૧ પ્રિયવ્રત રાજાનું ચરિત્ર

Submitted by swaminarayanworld on Fri, 19/02/2016 - 9:00pm

અધ્યાય -:- ૧

પ્રિયવ્રત રાજાનું ચરિત્ર

પરીક્ષિત રાજા પૂછે છે - હે ભગવન્‌ ! મહારાજ પ્રિયવ્રત તો ભગવાનના મહાન ભક્ત અને આત્મનિષ્ઠ હતા, જેના બંધનમાં જીવ પોતાના મૂળ સ્વરૂપને ભૂલી જઇ કર્મના બંધનમાં બંધાઇ જાય છે, એવા ગૃહસ્થાશ્રમમાં તેમને ભાવના શાથી થઇ ?. ૧ હે શ્રેષ્ઠ વિપ્ર ! આવા નિર્લેપ મહાપુરુષોનું ગૃહસ્થાશ્રમમાં પડવું યોગ્ય નથી. ૨ જેમનું ચિત્ત પવિત્ર કીર્તિવાળા શ્રીહરિનાં ચરણોની શીતળ છાયાનો આશ્રય પામીને શાન્ત થઇ ગયું છે, તે મહાપુરુષો પરિવાર આદિમાં આસક્ત થાય નહીં. એમાં કોઇ પ્રકારે સંદેહ નથી. ૩ સ્ત્રી ઘર અને પુત્રાદિકમાં આસક્ત રહીને પણ મહારાજ પ્રિયવ્રતે શી રીતે સિદ્ધિ પ્રાપ્ત કરી ? અને તેમની શ્રીકૃષ્ણના ચરણોમાં દૃઢ ભક્તિ કઇ રીતે થઇ ? એ વાતનો મને વસવસો છે. ૪

શુકદેવજી કહે છે - હે રાજન્‌ ! તમારું કહેવું બરાબર છે, જેમનાં ચિત્ત પવિત્ર કીર્તિવાળાં શ્રીહરિનાં પરમ મધુર ચરણ કમળના મકરંદરસમાં તલ્લીન થઇ ગયાં છે તે કોઇ વિઘ્ન નડતરને લીધે અવરોધ આવવા છતાં પરમહંસ ભાગવતોને પ્રિય વાસુદેવ ભગવાનના કથાશ્રવણરૂપી પરમ કલ્યાણમય માર્ગને પ્રાયઃ છોડતા નથી. ૫ હે રાજન્‌ ! રાજકુમાર પ્રિયવ્રત પરમ ભગવદ્ ભક્ત હતા. નારદજીનાં ચરણોની સેવા કરવાથી તેમને સહજમાં જ પરમતત્ત્વનું જ્ઞાન થયું હતું. તે પોતાનું જીવન નિરંતર બ્રહ્મના અભ્યાસમાં વિતાવવાનો સંકલ્પ કરવાના હતા, તે સમયમાં તેમના પિતા સ્વાયંભૂ મનુએ રાજ્ય શાસન માટે પ્રિયવ્રત રાજાને શાસ્ત્રમાં કહેલા સર્વે ઉત્તમ ગુણોવાળા પૂર્ણપણે સંપન્ન થયેલા જોઇને તેમને  રાજ્યાસનની ધુરા સંભાળી લેવા આજ્ઞા કરી. પરંતુ પ્રિયવ્રતે તો પોતાની તમામ ઇન્દ્રિયોને તથા ક્રિયાઓને ભગવાન વાસુદેવના ચરણોમાં અખંડ સમાધિયોગ દ્વારા સમર્પણ કરી દીધી હતી. એટલે પિતાની આજ્ઞાનો કોઇ પણ પ્રકારે અનાદર કરવો ન જોઇએ, પરંતુ રાજસત્તા મેળવવાથી મારો આત્મા, સ્ત્રી, પુત્રાદિ પ્રપંચરૂપ માયાના આવરણમાં આવી જશે, વળી રાજ્ય અને કુટુંબની ચિંતામાં હું પણ કદાચિત્‌ પરમાર્થ તત્ત્વને ભૂલી જઇશ, એમ વિચારીને તેમણે પિતાની આજ્ઞાનો સ્વીકાર ન કર્યો. ૬ બ્રહ્માજીને તો આ ત્રિગુણાત્મક માયા પ્રપંચની વૃદ્ધિનો નિરંતર વિચાર રહ્યા કરે છે, અને રાજાઓ જેમ સઘળા સંસારના જીવોનો અભિપ્રાય પોતાના ગુપ્તચરો મારફત મેળવતા રહે છે તેમ બ્રહ્મા પણ સમસ્ત સંસારના જીવોના અંતર્ગત વિચારોને જાણતા રહે છે. પ્રિયવ્રતની આવી મનોવૃત્તિ જોઇ એટલે તે મૂર્તિમંત ચારે વેદ તથા મરીચ્યાદિ પાર્ષદોને સાથે લઇ બ્રહ્મલોકમાંથી નીચે ઊતર્યા. ૭ આકાશમાં ઠેકાણે ઠેકાણે વિમાનોમાં બિરાજેલા ઇન્દ્ર વગેરે પ્રધાન દેવોએ તેમનું પૂજન કર્યું, માર્ગમાં પોતપોતાની મંડળીમાં આવેલ સિદ્ધ, ગન્ધર્વ, સાધ્ય, ચારણ અને મુનિજનોએ તેમની સ્તુતિ કરી, આમ બધીજ જગ્યાએ આદર સત્કાર પામતા તે નક્ષત્રપતિ ચંદ્રમાની જેમ ગન્ધમાદનની તળેટીને દેઈીપ્યમાન કરતા પ્રિયવ્રતની પાસે પહોંચ્યા. ૮ નારદજી પણ પ્રિયવ્રતને આત્મવિદ્યાનો ઉપદેશ આપવા માટે ત્યાં આવેલા હતા. બ્રહ્માજી ત્યાં પહોંચ્યા ત્યારે તેમના વહાન હંસને જોઇ દેવર્ષિ નારદ સમજી ગયા કે મારા પિતા બ્રહ્મા પધાર્યા છે. આથી તે સ્વાયંભૂવ મનુ તથા પ્રિયવ્રત સહિત ઊભા થયા, અને બધાએ હાથ જોડીને પ્રણામ કર્યા. ૯ હે પરીક્ષિત ! પછી નારદજીએ તેમની વિવિધ પ્રકારે પૂજા કરી અને મધુર વાણીથી તેમના ગુણ તથા અવતારની શ્રેષ્ઠતાનું વર્ણન કર્યું, ત્યારે આદિપુરુષ ભગવાન બ્રહ્મા મંદમંદસ્મિત વાળી દયામય દૃષ્ટિ કરીને આ પ્રમાણે વચન કહેવા લાગ્યા. ૧૦

બ્રહ્મા કહે છે - હે પ્રિય ! હું તને બિલકુલ સાચી વાત કહું છું, તેને ધ્યાન દઇને સાંભળ, તારે સર્વોપરી શ્રીહરિ પ્રત્યે કોઇ જાતની દોષ દૃષ્ટિ રાખવી ન જોઇએ, તેમાં પણ હું, મહાદેવજી અને તારા પિતા સ્વાયંભૂવમનુ અને તારા ગુરુ નારદજી અમે બધા તેમને આધીન રહી આજ્ઞાનું પાલન કરીએ છીએ. ૧૧ કોઇ પણ મનુષ્ય તપ, વિદ્યા, યોગબળ કે બુદ્ધિબળથી અથવા ધર્મ કે ધનની શક્તિથી અને પોતે અથવા બીજાની મદદથી તેમના વચનનો અનાદર કરી શકતો નથી. ૧૨ હે પ્રિયવર ! સર્વે જીવો જન્મ, મરણ, શોક, મોહ, ભય અને સુખદુ:ખને ભોગવવા અને કર્મ કરવા અવ્યક્ત ઇશ્વરે આપેલા શરીરને ધારણ કરે છે. ૧૩ હે વત્સ ! જેમ દોરીથી નાથેલ પશુ મનુષ્યનો ભાર વહન કરે છે, તેમ આપણે સૌ પરમાત્માની વેદવાણીરૂપ રાશમાં સાત્વિક, રાજસ અને તામસ આ ત્રણ પ્રકારનાં કર્મોના આધારભૂત બ્રાહ્મણ વગેરે વાક્યોના મજબૂત દોરડાથી બંધાઇને નાથેલા બળદો જેમ ખેડૂતની મરજી પ્રમાણે કામ કરે તેમ આપણે તે પરમાત્માની ઇચ્છા મુજબ કર્મને વળગી રહીએ છીએ. ૧૪ હે અંગ ! ભોગ ભોગવવામાં પણ આપણે પરતંત્ર છીએ, કેમકે ઇશ્વરે ગુણ અને કર્મને અનુસારે આપણને જે દેહ આપ્યો છે તે આપણે મંજૂર રાખવો જ પડે છે. અને તે અનુસાર આપણે સુખ અથવા દુ:ખ ભોગવતા રહીએ છીએ, જેમ કોઇ આંધળો માણસ દેખતા માણસને અનુસરે છે. ૧૫ આ સઘળું અજ્ઞાનીને માટે છે, પણ જ્ઞાની એવા બ્રહ્મવેત્તાને માટે નથી, એમ સમજવું નહીં, કારણ કે મુક્તિને પામેલો મનુષ્ય પણ પ્રારબ્ધના ભોગ ભોગવતો રહીને ભગવાનની ઇચ્છાનુસાર પોતાના શરીરને ધારણ કરે જ છે. જેવી રીતે નિદ્રામાં જે સ્વપ્ન જોયાં હોય તે જાગ્યા પછી માણસને સ્વપ્નામાં દીઠેલા પદાર્થનું સ્મરણ રહે છે પણ તે પદાર્થમાં અભિમાન થાય નહિ, તેમ મુક્તભાવને પામેલા જીવોને પણ આ દેહનું સ્મરણ રહે છે, પણ તેમાં અભિમાન થતું નથી, તે કારણે એ જીવનમુક્ત ભોગની વાસનાથી બીજો દેહ ધારણ કરવો પડે તેવું કર્મ પણ કરતો નથી. ૧૬ ઘરનો ત્યાગ કરી વનમાં જવાથી જ મોક્ષ થાય છે, એમ સમજવું નહીં, કેમ કે ગાફલ માણસ વનમાં રહેવા છતાં પણ જો મન સહિત ઇન્દ્રિયોરૂપી છ શત્રુઓ ભેળા જ હોવાથી અસાવધાનીને કારણે વિષયોમાં ખેંચી જાય છે. અને જે વિદ્વાન્‌ માણસ સાવધાની પૂર્વક જિતેન્દ્રિય તથા આત્મારામ થઇને ઘરમાં રહેતો હોય તો પણ ગૃહસ્થાશ્રમ તેનું કાંઇ બગાડી શકતો નથી. ૧૭ જેને આ છ શત્રુઓને જીતવાની ઇચ્છા હોય તેણે પ્રથમ પોતાના પરિવાર સહિત ઘરમાં રહીને મન ઇંદ્રિયોરૂપી છ શત્રુઓનો અત્યંત નિરોધ કરી તેમને વશ કરવાનો પ્રયત્ન કરવો જોઇએ. જેવી રીતે કિલ્લામાં રહીને લડનાર રાજા અતિ બળવાન શત્રુઓને પણ જીતી લેછે, પછી જ તે સ્વતંત્ર વિહાર કરી શકે છે. એવા વિચારશીલ વિદ્વાનોને માટે ઘર અને વન બન્ને સમાન થઇ જાય છે. છતાં પણ ભગવાન પદ્મનાભે આપેલા ભોગો ભોગવ્યા પછી આસક્તિ મુક્ત થઇ પોતાના આત્મસ્વરૂપમાં લીન થઇ જાય છે. ૧૮-૧૯

શુકદેવજી કહે છે - ત્રણે લોકના ગુરુ બ્રહ્માએ જ્યારે આ પ્રમાણે કહ્યું ત્યારે પરમ ભાગવત પ્રિયવ્રત પોતે નાના હોવાને કારણે નમ્રતાપૂર્વક મસ્તક નમાવી આપની આજ્ઞા શિરોમાન્ય છે એમ કહીને ઘણા આદરથી તેમની આજ્ઞા માથે ચડાવી. ૨૦ સ્વાયંભૂવ મનુએ પોતાના પુત્રના આ વર્તનથી પ્રસન્ન થઇને ભગવાન બ્રહ્માજીની વિધિસર પૂજા કરી, ત્યાર પછી તે મન અને વાણીને અગોચર પોતાના આશ્રય અને વ્યવહારથી પર પરબ્રહ્મનું ચિંતન કરતા પોતાના લોકમાં ચાલ્યા ગયા. ૨૧ આ પ્રમાણે મનુએ બ્રહ્માજીની કૃપાથી પોતાનો મનોરથ પૂરો થયા પછી નારદજીની આજ્ઞાથી પ્રિયવ્રતને સંપૂર્ણ ભૂમંડળની રક્ષાની જવાબદારી સોંપી દીધી, અને પોતે વિષયરૂપી ઝેરી જળથી ભરપૂર અને તરીને પાર કરવા કઠણ એવા ગૃહસ્થાશ્રમરૂપી જળાશયની ભોગલાલસાથી મુક્તિ મેળવી. ૨૨ હવે પૃથ્વીપતિ મહારાજ પ્રિયવ્રત ભગવાનની ઇચ્છાથી રાજશાસનના કાર્યમાં નિયુક્ત થયા, જેઓ સમસ્ત બંધનમાંથી મુક્ત કરાવવામાં અતિશય સમર્થ છે, તે આદિ પુરુષ શ્રીભગવાનનાં ચરણકમળનું ધ્યાન કરતા રહેવાથી તેમના રાગ દ્વેષ વગેરે દોષ નાશ પામ્યા અને તેનું હ્રદય પણ અત્યંત શુદ્ધ હતું, તેમ છતાં વડીલોનું માન રાખવા માટે તેઓ પૃથ્વીનું શાસન કરવા લાગ્યા. ૨૩ ત્યારપછી તેમણે વિશ્વકર્માની પુત્રી બર્હિષ્મતી સાથે લગ્ન કર્યું, તેનાથી તેમને દશ પુત્રો થયા તેઓ પણ પોતાના પિતાની સમાન ગુણવાન, ચારિત્ર્યવાન, કર્મનિષ્ઠ પરાક્રમી અને રૂપવાન હતા અને દશ પુત્રો પછી સૌથી નાની ઊર્જસ્વતી નામે એક પુત્રી થઇ. ૨૪ પુત્રોનાં નામ આગ્નિધ્ર, ઇધ્મજિહ્વ, યજ્ઞબાહુ, મહાવીર, હિરણ્યરેતા, ઘૃતપૃષ્ઠ, સવન, મેધાતિથિ, વીતિહોત્ર અને કવિ હતા, આ બધાં નામો અગ્નિનાં પણ છે. ૨૫ તે દશપુત્રોમાંથી કવિ, મહાવીર અને સવન એ ત્રણ પુત્રો નૈષ્ઠિક બ્રહ્મચારી થયા, તેમણે નાની વયમાં જ આત્મવિદ્યાનો અભ્યાસ કરવા માંડ્યો અને અંતે તેમણે સંન્યાસ આશ્રમ સ્વીકાર્યો. ૨૬ આ નિવૃત્તિ પરાયણ મહર્ષિઓએ સંન્યાસ આશ્રમમાં રહીને સમસ્ત જીવોનો આધાર અને સંસારના બંધનોથી ભય પામેલા લોકોના આશ્રય દાતા એવા ભગવાન શ્રીવાસુદેવના ચરણકમળનું ચિંતવન કર્યું, તેનાથી પ્રાપ્ત થયેલ અખંડ શ્રેષ્ઠ ભક્તિયોગથી તેમનું અંતઃકરણ સર્વથા શુદ્ધ થયું તેના કારણે તેના હ્રદયમાં ભગવાન શ્રીહરિનો આવિર્ભાવ થયો. દેહાદિક સર્વે ઉપાધિ નિર્મૂળ થવાથી તેમનો આત્મા સર્વે જીવોના આત્માના આધાર એવા પરબ્રહ્મ પરમાત્મા સાથે તદ્રૂપ થઇ ગયો. ૨૭ પ્રિયવ્રત રાજાની બીજી પત્નીથી ઉત્તમ, તામસ અને રૈવત નામના ત્રણ પુત્રો ઉત્પન્ન થયા, કે જેઓ પોતાના જ નામવાળા મન્વંતરોના અધિપતિ થયા. ૨૮ આ પ્રમાણે કવિ આદિ ત્રણ પુત્રો નિવૃત્તિ લીધા પછી પ્રિયવ્રત રાજાએ અગિયાર અર્બુદ (દશ કરોડ બરાબર એક અર્બુદ) વર્ષો સુધી પૃથ્વીનું શાસન કર્યું, જ્યારે તેઓ પોતાની અખંડ પુરુષાર્થભરી બળવાન ભુજાઓ વડે ધનુષ્યની દોરી ખેંચી ટંકાર કરતા ત્યારે તમામ ધર્મદ્રોહીઓ ભયના માર્યા એવા સંતાઇ જતા હતા કે ક્યાંય નજરે પડતા ન હતા. પ્રાણથી પણ અધિક પ્રિય બર્હિષ્મતીનો દિન પ્રતિદિન આનંદ અને વિકાસ વધતો જતો હતો. તથા વિવિધ ક્રીડાઓ, સ્ત્રીજનને યોગ્ય હાવભાવ, લાજથી સંકોચાતું મંદહાસ્ય પૂર્વક જોવું અને સુંદર હાંસી મશ્કરીના વાક્યોથી જાણે વિવેક ભૂલી જઇને મોહમાં મગ્ન થયા હોયને શું એવી રીતે ભોગ ભોગવતા હોય એમ લાગતું હતું, પરંતુ વાસ્તવિક રીતે સંસારિક ભોગમાં આસક્ત ન હતા. ૨૯ એક વખત તેમને એવો વિચાર આવ્યો કે મેરુ પર્વતને પ્રદક્ષિણા ફરતા સૂર્યનારાયણ પૃથ્વીમાં લોકાલોક પર્વત પર્યંત અજવાળું કરે છે, પણ તેમાં વારાફરતી કોઇ એક બાજુ અડધા ભાગમાં અંધારું રહે છે, એ પોતાને નહીં ગમતાં ભગવાનની ઉપાસનાને લીધે અતિશય પ્રભાવશાળી એ પ્રિયવ્રત રાજા રાત્રીને પણ દિવસ બનાવી દેવાના હેતુથી સૂર્યના રથ સરખા વેગવાળા તેજોમય રથમાં બેસીને સૂર્યની પછવાડે બીજા સૂર્યની પેઠે ફરતા પૃથ્વીની સાત પ્રદક્ષિણા એવી રીતે કરી કે સૂર્ય જ્યારે અસ્તાચળ પર હોય ત્યારે પોતાનો રથ ઉદયાચળ પર આરોહણ કરતો હતો અને સૂર્ય જ્યારે ઉદય પામતા હોય ત્યારે તે પ્રિયવ્રત રાજા અસ્તાચળ પર પહોંચી જતા હતા. ૩૦ તે સમયે તેમના રથના પૈડાંઓથી જે ચીલા પડ્યા તે સાત સમુદ્ર થયા, કે જે સાત સમુદ્રને કારણે પૃથ્વીમાં સાત દ્વીપ થયા. ૩૧ તેમના નામ અનુક્રમે આ પ્રમાણે છે જંબુદ્વીપ, પ્લક્ષદ્વીપ, શાલ્મલિદ્વીપ, કુશદ્વીપ, કૌંચદ્વીપ, શાકદ્વીપ અને પુષ્કરદ્વીપ એમાંના પહેલા પહેલા કરતા પછી પછીના બમણા વિસ્તારવાળો છે. એવી રીતે એક દ્વીપ અને એક સમુદ્ર આ પ્રમાણે રચના થઇ છે. ૩૨ આ સાતે સમુદ્રો ક્રમશઃ ખારા પાણીથી, શેરડીના રસથી, મદિરાથી, ઘીથી, દૂધથી, દહીંથી અને મીઠા પાણીથી ભરેલા છે. આ સાતે સમુદ્રો ખાઇઓ સમાન છે, અને દરેક સમુદ્રો ક્રમથી અલગ અલગ સાતે ટાપુને ઘેરી રહેલા છે. મહારાજ પ્રિયવ્રતે પોતાના પુત્ર આગ્નીધ્ર, ઇધ્મજિહ્વ, યજ્ઞબાહુ, હિરણ્યરેતા, ઘૃતપૃષ્ઠ, મેધાતિથિ અને વીતિહોત્ર આ દરેકને અનુક્રમે જંબુ આદિ દ્વીપોના રાજા બનાવ્યા. ૩૩ અને પોતાની કન્યા ઊર્જસ્વતીનો વિવાહ શુક્રાચાર્ય સાથે કર્યો. તેનાથી શુક્રની કન્યા દેવયાનીનો જન્મ થયો. ૩૪ હે રાજન્‌ ! જેમણે ભગવાનના ચરણ કમળની રજના પ્રભાવથી ભૂખ, તરસ, શોક, મોહ, જરા, મૃત્યુ આ છ ગુણો તથા મન સહિત ઇન્દ્રિયોને જીતી લીધા છે એવા ભગવદ્ ભક્તો આવા પુરુષાર્થમાં લાગી રહે તેમાં નવાઇ પામવા જેવું કાંઇ નથી. કારણ કે ભગવાનના નામનું એક જ વાર ઉચ્ચારણ કરવાથી ચંડાલ આદિ નીચ યોનિનો પુરુષ પણ સંસારના બંધનમાંથી તરત મુક્ત થઇ જાય છે. ૩૫ આમ અપાર બળ અને પરાક્રમવાળા પ્રિયવ્રત રાજા એક દિવસ નારદજીના ચરણની સેવા કરતાં અર્થાત્‌ નારદજીએ આપેલો ઉપદેશ ગ્રહણ કર્યા છતાં પણ હું ફરી સંસારના પ્રપંચમાં ફસાઇ ગયો છું, આવું વિચારીને પોતાને વિહ્વળ જોઇને મનોમન વિચાર કરવા લાગ્યા. ૩૬ અહો !!! ભારે અનર્થ થયો, મારી વિષય લોલુપ ઇન્દ્રિયોએ મને અવિદ્યાથી જન્મતા વિષમ વિષયરૂપ અંધકારમય કૂવામાં ધકેલી દીધો. બસ બસ હવે આ વિષયભોગ ઘણો ભોગવ્યો, અરે રે !!! હું તો સ્ત્રીનો ક્રીડામૃગ બની ગયો, તેણે મને વાનરની જેમ નચાવ્યો, મને ધિક્કાર છે ! આ પ્રમાણે તેણે પોતાની વારંવાર નિંદા કરી. ૩૭ એ પ્રમાણે અફસોસ કરી ભગવાનની કૃપાથી પ્રાપ્ત થયેલા વિવેકને લીધે સારી પૃથ્વીનું ચક્રવર્તી રાજ્ય પોતાના પુત્રોને યોગ્યતા પ્રમાણે વહેંચી આપી. અને જેની સાથે તેમણે વિવિધ પ્રકારના ભોગો ભોગવ્યા હતા તે પોતાની બર્હિષ્મતી રાણી અને મોટી સમૃદ્ધિવાળાં રાજ્યનો મૃતશરીરની પેઠે ત્યાગ કરી પ્રિયવ્રત રાજા ફરી નારદજીએ કહેલા માર્ગને અનુસરી ભગવાનની લીલાનું ચિંતવન કરવા લાગ્યા. ૩૮

એ પ્રિયવ્રત રાજા વિષે એવી ઉક્તિ પ્રસિદ્ધ છે કે- વૈષ્ણવો ઉપર પ્રીતિ રાખતા પ્રિયવ્રત રાજા જેવું કાર્ય કર્યું તેવું કાર્ય સર્વશક્તિમાન ભગવાન સિવાય બીજો કોણ કરવા સમર્થ છે ? તેમણે રાત્રીના અંધકારને નષ્ટ કર્યો, અને પોતાના રથના પૈડાના ખાડારૂપ સાત સમુદ્રનું સર્જન કર્યું. ૩૯ દ્વીપોની રચનાથી પૃથ્વીની વ્યવસ્થારૂપ વિભાગ કર્યા અને પ્રત્યેક દ્વીપમાં વિભાગ પ્રમાણે નદીઓ, પર્વતો અને વન વગેરેથી તેમના સીમાડા નક્કી કરી આપ્યા. ૪૦ પોતે ભગવાનના એકાંતિક ભક્ત હતા અને પોતાના જ સત્કર્મથી મેળવેલ સ્વર્ગલોક, મૃત્યુલોક અને પાતાળલોક તેમજ સમગ્ર ઐશ્વર્ય સુખને પણ છેલ્લીવારે નરક સમાન માન્યું. ૪૧

ઇતિ શ્રીમદ્  ભાગવતે મહાપુરાણે પંચમ સ્કંધે પ્રિયવ્રત ચરિત્ર વર્ણન નામનો પહેલો અધ્યાય સંપૂર્ણ. (૧)