મહી માખણ માગે રે માવો, મહી માખણ માગે, (૪)

Submitted by Dharmesh Patel on Wed, 23/02/2011 - 9:30pm
રાગ - પ્રભાતી
 
પદ -૧
મહી માખણ માગે રે માવો, મહી માખણ માગે,
પ્રભાતે ઊઠીને માવો, મહી માખણ માગે. ટેક૦
ઉંઘમાંથી અલબેલો ઊઠ્યા, નેણાં નિદ્રાળુ,
જમવા સારુ ઝઘડે ઊભા, ભૂધર ભૂખાળુ. પ્રભાતે૦ ૧
ગોકુળિયાની નારી સર્વે, આવી છે જોવા,
કજીઆળો કહાનુડો દે નહી, ગાવલડી દોવા. પ્રભાતે૦ ૨
માતાજી આ મહીતમારું, નાખીશ હું ઢોળી,
બ્રહ્માનંદના નાથે ઝાલી, મહીડાંની ગોળી. પ્રભાતે૦ ૩
 
પદ - ૨
માતા મનાવે હરિને માતા મનાવે,
પ્રભાતે ઊઠી હરિને, માતા મનાવે. ટેક૦
દાતણ પાણી પ્રથમ કરીને, ત્યાર પછી ખાઈએ,
ઝાઝાં માણસ જોઈને જીવન, ઘેલા ન થાઈએ. પ્રભાતે૦ ૧
તર્ત કરી આપું રોટલી,  તાજી ઘીમાં ઝબોળી,
મેલો મારા લાલ મનોહર, મહીડાંની ગોળી. પ્રભાતે૦ ૨
સાસરીયાં  તારાં સગપણ સારુ, આવી બેઠાં ડેલી,
બ્રહ્માનંદને નાથે ત્યારે, હસીને ગોળી મેલી. પ્રભાતે૦ ૩
 
પદ - ૩
મોહન મનાવ્યા રંગીલો, મોહન મનાવ્યા,
મીઠું બોલીને માતા જશોદાએ, મોહન મનાવ્યા. ટેક૦
કોમળ કાજુ જોઈ હરિને, દાતણીયું દીધું,
કંચન કેરી ઝારી લઈને, મુખ મંજન કીધું. મીઠું૦ ૧
નીર ઉને નવરાવ્યા મોહનને, અંગો અંગ ચોળી,
ચંદન કેરી કાંસકી સુંદર, લઈ ચોટી ઓળી. મીઠું૦ ૨
કેસર કેરી આડ કરીને, માળા ફુલડાંની ધારી,
બ્રહ્માનંદના વહાલાનું મુખ, નિરખે મહતારી. મીઠું૦ ૩
 
પદ - ૪
જુગતે જમાડે હરિને, જુગતે જમાડે,
માતા જશોદા મોહનજીને, જુગતે જમાડે. ટેક૦
જગનો જીવન જમવા બેઠા, ગોપી સર્વે ઝંખે,
ચંદન કેરો પંખો લઈને, માતા વા નાખે. માતા૦ ૧
શીરો પુરી સેવ સેવૈયા, જલેબી  તાજી,
આરોગે અલબેલો બેઠા, રસિયાજી રાજી. માતા૦ ૨
બહુ પ્રકારનાં શાક બનાવ્યાં, માંહી નાખેલ મસાલો,
બ્રહ્માનંદ કહે  તૃપ્ત થઈને ઊઠ્યા, વ્રજજીવન વહાલો. માતા૦ ૩
 
Facebook Comments