તરંગ - ૮૧ - સખા સહિત શ્રીહરિ પાણી ઉપર ચાખડીઓ પેરી ચાલ્યા ને ચીભડાં પાછાં ચોટાડવારૂપ સુંદરીબાઇને ઐશ્વર્ય બતાવ્યું

Submitted by swaminarayanworld on Thu, 17/08/2017 - 7:19pm

 

 

પૂર્વછાયો

રામશરણ શ્રવણે ધરો, પ્રગટ લીલા સાર । સાંભળતાં સુખ ઉપજે, દુઃખ ટળે નિરધાર ।।૧।।

એકસમે આષાઢ આવ્યો, વર્ષે અતિ વરસાદ, મિત્રો બોલાવી પ્રભુજીયે । ઉર ધર્યો આહલાદ ।।૨।।

વેણી માધવ ને પ્રયાગ, અનુજ ઇચ્છારામ । સર્વેને સાથે લેઇ ચાલ્યા, બહિર્ભૂમિએ શ્યામ ।।૩।।

ચાખડીઓ સઘળે પેરી, લોટા ગ્રહ્યા છે હાથ । ઘર થકી બાર ચાલિયા, નારાયણની સાથ ।।૪।।

પીરોજપુર બગીચે થૈને, ગયા તીનવેગામ । રમત રમતા શ્રીહરિ, છેટે ગયા છે શ્યામ ।।૫।।

 

ચોપાઇ

 

સખા સાથે શૌચે જઇ આવ્યા, ભેગા થયા છે ત્યાં મન ભાવ્યા । ત્યાંથી પાછા વળ્યા છે તમામ, ધારીને આવે છે નિજધામ ।।૬।।

આવ્યો વારિદ તે બહુ વારે, સખા સર્વે મળીને વિચારે । એક આવ્યું છે આંબાનું વૃક્ષ, તેને હેઠે ગયા છે પ્રત્યક્ષ ।।૭।।

ત્યાં ઉભા રહ્યા સૌ થોડીવાર, પડ્યો વરસાદ ત્યાં તો અપાર । મારગમાં તે પાણી ભરાણાં, સખા કેરાં મન ગભરાણાં ।।૮।।

નાના નાના હતા જેહ સખા, ઇચ્છારામ આદિના સરખા । તેતો કરવા લાગ્યા રૂદન, ત્રાસ પામી ગયા ઘણું તન ।।૯।।

વેણીરામ કહે ઘનશ્યામ, હવે શું કરીશું આણે ઠામ । ઘન વરસે ઉતરી નીચો, અંધારીને રહ્યો વળી ઉંચો ।।૧૦।।

જણાતી નથી પૃથ્વી જળમાં, પાણી પાણી થયું છે પળમાં । હવે કેમ કરી ઘેર જૈશું, વસ્ત્ર ભીંજાશે કોરા શું રૈશું ।।૧૧।।

સખા સર્વે થયા છે ઉદાસ, એમ જાણી ગયા અવિનાશ । પછી બોલ્યા છે પ્રાણઆધાર, વેણીરામ સુણો નિરધાર ।।૧૨।।

તમે કરો નહિ કોઇ ઉચાટ, હું કરૂં છું તેનો જુવો ઘાટ । ચાખડીયો પેરી ચાલો સાજ, પાણીમાં પલળીશું ન આજ ।।૧૩।।

ત્યારે કેવા લાગ્યા ઇચ્છારામ, તમે ભાઇ સુણો ઘનશ્યામ । આટલા પાણીમાં તે ક્યાં જૈશું, પલળ્યા વિના તો કેમ રૈશું ।।૧૪।।

ચાખડીયેથી કેમ ચલાશે, જળમાં શરીર ડુબી જાશે । ત્યારે શ્રીહરિ આપે છે ધીર, મારી કેડે ચાલ્યા આવો વીર ।।૧૫।।

શા માટે ચિંતા રાખો છોે તમે, ખરી વાત કૈયે છૈયે અમે । એવું કહી ચાખડીયે ચઢાવ્યા, પોતાની કેડે કેડે ચલાવ્યા ।।૧૬।।

પોતે ચાલ્યા ચાખડીયો પેરી, જળથી ગજ ઉંચા છે લેરી । સખા સર્વેએ કર્યો તપાસ, તે દેખીને આવ્યો વિશ્વાસ ।।૧૭।।

પ્રભુજીની કેડે ચાલ્યા મિત્ર, ચાખડીયે ચડ્યા તે પવિત્ર । તે જળથી ઉંચા ગજ એક, પ્રભુની કેડે ચાલે વિશેક ।।૧૮।।

આતે અવની પર છે પાય, કે આ અંબુ ઉપર ચલાય । તેની ખબર નથી પડતી, કળા અકળ દીશે ચડતી ।।૧૯।।

નથી મેઘનું પાણી અડતું, કોઇને બિંદુ નથી પડતું । એમ આનંદથી ચાલ્યા જાય, હરિ કેડે મન હરખાય ।।૨૦।।

હવે ઘેર બન્યો છે શું ઘાટ, ધર્મ ભક્તિ કરે છે ઉચાટ । મોટા ભાઇને કહે છે માતા, જુઓને ક્યાં ગયા સુખદાતા ।।૨૧।।

ઇચ્છારામજી જોડે ગયા છે, બીજા બાળક ભેગાં થયાં છે । જે જગ્યાએ ગયા હશે દશે, ત્યાંથી તે પાછા આવતા હશે ।।૨૨।।

વરસે છે બહુજ વારિદ, મારા મનમાં થયું તે યાદ । ઘણી આંધી હતી ઘનઘોર, શું થયું જુવો મારા કિશોર ।।૨૩।।

તે ખબર કરી જોયે આજ, ત્યારે સુફળ થશે તે કાજ । વેણીમાધવનાં જે મા બાપ, તે પણ ગોતતાં હશે આપ ।।૨૪।।

એવો કરીને સર્વે વિચાર, પશ્ચિમમાં ગયા તેણીવાર । ત્યાં તો ચાલ્યા આવે છે શ્રીશ્યામ, સખા સહિત પૂરણકામ ।।૨૫।।

ભાળીને ઉભા રહ્યા છે એહ, પીપળાના તરુતળે તેહ । ગજ ઉંચા ચાલે છે જળથી, દેખ્યા સર્વે આવતા બળથી ।।૨૬।।

વસ્ત્ર કોઇનું નથી ભીંજાયું, આતો અદ્ભુત કામ દેખાયું । એટલામાં અલબેલો આવ્યા, નિજસખાને સંગાથે લાવ્યા ।।૨૭।।

સર્વે પામ્યા છે આનંદ મન, દેખી થયા પૂરણ પ્રસન્ન । ત્યારે બોલ્યાં સુવાસિની સતી, તમે જુઓ માતા પ્રેમવતી ।।૨૮।।

એમને અડતું નથી જળ, આતો કામ ઘણું છે અકળ । પામ્યાં આનંદ ૧સદને આવ્યાં, બેઉ બાંધવને તેડી લાવ્યાં ।।૨૯।।

શ્રીહરિયે પછે ત્યાં શું કર્યું, સ્નાન કરવાનું તે મન ધર્યું । પોતાની ચરણ પાદુકા જેહ, ઓશરીમાં મુકી દીધી તેહ ।।૩૦।।

ગયા રામસાગરના તીરે, કર ચરણ ધોયા બલવીરે । પછે પ્રેમેથી આચર્યું સ્નાન, જલક્રીડા કરે ભગવાન ।।૩૧।।

ઘણીવાર સુધી ક્રીડા કરી, બારે નિકળવા ઇચ્છા ધરી । તે સમે પોતાના સખાજન, તેને દીધાં અદ્ભુત દર્શન ।।૩૨।।

અક્ષરવિષે સુંદરરૂપે, તેજોમય દેખ્યા છે અનૂપે । સુખનંદન બોલ્યો તે ઠામ, તમે સુણો ભાઇ વેણીરામ ।।૩૩।।

પરમ સ્નેહી સખા ઘનશ્યામ, અદ્ભુત દિશે એમનું કામ । અક્ષરધામે ગયો તો આજ, મેં નજરે જોયા મહારાજ ।।૩૪।।

તેજોમય દિવ્ય સિંહાસન, દેખ્યા તે ઉપર ભગવન । તે સુણીને બોલ્યા વેણીરામ, અમોએ તેવા દીઠા એઠામ ।।૩૫।।

એમ કેછે પરસ્પર વાત, નિકળ્યા જળથી જગતાત । સખા સર્વેને બોલાવ્યા પાસ, રૂડું વચન કહે અવિનાશ ।।૩૬।।

તમને વાત કહું છું જુજ, આવો કરીયે કાંઇ રમુજ । મમ પંજો છોડાવો જો તમે, કે છોડાવીએ અમે ।।૩૭।।

એમ કહી પકડે છે હાથ, અન્યો અન્ય છોડાવે છે સાથ । એમ રમત કરી ઘણીવાર, પછે ગયા નિજ નિજ દ્વાર ।।૩૮।।

વળી એક સમે કોય દિન, નાથે કર્યું ચરિત્ર નવિન । પોતાનું ઘર આંગણું જ્યાંયે, ચીભડીના છોડ વાવ્યા ત્યાંયે ।।૩૯।।

ફળ નાનાં બેઠાં હતાં જેહ, પોતે તોડવા ગયા છે તેહ । તે સમે સુંદરીબાને સાર, પરવળ વીણતાં તેઠાર ।।૪૦।।

તેહ બોલ્યાં છે શ્રીઘનશ્યામ, તમે અવળું કરો છો કામ । નાનાં ફળ શું તોડી નાખો છો, કડવાં હશે એ શું ચાખો છો ।।૪૧।।

ત્યારે બોલ્યા અશરણશરણ, સુણો સુંદરી શું આચરણ । જેમ પરવળ તોડો છો તમે, એમ ફળ તોડીએ છૈયે અમે ।।૪૨।।

રસિયો ભરાણા પછે રીસે, ચીભડાં નાખી દીધાં તેદિશે । સુંદરીબાઇએ ભેગાં કીધાં, પોતાના હાથમાં વેણી લીધાં ।।૪૩।।

તોડી નાખીને કર્યાં ખરાબ, ત્યારે જીવન દે છે જવાબ । એમાં શું અમે ખરાબ કીધાં, નથી ખાધાં નથી લેઇ લીધાં ।।૪૪।।

તમારો જીવ બળતો હોય, લાવો પાછાં ચોડી દૈયે જોય । એવું કહી પાછાં લેઇ લીધાં, હતાં તેમજ ચોટાડી દીધાં ।।૪૫।।

તે દેખી કહે સુંદરીબાઇ, તમે સુણો વીરા મારા ભાઇ । સુખસિંધુ છો શ્રીઘનશ્યામ, મુજ વિનતિ સુણો આ ઠામ ।।૪૬।।

તમે સમર્થ છો અવિનાશી, તવ ચરણતણી હું છું દાસી । ભકિતને કરે વાત વિસ્તારી, નિજ ઘેર ગયાં છે તે નારી ।।૪૭।।

આવા પ્રગટ પ્રભુ ખચીત, તેનું ભજન કરવું નિત । નથી ભજતા તેને ધિક્કાર, તેનો એળે ગયો અવતાર ।।૪૮।।

 

 

ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિ વિરચિતે શ્રી ઘનશ્યામલીલામૃતસાગરે પૂર્વાર્ધે આચાર્ય શ્રી અયોધ્યાપ્રસાદજી રામશરણજી સંવાદે સખા સહિત શ્રીહરિ પાણી ઉપર ચાખડીઓ પેરી ચાલ્યા ને ચીભડાં પાછાં ચોટાડવારૂપ સુંદરીબાઇને ઐશ્વર્ય બતાવ્યું એ નામે એકાશીમો તરંગ ।।૮૧।।