાત, જાણ્યું જે આવ્યા શ્રીજગતાત ।।૨૯।।

કર્યું સામૈયું બહુ સત્કાર, તેડી ગયા તે ગામ મોઝાર । સ્વામિનારાયણ શ્રીજી શામ, ઠરીને રહ્યા છે તેહ ઠામ ।।૩૦।।

દેશોદેશમાં લખાવ્યા પત્ર, સંત ભક્તને તેડાવ્યા તત્ર । પછેે ભટ્ટ લક્ષ્મીનાથ પાસ, કથા વંચાવેછે અવિનાશ ।।૩૧।।

ઘણે ભાવે વેદાંતની વાત, નિત્ય કરેછે ભૂધરભ્રાત । તેસમે આવ્યો વાડવ એક, મહાવેદાંતી આપ વિશેક ।।૩૨।।

કર્યો સંવાદ તેનીરે સાથે, હાર પમાડીયો યોગિનાથે । તે મધ્યે ખયો ક્ષત્રી છે મુખ્ય, તે પણ આવ્યો છે સનમુખ ।।૩૩।।

તેણે દેખ્યો પ્રગટ પ્રતાપ, શ્રીજીમાં પ્રોવાણું ચિત્ત આપ । થૈ મહારાજમાં એવી બુદ્ધ, આવી પ્રભુપણાની ત્યાં શુધ ।।૩૪।।

એેમ મુકાવ્યાં સહુનાં માન, આપે આનંદ શ્રીભગવાન । નિત્ય કરેછે સિંધુમાં સ્નાન, મીઠી કુઈનું તે જળપાન ।।૩૫।।

એક દિવસ સિંધુને તીર, સ્નાન કાજે ગયા નરવીર । ઘણા સંત હરિજન સંગ, સ્નાન કરે સિંધુમાં શ્રીરંગ ।।૩૬।।

આવી ઓચિંતી ભરતી ત્યાંય, એક ભક્ત તણાયો તેમાંય । ગયો મહાજળમાં તે જન, સર્વ ત્રાસ પામી ગયા મન ।।૩૭।।

કરે મહારાજનું સ્તવન, થયાં ઉદાસી સર્વેનાં મન । તમે સાય કરો મહારાજ, ઘણું ખોટું થયું આ તો કાજ ।।૩૮।।

તે સુણી થયો પ્રભુને કોપ, મરજાદા કરે કેમ લોપ । જલધિને પમાડું હું ત્રાસ, મુજ પ્રતાપ કરું પ્રકાશ ।।૩૯।।

એમ કૈ ભ્રકુટી કરી વક્ર, જાણે છુટ્યું શીશુમાર ચક્ર । ત્યારે તે ત્રાસ પામ્યો છે મન, તેહ તાપ ન થયો સહન ।।૪૦।।

સિંધુ આવ્યો થઈ મૂર્તિમાન, ઓલ્યા ભક્તને લાવ્યો નિદાન । મારા પ્રભુ ન કરશો કોપ, હવે નહીં કરું આજ્ઞાલોપ ।।૪૧।।

લીયો આ સત્સંગી તવ જન, ક્ષમા કરો હવે ભગવન । એમ કહીને કરે સ્તવન, નમ્ર થઇને વદે છે વચન ।।૪૨।।

જય જગપતિ જગદીશ, જય અનેક બ્રહ્માંડાધીશ । જય બળવંત વાલા આપ, મારા ટાળો ત્રિવિધિના તાપ ।।૪૩।।

કરી સ્તુતિ તે ઘણી નિદાન, થયો સાગર અંતર્ધાન । સર્વે આશ્ચર્ય પામ્યા છે મન, જાણ્યા શ્રીહરિને ભગવન ।।૪૪।।

એવી લીલા કરે અવિનાશ, રહ્યા ચોમાસું ત્યાં ચાર માસ । પછે ત્યાંથી પધાર્યા શ્રીરંગ, ગામ રામપુરે રૂડે રંગ ।।૪૫।।

પાંચ દિન રહ્યા પ્રભુ સોય, ત્યાંથી પશ્ચિમ દિશામાં જોય । ગઉમુખી ગંગાજી છે જ્યાંય, પોતે સ્નાન કર્યું જઈ ત્યાંય ।।૪૬।।

દેખ્યું રમણીક સારું સ્થાન, શ્રીહરિ ત્યાં રહ્યા છે નિદાન । પ્રાગજી દવે બોલાવ્યા પાસ, મન રાજી થૈને સુખરાશ ।।૪૭।।

સપ્તાહ કરાવી દિન સાત, શ્રીમદ્ભાગવતની સાક્ષાત । એક પક્ષ રહ્યા ત્યાં હુલાશ, વળી ચાલ્યા ત્યાંથી અવિનાશ ।।૪૮।।

ગયા દહીંસરા નામે ગામ, ગોવર્ધન વ્યાસને ધામ । તેને ઘેર્ય જમ્યા પ્રભુ થાળ, ત્યાંથી સધાવ્યા છે તતકાળ ।।૪૯।।

ગામ સર્લિ ગયા સુખકારી, માનસંગને ઘેર મુરારી । પાંચ દિવસ રૈ તતકાલ, આવ્યા માંડવી બંદરે લાલ ।।૫૦।।

જ્યાં છે દરબારની ટંકશાળ, પધાર્યા છે ત્યાં દીનદયાળ । સત્સંગી આવીયા સહુ સાથ, પાટપર પધરાવ્યા નાથ ।।૫૧।।

તેસમે ગોમતીબાને ઘેર, થાળ જમ્યા પોતે રુડી પેર । પછે પધાર્યા કાળાતળાવ, ભીમજી સુતારને ત્યાં માવ ।।૫૨।।

એક માસ રહ્યા તેહ ઠાર, કરે લીલા અનેક પ્રકાર । વળી ત્યાંથી નિકળિયા નાથ, ગામ તેરે આવ્યા મુક્તસાથ ।।૫૩।।

માવજીભાઈ જે છે સુતાર, દોઢ માસ રહ્યા તેને દ્વાર । શ્રીમદ્ભાગવત સપ્તા સાર, પ્રાગજી પાસે સુણી તેઠાર ।।૫૪।।

પછે ત્યાંથકી દેવાધિદેવ, ભુજનગ્ર આવ્યા વાસુદેવ । ફુલડોલનો સમૈયો કરી, ચાલ્યા સુખસાગર શ્રીહરિ ।।૫૫।।

ભીમાસરે ગયા ભગવાન, બેઉ માસ રહ્યાછે તે સ્થાન । કંથકોટ વળી ભચૌ ગામ, ધમડકે થઈ ચાલ્યા શ્યામ ।।૫૬।।

વળી ત્યાંથકી ભૂધરભ્રાત, ભુજનગ્ર આવ્યા છે વિખ્યાત । એમ ફરીને સઘળાં ગામ, આવ્યા સ્થાનકમાં અભિરામ ।।૫૭।।

 

 

ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિ વિરચિતે શ્રી ઘનશ્યામલીલામૃતસાગરે ઉત્તરાર્ધે આચાર્યશ્રી અયોધ્યાપ્રસાદજી રામશરણજી સંવાદે શ્રીહરિ કચ્છ દેશનાં ગામોમાં ફરીને પાછા ભુજનગ્રમાં પધાર્યા એ નામે સાડત્રિસમો તરંગ ।।૩૭।