અધ્યાય - ૨૫ - રાજધર્મોમાં મંત્રી આદિકનું નિરૃપણ.

Submitted by swaminarayanworld on Tue, 08/08/2017 - 9:31pm

અધ્યાય - ૨૫ - રાજધર્મોમાં મંત્રી આદિકનું નિરૃપણ.

રાજધર્મોમાં મંત્રી આદિકનું નિરૃપણ. યોગ્ય મંત્રીનાં લક્ષણ. યોગ્ય સુહૃદજનનાં લક્ષણો. મંત્રણાનાં પાંચ અંગો.

યોગ્ય મંત્રીનાં લક્ષણ :-

ભગવાન શ્રીનારાયણમુનિ કહે છે, હે બ્રહ્મન્ !

રૃપ, વર્ણ અને શબ્દથી યુક્ત,ક્ષમાવાન, અસૂયા રહિતના,સત્કુળમાં જન્મેલા,પૂર્વાપરના અનુસંધાન વાળી સ્મરણ શક્તિ ધરાવતા બુદ્ધિમાન,નીતિમાન,અક્રૂર સ્વભાવના,સત્કાર પામેલા,કોઇના દોષનું દર્શન નહિ કરનારા,શૂરવીર,વિદ્વાન અને સર્વથા રાજાના હિતેચ્છુ,આવા અનેક ગુણોથી યુક્ત પુરુષને રાજાએ પોતાનો મંત્રી બનાવવો.૧-૨

યોગ્ય સુહૃદજનનાં લક્ષણો :- સુહૃદજન કોને જાણવા ? તે કહું છું. સત્કુળમાં જન્મેલા,શીલસંપન્ન,ઇંગિતજ્ઞા-મુખનો હાવભાવ જોવા માત્રથી પરના અભિપ્રાયને જાણનારા,નિષ્ઠુર સ્વભાવ રહિત,કયા દેશમાં અને કયા કાળમાં શું કરવું, તેમના વિધિને જાણતા,શૂરવીર,ધીરજશાળી,હિતેચ્છુ સ્વભાવના,જ્ઞાન-વિજ્ઞાન સંપન્ન,પોતાના અને પારકા સ્વભાવને જાણી જનારા,સત્ય નિષ્ઠ અને સંતુષ્ઠ,આવા અનેક ગુણોથી યુક્ત જે પુરુષો હોય તેમને પોતાના સુહૃદ જનોમાં સ્થાપવા.૩-૪

મંત્રણાનાં પાંચ અંગો :-

મદદ કરનાર મંત્રી અને દ્રવ્ય સંપત્તિ આદિ સાધનના ઉપાયો, દેશ અને કાળનો વિભાગ, અને કાર્ય સિદ્ધિમાં કોણ વિરોધી છે તેને જાણવાનો પ્રકાર, અને કાર્ય સિદ્ધિ, આ પાંચ રાજકાજ કરવા માટેનાં મંત્રણામાં ઉપયોગી પંચ અંગો કહેલાં છે.રાજાએ મંત્રણાનું કામ પ્રયત્નપૂર્વક ગુપ્ત રાખવું.૫-૬

અલ્પબુદ્ધિવાળા,દીર્ઘસૂત્રી,આળસુ અને બળહીન પુરુષોની સાથે મંત્રણા ન કરવી.નિદ્રા અને આળસને રાજાએ જીતવા,તેમજ વિદ્યાનો,ધનનો અને કુટુંબનો મદ,છોડીને જ્યાં સુધી કાર્ય નિષ્પન્ન ન થાય ત્યાં સુધી મંત્રણાને ગુપ્ત રાખવી.૭-૮

રાજાએ મહેલમાં, પર્વતના શીખર ઉપર અથવા તૃણાદિકના આવરણે રહિતના વનમાં અને એકાંત સ્થળમાં નીતિશાસ્ત્રના રહસ્યને જાણતા પુરુષની સાથે રૃડી રીતે મંત્રણા કરવી.૯

જળ વગરનો રણપ્રદેશ,ભૂમિ,પર્વત,વૃક્ષો,જળની ખાઇ અને મનુષ્યો.આ છ રાજ્યના કિલ્લા કહેલા છે.તેમાં છેલ્લો મનુષ્ય કિલ્લો શત્રુઓને ઉલ્લંઘવો અતિશય કઠિન છે.૧૦

સકલજનોનું કલ્યાણ ઇચ્છતા રાજાએ ચારે વર્ણના જનો ઉપર નિત્યે દયા કરવી, દયાથી સારી રીતે રક્ષાયેલી પ્રજા રાજાનો યશ વધારે છે.૧૧

મદ્યપાન કરવાના સ્વભાવવાળા જનો,જુગારી,મનુષ્યોને છેતરનારા,ધૂતારાઓ,પાખંડીઓ, પરાંગનાઓમાં આસક્ત,ખરાબ શીલવાળા તથા નટ અને ચારણ આદિક જનોથી રાજાએ પ્રજાનું રક્ષણ કરવું.૧૨

રાજાએ ધનવાન જનોને હમેશાં માન આપવું, કારણ કે ધનવાનો લોકધારક હોય છે. રાજાએ ફળોવાળી વનસ્પતિનો ક્યારેય પણ છેદ કરવો નહિ.૧૩

વળી આજીવિકા રહિતના બ્રાહ્મણોની આજીવિકા કરી આપવી, તે વિપ્રોનો આપત્કાળથી ઉધ્ધાર કરવો, તેમને ક્યારેય પણ દુઃખ આપવું નહિ.૧૪

રાજાએ ગરીબ, અનાથ અને વૃદ્ધજનોનાં આંસુ લૂછવાં,તેઓને આનંદ આપનારો રાજા ક્યારેય દુઃખી થતો નથી.આપત્કાળના સમયમાં તો દીર્ઘસૂત્રી ન જ થવું,કારણ કે કરવા યોગ્ય કાર્યનો તત્કાળ નિર્ણય લેનાર રાજા ઇચ્છિત સુખને પામે છે.અને દીર્ઘસૂત્રી રાજા નાશ પામે છે.૧૬

ગાય અને બ્રાહ્મણનું હિત કરવું, અને તેઓને માટે શૂરવીરની સાથે પણ યુદ્ધ કરવું,બ્રાહ્મણનું અન્ન હરણ કરવું નહિ,ને તેમની ખેતીમાં વિઘ્ન પણ ન કરવું.૧૭

જે જનોનું જે આજીવિકાનું સાધન હોય જેમ કે સુથારનો વાંસલો,કરવતી,ખેડૂતનું હળ,દરજીની સોય આદિક જે સાધનવડે પોતાની આજીવિકા ચલાવતા હોય તે મનુષ્યનો સર્વસ્વનું હરણ કરવા જેવો કોઇ મોટો અપરાધ થઇ જાય,છતાં પણ આજીવિકાનાં સાધનો સિવાયનું હરણ કરવું પણ આજીવિકાનાં સાધનો લઇ લેવા નહી.૧૮

તેમજ આયુધથી જીવતા યોદ્ધાદિકના આયુધનું હરણ ન કરવું.ગાડાં-સાંતી આદિક સાધનોથી જીવતા ખેડૂતોનાં તે સાધનોનું હરણ ન કરવું.વૈશ્યોનાં આભૂષણોનું હરણ ન કરવું. તેમ જ વાજિંત્ર ઊપર જીવતા પુરૃષોનાં વાજિંત્રો પણ સર્વસ્વનું હરણ કરી લેવા જેવો અપરાધ કર્યો હોય છતાં ન હરવાં.૧૯

હે વિપ્ર !
આલોકમાં મનુષ્યોના આજીવિકાના સાધનોનું હરણ કરવું તે તલવારાદિકના પ્રહાર કરતાં પણ અધિક દોષકારક કહેલું છે. તેથી ધર્મને જાણતા રાજો આજીવિકાનાં સાધનો તો ક્યારેય પણ કોઇનાં હરવાં નહિં.૨૦

આપ્રમાણે અવતારી શ્રીનારાયણના ચરિત્રરૃપ શ્રીમત્સત્સંગિ-જીવન નામે ધર્મશાસ્ત્રના પંચમ પ્રકરણમાં ધર્મનો ઉપદેશ કરતા ભગવાન શ્રીહરિએ મંત્રિ આદિકનું નિરૃપણ કર્યું,એ નામે પચ્ચીસમો અધ્યાય પૂર્ણ થયો. --૨૫--