અધ્યાય - ૪૬ - ભગવાન શ્રીહરિએ અનંત જગ્યાએ ઉજવેલા ઉત્સવોનું કરેલું સંક્ષિપ્ત વર્ણન.

Submitted by swaminarayanworld on Wed, 02/08/2017 - 6:01pm

અધ્યાય - ૪૬ - ભગવાન શ્રીહરિએ અનંત જગ્યાએ ઉજવેલા ઉત્સવોનું કરેલું સંક્ષિપ્ત વર્ણન.

ભગવાન શ્રીહરિએ અનંત જગ્યાએ ઉજવેલા ઉત્સવોનું કરેલું સંક્ષિપ્ત વર્ણન.

 

સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! ભગવાન શ્રીહરિએ જેવા ઉત્સવો દુર્ગપુરમાં ઉજવ્યા તેવા જ બીજા અનેક ઉત્સવો બીજા નગરોમાં જઇને પણ ઉજવ્યા.૧

તેમાં ભગવાન શ્રીહરિએ વડતાલ, અમદાવાદ, જુનાગઢ, ડભાણ, જેતલપુર આદિ અનેક નગરોમાં પોતાના આશ્રિત ભક્તજનોને સુખ આપવા મહાન ઉત્સવો ઉજવ્યા છે.૨

હે રાજન્ ! ભગવાન શ્રીહરિ પોતાના ભક્તજનોની પ્રાર્થનાથી બીજે કે ત્રીજે વર્ષે જુનાગઢમાં અમુક ઉત્સવો ઉજવતા અને શ્રીનગરમાં તો પ્રતિ વર્ષે એક એક ઉત્સવ તો ઉજવતા જ.૩

તેમાં ધર્મ અને ભક્તિનું પોષણ કરતા ભગવાન શ્રીહરિ વડતાલમાં તો વર્ષે એકવાર જઇને કે બે વાર જઇને ઉત્સવો ઉજવતા અને ક્યારેક તો ત્રણવાર કે ચારવાર પણ એક વર્ષમાં મોટા મોટા ઉત્સવો ઉજવતા.૪

હે રાજન્ ! ભગવાન શ્રીહરિ વડતાલમાં વર્ષમાં કોઇવાર મોક્ષદા એકાદશીનો ઉત્સવ ઉજવ્યો. ક્યારેક સફલા એકાદશીનો ઉત્સવ ઉજવ્યો. ક્યારેક સાનંદા, ક્યારેક તિલદા એકાદશી, તથા ક્યારેક જયા, વિજયા, ધાત્રી, તથા પાપમોચની, વિમલા, વરૂથીની, મોહિની, અપરા, નિર્જલા, યોગિની, શયની, કામિકા અને પુત્રદા આદિ સર્વે એકાદશીઓના ક્યારેક ઉત્સવો કરતા. ક્યારેક પદ્મા, ઇન્દિરા, પાશાંકુશા, રમા, પ્રબોધની અને અભયા વગેરે એકાદશીના મહોત્સવો ઉજવ્યા.૫-૯

હે રાજન્ ! ભગવાન શ્રીહરિએ ક્યારેક શ્રીકૃષ્ણ ભગવાનના પ્રાગટયની અષ્ટમી, ક્યારેક શિવરાત્રી, ક્યારેક દીપાવલી, આદિ મોટા મોટા ઉત્સવો પણ વડતાલમાં ઉજવી પોતાના આશ્રિત પુરુષો તથા બહેનોને ખૂબજ સુખ આપ્યાં.૧૦-૧૧

ભગવાન શ્રીહરિના સાંનિધ્યમાં દર વર્ષે ઉજવતા આવા મહોત્સવ પ્રસંગોને દેશ-દેશાંતર નિવાસી સમગ્ર ભક્તજનો જાણે છે.૧૨

હે રાજન્ ! જે ભક્તજનો વડતાલ, અમદાવાદ, ગઢપુર કે જુનાગઢની સમીપમાં રહેતા તે ભક્તજનો ભગવાન શ્રીહરિ જ્યાં જ્યાં નિવાસ કરીને પ્રતિવર્ષે જે જે મોટા ઉત્સવો ઉજવતા. તેમાં ભાગ લેવા આવતા.૧૩

અને જે મધ્યપ્રદેશમાં નિવાસ કરીને રહેતા તે ભક્તજનો વર્ષમાં બે ત્રણ ઉત્સવમાં ભાગ લેવા પધારતા, અને તનાથી પણ દૂર પ્રદેશમાં રહેતા ભક્તો વર્ષમાં એક ઉત્સવમાં પધારતા.૧૪

હે રાજન્ ! ભગવાન શ્રીહરિ ક્યારેક વડતાલમાં વિષ્ણુયાગ નામનો યજ્ઞા કરતા, ક્યારેક બ્રાહ્મણો પાસે ભગવાન શ્રીવિષ્ણુના અષ્ટાક્ષરમંત્રનો જપ કરાવતા.૧૫

ક્યારેક બ્રાહ્મણો પાસે વિષ્ણુસહસ્રનામ સ્તોત્રનું પુરશ્ચરણ પણ કરાવતા, ક્યારેક શ્રીમદ્ભાગવતનું પુરશ્ચરણ કરાવતા, ક્યારેક એક લાખ મંત્રોનો હોમ કરાવતા, ક્યારેક કરોડ મંત્રોનો હોમ કરાવતા.૧૬

વળી ભગવાન શ્રીહરિ વડતાલમાં ક્યારેક હજારો બ્રાહ્મણો તથા સાધુઓને જમાડી તૃપ્ત કરતા અને ક્યારેક સુપાત્ર બ્રાહ્મણોને ગુડધેનુ કે ધાન્ય પર્વત આદિ મહાદાનો પણ કરતા.૧૭

ક્યારેક બ્રહ્મકુમારોને યજ્ઞોપવીત સંસ્કારનું પ્રદાન કરાવતા અને એકવાર તો ભગવાનની મૂર્તિઓનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ પણ ઉજવેલો.૧૮

તેમજ કોઇવાર ઇષ્ટોત્સવ કર્મ, કે પૂર્તોત્સવકર્મ પણ કરેલું. આ પ્રમાણે ભગવાન શ્રીહરિએ વડતાલમાં અનંત ઉત્સવો ઉજવીને એકાંતિક ભાગવતધર્મની અતિશય પુષ્ટિ કરી છે.૧૯

ભગવાન શ્રીહરિ જે જે પુર, નગર કે ગામમાં કે પછી વનમાં નિવાસ કરીને રહેતા. ત્યાં સેંકડો, હજારો કે લાખો મનુષ્યો આવતા અને જતા.૨૦

ભગવાન શ્રીહરિ તે ઉત્સવમાં આવતા જનોને પોતાના પ્રભાવથી અધર્મવંશના બંધનમાંથી છોડાવી સદ્ધર્મના માર્ગ પર ચાલતા કરતા.૨૧

ભગવાન શ્રીહરિ પૃથ્વી પર નિવાસ કરતા હોવાથી અધર્મ અદૃશ્ય થઇ ગયો અને કળિયુગ બળહીન થયો, તેમજ ધર્મની ખૂબજ પ્રતિષ્ઠા વધી.૨૨

હે રાજન્ ! મેં તમારા પ્રશ્નને અનુસારે શ્રીનારાયણ ભગવાનની કથા સંક્ષિપ્તમાં સંભળાવી, ફરી કાંઇ પૂછવું હોય તો પૂછો.૨૩

આ પ્રમાણે મુમુક્ષુ રાજા પ્રતાપસિંહે સુવ્રતમુનિના મુખથકી ભગવાન શ્રીહરિનાં ચરિત્રોની કથા સાંભળી, છતાં તૃપ્તિ ન થવાથી વારંવાર કથામૃતનું પાન કરવાની ઇચ્છાવાળા રાજા મહામુનિને ફરી પૂછવા લાગ્યા.૨૪

રાજા પૂછે છે, હે મુનિ શ્રેષ્ઠ ! હરિકથામૃતનું પાન કરીને મને તૃપ્તિ થતી નથી. એટલે વારંવાર કથામૃતનું પાન કરવાની ઇચ્છા થયા કરે છે.૨૫

હે બ્રહ્મન્ ! શ્રીહરિએ વડતાલમાં અનંત ઉત્સવો કર્યા. એમ જે તમે હમણાં મને કહ્યું, તો વડતાલના ઉત્સવોની કથા સાંભળવા હું ઇચ્છુ છું.૨૬

હે મુનિ ! નિષ્કારણ અપાર કરૂણા કરી, મનુષ્યાકૃતિ ધારી, વિચરણ કરી રહેલા ભગવાન શ્રીહરિએ તમે કહ્યાં તેના સિવાયનાં બીજાં જે કાંઇ ચરિત્રો કર્યાં હોય તેની કથા મને સંભળાવો.૨૭

આ પ્રમાણે કથારસના સ્વાદને જાણતા પ્રતાપસિંહ રાજાએ જ્યારે પ્રશ્ન પૂછયો ત્યારે પ્રસિદ્ધ મહામુનિ સુવ્રતમુનિ ભગવાનનાં ચરિત્રનું સ્મરણ થઇ આવવાથી અતિશય હર્ષઘેલા થયા અને રાજાને કહેવા લાગ્યા કે હે રાજન્ ! તમે મને બહુ જ સરસ પ્રશ્ન કર્યો છે. તમારી મતિ અતિશય નિર્મળ છે. તેથી ફરી ફરી શ્રીનારાયણમુનિની કથા સાંભળવાની ઇચ્છા રાખો છો.૨૮-૨૯

મનુષ્ય નાટક ધારણ કરી વિચરણ કરી રહેલા ભગવાન શ્રીહરિનાં સમગ્ર ચરિત્રો તો હું કહેવા સમર્થ થઇ શકું તેમ નથી. તેથી સંક્ષેપથી અમુક ચરિત્ર કહું છું.૩૦

હે રાજન્ ! એકાંતિક ભાગવતધર્મનું સ્થાપન કરવામાં અત્યંત ઉત્સુક ભગવાન શ્રીહરિ પ્રતિવર્ષ વારંવાર ગઢપુરથી વડતાલપુર પધારતા અને સમગ્ર ભક્તજનોને સુખ ઉપજાવતા.૩૧

વડતાલમાં મોટા મોટા અનંત ઉત્સવો ઉજવેલા તેમાંથી એક ઉત્સવની કથા તમને સંક્ષેપથી સંભળાવું છું. આ એક ચરિત્રની કથા ઉપરથી બીજા ઉત્સવોનું પણ તેજ રીતે અનુમાન કરી લેવું.૩૨

આ પ્રમાણે અવતારી શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમત્ સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના તૃતીય પ્રકરણમાં વડતાલમાં ઉજવેલા ઉત્સવોનું નિરૂપણ કર્યું, એ નામે છેતાલીસમો અધ્યાય પૂર્ણ થયો. --૪૬--