અધ્યાય - ૪૨ - મહારાજા સયાજીરાવે ભગવાન શ્રીહરિનું કરેલું બહુ સન્માન અને શ્રીહરિએ કરેલો તેમને સદુપદેશ.

Submitted by swaminarayanworld on Wed, 02/08/2017 - 9:16pm

અધ્યાય - ૪૨ - મહારાજા સયાજીરાવે ભગવાન શ્રીહરિનું કરેલું બહુ સન્માન અને શ્રીહરિએ કરેલો તેમને સદુપદેશ.

મહારાજા સયાજીરાવે ભગવાન શ્રીહરિનું કરેલું બહુ સન્માન અને શ્રીહરિએ કરેલો તેમને સદુપદેશ. સયાજીરાવ મહારાજને શ્રીહરિનો સદુપદેશ.

સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! સયાજીરાવ રાજાએ ભગવાન શ્રીહરિને પ્રણામ કર્યા ને તેમનો હાથ પોતાના હાથથી ગ્રહણ કરી રાજા-મહારાજાઓને આશ્ચર્ય ઉપજાવે તેવા પોતાના રાજમહેલમાં પ્રવેશ કરાવ્યો.૧

ચિત્રવિચિત્ર મણિઓથી સુશોભિત મનોહર સિંહાસન ઉપર ભગવાન શ્રીહરિને રાજાએ બેસાડયા ને તેમની આગળ દાસની પેઠે બે હાથ જોડી ઊભા રહ્યા.૨

અને કહેવા લાગ્યા કે, હે સ્વામિન્ ! આજ આપના અહીં આગમનથી આપના દર્શનનો મારો મનોરથ સફળ થયો. સર્વે જનોનું સદાય હિત કરનારા તમે કૃપા કરીને મને પાવન કર્યો.૩

હે સ્વામિન્ ! તમારા ચરણકમળના સ્પર્શથી આ ધરા પણ આજે પાવન થઇ. હું આજ દિવસથી આરંભીને તમારી આજ્ઞામાં વર્તનારો શિષ્ય થાઉં છું.૪

આ પ્રમાણે કહી સયાજીરાવ મહારાજા સૈન્યની સાથે વાહન ઉપર બેઠા અને સંતો-ભક્તોની સાથે ભગવાન શ્રીહરિને ઉતારા અપાવવા મસ્તુ બાગમાં પધાર્યા.૫

તેમણે શ્રીહરિના આગમનથી પહેલાંજ મસ્તુબાગમાં તંબુઓ બંધાવી તૈયાર કરાવેલા હતા, તેમાં અનુયાયીઓ સહિત શ્રીહરિને ઉતારો કરાવ્યો.૬

પોતાની યોગ્યતા અનુસાર રાજાએ શ્રીહરિનો અતિથિ સત્કાર કર્યો. નાથજી ભક્ત, રામચંદ્ર વૈદ્ય, નારુપંતનાના, શોભારામ શાસ્ત્રી, હરિશ્ચંદ્ર, સદાશિવભાઇ, લક્ષ્મીરામભાઇ, રઘુનાથ, ચિમનરાવ, રણછોડ, પ્રેમાનંદ, પ્રભુદાસ અને દયારામ વગેરે ભક્તજનો શ્રીહરિની સેવા કરવા લાગ્યા.૭

બીજા દિવસે નાથજી આદિ સર્વે પુરવાસી ભક્તજનોએ અનેક પ્રકારના સુગંધીમાન ચંદન, પુષ્પાદિક ઉપચારોથી અને ધન અર્પણ કરી ભગવાન શ્રીહરિની પૂજા કરી.૮

ત્રીજા દિવસે રાજાએ પણ ભોજન કરીને પરવારેલા ભગવાન શ્રીહરિને પૂર્વની માફક જ નવગજા હાથી ઉપર બેસાડીને ફરી પોતાના મહેલમાં પધરામણી કરાવવા માટે લઇ આવ્યા.૯

ભગવાન શ્રીહરિને મોટા સિંહાસન ઉપર બેસાડીને સ્વયં શ્રીહરિની આગળ જ બેઠા અને મુક્તાનંદ સ્વામી આદિક સંતોને પણ ત્યાં યથા યોગ્ય બેસાડયા.૧૦

વિનયથી નમ્ર થઇ બે હાથ જોડી બેઠેલા રાજાને સર્વ દુઃખનું હરણ કરનારા શ્રીહરિ કહેવા લાગ્યા.૧૧

સયાજીરાવ રાજાને શ્રીહરિનો સદુપદેશ :- ભગવાન શ્રીનારાયણમુનિ કહે છે, હે રાજન્ ! મન દઇ મારૂં વચન સાંભળો. હું તમારા હિતના વચનો કહું છું. તેને સર્વ પ્રકારે તમારા અંતરમાં ધારણ કરજો.૧૨

હે ભૂપતિ ! મનુષ્યદેહ દેવતાઓને પણ દુર્લભ છે. મનુષ્યના દેહની પ્રાપ્તિનું ફળ ફરીને જન્મ ન લેવો પડે તેવા પોતાના મોક્ષરૂપ પુરુષાર્થને સિદ્ધ કરી લેવા માટે જ છે, એમ જાણવું.૧૩

અને જે સંસારસંબંધી સુખ છે તે સર્વે યોનિમાં રહેલું છે. તે સ્ત્રી આદિક સાંસારિક સુખની પ્રાપ્તિને માટે લોકો બહુ મોટો પ્રયત્ન કરે છે. પરંતુ દેહધારીઓને એ સાંસારિક સુખ એવું દુર્લભ નથી. કોઇ પ્રયત્ન વિના સર્વે યોનિમાં તે પ્રાપ્ત થાય છે.૧૪

તે સાંસારિક સુખ સ્વભાવસિદ્ધ દુઃખમિશ્રિત દેખાય છે. દુઃખ વગરનું એ સુખ ક્યાંય દેખાતું નથી. કારણ કે જેને જેટલું સાંસારિક સુખ, સામે તેટલું જ તેને દુઃખ હોય છે, તે દેખાય છે.૧૫

અધિક વૈભવોના કારણે લોકો રાજાને સુખી જાણે છે. પરંતુ હું તો સર્વથા રાજાને જ અતિશય દુઃખી જાણું છું.૧૬

ચોર, શત્રુઓ, પોતાના પુત્ર, ભાઇ, ભાઇના પુત્રો, તેમજ પોતાના ધનમાંથી ભાગ માંગનારા સર્વે થકી પ્રતિક્ષણે શંકાશીલ જીવન જીવતા, તેમજ લોભથી અતિશય પરાભવ પામેલા રાજાને સુખ ક્યાંથી હોય ?.૧૭

હે રાજન્ ! દુઃખરહિતનું સુખ તો એક ભગવાનને વિષે જ રહેલું છે, કારણ કે તે સચ્ચિદાનંદ સ્વરૂપ અને સર્વદા સ્વતંત્ર છે.૧૮

આવા અલૌકિક મહિમાવાળા ભગવાનની આરાધના કરવાથી તેમના એકાંતિક ભક્તજનો સુખી થાય છે. તેના સિવાયના ત્રિલોકીના અધિપતિઓમાં પણ તેવા સુખનો લેશ ભાગ પણ જોવામાં આવતો નથી. અરે દેવતાઓના ઇન્દ્રની જો આ વાત છે, તો પછી મનુષ્યોની શું વાર્તા કરવી ?૧૯

પૃથ્વી પર કામ અને ક્રોધના અગ્નિમાં મનુષ્યો જ્યારે બળી રહ્યા છે, ત્યારે ગંગાના જળમાં બેઠેલા ગજરાજની જેમ ભગવાનના એકાંતિક ભક્તો તેમનાથી જરાય સંતાપ પામતા નથી.૨૦

હે ભૂપાલ ! તમે તો બુદ્ધિશાળી રાજા છો. એથી પોતાના હિતને માટે શ્રીકૃષ્ણ ભગવાનનો આશ્રય કરો. તેમ કરવાથી તમે ભુક્તિ અને મુક્તિને પામશો.૨૧

હે રાજન્ ! જ્યાં સુધી પોતાને દેહની સ્મૃતિ હોય ત્યાં સુધી પોતપોતાના ધર્મમાં રહીને સૌએ પ્રેમથી સદાય ભગવાન શ્રીકૃષ્ણનું ભજન કરવું જોઇએ, એવો મારો મત છે.૨૨

સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! આ પ્રમાણે ભગવાન શ્રીહરિએ જ્યારે રાજાને ઉપદેશ કર્યો ત્યારે તેમનાં વચન સાંભળી રાજાએ શ્રીહરિને પ્રણામ કર્યા ને કહેવા લાગ્યા કે હે ભગવાન્ ! હું તમને જ સાક્ષાત્ શ્રીકૃષ્ણ જાણું છું, તેમાં કોઇ સંશય નથી.૨૩

હે સ્વામિન્ ! હું તમારે શરણે આવ્યો છું, ને તમારો દાસ છું. એથી તમે મારા ઉપર સદાય કૃપા વરસાવજો, તથા કેટલોક કાળ મારા પુરમાં નિવાસ કરીને રહો એવી મારી ઇચ્છા છે.૨૪

ત્યારે ભગવાન શ્રીહરિ કહેવા લાગ્યા કે, હે રાજન્ ! તમારા શુદ્ધ ભાવને ખૂબજ અભિનંદન, પરંતુ અત્યારે મારા મનમાં પુરાણગ્રંથો સાંભળવાની ખૂબજ ઇચ્છા વર્તે છે. તેથી અહીં એક દિવસ પણ રહી શકું તેમ નથી.૨૫

બાકી મારે વિષે જે તમારો વિશુદ્ધ ભાવ છે તેને જાણીને હું અહિં આવ્યો છું. જો આવો નિર્મળ ભાવ ન હોય તો સર્વ જગ્યાએથી નિઃસ્પૃહી હું મોટા મોટા ચક્રવર્તી રાજાઓના ભવનમાં પણ ન પધારૂં. જગપ્રસિદ્ધિમાં મને કોઇ રુચી નથી, મુમુક્ષુનું કલ્યાણ કરવામાં જ માત્ર રસ છે.૨૬

સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! આ પ્રમાણે કહીને ભગવાન શ્રીહરિએ સયાજીરાવ રાજાને ભગવાનના ભક્તની રીત કેવી હોય ? તેનો ઉપદેશ આપ્યો, સયાજીરાવ રાજાએ પણ શ્રીહરિના સમગ્ર વચનો હિતકારી માની અંતરમાં ધારણ કર્યાં.૨૭

પછી સયાજીરાવ રાજાએ મહામૂલાં નવીન વસ્ત્રો, રત્નજડેલાં સુવર્ણના આભૂષણો અર્પણ કરી બહુ હર્ષપૂર્વક શ્રીહરિની મોટી પૂજા કરી.૨૮

રાજાએ પૂજામાં ચંદન, પુષ્પ અને ચોખા આદિ ઉપચારોથી પરમેશ્વર શ્રીહરિનું વિધિપૂર્વક અર્ચન કરી દંડવત્ પ્રણામ કર્યા.૨૯

ને પછી વસ્ત્ર, ધન અને ચંદન વિગેરે ઉપચારોથી શ્રીહરિના બન્ને પુત્રો અયોધ્યાપ્રસાદજી અને રઘુવીરજી તેમજ મુક્તાનંદ સ્વામી આદિ સંતોની પણ યથાયોગ્ય અતિશય ભાવપૂર્વક પૂજા કરી.૩૦

હે રાજન્ ! ભગવાન શ્રીહરિએ સયાજીરાવ રાજાને ધર્મમાં રહેવાની આજ્ઞા આપી તત્કાળ ઊભા થયા. શ્રીહરિને જવાની ઇચ્છા છે એમ જાણી રાજાએ પોતાની ચતુરંગીણી સેના સજ્જ કરાવી.૩૧

હે રાજન્ ! ત્યારપછી પોતાના મહેલમાંથી વિદાય લઇ રહેલા ભગવાન શ્રીહરિની પાછળ પાછળ રાજા પગે ચાલવા લાગ્યા. શ્રીહરિએ તેમને સમજાવીને પાછા વાળ્યા ને નરવાસીઓને ખૂબ આનંદ આપવા લાગ્યા. તેઓ પણ અતિશય આદરપૂર્વક શ્રીહરિને વારંવાર પ્રણામ કરવા લાગ્યા. શ્રીહરિ ગજેન્દ્ર ઉપર આરુઢ થયા.૩૨

વડોદરા નગરમાં શ્રીહરિના જે વેરી હતા તેઓએ તેમનો અતિશય પ્રતાપ નિહાળીને શ્રીહરિને કાંઇ પણ કરી શક્યા નહિ. હૃદયમાં બળતા બળતા મનની મનમાં રહી ગઇ હોવાથી મૌન બેસી રહ્યા.૩૩

ભગવાન શ્રીહરિ તો રાજલક્ષ્મીના ઠાઠમાઠથી જેવા પુરમાં પ્રવેશ્યા હતા તેવી જ શોભાને ધારણ કરી ફરી પુરથી બહાર નીકળ્યા. પછી પોતાની પાછળ વળાવવા આવી રહેલા નગરવાસી જનોને તથા રાજાના સૈન્યને પાછા વાળ્યા.૩૪

હે રાજન્ ! આવા અતિશય ઉજ્જવળ યશવાળા શ્રીહરિ એકાંતિક ધર્મનું પોષણ કરી પોતાના વેગવાન ઘોડા ઉપર અસ્વાર થયા ને અનુયાયી સંતો-ભક્તોની સાથે ફરી વડતાલપુર પધાર્યા.૩૫

આ પ્રમાણે અવતારી શ્રીનારાયણના ચરિત્રરૂપ શ્રીમત્સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના ચતુર્થ પ્રકરણમાં વડોદરામાં સયાજીરાવ મહારાજાએ શ્રીહરિનું રાજવૈભવથી સન્માન કર્યું, ને મહેલમાં પધરાવ્યા અને શ્રીહરિએ તેમને સદુપદેશ કર્યો એે નામે બેતાલીસમો અધ્યાય પૂર્ણ થયો. --૪૨--