તરંગઃ - ૨૫ - શ્રી બાલાયોગી લોજપુરમાં આવ્યા ને મુક્તાનંદસ્વામીને મળ્યા

Submitted by swaminarayanworld on Fri, 12/02/2021 - 11:07pm

પૂર્વછાયો

કહે અવધપ્રસાદજી, સુણો રામશરણજી ભ્રાત । ત્યાર પછીની વારતા, સર્વે કહું વિખ્યાત ।।૧।।

 

 

ચોપાઈ

 

ગામથી પશ્ચિમ દિશાની માંય, વૈરાગીનો અખાડો છે ત્યાંય । તેમાં જઈને રહ્યા વિશ દન, વળી ત્યાં થકી ચાલ્યા જીવન ।।૨।।

વાણી કોમળ સરળ સ્વભાવ, દયાનિધિ મનહર ભાવ । ગયા લોજપુરે પરમેશ, વાપિકાપર બેઠા દેવેશ ।।૩।।

કર્યું છે વાપિકામાં સ્નાન, બાર્ય આવ્યા થઈ સાવધાન । ચોત્રા ઉપર બેઠા દયાળ, નિત્ય વિધિ કરે તતકાળ ।।૪।।

તે સમે સુખાનંદજી નામ, સ્નાન કરવા આવ્યા તે ઠામ । રામાનંદ સ્વામીના છે શિષ્ય, ગુરુની પામેલા છે આશિષ ।।૫।।

તેમણે દેખ્યા સુંદર શ્યામ, મનોહર મૂર્તિ અભિરામ । મહાતેજસ્વી તપસ્વી ધીર, સામું જોઈ રહ્યા થઈ સ્થિર ।।૬।।

થયા પ્રસન્ન ભાળીને રૂપ, કોણ હશે આ યોગી અનૂપ । શિર જટાનો જુટ સુંદર, રુડા શોભે છે વર્ણી ભૂધર ।।૭।।

આ તો અકળ કળ્યા ન જાય, વળી અદ્ભુત કાંતિ દેખાય । કયાંથી આવી ચડ્યા યોગિરાજ, જાણે ભાનું ઉદે થયો આજ ।।૮।।

અતિ અલક્ષ યોગી અનૂપ, જાણે આદિ નારાયણરૂપ । એમ ધારીને આવ્યા તે પાસ, પ્રેમે પુછવા લાગ્યા હુલ્લાસ ।।૯।।

 

 

(ઓરા આવો મારા લેરખડા લેરી, એ રાગ)

 

કયાંથી આવ્યા તમે કો અવધૂતયોગી ।। બાલાબ્રહ્મચારી છો બ્રહ્મરસભોગી, ક્યાંથી આવ્યા તમે કો અવધૂતયોગી ।। કોણ દેશ થકી વિચરણ કીધું, આજે દયા કરી દરશન દીધું । મારું કારજ સર્વે સફળ કીધું, ક્યાંથી આવ્યા તમે૦ ।।૧૦।।

નથી માયાનો લેશ જરા મનમાં, તૃષ્ણા તનધનની તજી છે તનમાં । તમને વાલું લાગે છે રેવું વનમાં, ક્યાંથી આવ્યા તમે૦ ।।૧૧।।

બાલાવયમાં બન્યાછો વળી બ્રહ્મચારી, યોગાભ્યાસથી થયાછો તમે તપધારી । કામ ક્રોધ શત્રુને નાખ્યા મારી, ક્યાંથી આવ્યા તમે૦ ।।૧૨।।

ચાલો અમારી જગ્યામાં સુખદાયક છે, મુક્તાનંદસ્વામી દર્શનલાયક છે । એછે ગુરુ અમારે શિરસાયક છે, ક્યાંથી આવ્યા તમે૦ ।।૧૩।।

તમે મંદિરે પધારો તો બહુ સારું, નૈ તો સ્વામીને બોલાવીયે વારુ । આપ આજ્ઞા કરો તે હું શિર ધારૂં, ક્યાંથી આવ્યા તમે૦ ।।૧૪।।

એવું વચન સુણી બોલ્યા બ્રહ્મચારી, ચાલો અમે આવીશું ત્યાં સુખકારી । થાશે દર્શન સ્વામીનાં ભયહારી, ક્યાંથી આવ્યા તમે૦ ।।૧૫।।

એવું કહીને વાલીડો તૈયાર થયા, સુખાનંદ સ્વામીને સંગે ગયા । મુક્તાનંદ સ્વામી પાસે જઈ રયા, ક્યાંથી આવ્યા તમે૦ ।।૧૬।।

સ્વામી ગીતાનો પાઠ કરે નિતે, બેઠા ઓસરીયે થૈ એકચિત્તેે । જોયા નીલકંઠને આવતા પ્રીતે, ક્યાંથી આવ્યા તમે૦ ।।૧૭।।

અચાનક તે ઉઠીને સામા આવ્યા, બાલાયોગી સ્વામીને બહુ ભાવ્યા । મલ્યા પ્રીતસહિત સુખીયા થાવા, ક્યાંથી આવ્યા તમે૦ ।।૧૮।।

રૂડું આસન આપ્યું છે સ્નેહ કરી, કરે સ્તવન મધુરી વાણી ભાવધરી । બેસાર્યા છે આસને સતકાર કરી, ક્યાંથી આવ્યા તમે૦ ।।૧૯।।

બાલાયોગી બેઠા ત્યાં સહુને જોતે, થોડું આસન દૂર કરી પોતે । દેખ્યું છે તે સ્વામીયે સંશય ખોતે, ક્યાંથી આવ્યા તમે૦ ।।૨૦।।

 

 

ચોપાઈ

થોડું દૂર કરીને આસન, પૃથ્વી પર બેઠા ભગવન । સ્વામીયે કર્યો મન વિચાર, આ છે જ્ઞાની પુરુષ નિરધાર ।।૨૧।।

એમ જાણ્યું સ્વામીયે તે વાર, સ્નેહે કર્યો બહુ સત્કાર । પ્રેમે રાખ્યા પોતાનીરે પાસ, જાણ્યા શ્રીહરિને સુખરાશ ।।૨૨।।

બીજે દિવસે સવારે ત્યાંય, સભા થૈ છે તે મંદિરમાંય । ત્યારે બોલ્યા પ્રસન્ન થઈ કૃષ્ણ, મુક્તાનંદજીને પુછ્યું પ્રશ્ન ।।૨૩।।

જીવ ઈશ્વર માયા ને બ્રહ્મ, પાંચમા છે કોણ પરિબ્રહ્મ । એનાં રૂપ કરો ધરી પ્રીત, સમજાવો જાુદી જાુદી રીત ।।૨૪।।

ત્યારે રૈશું અમો તમ પાસ, સત્ય માની લેજોે તે હુલ્લાસ । સ્વામી બોલ્યા થઈ નિરમાન, સુણો શ્રીહરિ સુમતિવાન ।।૨૫।।

અમારા ગુરુ છે રામાનંદ, એમણે આપ્યું જ્ઞાન આનંદ । સ્વામી પાસેથી જાણ્યું છે જેહ, તે પ્રમાણે કહું સુણો તેહ ।।૨૬।।

એમ કૈને પ્રશ્નનોે જવાપ, કર્યો યુક્તિયે સહિત આપ । યથારથ તેનો છે જે અર્થ, ગુરુજી જાણે છે સમરથ ।।૨૭।।

જેવી મુને ગતિ પોકી આજ, તે રીતે કહ્યું મેં મહારાજ । એવું સુણીને વિશ્વઆધાર, થયા પ્રસન્ન દેવમુરાર ।।૨૮।।

બોલ્યા રાજી થઈ અવિનાશ, હવે રહીશું તમારી પાસ । પણ તમારા ગુરુ પાવન, તેમનાં કરાવો દર્શન ।।૨૯।।

ત્યારે સ્વામી બોલ્યા શુભમન, આંહી રેશોતો થાશે દર્શન । પછે રાજી થયા સુખરાસ, પોતે રહ્યા છે સ્વામીને પાસ ।।૩૦।।

પછી ઘણા દિન ધરી પ્રીત, બોલ્યા બાલાયોગી રસરીત । સુણો સ્વામી તમે ભાગ્યવાન, ધરો સ્વામીતણું હવે ધ્યાન ।।૩૧।।

મમ વૃત્તિ તમો ભેગી સોય, મેળવીને વિચારી લ્યો જોય । તમારી કૃપાયે શુભ મન, સ્વામીનાં કરશું દરશન ।।૩૨।।

ત્યારે સ્વામીયે ધર્યું છે ધ્યાન, પાસે બેઠા છે શ્રીભગવાન । નીલકંઠયોગીયે તે ઠાર, અંતરદ્રષ્ટિ જોયું તેવાર ।।૩૩।।

કર્યાં સ્વામીનાં દર્શન તર્ત, ભુજનગ્રમાં બાંધી છે સર્ત । ગંગારામને ઘેર જરુર, જોયા યથારથ ધરી ઉર ।।૩૪।।

જાગ્યા ધ્યાનમાંથી મુક્તાનંદ, પુછે વર્ણિને પામી આનંદ । કેવું છે મારા ગુરુનું રૂપ, નીલકંઠ કહો તે અનૂપ ।।૩૫।।

ત્યારે બોલ્યા છે અશરણ શરણ, રક્ત પદ્મ જેવાં છે બે ચરણ । બે પાનીથી અંગુષ્ઠ પર્યંત, ઉર્ધ્વ રેખાયો છે તે ઓપંત ।।૩૬।।

પુષ્ટ મૂર્તિ છે અતિ વિખ્યાત, કટિયે ધોતી છે અવદાત । તે ગૌરમૂર્તિ પુષ્ટ છે સ્વામી, નિત્ય ભક્તને તે અભિરામી ।।૩૭।।

ભુજનગ્રમાં બિરાજે હાલ, ગંગારામને ઘેર દયાલ । મુક્તાનંદ સ્વામી તેણી વાર, કરવા લાગ્યા મન વિચાર ।।૩૮।।

નથી પ્રત્યક્ષ કર્યાં દર્શન, આંહી બેઠા જાણી લીધા મન । માટે છે મોટા પુરુષ સાર, કાંતો ઈશ્વરનો અવતાર ।।૩૯।।

રામાનંદ સ્વામી છે અનૂપ, કાંતો આવ્યા ધરી બીજાું રૂપ । પરીક્ષા લેવા આપણી આજ, કરવા સર્વેનાં શુભ કાજ ।।૪૦।।

એમ જાણી પગે લાગ્યા ત્યાંય, મૂર્તિ ઉતારી છે મનમાંય । વિસ્મે પમાડ્યા મુક્તને એવ, પછે ત્યાં રહ્યા છે વાસુદેવ ।।૪૧।।

 

 

ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિ વિરચિતે શ્રીઘનશ્યામલીલામૃતસાગરે ઉત્તરાર્ધે આચાર્યશ્રી અયોધ્યાપ્રસાદજી રામશરણજી સંવાદે શ્રી બાલાયોગી લોજપુરમાં આવ્યા ને મુક્તાનંદસ્વામીને મળ્યા એ નામે પચીશમો તરંગઃ ।।૨૫।।