૫૬ કલંકરૂપ મણિને લાવી આપતા તથા જાંબવતી અને સત્યભામાને પરણતા શ્રીકૃષ્ણ ભગવાન

Submitted by swaminarayanworld on Fri, 19/02/2016 - 1:19pm

અધ્યાય ૫૬

કલંકરૂપ મણિને લાવી આપતા તથા જાંબવતી અને સત્યભામાને પરણતા શ્રીકૃષ્ણ ભગવાન.

શુકદેવજી કહે છે હે રાજા ! સત્રાજિત યાદવે પોતે શ્રીકૃષ્ણના અપરાધમાં આવતાં, તે  અપરાધને શાંત કરવા સારુ પોતે જ ઉદ્યમ કરીને પોતાની કન્યા સત્યભામા, સ્યમંતક નામના મણિની સાથે ભગવાનને આપી હતી.૧

પરીક્ષિત રાજા પૂછે છે હે મહારાજ ! સત્રજિતે ભગવાનનો શો અપરાધ કર્યો હતો ? અને ભગવાનને પોતાની દીકરી શા કારણથી આપી ?૨

શુકદેવજી કહે છે સત્રાજિત યાદવ સૂર્યનો ભક્ત હતો અને સૂર્યદેવ તેના સ્વામી છતાં પણ પરમ મિત્ર થઇને રહ્યા હતા. સૂર્યે પ્રસન્ન થઇને તેને સ્યમંતક નામનો મણિ આપ્યો હતો.૩ હે રાજા ! એક વખત એ મણિને ગળામાં બાંધી સૂર્યની પેઠે પ્રકાશીત તે સત્રાજિત દ્વારકામાં આવ્યો, ત્યાં તેજને લીધે તે ઓળખાયો નહીં.૪ તેના તેજથી જેઓનાં નેત્રો અંજાઇ ગયાં, એવા લોકોએ દૂરથી તેને જોઇ, સૂર્યની શંકાથી ચોપાટ રમતા ભગવાનને તેમની સામે જઇને કહ્યું કે હે નારાયણ ! હે શંખ, ચક્ર તથા ગદાને ધરનાર ! હે દામોદર ! હે કમળ સરખા નેત્રવાળા ! પોતાના કિરણોના સમૂહથી મનુષ્યોની આંખોનું હરણ કરતા, આ તીવ્ર કિરણોવાળા સૂર્યદેવ તમારું દર્શન કરવાને માટે આવે છે !!૫-૭ ત્રિલોકીમાં મોટા મોટા દેવતાઓ પણ આપના માર્ગને શોધે છે. હે પ્રભુ ! હમણાં આપને યાદવોમાં ગૂઢ રીતે રહેલા જાણી, સૂર્યદેવ તમારું દર્શન કરવા આવે છે.૮ આ પ્રમાણે અજાણ્યા માણસોનું બોલવું સાંભળી ભગવાને હસીને કહ્યું કે આ સૂર્યદેવ નથી, પણ મણિથી પ્રકાશી રહેલો સત્રાજિત છે.૯ પછી સત્રાજિત યાદવે ઉત્સવને લીધે જેમાં મંગલ કાર્ય કર્યાં હતાં એવાં પોતાનાં ઘરમાં પ્રવેશ કરી પોતાના ઘરમાં રહેલ, દેવ મંદિરમાં બ્રાહ્મણોની પાસે તે મણિનું પ્રતિષ્ઠા વિધિથી સ્થાપન કરાવ્યું.૧૦ હે રાજા ! એ મણિ દિવસે દિવસે આઠભાર સોનું આપતો હતો. એ મણિનું જ્યાં પૂજન થતું હોય ત્યાં દુર્ભિક્ષ, અકાળ મૃત્યુ, અકલ્યાણ, સર્પ, આધિ, વ્યાધિ કે બીજાં કોઇ અશુભના કારણ હોતા નથી.૧૧ જ્યાં એ મણિની પૂજા થતી હોય ત્યાં માયાવી લોકો પણ રહેતા નથી. એક વખત ભગવાને યાદવોના રાજા ઉગ્રસેનને માટે સત્રાજિતની પાસે એ મણિની માંગણી કરી હતી, પણ ધનના લાલચુ સત્રાજિતે ભગવાનની માંગણી ભંગના પરિણામનો વિચાર નહીં કરતાં તે મણિ આપ્યો ન હતો.૧૨ સત્રાજિતનો ભાઇ પ્રસેન એક દિવસે એ મોટી કાંતિવાળા મણિને ગળે બાંધી, ઘોડા ઉપર બેસીને વનમાં મૃગયા કરતો હતો, ત્યાં તેને એક કેસરી સિંહ તેના ઘોડા સહિત મારી નાખી મણિ ખેંચી લઇને પર્વતમાં ગયો, ત્યાં તે સિંહને પણ જાંબવાને મણિ લઇ લેવાની ઇચ્છાથી મારી નાખ્યો.૧૩-૧૪ જાંબવાને એ મણિ લઇને પોતાની ગુફામાં તેને બાળકના રમકડાંરૂપે રાખ્યો. પોતાના ભાઇ પ્રસેનને નહીં દેખતા તેનો ભાઇ સત્રાજિત પરિતાપ પામવા લાગ્યો અને કહ્યું કે કંઠમાં મણિ પહેરીને મારો ભાઇ વનમાં ગયો હતો, તેને ઘણું કરીને કૃષ્ણે મારી નાખ્યો હશે. આ સાંભળી લોકો કાનોકાન એક બીજાને કહેવા લાગ્યા.૧૫-૧૬ શ્રીકૃષ્ણ ભગવાન આ વાત સાંભળીને પોતાને પ્રાપ્ત થયેલી તે અપકીર્તિ ટાળવા સારુ ગામના લોકોની સાથે પ્રસેનની શોધ કરવા લાગ્યા.૧૭ વનમાં પ્રસેનને અને તેના ઘોડાને કેસરીએ મારી નાખેલા જોઇ આગળ ચાલેલા લોકોએ તે કેસરીને પણ પર્વત ઉપર જાંબવાન રીંછે મારી નાખેલો જોયો.૧૮ પછી ઘાટા અંધારાવાળી રીંછના રાજાની ભયંકર ગુફા જોવામાં આવતાં બીજા લોકોને બહાર બેસાડીને તેમાં ભગવાન એકલા જ ગયા.૧૯ એ ગુફામાં સ્યમંતક મણિને બાળકનું રમકડું કરેલો જોઇ, તેને લઇ લેવાના વિચારથી ભગવાન બાળકની પાસે ઊભા રહ્યા.૨૦ કોઇ દિવસ નહીં જોએલા એ પુરુષને જોઇ બાળકની ઉપમાતાએ બીકથી ચીસ નાખી, એ સાંભળી ક્રોધ પામેલા મહાબળવાન જાંબવાન દોડી આવ્યા.૨૧ ક્રોધી અને શ્રીકૃષ્ણના પ્રભાવને નહીં જાણતા જાંબવાન તે પોતાના સ્વામીને કોઇ પ્રાકૃત પુરુષ માની, તેમની સાથે યુદ્ધ કરવા લાગ્યા. (પોતાના સ્વામી કહેવાનો એ અભિપ્રાય છે કે રામાવતારમાં ભગવાન રામચંદ્ર જાંબવનના સ્વામી હતા અને એ જ રામ શ્રીકૃષ્ણ છે.)૨૨ પરસ્પર જીતી લેવાને ઇચ્છતા એ બન્ને જણાનું જેમ માંસને માટે બે બાજ પક્ષીઓનું યુદ્ધ થાય તેમ ભયંકર દ્વંદ્વ યુદ્ધ થયું. આયુધ, પથરા, ઝાડ, હાથ અને વજ્ર પડવા જેવી કઠણ મૂઠીઓથી રાત દિવસ વિસામો લીધા વિના યુદ્ધ કરતાં અઠ્ઠાવીશ દિવસ થયા.૨૩-૨૪ ભગવાનની મૂઠીઓના પ્રહારથી જાંબવાનના અંગોના સાંધાઓ શિથિલ થઇ ગયા, બળ ક્ષીણ થયું અને શરીરમાં પસીનો વળી ગયો, તેથી બહુજ વિસ્મય પામીને જાંબવાન આ પ્રમાણે બોલ્યો.૨૫ જાંબવાન કહે છે સર્વપ્રાણીઓના પ્રાણરૂપ, ઇંદ્રિય, હૃદય તથા દેહના બળરૂપ, પુરાણ પુરુષ, સર્વના પ્રભુ અને સર્વને વશ કરનારા આપને હું વિષ્ણુ જાણું છું.૨૬ જગતને સર્જનારાં સર્વે તત્ત્વો તેના પણ સર્જક છો, અને જગતને વશ કરનારાઓને પણ વશ કરનારા કાળરૂપ આપ છો, સર્વજીવોના શુદ્ધ અંતર્યામી આત્મા પણ આપ જ છો.૨૭ પૂર્વે રામાવતારમાં આપના સહેજ પ્રદીપ્ત ક્રોધના કટાક્ષો છૂટતાં જે સમુદ્રમાં મોટાં મગરો અને માછલાંઓ ખળભળી ઊઠ્યાં હતાં, એવા મહાસાગરે તરત જ માર્ગ આપી દીધો હતો, છતાં પણ પોતાની કીર્તિને માટે સેતુ બાંધ્યો, લંકા બાળી અને રાવણનાં માથાં બાણથી કાપીને ધરતી પર પાડ્યાં, તે જ આપ છો.૨૮

શુકદેવજી કહે છે હે રાજા ! આ પ્રમાણે રીંછના રાજાને જ્ઞાન થતાં શ્રીકૃષ્ણ ભગવાને પરમ કૃપાથી પોતાનો સુખકારી હાથ તે ભક્તના શરીર પર ફેરવીને પ્રેમપૂર્વક ગંભીર વાણીથી તેમને કહ્યું કે હે રીંછના રાજા ! અમે મણિને શોધતા શોધતા આ ગુફાના દ્વાર આગળ આવ્યા હતા અને આ મણિથી મારા ઉપરનો ખોટો અભિશાપ ટાળવા સારુ હું અંદર આવેલો છું.૨૯-૩૧ આ પ્રમાણે ભગવાનનાં વચન સાંભળી જાંબવાને ભગવાનના સત્કાર સારુ પ્રીતિથી પોતાની દીકરી જાંબવતીનું સ્યમંતક મણિની સાથે ભગવાનને દાન દીધું.૩૨ ગુફામાં ભગવાનના પાછા નીકળવાની બાર દિવસ સુધી વાટ જોઇ તો પણ બહાર નહીં નીકળતાં દુઃખ પામેલા દ્વારકાના લોકો પાછા દ્વારકામાં ગયા હતા.૩૩ દેવકી, રુક્મિણી, વસુદેવ, સંબંધીઓ અને જ્ઞાતિઓ ભગવાનને ગુફામાંથી બહાર નહીં નીકળેલા સાંભળી શોક કરતાં હતાં.૩૪ દુઃખ પામેલાં અને સત્રાજિતને ગાળો દેતાં દ્વારકાનાં માણસો શ્રીકૃષ્ણની પ્રાપ્તિ થવા સારુ મહામાયા દુર્ગાદેવીની આરાધના કરવા લાગ્યાં.૩૫ આરાધનાને લીધે દુર્ગાદેવીએ તેઓને આશીર્વાદ આપ્યો કે તમે શ્રીકૃષ્ણને જોશો, ત્યાં જ તુરત સ્ત્રી સહિત અને જેમનું કામ સિદ્ધ થયું હતું, એવા ભગવાન સર્વેને રાજી કરતા પ્રગટ થયા.૩૬ પાછા આવેલા ભગવાનને સ્ત્રી સહિત તથા ગળામાં મણિ સહિત જોઇને સર્વને મોટો આનંદ થયો.૩૭ પછી ભગવાને ઉગ્રસેન રાજાની સમક્ષ સભામાં સત્રાજિતને બોલાવી મણિ મળવાની સર્વે વાત કહીને તેને મણિ આપી દીધો.૩૮ મણિ લઇને બહુ જ લજાએલો અને પોતાના પાપથી પસ્તાતો તે સત્રાજિત નીચું મોઢું કરીને ત્યાંથી પોતાને ઘેર ગયો.૩૯ બળિયા સાથે વિરોધ થવાને લીધે વ્યાકુળ થયેલો તે સત્રાજિત પોતાના મનમાં તે જ વાતનું ધ્યાન લાગી રહેતાં વિચાર કરવા લાગ્યો કે હવે હું મારો અપરાધ શી રીતે ટાળું ? ભગવાન શી રીતે પ્રસન્ન થાય ? હું લાંબી દૃષ્ટિથી નહીં જોનારો, ક્ષુદ્ર, મૂઢ અને ધનનો લાલચુ છું તેથી મને માણસો શી રીતે ગાળો ન આપે ?૪૦-૪૧ હું સ્ત્રીઓમાં રત્નરૂપ મારી દીકરી સત્યભામા તથા મણિ એ બન્ને ભગવાનને આપીશ, આ ઉપાય સારો છે, તે વિના બીજી રીતે અપરાધની શાંતિ થશે નહીં.૪૨ સત્રાજિત આ પ્રમાણે મનમાં નિશ્ચય કરી, સામેથી જઇને પોતાની કન્યા ભગવાનને આપી અને મણિ પણ આપ્યો.૪૩ શીલ, રૂપ, ઉદારતા અને ગુણવાળાં તે સત્યભામાને ભગવાન પરણ્યા.૪૪ પરણીને ભગવાને સત્રાજિતને કહ્યું કે તમારો મણિ અમે રાખીશું નહીં. તમે સૂર્યના ભક્ત છો તેથી તમારી પાસે જ ભલે રહ્યો, અમે તો એમાંથી થતું ફળ લેવાના છીએ. તમે અપુત્ર હોવાને લીધે તમારું ધન અંતે અમારું જ થવાનું છે, એમ ગૂઢ અભિપ્રાય રાખીને ભગવાને આ વચન કહ્યું.)૪૫

ઇતિ શ્રીમદ્‌ મહાપુરાણ ભાગવતના દશમ સ્કંધનો છપ્પનમો અધ્યાય સંપૂર્ણ.