જોને જીવ જાગી, જોને પ્રાણી જાગી; (૪)

Submitted by swaminarayanworld on Mon, 18/04/2016 - 10:20pm

રાગ ગરબી

પદ - ૧

જોને જીવ જાગી, જોને પ્રાણી જાગી;

હાંરે એળે ઉંમર જાય છે અભાગી. જોને જીવ.

હાંરે સાચા સંતને સેવીને સુખી થાને;

હાંરે હેતે ગુણ ગોવિંદના ગાને. જોને જીવ. ૧

હાં રે હરિકૃષ્ણ કેશવ કાન કે ને ;

હાંરે સંત બ્રાહ્મણને અન્ન જળ દેને. જોને જીવ. ૨

હાંરે રૂડો ધર્મ ધારીને ફેલ ત્યાગી;

હાંરે શીદ લે છે ચોરાસીને માગી. જોને જીવ. ૩

હાંરે દારૂ માટી ચોરી ને પરનારી;

હાંરે એમાં જન્મ કર્યો તે ખવારી. જોને જીવ. ૪

હાંરે બદ્રિનાથ કહે જમનો માર ખાશો;

હાંરે ત્યારે હાથ ઘસીને પસ્તાશો. જોને જીવ. ૫

 

પદ - ૨

હરિ નામ ભૂલ્યો, પ્રભુનું નામ ભૂલ્યો;

હાંરે ધન જોબન જોઈને અતિ ફુલ્યો. હરિ નામ.

હાંરે પાઘે પેચ પાડી રે તાલ લાવે;

હાંરે જોઈ દર્પણને મુછ મરડાવે. હરિ નામ. ૧

હાંરે લાંબી ધોતી પેરીને પટી પાડે;

હાંરે મોટી ચોટી આછકલી દેખાડે. હરિ નામ. ૨

હાંરે રૂડી નારી જોઈને થાય રાજી;

હાંરે કરે હાંસી મશકરી પાજી. હરિ નામ. ૩

હાંરે મુખે નામ હરિનું ન ભાખે;

હાંરે કામી હરામી શું હેત રાખે. હરિ નામ. ૪

હાં રે બદ્રિનાથ ક હે સત્ય વા ણી ;

હાંરે તુને જોરે જાશે જમ તાણી. હરિ નામ. ૫

 

પદ - ૩

કોઈ કામ નાવે, કોઈ કામ નાવે;

હાંરે અંતે આપે એકલો જાવે. કોઈ કામ.

હાંરે માત તાત ભાઈ ને સુત નારી;

હાંરે કાકો મામો માસી ને હીતકારી. કોઈ કામ. ૧

હાં રે ખાટ પાટ પલંગ પરિવાર ;

હાંરે ખેતીવાડી ઘોડી ને ઘરબાર. કોઈ કામ. ૨

હાંરે મેડી મંદિર ઝરૂખાને જાળી;

હાંરે મેલી મોટા મોટા ગયા ચાલી. કોઈ કામ. ૩

હાંરે લાખ ક્રોડી માયા ઘેર ઘાલી;

હાંરે ગયા તે પણ અંતે હાથ ખાલી. કોઈ કામ. ૪

હાંરે જેહ હાથે દીધું તે સાથે આવે;

હાંરે સત્ય બદ્રિનાથ એમ ગાવે. કોઈ કામ. ૫

 

પદ - ૪

જયારે જમ આવે, જયારે જમ આવે;

હાંરે ત્યારે હાથ ઘસીને પસ્તાવે. જયારે.

હાંરે અંતકાળે કઠણ દુઃખ થાશે;

હાંરે બેઊ દુઃખેથી જીવડો જાશે. જયારે. ૧

હાંરે નાડી તૂટેને બંધ છૂટી જાય;

હાંરે લાગે બોતેર કોઠામાં લાય. જયારે. ૨

હાંરે ખાય ખાંસી ને શુળ બહુ આવે;

હાંરે શ્વાસ લેતાં તે જીવડો જાવે. જયારે. ૩

હાંરે રોમ રોમ વીંછીનું દુઃખ થાય;

હાંરે તે તો શેષ થકી ન કેવાય. જયારે. ૪

હાંરે ચાલે શ્વાસ ને બોલી બંધ થાય;

હાંરે બદ્રિનાથ કે આંખ ફાટી જાય. જયારે. ૫

Facebook Comments