આજ સખી શ્યામળીયો વાલો, પરોણા ઘેર આવ્યા, (૧)

Submitted by swaminarayanworld on Sun, 30/04/2017 - 5:45pm

રાગ : વસંત

પદ-૧

આજ સખી શ્યામળીયો વાલો, પરોણા ઘેર આવ્યા,

થાળ ભરીને મેંતો મોંઘે, મોતીડે વધાવ્યા. આજ૦

કરસાઈને કૃષ્ણજીવનને, મંદિરમાં પધરાવ્યા,

નોતરીયા નારાયણ મેં તો, બહુવિધ પાક બનાવ્યા. આજ૦ ૧

ખટરસ ચ્યાર પ્રકાર સુધારી, થાળ ભરીને લાવ્યા,

કંચન કળશ ભરીને શીતળ, જળ યમુનાનાં પાયાં. આજ૦ ૨

લાડુ પેંડા જલેબી ઘેબર, બહુ પકવાન પીરસાવ્યાં,

શાક પુર્યાં બહુ કનક કટોરે, જે હરિને મન ભાવ્યાં. આજ૦ ૩

ભજીયાં વડાં ફાફડા પાપડ, તળેલ તાતાં તાવ્યાં,

લીંબુ આદા કેરીનાં બહુ, અથાણાં મંગાવ્યા. આજ૦ ૪

દાળ ભાત પીરસીને સાકર, નાખી દુધ ઓટાવ્યાં,

દુધ ભાત જમાડી હરિને, હેતે ચળુ કરાવ્યાં. આજ૦ ૫

પાનબીડાં અમારાં હરિયે, હાથો હાથ લઈ ચાવ્યાં,

પ્રેમાનંદના નાથને ભેટી, તનના તાપ સમાવ્યા. આજ૦ ૬

Facebook Comments