સોનાનાં બોર ઝુલે નંદકિશોર, પ્યારાને પારણે સોનાનાં બોર (૪) ?

Submitted by swaminarayanworld on Fri, 18/03/2016 - 9:00pm

 

રાગ ગરબી

 

પદ - ૧

સોનાનાં બોર ઝુલે નંદકિશોર, પ્યારાને પારણે સોનાનાં બોર. ટેક.

હિરા માણેક બહુ જડીયા પારણીયે,

કાજુ શોભે છે રૂડી મોતીડાંની કોર. પ્યારા૦ ૧

કોઇક કા’નાને નેણે સારે કાજળીયું,

કોઈક બનાવે કસ્તુરીની ખોર. પ્યારા૦ ૨

હીલો ગાવે ને માતા હરિને ઝુલાવે,

હાથે ગ્રહી છે રૂડી હીરલાની દોર. પ્યારા૦ ૩

બ્રહ્માનંદ કહે મુખ રસીયા વહાલમનું,

ગોપી જુવે છે જેમ ચંદ્રચકોર. પ્યારા૦ ૪

૧. હસમુખ પાટડીયા

૨. ભગવતચરણદાસજી સ્વામી

 

પદ - ૨

નંદકુમાર મારા હૈડાનો હાર, ઝુલે પારણીએ નંદકુમાર;

કંકુડા વરણું કહાન કુંવરનું મુખડું,

જોઈને મોહી છે વ્રજડાની નાર. ઝુલે૦ ૧

કોડે કોડે રે ઝાઝું હેત કરીને,

લુણ ઉતારે માતા વારમવાર. ઝુલે૦ ૨

હીલો ગાવેને ગોપી હરિને ઝુલાવે,

ભીડ મચી છે નંદજીને રે દ્વાર. ઝુલે૦ ૩

બ્રહ્માનંદનો વા’લો લટકાળો લાલો,

અજબ રંગીલો છેલો પ્રાણ આધાર. ઝુલે૦ ૪

( કોઈક કીર્તનાવલીમાં "નંદકુમાર"  ની જગ્યાએ "ધર્મકુમાર" પણ જોવા મળે છે. )

 

પદ - ૩

સંતોના શ્યામ દોયલી વેળાનું દામ,

પોઢ્યા પારણીએ સંતોના શ્યામ. ટેક.

મુખડું જોવા માવાનું આવે મુનીશ્વર,

અરજ કરે છે નંદજીને રે ધામ. પોઢ્યા૦ ૧

વારા ફેરી ઝુલાવે રસિયા વહાલમને,

ગોપી મેલીને ઘરડાનાં રે કામ. પોઢ્યા૦ ૨

કાલું બોલે છે વા’લો મનડાંને મોહતા,

રોતા રહે છે છાના રાધાને રે નામ. પોઢ્યા૦ ૩

બ્રહ્માનંદનો વા’લો જન્મસંગાથી,

વ્રજના વાસીને ઠરવાનું છે ઠામ. પોઢ્યા૦ ૪

૧. શ્રીજીચરણદાસજી સ્વામી

 

પદ - ૪

બાલુડે વેશ માથે શોભે છે કેશ,

વહાલો રમે છે મારો બાલુડે વેશ. ટેક.

અખિલ બ્રહ્માંડનો કર્તા અખંડિત,

નાથ કરે છે લીલા નંદજીને નેશ. વહાલો૦ ૧

રસિયા પ્રીતમને ગોપી  તેડી રમાડે,

જેના મહિમાનો પાર પામે ન શેષ. વહાલો૦ ૨

દેખી પંખીને મારો શ્યામ ડરે છે,

ધ્યાન ધરે છે જેનું શિવજી હમેશ. વહાલો૦ ૩

બ્રહ્માનંદનો પ્યારો જીવન મારો,

લાલ આંખડલીમાં રાખીને લેશ. વહાલો૦ ૪

Facebook Comments