સહજાનંદ સ્વામી રે, ન પ્રગટત આ સમે રે (૪)

Submitted by swaminarayanworld on Tue, 12/04/2016 - 9:34pm

રાગ : ગરબી

પદ-૧

સહજાનંદ સ્વામી રે, ન પ્રગટત આ સમે રે,

પ્રાણી કોઈ પામત નહિ ભવપાર રે;

મતિયા ને પાખંડી રે, શબ્દની ઝાળમાં રે,

બાંધી બાંધી બોળત જીવ અપાર રે...સહજાનંદ૦ ૧

કામી ક્રોધી લોભી રે, ગુરુ થઈ બેસતા રે,

જતી સતી જડત નહિ જગમાંય રે;

જ્ઞાનને વૈરાગ્ય રે, ભક્તિ ઝુરીને રે,

મરી ઝરી જાત ન લાઘત ક્યાંય રે...સહજાનંદ૦ ૨

કાળીંગાની ફોજો રે, કરત અતિ જોરને રે,

કરી ગુરુ પંડિતમાં પ્રવેશ રે.

માંસને મદીરા રે, પરત્રિયા સંગથી રે,

ધર્મનો રે રહત નહિ લવલેશ રે...સહજાનંદ૦ ૩

વધત વટાળ રે, ઘણો આ સંસારમાં રે,

વર્ણ અઢારે થઈ એકતાર રે;

સંતને અસંતમાં રે, કોઈ સમજત નહિ રે,

ભવજળ બુડત સૌ સંસાર રે...સહજાનંદ૦ ૪

નરકના પંથથી રે, કોઈ ન મુકાવતા રે,

કોઈ ન કરત ભવસેતુ ઉદ્ધાર રે;

મુક્તાનંદ કહે છે રે, તે તો દુઃખ ટાળીયા રે,

જાઉં એને વારણે વારંવાર રે...સહજાનંદ૦ ૫

 

પદ-૨

સહજાનંદ સ્વામી રે પોતે પરિબ્રહ્મ છે રે,

સ્વામિનારાયણ જેનું નામ રે;

સત્ય ધર્મ સ્થાપી રે, અધર્મ ટાળીઓ રે,

કીધા વ્હાલે નિજજન અતિ નિષ્કામ રે...સહજાનંદ૦ ૧

પોતાના આશ્રમની રે, રીતિ પ્રગટ કરી રે,

કળિમધ્યે કામની લીધી લાજ રે;

સમજુ શાણા રે, તે જાણી એ પરતાપને રે.

નિશ્ચે કરી જાણ્યા શ્રીમહારાજ રે...સહજાનંદ૦ ૨

જમ ને પાખંડી રે, કૂટે છે પેટને રે,

જાણે ગયો આપણો સર્વે ગરાસ રે;

સત્સંગ ફેલાયો રે, સર્વે સંસારમાં રે,

કેને ગળે નાખશું જઈ હવે પાશ રે...સહજાનંદ૦ ૩

એકાંતિક ધર્મ રે, પ્રગટ કરી આપીયો રે,

કીધા વહાલે બ્રહ્મરૂપ નિજ દાસ રે;

મુક્તાનંદ કહે છે રે જાઉં એને વારણે રે,

જેણે મુને આપ્યો બેહદ વાસરે...સહજાનંદ૦ ૪

 

પદ-૩

સદગુરૂ સાચા રે, સેવો શુદ્ધ ભાવશું રે,

જેથી ટળે મનના વિવિધ વિકાર રે;

જેને સંગ વાધે રે, પ્રભુજી સંગે પ્રીતડી રે,

ટળી જાત જાતવર્ણ અહંકાર રે...સદગુરૂ૦ ૧

વર્તમાન પાંચ રે, પળાવે દઢ કરી રે,

સંભાળવા હરિના ચરિત્ર પરમ ઉદાર રે;

એવા ગુરુ દેવ રે, ગોવિંદસમ જાણીએ રે,

જેને સંગે પામીએ ભવજળ પાર રે...સદગુરૂ૦ ૨

ગુરુ વિના જ્ઞાન રે, ન પામે મનમુખી રે,

કહે છે એ મહાશ્રુતિ વેદપુરાણ રે;

એવું તે વિચારી રે, સદગુરૂ સેવજોરે,

જેથી હરિ પામીએ પ્રગટ પ્રમાણ રે...સદગુરૂ૦ ૩

ગુરુજીના વચન રે, વિચારી ઉર ધારજો રે,

ટાળો તમે મોહ મમતા અભિમાન રે;

મુક્તાનંદ કહે છે રે, એવી રીતે વર્તતાં રે,

તેને ઉર વાસ કરે ભગવાન રે...સદગુરૂ૦ ૪

 

પદ-૪

સંત સમાગમ રે, શુદ્ધ થઈ કીજીએ રે,

સંત થકી લીજીએ વિવિધ વિચાર રે;

કપટ કુબુદ્ધિ રે, ઉરથકી ટાળીએ રે,

ટાળીએ જૂઠો તન અહંકાર રે...સંત૦ ૧

સંતજન સંગે રે, હરિગુણ ગ્રહીએ રે,

અવગુણ ઉરથકી કરીએ ત્યાગ રે;

ઈર્ષા અભાવ રે, ન લેવો સંતનો રે,

તન સુખ તજવાં ગ્રહી વૈરાગ્ય રે...સંત૦ ૨

ક્રોધ ન કરવો રે, હરિજન ઉપરે રે,

વચન સુણી ન બાંધવું વેર રે;

સમજી વિચારી રે, વચન મુખે બોલીએ રે,

વણસમજે ન વાળીએ ઝેર રે...સંત૦ ૩

શ્રીનારાયણ રે, સ્વામિના દાસ જે રે,

તેને સંગે રહેવું થઈને ગુલામ રે;

મુક્તાનંદ કહે છે રે, એવી રીતે વર્તતા રે,

સંતસંગે પામશો અક્ષરધામ રે...સંત૦ ૪

Facebook Comments