તરંગ - ૮૩ - શ્રીહરિ છુપૈયાપુરની પ્રક્રમા ફર્યા એ નામે

Submitted by swaminarayanworld on Thu, 17/08/2017 - 7:22pm

 

 

પૂર્વછાયો

હરિગુણ ગાતાં સુણતાં, હર્ખિત થાય છે મન । શ્રદ્ધા સહિત જો સાંભળે, તો પાપી થાય પાવન ।।૧।।

એકસમે છુપૈયા વિષે, જન્મસ્થાનકનો કૂપ । તે કુવે પરથાર ઉપર, બેઠા પ્રભુજી અનૂપ ।।૨।।

પૂર્વમુખ કરીને બેઠા, કરવા દંતધાવન । વિચારીને કહે શ્યામજી, ભાભી પ્રત્યે વચન ।।૩।।

 

ચોપાઇ

ભાભી તાકીદ છે ઘણી આજ, પાણી લાવો મારે નાવા કાજ । લાવો જળ ઉતાવળાં તમે, સાચી વાત કહીએ તે અમે ।।૪।।

ભાભી કે મુક્યું છે ઉનું થાવા, થાય તો લાવું તમારે નાવા । શ્રીહરિએ ઇચ્છા મન ધારી, નાવા બેઠા છે દેવ મુરારી ।।૫।।

ગંગાજી જમુનાજી બે આવ્યાં, સોનાકુંડી ભરી જળ લાવ્યાં । અતિ અદ્ભુત સ્ત્રીઓને વેશ, નવરાવા માટે આવ્યાં એશ ।।૬।।

આવ્યાં ઉતાવળાં જોઇ લાગ, સ્નાન કરાવાને મહાભાગ । આવી આગળ ઉભાં તે વાર, શ્રીહરિને કર્યા નમસ્કાર ।।૭।।

તૈલમર્દન કરે છે અંગે, નવરાવે છે ત્યાં રૂડે રંગે । ત્યાં તો સુવાસિનીબાઇ આવ્યાં, ઉનું જળ ભરીને તે લાવ્યાં ।।૮।।

ગંગા જમુનાને દેખ્યાં પોતે, ભાળીને સ્થિર થઇ ગયાં જોતે । શ્રીહરિ કે સુણો ભાભી તમે, સ્નાન માટે બેઠા છૈયે અમે ।।૯।।

તમે તો સેવા કરો છો નિત્યે, આ મેમાન આવ્યાં કરી પ્રીતે । એને કરવા દ્યો સેવા આજ, ક્યાંથી જોગ બને આવું કાજ ।।૧૦।।

ત્યારે સતી કહે મહારાજ, આશ્ચર્ય પામી ગઇ હું આજ । બે સ્વરૂપે આ દેવસમાન, વસ્ત્રાલંકાર સુંદરવાન ।।૧૧।।

સ્ત્રીઓને રૂપે કોણ આવ્યાં છે, સેવા સામગ્રી સાથે લાવ્યાં છે । શ્રીહરિકૃષ્ણ કહે છે કોડે, ગંગા જમુના બે આવ્યાં જોડે ।।૧૨।।

ઘણા દિવસનો હતો ભાવ, આજે સેવાનો લેછે એ લાવ । સતી સમજ્યાં છે મનમાંય, ભક્તિમાતાને બોલાવ્યાં ત્યાંય ।।૧૩।।

પછે તેહ નવરાવી રહ્યાં, પામ્યાં સંતોષ ને સુખી થયાં । ગંગાજીને કહે મહારાજ, સત્સંગમાં આવજો ત્યાંજ ।।૧૪।।

શ્રીનગરમાં રંગે રમીશું, પરમહંસો સંગાથે રહીશું । સાબરમતી ગંગાને તીરે, નારાયણઘાટ જાશું ધીરે ।।૧૫।।

તે સરિતામાં સ્નાન કરીશું, પાપીજનનું પાપ હરીશું । ત્યાં કરીશું તમારૂં સ્થાપન, ગંગાજી માની લેજ્યો એ મન ।।૧૬।।

ગંગાજીને આપ્યું વરદાન, જમુનાજીને કે ભગવાન । તમે આવજો સત્સંગમાં, દુર્ગપુરે રમીશું રંગમાં ।।૧૭।।

ઘેલામાં ખળખળિયા નામ, નાવા જાશું અમે તેહ ઠામ । ત્યાં કરીશું સ્થાપન તમારૂં, સત્ય વરદાન જાણજો મારૂં ।।૧૮।।

પામ્યાં વરદાન પ્રભુનો સ્પર્શ, ગંગા જમુના થયાં અદૃશ । સતી સુવાસિની એમ જોતી, પછી પેરવા આપી છે ધોતી ।।૧૯।।

ત્યારે ધોતી પેરી પ્રભુ પ્રીતે, ચડ્યા ચાખડીયે રૂડી રીતે । આવ્યા ઓશરી મધ્યે મોરારી, બેઠા આસને શ્રીભયહારી ।।૨૦।।

નિત્યવિધિ કર્યો પછે ત્યાંયે, પામ્યા આશ્ચર્ય સહુ મનમાંયે । મૂર્તિ સુવાસિની શુભ મન, લીલા જોઇ થયાં છે પ્રસન્ન ।।૨૧।।

વળી બીજો કહું છું વિલાસ, હવે આવ્યો છે કાર્તિકમાસ । શુદપક્ષ નવમીને દિન, નાથે ચરિત્ર કર્યું નવીન ।।૨૨।।

પ્રાતઃકાળમાં તૈયાર થયા, મીનસાગર ઉપર ગયા । મધુનું વૃક્ષ છે તેની પાર, શૌચ કરી આવ્યા તેહ ઠાર ।।૨૩।।

કર ચરણ ધોઇ ભગવન, ત્યાં કરે છે દંતધાવન । પછે તીયાં થકી ઉઠીને જાય, સ્નાન કર્યું સરોવરમાંય ।।૨૪।।

તે સમે ષટ્શાસ્ત્ર સોહાવ્યાં, મૂર્તિમાન થઇને તે આવ્યાં । કરવા શ્રીહરિનાં દર્શન, પ્રેમે સહિત પુન્ય પાવન ।।૨૫।।

સાંખ્યયોગ ને પંચરાત્ર, ધર્મ ઉત્તરમીમાંસા શાસ્ત્ર । પૂર્વમીમાંસા એ આદિ ષટ, વાડવના વેષે આવ્યાં સ્પષ્ટ ।।૨૬।।

નમ્રતાથી કર્યા નમસ્કાર, શ્રીહરિ સાથે ચાલ્યા છે સાર । શાસ્ત્ર સહિત સુંદર શ્યામ, પધાર્યા તે પૂરણકામ ।।૨૭।।

ચોત્રા ઉપર બેઠા ચતુર, આંબલી તરુ હેઠે જરૂર । હવે પોતાની ઇચ્છાએ કરી, શાસ્ત્રપૂજા કરે પ્રેમ ધરી ।।૨૮।।

ચંદન પુષ્પથી મંત્રભણી, કરે પૂજા મહાપ્રભુતણી । એ સમે અવિનાશી અખંડ, પોતાને છે અવસ્થા પૌગંડ ।।૨૯।।

તોપણ કિશોરમૂર્તિ થયા, દીધાં દર્શન કરી છે દયા । પીતાંબર જે સુંદર સારૂં, તે પહેરાવ્યું છે હરિને વારૂં ।।૩૦।।

પછે પ્રેમ લાવીને ઉમંગે, રક્તશાલ ઓઢાડી છે અંગે । વદે છે નમ્ર મધુરી વાણી, સુણો પ્રગટ પ્રભુ પ્રમાણી ।।૩૧।।

છુપૈયા જન્મસ્થાન તમારૂં, એમાં માન્યું છે મન અમારૂં । છુપૈયાની પ્રક્રમાઓ દેવી, અમારી ઇચ્છા છે પ્રભુ એવી ।।૩૨।।

ત્યારે બોલ્યા પોતે મહારાજ, ચાલો હું પણ આવું છું આજ । પિતા બંધુને લઇને સંગે, ફરવા જાઉં છું હું જ ઉમંગે ।।૩૩।।

છુપૈયાની પ્રક્રમા ફરવી, મોટો લાભ તેથી તે કરવી । એવું કહી ચાખડીઓ પેરી, ચાલ્યા સૌને સંગે લાલ લેરી ।।૩૪।।

નારાયણસરથી પશ્ચિમે, ત્યાં થઇને ફરે પુરની સીમે । મીનસાગર ઉપર થઇને, ગયા ખંપાસરોવર જૈને ।।૩૫।।

અક્ષરાધિપતિ તારાયણ, પુરૂષોત્તમજી નારાયણ । પિતા બંધુને શાસ્ત્ર સહિત, પ્રક્રમા ફરે છે કરી હિત ।।૩૬।।

એવું જાણી મોટા મોટા દેવ, આવ્યા દર્શન કરવા એવ । આવ્યા સ્રષ્ટા વિષ્ણુ ને શંકર, આવે છે સુધામમાંથી અવર ।।૩૭।।

અષ્ટવસુ દશ દિગપાલ, યમરાજા આવ્યા તતકાળ । સર્વે દેવ મળ્યા તેહ ઠામ, કર્યા મહાપ્રભુને પ્રણામ ।।૩૮।।

ભેગા ચાલ્યા છે તે સર્વે દેવ, પ્રક્રમા દેવા અવશ્યમેવ । આવ્યો દહીંઓ આંબો જે ઠાર, પ્રક્રમાઓ ફર્યા ઘણી વાર ।।૩૯।।

દેવશાસ્ત્રનો લેઇ સમાજ, ત્યાંથી ચાલ્યા શ્રીજી મહારાજ । નારાયણસરોવરે આવ્યા, મધુવૃક્ષ હેઠે મનભાવ્યા ।।૪૦।।

ત્યાં બિરાજ્યા છે ધર્મકુમાર, સર્વે દેવે કર્યો નમસ્કાર । સ્તુતિ કરીને દેવ તે ગયા, અભ્રમારગે અદૃશ થયા ।।૪૧।।

પોતે પિતાને બંધુ સહિત, નિજ ઘેર આવ્યા છે અભિત । વશરામ ત્રવાડીને ખ્યાત, મોટાભાઇએ કરી તે વાત ।।૪૨।।

સર્વે કહે છે હે મોટાભ્રાત, પેલેથી કેમ ન કરી વાત । અમે આવત સર્વે સંગે, પ્રદક્ષિણા કરવા ઉમંગે ।।૪૩।।

એવું કહી સર્વે પુરજન, કરે છે અતિ ઓરતો મન । વળી સહુ કહેછે વચન, એક સુણી લ્યો વાત જોખન ।।૪૪।।

જાવું છે અવધપુરે આજ, ત્યાં પ્રક્રમા ફરવાને કાજ । નહિ તો આવત હરિ સંગે, પ્રક્રમા ફરવા રૂડે રંગે ।।૪૫।।

એવું કહીને સર્વે સધાવ્યા, અવિનાશી પાસે પછે આવ્યા । વાલિડાને કહે છે તે વાત, પોતે બોલી ઉઠ્યા જગતાત ।।૪૬।।

મામા એમ શું કરવા કરો છો, શા માટે મન ચિંતા ધરોછો । પ્રક્રમાઓ કરીશું ફરીને, ચાલો આવું હું નેહ ધરીને ।।૪૭।।

એવું સુણીને સહુ નરનારી, પામ્યા આનંદ તે અવિકારી । ગયા પોતપોતાને ભુવન, થયા તૈયાર સમગ્ર જન ।।૪૮।।

બાળ યૌવન વૃદ્ધ સહિત, આવ્યાં વ્હાલાને પાસે અભિત । પછે પ્રગટ પ્રભુના જોડે, પ્રક્રમાઓ કરી કોડે કોડે ।।૪૯।।

બહુ વાર પ્રદક્ષિણા ફર્યા, સહુના મનોરથ પૂર્ણ કર્યા । પછે સર્વ આવ્યા છે ઘેર, સુખ સંતોષ આનંદ ભેર ।।૫૦।।

 

 

ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિ વિરચિતે શ્રી ઘનશ્યામલીલામૃતસાગરે પૂર્વાર્ધે આચાર્ય શ્રી અયોધ્યાપ્રસાદજી રામશરણજી સંવાદે શ્રીહરિ છુપૈયાપુરની પ્રક્રમા ફર્યા એ નામે ત્ર્યાશીમો તરંગ ।।૮૩।।