૪૦ અક્રૂરજીએ ભગવાનની સ્તુતિ કરી.

Submitted by swaminarayanworld on Sat, 23/01/2016 - 10:43am

અધ્યાય ૪૦

અક્રૂરજીએ ભગવાનની સ્તુતિ કરી.

અક્રૂરજી સ્તુતિ કરે છે- સર્વે કારણના કારણ, આદિપુરુષ અને અવિનાશી આપ નારાયણ કે જેની નાભિમાંથી ઉત્પન્ન થયેલા કમળના કોશમાંથી બ્રહ્માંડના કર્તા બ્રહ્મા પ્રકટ થયા છે, તેમને હું પ્રણામ કરું છું.૧  પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, અહંકાર, મહતત્ત્વ, માયા, પુરુષ, મન, ઇંદ્રિયો, સર્વે વિષયો અને દેવતાઓ કે જેઓ જગતના કારણરૂપ છે તે સર્વે આપના અંગરૂપ છે.૨  પ્રકૃત્યાદિક પદાર્થો જડ હોવાને કારણે જેમ આપના સ્વરૂપને જાણતાં નથી, તેમ બ્રહ્માદિક જીવો ચેતન હોવા છતાં પણ માયાના ગુણોથી બંધાએલા હોવાને લીધે ગુણથી પર આપના સ્વરૂપને જાણતા નથી.૩  કેટલાક યોગીઓ સાક્ષાત્ મહાપુરુષ અને અંતર્યામી ઇશ્વરરૂપે આપને ભજે છે. કેટલાક યોગીઓ સર્વભૂતોને વિષે રહેલા સર્વેના શરીરી એવા આપને ભજે છે. કેટલાક યોગીઓ ‘‘સાધિદૈવ’’ એટલે ઇન્દ્ર ચંદ્રાદિક દેવોના અંતરાત્મારૂપે આપને ભજે છે. અને કેટલાક યોગીઓ ચક્ષુ હૃદય એ આદિકમાં રહેલા આપને ભજે છે.૪  કર્મયોગવાળા કેટલાએક દ્વિજ લોકો અનેક પ્રકારના ઇન્દ્રાદિક દેવતાઓના નામથી મોટા યજ્ઞો કરી પૂર્વમીમાંસાની અંદર પ્રતિપાદન કરાયેલી કર્મકાંડરૂપી વિદ્યાથી તમને ભજે છે.૫  કેટલાક જ્ઞાનીઓ સર્વ કર્મો ભગવાનને સર્મિપત કરી શબ્દાદિ વિષયોને વિષે ભોગ્યતા બુદ્ધિથી રહિત થઇ જ્ઞાનયજ્ઞવડે જ્ઞાનસ્વરૂપ એવા તમોને ભજે છે.૬  આપે કહેલા પંચરાત્ર શાસ્ત્ર પ્રમાણે તપ્તમુદ્રાનું ધારણ એ આદિ પાંચ સંસ્કારોવડે સંસ્કૃત બનેલા, અને તમારું એક જ સ્વરૂપ જેને પ્રધાન છે, એવા બીજા કેટલાક વ્યૂહ વિભવાદિકરૂપથી અનેક ર્મૂતિવાળા અને નારાયણરૂપે એક ર્મૂતિવાળા આપને ભજે છે.૭  કેટલાક લોકો વળી બહુ આચાર્યોના આચારભેદો જેને વિષે રહેલા છે એવા અને સદાશિવે કહેલા પાશુપતાદિક માર્ગોથી શિવરૂપી આપને ભજે છે.૮  હે પ્રભુ ! જે લોકો બીજા દેવતાઓના ભક્ત છે તેઓની બુદ્ધિ જોકે બીજાઓમાં હોય છે, તોપણ વાસ્તવિક વિચારતાં તે સર્વે આપ કે જે સર્વ દેવમય અને ઇશ્વર છો તે આપને જ ભજે છે.૯ હે પ્રભુ ! જેમ પર્વતથી ઉત્પન્ન થયેલી નદીઓ વરસાદથી ઘણા પ્રવાહવાળી થઇને અંતે સમુદ્રને પામે છે. તેમ સર્વે પૂજાના માર્ગો અંતે આપની અંદર જ વિરામ પામે છે.૧૦ સત્વ, રજ અને તમ આ ત્રણગુણો તમારી માયાના છે. સ્થાવરથી તે બ્રહ્મ સુધીના સર્વે જીવો ગુણોમાં પરોવાએલા છે, ગુણો માયામાં પરોવાએલા છે અને માયા આપમાં પરોવાએલી છે.૧૧  ગુણોના લેપ વગરની બુદ્ધિવાળા, સર્વના આત્મા અને સર્વની બુદ્ધિઓના સાક્ષી એવા આપને પ્રણામ કરું છું, અવિદ્યાએ કરેલો આ ગુણમય સંસારનો પ્રવાહ તો દેવ, માણસ અને પશુ પક્ષીઓનાં શરીરોને પોતારૂપ માનનારાઓમાં જ પ્રવર્તે છે, પણ આપની અંદર પ્રવર્તતો નથી.૧૨  અગ્નિ તમારું મુખ છે, પૃથ્વી પગ છે, સૂર્ય નેત્ર છે, આકાશ નાભિ છે, દિશાઓ કાન છે, સ્વર્ગલોક મસ્તક છે, દેવતાઓ હાથ છે, સમુદ્રો પેટ છે, વાયુ પ્રાણ અને બળરૂપ કલ્પાએલા છે. વૃક્ષ અને ઔષધિઓ રુવાડાં છે, મેઘ કેશ છે, પર્વતો અસ્થિ અને નખરૂપ છે, રાત્રિ અને દિવસ નિમેષરૂપ છે, પ્રજાપતિ શિશ્નરૂપ છે અને વૃષ્ટિ વીર્યરૂપ છે.૧૩-૧૪ હે અવિનાશી ! ઘણા જીવોથી વ્યાપ્ત આ લોકપાળ સહિત બ્રહ્માંડો શુદ્ધ મનથી ગ્રહણ કરવા યોગ્ય એવા આપ તે આપના સ્વરૂપમાં આધીન રહેલાં છે, જળમાં સૂક્ષ્મ જળજંતુઓની પેઠે અને ઉદંબરાના ફળમાં મચ્છરોની પેઠે, એક બીજાની વાતને નહીં જાણતાં અનેક બ્રહ્માંડો આપના સ્વરૂપમાં જ ફર્યા કરે છે.૧૫  આપ ક્રીડાને માટે જે જે રૂપ ધરો છો તે તે રૂપથી જેના શોક મટી જાય છે, એવા લોકો પ્રીતિથી તમારી ર્કીતિ ગાય છે.૧૬  પ્રલયના સમુદ્રમાં ફરનાર મત્સ્યાવતાર રૂપ આપને પ્રણામ કરું છું. મધુકૈટભને મારનાર હયગ્રીવરૂપ આપને પ્રણામ કરું છું.૧૭  મંદરાચળને ધારણ કરનાર કૂર્મરૂપ આપને પ્રણામ કરું છું, પૃથ્વીને જળમાંથી બહાર કાઢવારૂપ વિહાર કરનાર વારાહરૂપ આપને પ્રણામ કરું છું.૧૮  હે સાધુલોકોના ભયને મટાડનાર ! અદભૂત નૃસિંહરૂપ આપને પ્રણામ કરું છું. ત્રૈલોક્યને ત્રણ પગલાંથી માપી લેનાર વામનરૂપ આપને પ્રણામ કરું છું.૧૯ ગર્વવાળા ક્ષત્રિયોરૂપી વનને કાપનારા પરશુરામરૂપ આપને પ્રણામ કરું છું. રાવણનો નાશ કરનાર રામચંદ્રરૂપ આપને પ્રણામ કરું છું.૨૦  ભક્તોના રક્ષક વાસુદેવ, સંકર્ષણ, પ્રદ્યુમ્ન અને અનિરુદ્ધરૂપ આપને પ્રણામ કરું છું.૨૧  શુદ્ધ છતાં દૈત્ય દાનવોને મોહ પમાડનારા બુદ્ધરૂપ આપને પ્રણામ કરું છું.મોટે ભાગે મ્લેચ્છરૂપ થયેલા ક્ષત્રિયોને હણનાર કલ્કિરૂપ આપને પ્રણામ કરું છું.૨૨  હે ભગવાન ! તમારી માયાથી મોહ પામેલો અને દેહાદિકમાં ‘‘હું અને મારું’’ એવો આગ્રહ ધરનાર આ જીવલોક કર્મના માર્ગોમાં ભટક્યા કરે છે.૨૩  હે પ્રભુ ! અત્યંત મૂઢ હું પણ દેહ, પુત્ર, ઘર, સ્ત્રી, ધન, અને સ્વજનાદિક સ્વપ્ન જેવા પદાર્થોમાં તેઓને સાચા માની ભટક્યા કરું છું.૨૪  અનિત્ય કર્મફળને નિત્ય માનનાર, અનાત્મા દેહને આત્મા માનનાર, દુઃખરૂપ ઘર આદિને સુખરૂપ માનનાર, સુખદુઃખાદિકમાં જ રમનાર અને અજ્ઞાનથી વ્યાપ્ત થયેલો હું પરમ પ્રેમના સ્થાનકરૂપ આપને જાણતો નથી.૨૫  જેમ મૂર્ખ માણસ જળથી જ ઉત્પન્ન થયેલા ઘાસથી ઢંકાએલા પાણીને છોડી દઇ, ઝાંઝવાના પાણી ઉપર દોડે, તેમ હું પણ આપને મૂકી દઇ, દેહાદિક ઉપર દોડ્યા કરું છું, અર્થાત્ દેહને જ આત્મા માની, તેના લાલન પાલનમાં મચી રહ્યો છું.૨૬  વાસના ભરેલી બુદ્ધિવાળો હું જે મારું મન, કામ તથા કર્મથી ક્ષોભ પામેલું છે, અને બળવત્તર ઇંદ્રિયોથી ચારેકોર ખેંચાયું જાય છે, તેને રોકવાને સમર્થ નથી.૨૭  હે પરમેશ્વર ! હે પદ્મનાભ ! હું વિષયી પુરુષોને ન મળે એવા આપના ચરણારવિંદને શરણ આવેલો છું. અને તે શરણે આવવું પણ આપના અનુગ્રહથી જ થયું છે, એમ માનું છું, જયારે જીવને જન્મ મરણની સમાપ્તિ થવાની હોય ત્યારે જ મહાત્મા પુરુષોની સેવાથી આપના ભજનનું મન થાય છે.૨૮  વિજ્ઞાનરૂપ, સર્વજ્ઞાનના કારરૂપ, પુરુષને સુખદુઃખાદિ આપનાર કાળ, કર્મ અને સ્વભાવાદિકના નિયંતા અને અનંત શક્તિવાળા પરબ્રહ્મ આપને નમન કરું છું.૨૯  સર્વ ભૂતપ્રાણી માત્રની અંદર નિવાસ કરીને રહેલા વાસુદેવ એવા આપને પ્રણામ કરું છું. હે ઇંદ્રિયોના સ્વામી ! આપને નમું છું. હે પ્રભુ ! હું શરણાગત છું, તેની આપ રક્ષા કરો.૩૦

ઇતિ શ્રીમદ્ મહાપુરાણ ભાગવતના દશમ સ્કંધનો ચાલીશમો અધ્યાય સંપૂર્ણ.