તરંગ - ૫૭ - શ્રીહરિ મોતી ત્રવાડીને રાજાના બંધનથી છોડાવ્યા

Submitted by swaminarayanworld on Thu, 17/08/2017 - 5:04pm

 

પૂર્વછાયો - અખાત્રીજનો દિવસ આવ્યો, શું કરે છે ભગવાન । સંત હરિજન સર્વે, સુણો થઇ સાવધાન ।।૧।।

મહારાજશ્રીનાં મામી છે, ગૌરીબાઇ જેનું નામ । નિજઘરે રસોઇ કરી, જમાડયા શ્રીઘનશ્યામ ।।૨।।

પુરી કચોરી દહિંવડાં, રસોઇ નાના પ્રકાર । જાણીને જમવા બોલાવ્યા, શ્રીહરિને તેણીવાર ।।૩।।

જમાડીને કર્યો ચાંદલો, ભાલ વિશાળ મોઝાર । ડગલી ટોપી ધોતી ત્રૈણે, વસ્ત્ર આપ્યાં તેણીવાર ।।૪।।

પટ પેરાવ્યાં પ્રેમ થકી, કર્યો આદર સત્કાર । પગે લાગી મોકલી દીધા, ત્યાંથી પોતાને દ્વાર ।।૫।।

ચોપાઇ - જમીને આવ્યા ઘરે જીવન, સુવાસિની બોલ્યાં છે વચન । રસોઇ કરી જોઉં છું વાટ, તમે ક્યાં કરી આવ્યા આ ઘાટ ।।૬।।

કોણે વસ્ત્ર પેરાવ્યાં તમને, કૃપા કરી કહો હરિ અમને । કેને ઘરે કર્યાં છે ભોજન, સાચે સાચું બોલો ભગવન ।।૭।।

પ્રભુ બોલ્યા નહિં કાંઇ મુખે, ગયા આંબલી હેઠે તે સુખે । ચોતરાપર્ય પોઢયા જઇને, પ્રભુજી શૂન્ય મુન્ય થઇને ।।૮।।

રેવતીજી થયાં છે ઉદાસ, કરવા લાગ્યાં ૧મનવિમાસ । ત્યાંથી ઉઠીને આવ્યાં છે પાસ, કેમ રીસાણા છો અવિનાશ ।।૯।।

પછે ગલી કરી છે પડખે, હાસ્ય કરે શ્રીહરિ હરખે । બેઠા થયા છે અંતરજામી, બોલ્યા કટાક્ષમાં બહુનામી ।।૧૦।।

તમને કહ્યું તું મેં સાક્ષાત, તેતો વિસારી મુકી છે વાત । ભમૈડો તો મંગાવીદ્યો એક, મારે રમવા માટે વિશેક ।।૧૧।।

અમારા મોટા ભાઇને કૈયે, તેતો મારવા આવે શું લૈયે । એમ કહી થયા છે ઉદાસ, સુવાસિની ધરે મન ત્રાસ ।।૧૨।।

ભાભીયે ભીડયા હૃદયસાથ, બોલ્યાં મસ્તકે ફેરવી હાથ । મારી ભૂલ થઇ મહારાજ, ક્ષમા કરો એ અપરાધ આજ ।।૧૩।।

ભમૈડો મંગાવી દેશું અમે, હવે રાજી થાઓ પ્રભુ તમે । કાલે લાવી આપીશું જરૂર, એવો વિશ્વાસ રાખજ્યો ઉર ।।૧૪।।

એવું સુણીને થયા પ્રસન્ન, વાલિડો બોલ્યા મુખે વચન । ગૌરીમામીયે મુને જમાડયો, વસ્ત્ર આપી આનંદ પમાડયો ।।૧૫।।

વળી પૂજા કરી છે અમારી, ભાંગી નાખી આ ભ્રાંતી તમારી । સુવાસિનીબાઇ રાજી થયાં, એવાં થકાં સદનમાં ગયાં ।।૧૬।।

ભમૈડાનો વિશ્વાસ ધારી, કૃષ્ણ પોઢી ગયા સુખકારી । જ્યારે થયો છે પ્રાતઃકાળ, વ્હેલા ઉઠયા છે પર્મકૃપાલ ।।૧૭।।

બહિર્ભૂમિ જઇને પોતે આવ્યા, નિજ ચરણ કર ધોવરાવ્યા । લાવ્યાં બાજોઠ તેહજ બાઇ, પૂર્વમુખે ઢાળી દીધો ત્યાંઇ ।।૧૮।।

તેના ઉપર બેઠા જીવન, વર્ણિયે કર્યું દંતધાવન । આવ્યો વાણંદ સુસ્તી એ નામે, ક્ષૌર કરાવ્યું શ્રીઘનશ્યામે ।।૧૯।।

નારાયણસરે ભગવાન, શ્રીપતિ ગયા કરવા સ્નાન । નાતાં નાતાં વીતી ગયો પોર, ઘેર્ય નાવ્યા શ્રી ધર્મકિશોર ।।૨૦।।

ધર્મદેવ ગયા જ્યારે નાવા, તે સાથે પ્રભુજી ઘેર આવ્યા । નિત્યવિધિ કર્યો છે નિરાંતે, પાઠપૂજા કરી બહુ ભાતે ।।૨૧।।

પછે જમવાને બેઠા જીવન, જમી તૃપ્ત થયા ધર્મતન । ચળુ કરી ઉઠયા અલબેલો, બારણે આવ્યા સુંદરછેલો ।।૨૨।।

લાવ્યાં ભમૈડો તેહજ બાઇ, હરિકૃષ્ણે લીધો કરમાંઇ । વેણી માધવ પ્રયાગ મિત્ર, સખા સહિત ચાલ્યા પવિત્ર ।।૨૩।।

ગયા ગામના ચોરા મોઝાર, ત્યાં રમત રમ્યા ઘણીવાર । એટલામાં બની બીજી વાત, સુણો રામશરણ સાક્ષાત ।।૨૪।।

બમનીપુરનો જે દિવાન, તેને મન ઘણું અભિમાન, આવ્યા છુપૈયાપુર મોઝાર, સાથે સીપાઇ છે ઘણા ત્યાર ।।૨૫।।

મોતી ત્રવાડીનો કાંઇક વાંક, આવ્યો પકડવા આડે આંક । મોતીરામને કબજે કીધા, બેઉ હાથ તેના બાંધી દીધા ।।૨૬।।

મામો થયા મન દિલગીર, જોયું ભાણેજના સામું ધીર । ભાણેજે દેખાડયો છે પ્રતાપ, તરત ટાળી નાખ્યો છે સંતાપ ।।૨૭।।

હાથ બાંધેલા તે ગયા છુટી, જાણે દિવાનની દોરી તુટી । રામ રૂઠે તેને કોણ રાખે, પ્રભુ બેલી તેને કોણ ચાખે ।।૨૮।।

દેખાડયું ભયભીત આચરણ, દિવાને દેખ્યું નજરે મરણ । વ્હાલાયે કરી છે દૃષ્ટિ વક્ર, ચડી આવ્યું યમદૂત ચક્ર ।।૨૯।।

દિવાને દેખ્યા ત્યાં યમદૂત, મોટા વિકરાળ મજ-બૂત । કાળા કાજળ સરખા દેહ, શસ્ત્ર બાંધીને આવ્યા છે તેહ ।।૩૦।।

સૈન્ય સહિત જે કારભારી, એવું દેખે ભયંકર ભારી । દોડી દોડીને મારવા આવે, કારભારીને કોણ બચાવે ।।૩૧।।

ભય પામીને નાઠો તે ભુર, પ્રાણ લઇને પાપી જરૂર । છીંન ભિન્ન થયું સૈન્ય સર્વ, ગાળી નાખ્યો છે એમનો ગર્વ ।।૩૨।।

છુપૈયાપુરના વાસી લોક, થયાં સુખી ટળી ગયો શોક । પામ્યાં આશ્ચર્ય તે નરનારી, વારે વારે જુવે છે વિચારી ।।૩૩।।

ત્યાર પછી વળી ઘનશ્યામ, સખા સંગ લઇ અભિરામ । ઇશાન ખુણે નરેચા ગામ, તેની સમીપમાં ગયા શ્યામ ।।૩૪।।

ત્યાં છે જાંબુનાં વૃક્ષ વિશેક, ફળ પાકી રહ્યાં છે અનેક । સખા સહિત તૈયાર થયા, જાંબુડાં ખાવા સારૂં ત્યાં ગયા ।।૩૫।।

સખા પ્રત્યે કહે ભગવન, જાંબુડાં ખાવાનું હોય મન । સઘળા આવો અમારી પાસ, હાથ વધાર્યા તે અવિનાશ ।।૩૬।।

જાંબુડાંની પકડી છે ડાળ, બેઉ હાથ વડે તતકાળ । હલાવી જાંબુ હેઠાંજ પાડે, સખાઓને સુખેથી જમાડે ।।૩૭।।

જેને જેટલાં જમવાં હોય, સારી પેઠે ખાવો આવી કોય । વળી ખોળા ભરી લેજ્યો ખાંતે, નારાયણ કહે છે નિરાંતે ।।૩૮।।

એવામાં આવ્યા છે રખવાળ, એને વ્યાપી ગયો ઘણો કાળ । જેષ્ટિકા લીધી છે કરમાંયે, આવ્યો દોડીને મારવા ત્યાંયે ।।૩૯।।

તેને આવતો દેખ્યો પ્રભુયે, કર લાંબો વધાર્યો વિભુયે । હાથ ઝાલીને પાછો હઠાવ્યો, ધરણી પર તેને ધસાવ્યો ।।૪૦।।

તેનો ઉતરી ગયો છે હાથ, ચક્રી ખાઇ પડયો પૃથ્વીમાથ । તે સમે હરિકૃષ્ણ કૃપાળ, સખા સહિત નાઠા તતકાળ ।।૪૧।।

આવ્યા છુપૈયાપુર પાવન, ગયા પોતપોતાને સદન । છાનામાના આવ્યા છે જીવન, જેમ જાણે નહિ કોય જન ।।૪૨।।

પછે બે ઘડી લાગી છે વાર, રખવાળ ઉઠયો તેહ ઠાર । જ્યારે આવી શરીરની શુધ, ઉભો થયો છે મતિ વિરૂધ ।।૪૩।।

ખોઇમાં નાખ્યો છે નિજ કર, આવ્યો ધર્મને ઘેર સત્વર । આવી ધર્મને તે કેવા લાગ્યો, તવ પુત્રે મુજ કર ભાંગ્યો ।।૪૪।।

સુત લાડકવાયો તમારો, તેણે ભંજવાડ કર્યો મારો । જાંબુ ખવાય તેટલાં ખાધાં, બીજાં બાકીના બગાડી દીધાં ।।૪૫।।

ધર્મ કહે તમે રખવાળ, મારા ઘનશ્યામ નાના બાળ । કદી જાંબુફળ ખાધાં હોય, ખોટી વાત કહે નહિ કોય ।।૪૬।।

પણ કોછો ભાંગી નાખ્યો હાથ, નથી મનાતું તે મન સાથ । એવું સુણીને ભાઇ જોખન, બોલ્યા રખવાળને વચન ।।૪૭।।

તમો રામદિન કોટવાલ, બોલતાં તારૂં મોઢું સંભાળ । જુવો ભાઇ જુલમ આ વાત, ઘનશ્યામે કરી એની ઘાત ।।૪૮।।

પાંત્રીવર્ષનો તું પેલવાન, જાંણે પંજાબી મહા બલવાન । ઘનશ્યામ તો છે નાનું બાળ, તેને ખોટું આરોપે છે આળ ।।૪૯।।

બોલતાં નથી થાતો વિચાર, તુને લાજ નથીરે લગાર । ચાલ્યો જા છાંનોમાંનો તું વાટ, બીજા કરનો થાશે આઘાટ ।।૫૦।।

એવું કહી ત્યાં ચપટી મુકી, અનંતને સકે કોણ ટોકી । સામા ઉભા છે શ્રીઅવિનાશ, વ્હાલો કરવા લાગ્યા છે હાસ ।।૫૧।।

રીસે ભરાંણો છે રખવાળ, નખશિખા સુધી ચડયો કાળ । કાંઇ ચાલ્યો નહિ ત્યાં ઉપાય, ઘણો પસ્તાવો મનમાં થાય ।।૫૨।।

ક્રોધાતુર થયો ગયો ઘેર, જાણે જીવન થઇ ગયું ઝેર । સર્વ લોક મળી સમઝાવે, હવે નહિ થાય કાંઇ પસ્તાવે ।।૫૩।।

નાના બાળકે ભાંગ્યો આ હાથ, વાત કેશો ન કોઇની સાથ । લોકને કેશો તો જાશે લાજ, અમે સત્ય કૈયે છૈયે આજ ।।૫૪।।

મન સમઝી ગયો તે સાર, વાત કાઢી નહિ ઘરબાર્ય । લાજથી તે ન બોલ્યો લગાર, કરે પસ્તાવા સાથે વિચાર ।।૫૫।।

અનેકનો કરવા ઉદ્ધાર, વ્હાલો કરે લીળાનો વિસ્તાર । મુક્ત હોય તે જાણે છે પર્મ, બીજા શું સમઝે એનો મર્મ ।।૫૬।।

ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિ વિરચિતે શ્રી ઘનશ્યામલીલામૃતસાગરે પૂર્વાર્ધે આચાર્ય શ્રીઅયોધ્યાપ્રસાદજી રામશરણજી સંવાદે શ્રીહરિ મોતી ત્રવાડીને રાજાના બંધનથી છોડાવ્યા એ નામે સતાવનમો તરંગ ।।૫૭।।