તરંગ - ૧૦૫ - શ્રીહરિએ ભક્તિમાતાને અધ્યાત્મ જ્ઞાનોપદેશ કર્યો

Submitted by swaminarayanworld on Thu, 17/08/2017 - 9:35pm

 

પૂર્વછાયો

પ્રેમ વડે વળી પુછિયું, રામશરણજીયે ત્યાંય । અવધપુરીમાં શંુ થયું, ભક્તિમાતા છે જ્યાંય ।।૧।।

ધર્મધુરંધર કહો મુને, વાતતણો વિસ્તાર । માતાજીને જ્વર આવ્યો છે, તેનું કેમ કર્યું નિરધાર ।।૨।।

એવું સાંભળી બોલીયા, આચાર્ય શ્રીમહારાજ । હે પુત્ર સુણો વૃતાંત કહું, માતાજીનું તેહ આજ ।।૩।।

પીડા થઇ પ્રેમવતીને, જ્વર થકી તેહવાર । તે જોઇને પાસે બોલાવ્યા, પોતાના ત્રૈણે કુમાર ।।૪।।

બેસારીને મૂર્તિમાતા, બોલ્યાં એમ વચન । દેહ મારો વૃદ્ધ થયો છે, સુણો તમે ત્રૈણે તન ।।૫।।

 

 

ચોપાઇ

હુંતો થઇ હવે વ્યાધિગ્રસ્ત, મારું અંગ દુઃખે છે સમસ્ત । વ્યાધિ હમેશ વધતો જાય, હવે શું કરવોરે ઉપાય ।।૬।।

સગાં સંબંધી સર્વે છે જેહ, છુપૈયાપુરમાં રહ્યાં તેહ । તમે વિચારીને મનમાંહી, તેમને તેડાવો ભાઇ આંહિ ।।૭।।

એવું કહી થયાં દિલગીર, જર્જરીભૂત થયું શરીર । એવી માતાની દેખી ઉદાસી, ત્યારે પોતે બોલ્યા અવિનાશી ।।૮।।

હેતે સુણો મોટાભાઇ આજ, હવે શું કરવું કહો કાજ । માતાજીને થયો મંદવાડ, ઘણી હરકત આવે છે આડ ।।૯।।

આપણા પિતાશ્રી ધર્મદેવ, તેમને અવસ્થા પોકી એવ । શરીરે તો નથી રેતું સુખ, દાદાને પણ થાય છે દુઃખ ।।૧૦।।

એવું સુણીને ભાઇ જોખને, નકી ધારી લીધું નિજ મને । પ્રેમેથી તુરત પત્ર લખાવ્યા, સગાંસંબંધીને ત્યાં બોલાવ્યાં ।।૧૧।।

દિન દિન પ્રત્યે મંદવાડ, વધતો જાય તેનો ઉપાડ । ચાલી અવધપુરમાં વાત, વ્યાધિગ્રસ્ત થયાં છે રે માત ।।૧૨।।

ઘણા જન આવ્યા અવકાશે, બેઠા પ્રેમવતી માતા પાસે । ગામ બરુયે ચંદનમાસી, વાત જાણી થયાં છે ઉદાસી ।।૧૩।।

નિજ પુત્રને લઇને આવ્યાં, ભક્તિમાતાને હેતે બોલાવ્યાં । વળી આવ્યાં છે વસંતાબાઇ, સાથે છે માણકધર ભાઇ ।।૧૪।।

ભાઇના શ્વસુર બળદેવ, તરગામ થકી આવ્યા એવ । સુત લક્ષ્મીપ્રસાદને લાવ્યા, જનકરામ સહિત આવ્યા ।।૧૫।।

વળી ઘેલા ત્રવાડી છે નામ, તર ગામથી આવ્યા તે ઠામ । મોતીરામ અને વશરામ, છુપૈયેથી આવ્યા છે તમામ ।।૧૬।।

સર્વે બેઠા માતાજીને પાસ, પ્રેમવડે કરેછે આશ્વાસ । સંબંધીને સાંભળતાં માત, વિચારીને બોલ્યાં રુડી વાત ।।૧૭।।

સુણો શ્રીહરિ સુંદરશ્યામ, સત્ય વાત કહું અભિરામ । મુને તો હવે એમજ ભાસે, જાણે મારો દેહ પડી જાશે ।।૧૮।।

નથી હવે મારો નિરધાર, માટે કહું તે કરજ્યો કુમાર । મોટાભાઇ સુવાસનીબાઇ, તેની આજ્ઞામાં વર્તજ્યો ભાઇ ।।૧૯।।

સુવાસનીબાઇને આ ટાણેે, માની લેજ્યો અમારે ઠેકાણે । કરજ્યો એ બેનું પાલન પ્રીતે, વળી સાચવજ્યો રુડી રીતે ।।૨૦।।

પછે દંપતીને કહે માત, સુણો રામપ્રતાપ વિખ્યાત । તમે બેઉ જણાં છો પાવન, કરજ્યો ઘનશ્યામનું જતન ।।૨૧।।

વળી નાના બંધુ ઇચ્છારામ, તેને સાચવજ્યો ગુણ-ગ્રામ । પુત્રપેરે પાલન કરજ્યો, હરકત હોય તે હરજ્યો ।।૨૨।।

એને આપજ્યો સુખ અભિષ્ટ, કાંઇ પડવા દેશો નહી કષ્ટ । એવું સુણીને બોલ્યા જોખન, સત્ય માન્યું તમારું વચન ।।૨૩।।

વારૂ માતાજી કો છો જે તમે, એ પ્રમાણે જ વર્તીશું અમે । કાંઇ ચિંતા ન રાખશો મન, ત્યાર પછી બોલ્યા ભગવન ।।૨૪।।

હે દીદી તમે સાંભળો ખ્યાત, હવે કહું છું હું સત્ય વાત । જે જે માઇક વસ્તુ છે આંય, તે તે પદાર્થ મિથ્યા દેખાય ।।૨૫।।

તેમાંથી પામો નિવૃત્તિ આજ, તો સુફળ થાશે સહુ કાજ । ધરો મુજ સ્વરૂપનું ધ્યાન, કરો ચિંતવન થાય જ્ઞાન ।।૨૬।।

સંભારો મારાં બાળચરિત્ર, માતા છો તમે પુન્ય પવિત્ર । આ પિડા મટી જાશે તમને, પ્રશ્ન પુછો બીજું કાંઇ મને ।।૨૭।।

ત્યારે બોલ્યાં છે માતા વિચારી, સુણો ઘનશ્યામ સુખકારી । પુરુષોત્તમ હું જાણું તમને, એમાં સંશે રહ્યો નથી મને ।।૨૮।।

તમારી બાળલીલા છે જેહ, નિત્ય સ્મરણ કરું છું તેહ । પણ સુણો વાલીડા વચન, તમે સાક્ષાત છો ભગવન ।।૨૯।।

હવે મારું આવ્યું અવસાન, આપો અધ્યાત્મ ઉત્તમ જ્ઞાન । તવ વાણી વિમલ છે સારી, લાગે અમૃતથી અતિ પ્યારી ।।૩૦।।

મુને તમે કરાવો જે પાન, ગુણગંભીર સુધા સમાન । એથી અમર થઇશ આજ, માટે મહેર કરો મહારાજ ।।૩૧।।

એવાં સુણી માતાનાં વચન, પુરુષોત્તમ થયા પ્રસન્ન । ધર્મ જ્ઞાન વૈરાગ્યને ભક્તિ, તેની સમજાવી દીધી યુક્તિ ।।૩૨।।

જુદાં જુદાં કરી તેનાં રૂપ, માતાને સમજાવ્યાં અનુપ । હરિગીતા તે પાંચ અધ્યાય, કહ્યા સત્સંગિજીવનમાંય ।।૩૩।।

આપ્યું નિજ સ્વરૂપનું જ્ઞાન, સુખસાગર સુધા સમાન । તેનો સંક્ષેપથી કહું સાર, વળી યથારમતિ અનુસાર ।।૩૪।।

હવે માતાને કે છે મોરારી, સુણો એક ચિત્તે સુખકારી । મન બુદ્ધિ ચિત્ત અહંકાર, એ ચારેનો કરજ્યો વિચાર ।।૩૫।।

સ્થૂળ સૂક્ષ્મ ને કારણદેહ, જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ જેહ । પંચકોષ ભૂમિકાઓ સાત, ખટચક્ર વપુમાં છે ખ્યાત ।।૩૬।।

ષડ ઉર્મિને આવરણ અષ્ટ, એ છે માયાનો વિકારસ્પષ્ટ । દ્રષ્ટા દૃશ્યનો જાણી લ્યો ભેદ, બ્રહ્મરૂપેથી સુણો નિર્વેદ ।।૩૭।।

પરબ્રહ્મ તેતો હું છું પોતે, મારે વિષે વૃત્તિ જોડો પ્રીતે । બહુ બળવંતી માયા મારી, વળી દુઃખરૂપને વિકારી ।।૩૮।।

એથી વિરક્ત થઇને વિચારો, પુરૂષોત્તમ મુને જ ધારો । દિવ્યરૂપ સદા છું સાકાર, મારે વિષે થાઓ તદાકાર ।।૩૯।।

એવે રૂપે થઇ સુણો માત, વિસ્તારીને કહું છું હું વાત । દેહગેહાદિ સર્વે અનિત, દુઃખદાઇને ક્ષણખંડિત ।।૪૦।।

પ્રકૃતિ ને પ્રકૃતિનું કાજ, પિંડ બ્રહ્માંડ સર્વે સમાજ । તેહ સર્વેથી પામો વૈરાગ, તૃષ્ણાનો કરો મનથી ત્યાગ ।।૪૧।।

 

 

ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિ વિરચિતે શ્રી ઘનશ્યામલીલામૃતસાગરે પૂર્વાર્ધે આચાર્ય શ્રી અયોધ્યાપ્રસાદજી રામશરણજી સંવાદે શ્રીહરિએ ભક્તિમાતાને અધ્યાત્મ જ્ઞાનોપદેશ કર્યો એ નામે એકસો ને પાંચમો તરંગઃ ।।૧૦૫।।