તરંગઃ - ૪ - સુવાસિનીબાઇનો વિલાપ

Submitted by swaminarayanworld on Thu, 21/09/2017 - 8:53am

 

માણકીએ ચડયા રે મોહન વનમાળી, એ ઢાળ

વાલમજી અમને મુક્યાં શું વિસારી, સુવાસિની શોક કરે છે સંભારી । વાલમજી૦ ।।

દીયર મારા તમને હું જાણું છું ડાહ્યા, તમે મુને બહુ લગાડી છે માયા । તમો વિના કંપે છે આ મુજ કાયા, વાલમજી૦ ।।૧।।

પેલી તમે સંભાળ રાખી છે સારી, ઘણી ઘણી રક્ષા કરી છે અમારી । હવે કેમ મુકી ચાલ્યા ગિરિધારી, વાલમજી૦ ।।૨।।

તમો વિના ગોમતી ગાય રુવેછે, વળી વળી વાટ તમારી જુવે છે । દોનારી તો દિલગીર થઈને દુવે છે, વાલમજી૦ ।।૩।।

ઝુલડીયો સઘળી આ ઘરમાં ઝુલે છે, નાનાભાઈ તમવિના દુઃખમાં ડુલેછે । સુવાસિની તમ વિના ભાન ભુલે છે, વાલમજી૦ ।।૪।।

નથી મેંતો કઠણ વચન કીધાં કાંઈ, વગર વાંકે ત્યાગ કર્યો કેમ ભાઈ । નથી વાત સમજાતી તે સુખદાઈ, વાલમજી૦ ।।૫।।

માણીગર શુંરે આવ્યું તવ મનમાં, તમો વિના ત્રાસ પડે મારા તનમાં । એકાએકી ચાલ્યા ગયા તમે વનમાં, વાલમજી૦ ।।૬।।

પ્રભુ મુને પ્રાણ થકી છો પ્યારા, નિમિષ મુકું નહી કદી ન્યારા । વિધિ આજ વાંકા થયા છે શું મારા, વાલમજી૦ ।।૭।।

અરર મારા દિલમાં લાગી ઉઠ્યો દાહ, ચરર મારા ચિત્તમાં ચડી ગયો ચાહ । ઉડીરે ગયો અંતરમાંથી ઉત્સાહ, વાલમજી૦ ।।૮।।

છાનામાના છટકી ગયાછો રે છેલા, મોહન તમે કેમ થયા મનના મેલા । અંતરજામી આ શું કર્યું અલબેલા, વાલમજી૦ ।।૯।।

પળ એકકોટિ કલ્પસમ લાગે, ભીતી તમો વિના હવે કોણ ભાંગે । અંતરમાંહિ બાણ વિયોગનાં વાગે, વાલમજી૦ ।।૧૦।।

માતા પિતા હોય તો જઈ કરું વાતો, આવી પડ્યું ઓચિંતાનું દુઃખ આતો । વાલિડાનો વિયોગ નથી રે સેવાતો, વાલમજી૦ ।।૧૧।।

હવે મારે શું કરવું ને કયાં જાવું , નથી દુઃખ સહન થતું ભાઈ આવું । બહુનામીને હું કયાં જઈને બોલાવું, વાલમજી૦ ।।૧૨।।

કઠણ છાતી કેમ ફાટતી નથી મારી, હજી દુઃખ ભોગવવું છે શું ભારી । કાયા કેમ પડતી નથી દુઃખકારી, વાલમજી૦ ।।૧૩।।

હાહા દૈવે દુઃખ ઘણું મુને દીધું, વિધાતાએ સુખ મારું લુંટી લીધું । મારું કામ આ વિપરીતજ કીધું, વાલમજી૦ ।।૧૪।।

હવે મુને ક્યાં મળશે ઘનશ્યામ, બતાવો કોઈ મુને પૂરણકામ । ઉભી ઉભી વાટે જોઉં છું આ ઠામ, વાલમજી૦ ।।૧૫।।

છુપૈયામાં સરત કરો કોઈ જઈને, શોધી લાવો ત્યાં હશે ઘનશ્યામ-ભાઈને । બોલે એવાં વચન ભાભી દીન થઈને, વાલમજી૦ ।।૧૬।।

એવું સુણી ઉઠયા ચક્રીપતિ સુર, ચાલ્યા શુધ લેવા તે છુપૈયાપુર । વાલમ વિના મનમાં થયા છે આતુર, વાલમજી૦ ।।૧૭।।

અનુજ ઇચ્છારામને લીધાછે સાથ, ગયા છુપૈયાપુરમાં અહિનાથ । કરે શોધ સર્વેને પુછે સનાથ, વાલમજી૦ ।।૧૮।।

મોતીમામા લક્ષ્મીબાઈ આદિ જન, મોટાભાઈએ તેને કહ્યું શુભ મન । સુણીને તે સર્વે કરેછે રુદન, વાલમજી૦ ।।૧૯।।

આવ્યા નથી અહિયાં તો શ્રીઘનશ્યામ, પ્રભુ જાણે ક્યાં પધાર્યા પૂરણકામ । થયાં શોકાતુર મળીને તમામ, વાલમજી૦ ।।૨૦।।

ચાલી છુપૈયાપુરમાં એવી વાત, ગયા ઘર તજી વનમાં જગતાત । કરે નરનારી ત્યાં સૌ અશ્રુપાત, વાલમજી૦ ।।૨૧।।

પડ્યા કૈક મૂર્ચ્છા પામી પ્રેમી જન, જેણે શ્રીહરિમાં અર્પ્યુ ં છે મન । તેનાં અતિ વિરહમાં તલફે છે તન, વાલમજી૦ ।।૨૨।।

સુણ્યા આવા શ્રીહરિના સમાચાર, ભોજન તજી રડવા લાગ્યાં નરનાર્ય । શોકાતુર થઈ ગયાંછે તેણીવાર, વાલમજી૦ ।।૨૩।।

સખા વેણી માધવ રામ પ્રયાગ, રઘુનંદન સુખનંદન મહાભાગ । ઘાટે સ્વરે કરે રુદન કરે દીલદાગ, વાલમજી૦ ।।૨૪।।

થયો ત્રાસ વેણીના મનમાં અપાર, હરિ વિના કેમ જીવું આણે ઠાર । એવું ધારી જઈ પડ્યો કૂપ મોઝાર, વાલમજી૦ ।।૨૫।।

પછે આવ્યાં તેની માતુ લક્ષ્મી નામ, રુદન કરતાં ઉભાં રહ્યાં છે તે ઠામ । અરર ભાઈ ક્યાં ગયા શ્રી ઘનશ્યામ, વાલમજી૦ ।।૨૬।।

હતું દુઃખ ઘનશ્યામજીતણું એક, બીજું વેણીરામનું પ્રગટ્યું વિશેક । પડ્યો કુવામાં જેની સાચીછે ટેક, વાલમજી૦ ।।૨૭।।

એવામાં તો આવ્યા ત્યાં મોતીરામ, જાણ્યું કુવામાં પડ્યો છે વેણીરામ । પડ્યા પોતે કાઢવા તેહજ ઠામ, વાલમજી૦ ।।૨૮।।

પડ્યા તેવા ઉંડા ગયા મહાજળમાં, ગયા ઝાલવા વેણીરામને બળમાં । ઘણી વાર વીતી ગઈછે તે જળમાં, વાલમજી૦ ।।૨૯।।

ત્યારે આવ્યા મિત્ર માધવચર્ણ ત્યાંય, છોળે ચડ્યો શોકનો સાગર જ્યાંય । મસ્તક નિજ પટકી દીધું દ્વારમાંય, વાલમજી૦ ।।૩૦।।

માધવચર્ણને વાગ્યું છે તેણી વાર, મસ્તકમાંથી ચાલી રુધિરની રે ધાર । હીરા ત્રવાડીએ ઝાલ્યો તેહ વાર, વાલમજી૦ ।।૩૧।।

ધીરજ આપી શાંતિ પમાડેછે જેવા, સુંદરીમામી દોડીને આવ્યાં તે લેવા । કરે અતિ કલ્પાંત વિરહમાં એવાં, વાલમજી૦ ।।૩૨।।

દીધાં શ્રીહરિએ ત્યાં સૌને દરશન, પ્રગટ પ્રભુ થયા તેટાણે પ્રસન્ન । વેણીને લાવ્યા કૂપથી બાર્ય જીવન, વાલમજી૦ ।।૩૩।।

એવી રીતે ભાળ્યા જ્યારે ભગવન, પામ્યાં આશ્ચર્ય છુપૈયાના જન । થયોરે સર્વેને અતિ આનંદ મન, વાલમજી૦ ।।૩૪।।

મહા કષ્ટમાં આવ્યા દેવ મોરારી, થયા પોતે અદૃશ્ય ભવભયહારી । થયાં ઘણાં ઉદાસી સર્વે નિહારી, વાલમજી૦ ।।૩૫।।

પન્નગપતિ આપે છે સર્વેને ધીર, નથી મન ઠરતું ને રેછે અધીર । શાંતિ નથી પામતું કોઈનું શરીર, વાલમજી૦ ।।૩૬।।

સખા સૌને ઝાલીને બેઠા છે પાસ, વિયોગથી થયાછે મન ઉદાસ । થઈ દીન નાખેછે ઉર નિઃશ્વાસ, વાલમજી૦ ।।૩૭।।

વણિકસુત છે રઘુનંદન એક, વ્યાકુળ થયો વિયોગથી તે વિશેક । ગયો દેહ તજવા કરી મન ટેક, વાલમજી૦ ।।૩૮।।

મધુવૃક્ષછે નારાયણસરતીર, ગયો તેના હેઠે ધરી ઘણી ધીર । બેઠો ત્યાગ કરવા પોતાનું શરીર, વાલમજી૦ ।।૩૯।।

બેઠો ઓઠીંગણ દઈને મધુવૃક્ષ, ધર્યું ધ્યાન ઘનશ્યામજીનું પ્રત્યક્ષ । તજ્યો દેહ શ્રીહરિમાં રાખી લક્ષ, વાલમજી૦ ।।૪૦।।

પછે તેનાં માતપિતા શોધે સઘળે, મળ્યો નહિ રઘુનંદન કોઈ સ્થળે । વળી વળી વાટ જાુવે છે તેપળે, વાલમજી૦ ।।૪૧।।

એવામાં તો આવ્યાછે પવનકુમાર, કેવા લાગ્યાછે શ્રીહરિના સમાચાર। ગયા મારા સ્વામી તો વન મોઝાર, વાલમજી૦ ।।૪૨।।

ગયા તપ કરવા સારું મહારાજ, પછે ધર્મ સ્થાપન કરશે સમાજ । તજ્યો દેહ રઘુનંદને તો આજ, વાલમજી૦ ।।૪૩।।

પછે રઘુનંદનનાં માતતાત, કહી તેને રામપ્રતાપે તે વાત । ત્યારે તે સુણીને કરે અશ્રુપાત, વાલમજી૦ ।।૪૪।।

હે દૈવ આ દુઃખ દિધુંરે અપાર, હવે એકે ન રહ્યો કોઇ આધાર । સુત વિના સુનો પડ્યોરે સંસાર, વાલમજી૦ ।।૪૫।।

અમો વૃદ્ધ માબાપને મુકિ ગયો, પ્યારા પુત્ર તું આવો નિર્દય થયો । આવો દુઃખડુંગર ન જાય સહ્યો, વાલમજી૦ ।।૪૬।।

અમે હવે શો કરિએ રે ઉપાય, આવી પડ્યું સંકટ માથે સદાય । વ્હાલા પુત્રનો વિયોગ ન વેઠાય, વાલમજી૦ ।।૪૭।।

વળી વળી એમ કરેછે વિલાપ, તપી ગયાં તન પામે પરિતાપ । અંતર થયાં આકુળ વ્યાકુળ આપ, વાલમજી૦ ।।૪૮।।

શ્રીહરિએ જાણ્યું જ્યારે આ રુદન, મહાપ્રભુએ ધારી લીધું છે મન । તેહ સમે આવી દીધું દરશન, વાલમજી૦ ।।૪૯।।

પડ્યો રઘુનંદન જ્યાં પામી મરણ, આવ્યા તેહની પાસ અશર્ણશરણ, ધર્યા તેને શિર કર સુખકર્ણ, વાલમજી૦ ।।૫૦।।

કર્યો રઘુનંદનને સજીવન, દયાળુ દયા કરીને ભગવન । પછે થયા અંતરધાન જીવન, વાલમજી૦ ।।૫૧।।

હવે મોટાભાઈએ કર્યો છે વિચાર, આવ્યા પોતે અયોધ્યાપુર મોઝાર । કહ્યા સહુ છુપૈયાના સમાચાર, વાલમજી૦ ।।૫૨।।

સુવાસિની રુદન કરેછે અપાર, વહે નેત્રે અખંડ અશ્રુની ધાર । હવે કયાં ગયા હશે પ્રાણઆધાર, વાલમજી૦ ।।૫૩।।

ત્યાંતો થઇ આકાશવાણી ગંભીર, સુણો તમે રામપ્રતાપજી ધીર । ગયા વન તપ કરવા નરવીર, વાલમજી૦ ।।૫૪।।

માટે તમે શોક ન કરશો લગાર, કરશે ધર્મ સ્થાપન ભૂમિમોઝાર । આગળ તમને મળશે એ નિરધાર, વાલમજી૦ ।।૫૫।।

એવી સુણી આકાશવાણી તે જ્યાંય, મોટાભાઈ શાંતિ પામ્યા મનમાંય । ધીરજ રાખી રહ્યા અવધપુર ત્યાંય, વાલમજી૦ ।।૫૬।।

ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિવિરચિતે શ્રી ઘનશ્યામલીલામૃતસાગરે ઉત્તરાર્ધે આચાર્ય શ્રી અયોધ્યાપ્રસાદજી રામશરણજી સંવાદે શ્રીહરિની શોધ કરતાં આકાશવાણી સાંભળીને શાંતિ પામ્યા એ નામે ચોથો તરંગઃ ।।૪।।