સખી અમદાવાદે આજ આવ્યા અલબેલો (૪)

Submitted by swaminarayanworld on Mon, 18/04/2016 - 10:11pm

રાગ ગરબી

પદ - ૧

સખી અમદાવાદે આજ આવ્યા અલબેલો

સંગે લઈ મુનિનો સમાજ. આવ્યા.

સુંણી સામા હરિજન ગયા સહુ, લઈ પૂજાનો સમાજ રે;

મુંઘે મુલે મોતીડે વધાવી, પૂજયા શ્રી મહારાજ. આવ્યા. ૧

રોઝે ઘોડે ઘનશ્યામ બિરાજે, આગે બોલે ચોપદાર રે;

ચમર ઢોળે શીર છત્ર છાજે, જય જય થાય ઊચ્ચાર. આવ્યા. ૨

વાજાં વાજે વિધ વિધ તણાં બહુ, ભેરી પડધમ સાર રે;

ઝાંઝ મૃદંગને ઢોલ નગારાં, ત્રાંસા તણો નહિ પાર. આવ્યા. ૩

ડંકો વાગે ને નિશાન ફરકે, જન જુવે ભગવાન રે;

દાસ બદ્રિનાથ શ્યામને ઊપર, વારે તન મન પ્રાણ. આવ્યા. ૪

 

પદ - ૨

આવી મંદિરમાં મોરાર રસિયો રંગ રમે

વાજે વાજાં વિવિધ પ્રકાર. રસિયો.

ચોક વચ્ચે ચતુરવર આવી, ઊભા જગજીવન રે;

સંત મંડળ ચહુકોરે શોભે, જેમ કમળનું વન. રસિયો. ૧

કેસુ કેસરનો રંગ કસુંબો, મંગાવી અલબેલ રે;

હોળી હોળી કહી રંગ રમે છે, છોગાંવાળો છેલ. રસિયો. ૨

અબીલ ગુલાલ લઈ લટકાળો, નાખે જન ઊપર રે;

સખા નાખે સહુ શ્યામની ઊપર, જોવા આવ્યા અમર. રસિયો. ૩

પ્રભુ પધારી મંડપની ઊપર, રમ્યા ઊછવીયા સાથ રે;

રંગે રોળી ગુલાલ ઊડાડ્યો, કહે છે બદ્રિનાથ. રસિયો. ૪

 

પદ - ૩

ચાલ્યા નાવા નારાયણ ઘાટ,

રસીયો રંગભર્યા, આવ્યા દેવ દર્શન માટ. રસિયો.

સખા સંગે હરિ ખેલ કરીને, નાયે નદીમાં નાથ રે;

દેવ વજાવે દુંદુભી વાજાં, પુષ્પ વૃષ્ટિ કરે માથ. રસિયો. ૧

ગોવિંદ પાસે ગંગાજી રે આવ્યાં, સરવે તિરથ લઈ સાથ રે;

કરજોડી બહુ વિનંતી કીધી, નમી ચરણમાં માથ. રસિયો. ૨

કૃપા કરી હરિએ કહ્યું ગંગાજીને, રહો આંઈ કરી વાસ રે;

જે જન મંજનપાન કરે તેનાં, પાપ કરો તમે નાશ. રસિયો. ૩

સ્નાન કરી હરિ વસ્ત્ર પેરીને, ઘોડે થયા અસવાર રે;

દાસ બદ્રિનાથનો શ્યામ આવ્યા, મંદિરમાં કરી પ્યાર. રસિયો. ૪

 

પદ - ૪

સખી થાળ જમીને જીવન, પીરસે પ્રિત કરી.

રૂડાં વિધ વિધનાં રે ભોજન. પીરસે.

સંતતણી પંગતમાં આવી, કસીકમર કરી પ્યાર રે;

ઘેબર સાટા લાડુ જલેબી, આપે કરી મનુવાર. પીરસે. ૧

હેત કરી હરિ પીરસે પોતે, વારે વારે કરી તાણ રે;

લટકાં કરી લટકાળો લેરી, બોલે સુંદર વાણ. પીરસે. ૨

ભજીયાં વડાં ને રાયતાં તાજાં, શાક તણો નહી પાર રે;

દૂધ ભાતને સાકર પીરસે, પ્રિતમ કરી બહુ પ્યાર. પીરસે. ૩

હાથ ધોઈ રંગમોલે પધારી, પોઢ્યા પ્રાણજીવન રે;

દાસ બદ્રિનાથ શ્યામ છબી ઊપર, વારે તન મન ધન. પીરસે. ૪

Facebook Comments