પ્રભુ ભજી લેને પ્રાણીયા જીરે, ઊત્તમ આવ્યો અવતાર રે (૪)

Submitted by swaminarayanworld on Mon, 18/04/2016 - 10:19pm

રાગ ગરબી

પદ - ૧

પ્રભુ ભજી લેને પ્રાણીયા જીરે, ઊત્તમ આવ્યો અવતાર રે. પ્રભુ.

સંત સમાગમ કરીને જીરે, સમજી લે સાર અસાર રે. પ્રભુ. ૧

દુર્લભ નરતન દેવને જીરે, એવું પામ્યો તન આજ રે. પ્રભુ.

નારી મળી છે ધુતારડી જીરે, તારું બગાડશે કાજ રે. પ્રભુ. ૨

હસીને હેત જણાવશે જીરે, રૂડી દેખાડશે ચાલ રે. પ્રભુ.

તારું સર્વે ધન ખાઈને જીરે, કરશે ભૂંડા પછી હાલ રે. પ્રભુ. ૩

ગાળું ભૂંડી તુને ભાંડશે જીરે, વળી દેશે ઊઠીને લાત રે. પ્રભુ.

દાસ બદ્રિનાથ એમ કહે જીરે, સાચી માને એ વાત રે. પ્રભુ. ૪

 

પદ - ૨

પામી જોબનના જોરને જીરે, ચાલે છે ચાલ કુચાલ રે. પામી.

છલ કપટ દગા કરી જીરે, લાવે પરાયો ઘેર માલ રે. પામી. ૧

પર નારી સાથે પ્રિતડી જીરે, કરે મેલી લોક લાજ રે. પામી.

ગાંજો તમાકું ભાંગ પીએ જીરે, કરે બીજાં અકાજ રે. પામી. ૨

ટેડી બાંધી માથે પાઘડી જીરે, ચાલે મરોડી ચાલ રે. પામી.

પ્રિતે પાડે રૂડી પાટલી જીરે, મુછું તાણી લાવે તાલ રે. પામી. ૩

હરિજનની હાંસી કરે જીરે, પાપી પુરુષ સંગે પ્રિત રે. પામી.

દાસ બદ્રિનાથ એમ કહે જીરે, અંતે થાઈશ ફજેત રે. પામી. ૪

 

પદ - ૩

અંતે લેવા જમ આવશે જીરે, સર્વે મળી સંગાથ રે. અંતે.

ફરસી ફાંસી સંગે લાવશે જીરે, મોટા મુદગર વળી હાથ રે. અંતે.૧

તેને દેખીને નાડી તૂટશે જીરે, છૂટશે દેહના બંધ રે. અંતે.

બોતેર કોઠામાં લાય લાગશે જીરે, બોલી થાશે તારી બંધ રે. અંતે.૨

કંઠ રૂંધાશે કફ જાલથી જીરે, પાણી ન પીવાય મુખ રે. અંતે.

ઈન્દ્રિના દ્વાર સૌ રૂંધશે જીરે, દેશે અતિ તુને દુઃખ રે. અંતે. ૩

કોટી વીંછીની થાશે વેદના જીરે, તારા તે તનને માંય રે. અંતે.

બદ્રિનાથ કહે તે સમયે જીરે, કરશે તારી કોણ સહાય રે. અંતે. ૪

 

પદ - ૪

જોરે ઝાલી ગળે જમડા જીરે, લઈ જાશે જમપુરીમાંય રે. જોરે.

વૈતરણી નદીમાં નાખશે જીરે, પછી પીલે ચીચુમાંય રે. જોરે. ૧

મુદગરના માર વળી મારશે જીરે, ભાંગી થાશે હાડચુર રે. જોરે.

આંખોમાં ગજ ઉંના ઘાલશે જીરે, જેણે જોયું નારી નુર રે. જોરે. ૨

છાતી દબાવી જોરે જમડા જીરે, સીસાં ઊનાં કરી પાય રે. જોરે.

ઉંના ચાંપે વળી ચીપીયા જીરે, મુખે કરે હાય હાય રે. જોરે. ૩

એવું દેશે દુઃખ તુજને જીરે, જેની ન રાખતો બીક રે. જોરે.

દાસ બદ્રિનાથ એમ કહે જીરે, હજી ચેતે તો ઘણું ઠીક રે. જોરે. ૪

Facebook Comments