ગઢડા પ્રથમ – ૬૪ : શરીરશરીરીનું – સ્‍વામીસેવકભાવનું

Submitted by swaminarayanworld on Thu, 20/01/2011 - 9:55pm

ગઢડા પ્રથમ – ૬૪ : શરીરશરીરીનું – સ્‍વામીસેવકભાવનું

સંવત્ ૧૮૭૬ ના ફાગણ વદિ ૯ નવમીને દિવસ સ્‍વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને ધોળો ખેસ પહેર્યો હતો ને કાળા છેડાનો ખેસ ઓઢયો હતો ને મસ્‍તકે હીરકોરનું ધોતિયું બાંઘ્‍યું હતું ને તુલસીની નવી કંઠી કંઠને વિષે પહેરી હતી અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી.

પછી શ્રીજીમહારાજે મુનિ પ્રત્‍યે પ્રશ્ર્ન પુછયો જે, “પુરૂષોત્તમ એવા જે ભગવાન તેનું શરીર આત્‍મા તથા અક્ષર છે” એમ શ્રુતિએ કહ્યું છે. તે આત્‍મા અને અક્ષર તે તો વિકારે રહિત છે ને તે આત્‍મા ને અક્ષરને વિષે કાંઇ હેય ઉપાધિ નથી અને જેમ ભગવાન માયા થકી પર છે તેમ આત્‍મા ને અક્ષર પણ માયા થકી પર છે, એવા જે આત્‍મા ને અક્ષર તે કેવી રીતે ભગવાનનું ૧શરીર કહેવાય છે? અને જીવનું શરીર તો જીવ થકી અત્‍યંત વિલક્ષણ છે, ને વિકારવાન છે અને દેહી જે જીવ, તે તો નિર્વિકારી છે. માટે દેહ અને દેહીને તો અત્‍યંત વિલક્ષણપણું છે. તેમ પુરૂષોત્તમને અને પુરૂષોત્તમના શરીર જે આત્‍મા ને અક્ષર તેને વિષે અત્‍યંત વિલક્ષણપણું જોઇએ, તે કહો કેમ વિલક્ષણપણું છે ?” પછી સર્વે મુનિએ જેની જેવી બુદ્ધિ તેણે તેવો ઉત્તર કર્યો પણ યથાર્થ ઉત્તર કોઇથી થયો નહિ, પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, લ્‍યો અમે ઉત્તર કરીએ જે, આત્‍મા અને અક્ષર એ બેને જે પુરૂષોત્તમ ભગવાનનું શરીરપણું તે તો વ્‍યાપયપણું, આધીનપણું અને અસમર્થપણું તેણે કરીને છે, કેવી રીતે તો ભગવાન જે તે પોતાની અંતર્યામી શકિતએ કરીને આત્‍મા ને અક્ષર તેને વિષે વ્‍યાપક છે, ને એ બેય તો વ્‍યાપય છે અને ભગવાન જે તે સ્‍વતંત્ર છે, ને આત્‍મા ને અક્ષર તે તો ભગવાનને આધીન છે-પરતંત્ર છે અને ભગવાન જે તે અતિ સમર્થ છે, ને આત્‍મા ને અક્ષર તે તો ભગવાનની આગળ અતિ અસમર્થ છે, એવી રીતે ભગવાન જેતે એ બેયના શરીરી છે અને એ બેય જે તે ભગવાનનું શરીર છે અને શરીરી એવાજે પુરૂષોત્તમ ભગવાન તે તો સદાય દિવ્‍ય મૂર્તિમાન છે અને એવા જે એ ભગવાન તે જે તે વ્‍યાપક ને દષ્‍ટા એવા જે સર્વે આત્‍મા અને તે આત્‍માને વ્‍યાપય ને આત્‍માને દૃશ્ય, એવા જે દેહ એ સર્વેમાં પોતાની અંતર્યામી શકિતએ કરીને આત્‍માપણે રહ્યા છે એવી રીતે સર્વેના આત્‍મા જે પુરૂષોત્તમ ભગવાન તેમને જ્યારે રૂપવાન એવું જે દૃશ્ય, તેના આત્‍માપણે કરીને શાસ્ત્રને વિષે કહ્યા હોય, ત્‍યારે તે પુરૂષોત્તમને દૃશ્યરૂપે કરીને પ્રતિપાદન કર્યા હોય અને જ્યારે એ દ્ષ્‍ટાના આત્‍માપણે કરીને પ્રતિપાદન કર્યા હોય, ત્‍યારે એ પુરૂષોત્તમને ૪અરૂપપણે કરીને શાસ્ત્રમાં કહ્યા હોય છે અને વસ્‍તુતાએ તો રૂપવાન જે દૃશ્ય અને અરૂપ જે આત્‍મા એ બેય થકી પુરૂષોત્તમ ભગવાન ન્યારા છે, ને સદા મૂર્તિમાન છે, ને પ્રાકૃત આકારે રહિત છે અને મૂર્તિમાન થકા પણ દૃષ્ટા ને દૃશ્ય એ બેયના દૃષ્ટા છે અને એ આત્‍મા ને અક્ષર એ સર્વેના પ્રેરક છે ને સ્‍વતંત્ર છે ને નિયંતા છે ને સકળ ઐશ્વર્ય સંપન્ન છે ને પર થકી પર એવું અક્ષર તે થકી પણ પર છે, એવા જે પુરૂષોત્તમ ભગવાન તે જીવના કલ્‍યાણને અર્થે કૃપાએ કરીને પૃથ્‍વીને વિષે મનુષ્ય જેવા જણાય છે, તેને જે આવી રીતે સદા દિવ્‍ય મૂર્તિમાન જાણીને ઉપાસના ભકિત કરે છે, તે તો એ ભગવાનના સાધર્મ્યપણાને પામે છે અને અનંત ઐશ્વર્યને પામે છે અને બ્રહ્મભાવને પામ્‍યો જે પોતાનો આત્‍મા, તેણે કરીને પ્રેમે સહિત નિરંતર પરમ આદર થકી પુરૂષોત્તમ ભગવાનની સેવાને વિષે વર્તે છે. અને જે એ ભગવાનને નિરાકાર જાણીને ઘ્‍યાન ઉપાસના કરે  છે, તે તો બ્રહ્મ સુષુપ્‍તિને વિષે લીન થાય છે. તે પાછો કોઇ દિવસ નીસરતો નથી અને ભગવાન થકી કોઇ ઐશ્વર્યને પણ પામતો નથી. અને આ જે વાર્તા તે અમે પ્રત્‍યક્ષ દેખીને કહી છે, માટે એમાં કાંઇ સંશય નથી. અને આ વાર્તા તો જેને એ ભગવાનના સ્‍વરૂપમાં સદા દિવ્‍ય સાકારપણે ઉપાસનાની દૃઢ નિષ્‍ઠા થઇ હોય તે થકી જ પમાય છે. પણ બીજા થકી તો પમાતીજ નથી, માટે આ વાર્તાને અતિ દઢ કરીને રાખજો. ઇતિ વચનામૃતમ્ ગઢડા પ્રથમનું ||૬૪||