તરંગ - ૯૫ - શ્રીહરિ ધર્મદેવની સાથે ગ્રહણ ઉપર કાશીપુરી ગયા ને મણિકર્ણિકાને ઘાટે સ્નાન કરીને વિશ્વનાથનાં દર્શન કર્યાં

Submitted by swaminarayanworld on Thu, 17/08/2017 - 7:46pm

 

પૂર્વછાયો

વિસ્તારીને વર્ણવું, લાલની લીલા સાર । ગાતાં સુણતાં ઉપજે, આનંદ ઉર અપાર ।।૧।।

એક દિન ફુલબાગમાં, ગયા શ્રીઘનશ્યામ । પોતે પરવળ વીણેછે, પ્રીતમ પૂરણકામ ।।૨।।

ત્યાંતો આવ્યો સુખનંદન, શ્રીઅવિનાશની પાસ । કર જોડીને કેવા લાગ્યો, પૂરણ પ્રીતે હુલ્લાસ ।।૩।।

ભાઇ સર્વે સખા મળ્યા છે, નારાયણસરતીર । માટે મુજને મોકલ્યો છે, તેડવા સારૂ વીર ।।૪।।

વડવૃક્ષે ભેગા થયા છે, ગમતનો રચી ઘાટ । વેણી માધવ પ્રયાગ આદિ, જોવે છે આપની વાટ ।।૫।।

 

ચોપાઇ

એવું સુણી બોેલ્યા ભગવન, સુખનંદન સુણો વચન । આજે તરગામથી નિદાન, મારે ઘેર આવે છે મેમાન ।।૬।।

પરવળ વીણું છું તેના સારું, તેમાં પ્રોવાણું છે મન મારું । વિણ્યાં છે તેટલાં લેઇ હાથ, ઘેર આવ્યા નટવરનાથ ।।૭।।

ગિરિધારી ગયા છે ઘરમાં, આપ્યાં છે તે ભાભીના કરમાં । વળતાં બોલ્યાં ભાભી વચન, તમે ભાઇ સુણો શુભ મન ।।૮।।

કેમ વીણી લાવ્યા છો વધારે, આટલાં શું કરવાં છે અત્યારે । તવ પિતાને બંધુ તો કામે, તે ગયા છે ઉતરોલાગામે ।।૯।।

કોણ જમશે આટલું શાક, બીજા કરવા નથી કોઇ પાક । ત્યારે બોલ્યા ત્રિભુવનતાત, ભાભી સુણો કહું સત્ય વાત ।।૧૦।।

તમારા ભાઇ જનકરામ, મારાં માસી ચંદાબાઇ નામ । સુભદ્રાબેન સાથ સમાન, આવે છે તેહ ત્રૈણે મેમાન ।।૧૧।।

તે મેમાનને જમવા કાજ, શાક લાવ્યો છું વધારે આજ । ત્યારે બોલ્યાં સુવાસિનીબાઇ, એવું જુઠું શું બોલો છો ભાઇ ।।૧૨।।

હસતા થકા કહેછે શ્રીહરિ, ભાભી માની લેજ્યો વાત ખરી । હાલ આવશે આંહી પાવન, ત્યારે જ સાચું માનશે મન ।।૧૩।।

એવું કહી ગયા બળવીર, નારાયણસરોવર તીર । વડવૃક્ષ હેઠે જઇ રહ્યા, રમવા માટે તૈયાર થયા ।।૧૪।।

ત્યાં તો આવી પોક્યા છે મેમાન, જનકરામાદિ બુદ્ધિમાન । મળ્યા ત્રૈણેને શ્રીઘનશ્યામ, પછે તેડી લાવ્યા નિજ ધામ ।।૧૫।।

હે ભાભી જુવો આ કોણ આવ્યું, વાલાયે એમ સત્ય મનાવ્યું । પછી બોલ્યાં સુવાસિનીબાઇ, તમે સુણો ઘનશ્યામભાઇ ।।૧૬।।

તમે છો પ્રભુ અંતરજામી, બળવંત સાચા બહુનામી । થયાં ગદ્ ગદ્ પ્રેમસહિત, નિશ્ચય કર્યો ભ્રાંતિ રહિત ।।૧૭।।

વળી એક સમયની વાત, વિસ્તારીને કહું છું વિખ્યાત । ભક્તિ ધર્મ ને બન્ને કુમાર, કાશીયે જાવા થયા તૈયાર ।।૧૮।।

મોતી ત્રવાડી ને વશરામ, રત્નપાંડે છે અમૃતનામ । એ આદિ બીજા ઘણાક જન, થયા તત્પર નિર્મલ મન ।।૧૯।।

ચંદ્રગ્રહણ આવ્યું નજીક, તેઉપર ચાલ્યા સહુ ઠીક । કાશીપુરીએ ગયા એ સર્વ, મન જાણી મહિમા અપૂર્વ ।।૨૦।।

પથરગલીમાં દેવદત્ત, પોતાનો ગોર ગંભીર સત । એના કેવાથી કર્યો ઉતારો, રુડી જગ્યામાં નૌતમ ન્યારો ।।૨૧।।

બંગાલીના વાડામાં તેકાળ, ધર્મશાળા છે મોટી વિશાળ । કર્યો સર્વેયે તેમાં મુકામ, રહ્યા રજની કરી તેઠામ ।।૨૨।।

બીજે દિવસે થયું સવાર, નિદ્રા ત્યાગી ઉઠ્યા તેણીવાર । શૌચવિધિ કરી કર્યાં સ્નાન, ખટકર્મ કર્યાં છે નિદાન ।।૨૩।।

ગ્રહણ થતાં પેલાં સૌજન, ગયા ગંગાયે નિર્મલ મન । મણિ કર્ણિકાના ઘાટમાંય, બેઠા શુદ્ધપણે સહુ ત્યાંય ।।૨૪।।

શ્રીપતિનું કરેછે સ્મરણ, પછે તો થયું ચંદ્રગ્રહણ । સ્નાન આચર્યાં સર્વે સંગાથે, ધાર્યો સંકલ્પ ત્યાં મનસાથે ।।૨૫।।

પોતાની શ્રદ્ધા શકિત પ્રમાણે, દાન કરવા ધાર્યાં તેટાણે । પછે મુકત થયો વિધુ જ્યારે, ફરીથી સ્નાન કર્યાં છે ત્યારે ।।૨૬।।

કર્યાતા સૌએ સંકલ્પ જેમ, બ્રાહ્મણોને આપ્યાં દાન એમ । ગયા ઉતારે તે પ્રીત પ્રોઇ, પછી તૈયાર કરી રસોઇ ।।૨૭।।

પ્રેમે કર્યાં છે ભોજન પાન, શ્રીહરિવરનું મન ધ્યાન । મૂળશંકર ગોરનો તન, તેને સાથે લીધો છે પાવન ।।૨૮।।

કાશી વિશ્વનાથ મહાદેવ, ત્યાં ગયા મળીને તતખેવ । કર્યાં દર્શન સર્વે ઠેકાણે, દાન પુન્ય આપ્યાં છે તેટાણે ।।૨૯।।

કરી રહ્યા છે દર્શન જયારે, તરત આવ્યા પોતાને ઉતારે । તે તીર્થમાં રહ્યા દશ રાત, પછે ચાલ્યા ત્યાં થકી પ્રભાત ।।૩૦।।

ચાલતાં ચાલતાં અભિરામ, વચ્ચે આવ્યું છે કોઇક ગામ । પડી નિશા રવિ થયો અસ્ત, તિયાં રહ્યા છે તેહ સમસ્ત ।।૩૧।।

ધર્મશાળા છે ગામથી બાર, તેમાં રજની રહ્યા નિરધાર । ધર્મદેવ બોલ્યા છે વચન, તમે ભાઇ સુણોને જોખન ।।૩૨।।

આજ થાક લાગ્યો છે અમને, સત્ય વાત કહું છું તમને । જીર્ણ થયુંછે મારૂં શરીર, એમ જણાય છે મુને વીર ।।૩૩।।

ચરણસેવા કરી ચક્રીનાથે, બોલ્યા વચન પિતાને સાથે । હવે ચિંતા નથી કાંઇ ઉર, નજીકછે આ છુપૈયાપુર ।।૩૪।।

એમ કરતાં નિશા વીતી ગઇ, બ્રાહ્મ મુહૂર્તની વેળા થઇ । ત્યાંથી ચાલ્યા છે સર્વે તે જન, આવ્યા છુપૈયાપુરે પાવન ।।૩૫।।

આ વૃત્તાંતનો સર્વે વિસ્તાર, છે હરિદિગ્વિજય મોઝાર । એના કર્તા મુનિ નિત્યાનંદ, જેને સુણે ઉપજે આનંદ ।।૩૬।।

ધર્મદેવ આવ્યા નિજ ઘેર, વિપ્રને જમાડ્યા રુડીપેર । કુટુંબીને જમાડ્યાં ભોજન, ઘણી રીતે કર્યાં દાન પુન્ય ।।૩૭।।

લાણી કળશની કાઢી સરસ, દશ દિશાઓમાં થયો જસ । એમ તીર્થ કરી ધર્મદેવ, વર્તે નિર્મળ મનથી એવ ।।૩૮।।

 

 

ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિ વિરચિતે શ્રી ઘનશ્યામલીલામૃતસાગરે પૂર્વાર્ધે આચાર્ય શ્રી અયોધ્યાપ્રસાદજી રામશરણજી સંવાદે શ્રીહરિ ધર્મદેવની સાથે ગ્રહણ ઉપર કાશીપુરી ગયા ને મણિકર્ણિકાને ઘાટે સ્નાન કરીને વિશ્વનાથનાં દર્શન કર્યાં એ નામે પંચાણુંમો તરંગઃ ।।૯૫।।