મારે મંદિર પધારો પ્રભુ પ્રીત કરી (૪)?

Submitted by swaminarayanworld on Sun, 30/04/2017 - 6:05pm

રાગ : બીહાગ

પદ-૧

મારે મંદિર પધારો પ્રભુ પ્રીત કરી. મારે૦ ટેક.

શંકા કોઈની ધરસોમાં, આવો મગન થકાં છોગાં શીશ ધરી. મારે૦ ૧

વિધવિધનાં પકવાન કર્યા છે, પીરસી મેલ્યો છે મેંતો થાળ ભરી,

મોતૈયા સેવૈયા સાટા જલેબી પેંડા, બરફીને બીરંજ હરીસો હરિ. મોરે૦ ૨

શાક પાક બહુ ભાતે કર્યા છે, કસર નથી માંહી કસીયે જરી,

જે જે ગમે તે જમજો હરિ મારા, માગી લેજો ઉપર મીઠું રે મરી. મારે૦ ૩

સર્વે મનોરથ પૂરો મારા, આવો નહિ આવે મારે લાગ ફરી,

પ્રેમાનંદના નાથ ધર્મકુંવર પિયા, મન કર્મ વચને હું તમને વરી. મારે૦ ૪

 

પદ-૨

મારે ભુવન પધારો હરિવર હસતા. મારે૦ ટેક.

પ્રીત કરીને પ્રીતમ તમને, લાડવા જમાડું સુંદર લસલસતા. મારે૦ ૧

વસન આભૂષણ પહેરીને પધારો. ગૂઢો રેંટો કમરે કસતા,

ચાખડીયો પહેરીને ચટકતી લટકતી, ચાલે મારે ઉર વસતા. મારે૦ ૨

ડોલરીયાના ઉર હાર પહેરીને, અતર ફુલેલમાં સમસમતા,

આવતાં ઉર શંકા ન ધરશો, દુરિજન દેખીને છોને ભસતા. મારે૦ ૩

જમતા જીવન લટકાં કરીને, નરનારીના ઉરમાં ધસતા,

નેણાં ભરીને નિરખું નટવર, પ્રેમાનંદને લાડુ પીરસતા. મારે૦ ૪

 

પદ-૩

તમે જમો જમો મારા ઠાકરીયા. તમે૦ ટેક.

હરિવર મારે હાથે જમાડું, સુંદર લાડુ સાકરીયા. તમે૦ ૧

પેંડા બરફી ખાજાં જલેબી, મરકી મેસુબ ને ઘેબરીયાં,

શીરો પુરી કંસાર હરીસો, બીરંજ જમો કહાના કેશરીયા. તમે૦ ૨

ભજીયાં વડાં તળ્યા છે પાપડ, મીઠું જીરૂં નાખીને મરીયાં,

શાક પાક સુંદરવર જમજો, રાયતણાં સુંદર દહીંથરીયાં. તમે૦ ૩

આંબા મોરનો ભાત અનુપમ, દૂધ સાકર જમો ગિરિધરીયા,

વધે તે પ્રેમાનંદને આપો, ધર્મકુંવર રંગના ભરીયા. તમે૦ ૪

 

પદ-૪

આપું પાન બીડી જમો ભક્તપતિ. આપું૦ ટેક.

ધર્મકુંવર ઘનશ્યામ સુંદરવર, તમથી વહાલું મારે કોઈ નથી. આપું૦ ૧

નાગરવેલીનાં પાન મનોહર, કાથો ચુનો મેલી રતી રે રતી,

તજ એલાયચીં માંહી લવીંગ સોપારી, બીડી વાળી છે વાલ સરસ અતિ. આપું૦ ૨

સુંદર મુખમાં બીડી આપું, નિરખું ચકોર જયું ચંદ ગતિ,

પીકદાની કરૂં હાથતણી મારે, ઘણારે દિવસની આશ હતી. આપું૦ ૩

તન મન વારૂં આરતી ઉતારૂં, એ વર માગું કરી વિનંતી,

ધર્મકુંવર ઘનશ્યામ ચરણમાં, પ્રેમાનંદની રહો અચલ મતિ. આપું૦ ૪

Facebook Comments