અધ્યાય - ૫૪ - શ્રીહરિએ પ્રથમ આચાર્યોને દીક્ષિત કરી તે બન્ને દ્વારા સંપ્રદાયની દીક્ષાદાનની કરેલી શુભ પ્રવૃત્તિ.

Submitted by swaminarayanworld on Thu, 03/08/2017 - 6:50pm

અધ્યાય - ૫૪ - શ્રીહરિએ પ્રથમ આચાર્યોને દીક્ષિત કરી તે બન્ને દ્વારા સંપ્રદાયની દીક્ષાદાનની કરેલી શુભ પ્રવૃત્તિ.

શ્રીહરિએ પ્રથમ આચાર્યોને દીક્ષિત કરી તે બન્ને દ્વારા સંપ્રદાયની દીક્ષાદાનની કરેલી શુભ પ્રવૃત્તિ.

સુવ્રતમુનિ કહે છે, હે પ્રતાપસિંહ રાજન્ ! ભગવાન શ્રીનારાયણમુનિએ સ્વયં સંવત ૧૮૮૨ ના જેઠ સુદી નિર્જલા એકાદશીના દિવસે બન્ને પુત્રોને બન્ને પ્રકારની દીક્ષા આપી. પછી તે બન્ને આચાર્યો દ્વારા પોતપોતાની પત્નીઓને પણ સામાન્ય તથા મહાદીક્ષા અપાવી, કારણ કે પતિ છે તેજ સ્ત્રીઓના દેવતા અને ગુરૂ છે.૧

પતિવ્રતાના ધર્મમાં તત્પર પત્નીએ પતિથકી જ દીક્ષા પામી પોતાને શરણે આવેલી અન્ય સ્ત્રીઓને પણ પ્રણવ રહિતનો દીક્ષામાં મંત્ર આપવો. પતિ સિવાય બીજા કોઇ પણ પુરુષને ગુરુ કરવો નહિ. આ પ્રમાણે નારદપંચરાત્રમાં પણ કહેલું છે.૨

હે રાજન્ ! શ્રીહરિએ પોતાના બન્ને પુત્રોને દીક્ષા પ્રદાન કરી તે સમયે મોટો કૃષ્ણપૂજા મહોત્સવ ઉજવાયો, અને બારસના દિવસે ભગવાન શ્રીહરિએ સમસ્ત સાધુ, બ્રહ્મણોને ઇચ્છાનુસાર ભોજન કરાવ્યાં.૩

દેશ-દેશાંતરોમાંથી હજારો નરનારી ભક્તજનો તથા બ્રહ્મચારી સાધુઓ ગઢપુર ઉત્સવમાં આવ્યાં.૪

જેઠમાસમાં સૂર્યોદય વ્યાપી જ્યેષ્ઠાનક્ષત્રના સમયે ઉજવાતા સ્નાનયાત્રા ઉત્સવના અંતે ગઢપુરમાં વિશાળ સભા ભરાઇ, તે સભામાં સર્વે ભક્તજનો પોતપોતાની મર્યાદામાં બેઠા.૫

શ્રીસ્વામિનારાયણ ભગવાન તે સભાની મધ્યે સ્થાપન કરેલા ઊંચા સિંહાસન પર વિરાજમાન થયા, ને સભામાં બેઠેલા સંતો, ભક્તો તેમના મુખારવિંદનું દર્શન કરવા લાગ્યા.૬

તે સમયે શ્રીહરિ સભામાં બેઠેલા સર્વે સંતો, ભક્તો પ્રત્યે કહેવા લાગ્યા કે, હે ભક્તજનો ! તમે સર્વે મારૂં વચન સાંભળો, જેણે દીક્ષા પ્રાપ્ત કરેલી હોય તેવા જનોને ભક્તિનું ફળ તત્કાળ પ્રાપ્ત થાય છે.૭

તેથી ઉદ્ધવસંપ્રદાયમાં રહેલા નર-નારી જનોએ પોતાના અધિકારને અનુસારે સામાન્ય તથા મહાદીક્ષા ગ્રહણ કરવી.૮

જે જનો લક્ષ્મીનારાયણદેવના ખંડમાં રહેલા છે. તેઓએ આચાર્ય શ્રી રઘુવીરજી પાસેથી બન્ને પ્રકારની દીક્ષા ગ્રહણ કરવી. ૯

અને સ્ત્રીઓએ રઘુવીરજીનાં પત્ની વીરજાદેવી પાસેથી બન્ને પ્રકારની દીક્ષા ગ્રહણ કરવી, પરંતુ સ્ત્રીઓએ રઘુવીરજી પાસેથી ક્યારેય પણ દીક્ષા ગ્રહણ કરવી નહિ.૧૦

તેવીજ રીતે આ ઉદ્ધવસંપ્રદાયમાં શ્રીનરનારાયણદેવના ખંડમાં રહેલા જે જનો છે, તેમણે તો બન્ને પ્રકારની દીક્ષા આચાર્ય અયોધ્યાપ્રસાદજી પાસેથી ગ્રહણ કરવી.૧૧

ને તેમની સ્ત્રીઓએ તો અયોધ્યાપ્રસાદજીનાં પત્ની સુનંદાદેવી પાસેથી જ બન્ને પ્રકારની દીક્ષા ગ્રહણ કરવી, પરંતુ આચાર્ય પાસેથી ક્યારેય પણ ગ્રહણ કરવી નહિ.૧૨

હે ભક્તજનો ! શ્રીવાસુદેવની આ ભાગવતી દીક્ષા ગ્રહણ કર્યા પછી પ્રતિદિન પૂજા કરવા માટે શ્રીકૃષ્ણ ભગવાનની પ્રતિમા પણ પોતાના આચાર્ય પાસેથી જ સ્વીકારવી.૧૩

ને સર્વે મારા આશ્રિત ભક્તજનોએ પોતાના ધર્મમાં રહીને પોતાના અધિકાર પ્રમાણે યથાયોગ્ય પ્રમાણે તે પ્રતિમાનું પૂજન કરવું. પરંતુ મેં કહ્યું તે પ્રમાણે મૂર્તિ પ્રાપ્ત ન થઇ હોય તેવી મૂર્તિનું પૂજન ન કરવું.૧૪

અને જો કોઇના મનમાં મેં કહેલા નિયમ ધર્મોમાં કોઇ આશંકા રહેતી હોય તો તે પુરુષે પોતાને અવકાશ મળે એ સમયે મારી પાસે આવી એ સંશયનું સુખેથી નિરાકરણ પૂછી જવું.૧૫

સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! આ પ્રમાણે શ્રીહરિએ કહ્યું તેથી સર્વે ભક્તજનોએ પણ કહ્યું કે, બહુ સારૂં પ્રભુ ! પછી ભગવાન શ્રીહરિ પોતાના નિવાસસ્થાને પધાર્યા અને ભક્તજનો પણ પોતપોતાના ઉતારે પધાર્યા.૧૬

પછી શ્રીહરિ સૌ સૌના અધિકારને અનુસારે અને દેશવિભાગ પ્રમાણે બન્ને પુત્રો પાસે બન્ને પ્રકારની દીક્ષા અપાવીને રઘુવીરજી આચાર્યના હસ્તે શ્રીરાધાકૃષ્ણ ભગવાનની અને એક પોતાની ચિત્રપ્રતિમા શ્રીલક્ષ્મીનારાયણ દેવના ખંડમાં રહેલા તેમના શિષ્યોને અપાવી.૧૭-૧૮

તેવી જ રીતે શ્રીહરિએ આચાર્યશ્રી અયોધ્યાપ્રસાદજીના હસ્તે શ્રીનરનારાયણ ભગવાનની અને એક પોતાની ચિત્રપ્રતિમા તેમના ખંડમાં રહેલા શિષ્યોને અપાવી.૧૯

પછી વળી અયોધ્યાપ્રસાદજી અને રઘુવીરજીની બન્ને પત્નીઓ દ્વારા બન્ને ખંડની સમગ્ર સ્ત્રીઓને યોગ્યતા પ્રમાણે બન્ને પ્રકારની દીક્ષા અપાવી.૨૦

તેમાં દેશ વિભાગને અનુસારે તે બન્ને આચાર્યપત્નીઓ દ્વારા સર્વે નારીઓને નિત્યપૂજાને માટે બે બે પ્રકારની પ્રતિમાઓ પણ અલગ અલગ અપાવી.૨૧

હે રાજન્ ! આ પ્રમાણે શ્રીસ્વામિનારાયણ ભગવાને આલોકમાં કળિકાળમાં જન્મેલા મનુષ્યોના હિતને માટે ઉદ્ધવસંપ્રદાયનું પ્રવર્તન કર્યું.૨૨

ત્યારપછી બન્ને ભાઇ અયોધ્યાપ્રસાદજી તથા રઘુવીરજી ભગવાન શ્રીહરિને સમીપે પધારી નમસ્કાર કરીને તેમની આગળ બેઠા.૨૩

શ્રીહરિ બન્નેને કહેવા લાગ્યા કે, હે પુત્રો ! તમને મને જે કાંઇ પૂછવું હોય તે સુખેથી પૂછો. તેથી બન્ને ભાઇ તેમને પૂછવા લાગ્યા કે, હે સ્વામિન્ ! આપણા આ ઉદ્ધવસંપ્રદાયમાં ઉજવવા યોગ્ય જે વ્રતો અને ઉત્સવો હોય તે વાર્ષિક વ્રતો અને ઉત્સવોનું વિધિવિધાન શું છે ? તે અમને સંભળાવો.૨૪-૨૫

હે પ્રભુ ! તમે કહેશો એ પ્રમાણે જ આપણા સંપ્રદાયમાં બન્ને દેશોના મંદિરોમાં સમયે સમયે અમે તેની ઉજવણી કરશું. એથી એ વિધિ અમને કહો.૨૬

હે રાજન્ ! આ પ્રમાણે બન્ને પુત્રોએ પૂછયું ત્યારે શ્રીસ્વામિનારાયણ ભગવાન અતિશય પ્રસન્ન થયા ને પોતાના ઉદ્ધવસંપ્રદાયની રીત પ્રમાણે વાર્ષિક વ્રતો અને ઉત્સવોનો સર્વે વિધિ બન્ને પુત્રોને કહેવા લાગ્યા.૨૭

આ પ્રમાણે અવતારી શ્રીનારાયણના ચરિત્રરૂપ શ્રીમત્સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના ચતુર્થ પ્રકરણમાં શ્રીહરિએ બન્ને આચાર્યો દ્વારા ઉદ્ધવસંપ્રદાયની દીક્ષાવિધિની પ્રવૃત્તિ કરી એ નામે ચોપનમો અધ્યાય પૂર્ણ થયો. --૫૪--